Get The App

ખામેનેઇ ચીનને ક્રુડ આપતા હોવાથી ઇરાનનો સોથ વળ્યો : લોહીયાળ જંગ

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
ખામેનેઇ ચીનને ક્રુડ આપતા હોવાથી ઇરાનનો સોથ વળ્યો : લોહીયાળ જંગ 1 - image

- એક સમયે ક્રૂડ સેક્ટરમાં દબદબો ધરાવતા અમેરિકાને ફરીથી વૈશ્વિક સ્તરેે મોનોપોલી જોઈતી હોવાથી ચીનને ક્રૂડ આપતા દેશોને દબાવી રહ્યું છે

- ઈરાક દ્વારા 2021માં ચીન સાથે મિત્રતા અને વેપાર વધારવામાં આવતા અમેરિકાના નજરે ચડયું હતું. ઈરાનનું 90 ટકા ક્રૂડ ચીન ખરીદી રહ્યું હોવાથી અમેરિકા ગિન્નાયેલું હતું, 1980 પહેલાં ઈરાન ઉપર પોતાની જેવી સત્તા હતી તે પાછી લેવા અમેરિકાએ હવે પડદા પાછળથી એક્શન શરૂ કરી દીધું : વેનેઝુએલા બાદ ઈરાનમાં ભંગાણ પાડવાની પેન્ટાગોનની નીતિ કામ કરી રહી હોવાનો મત છે. સમગ્ર વિશ્વમાં જે અનિશ્ચિતતા સર્જાઈ છે તેના પડદા પાછળ પેન્ટાગોનનું ભેજું છે, ટ્રમ્પનું આમાં કોઈ ગજું નથી : ઈરાનમાં ઘણા સમયથી મોંઘવારીનો દર સતત ઊંચો જઈ રહ્યો છે. બેરોજગારીનો દર ઘણો ઉંચો ગયેલો છે અને તેના કારણે લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં ચિંતા છે. નોકરીઓના અભાવે શિક્ષિત યુવાનો છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. જેનઝી પણ ભૂતકાળ જેવી સ્વતંત્રતાઓ પરત લાવવા માટે જંગે ચડયા છે 

ઈરાનમાં હાલમાં જે જનઆંદોલન ચાલી રહ્યું છે તે ખરેખર ખોમેનઈને સત્તા ઉપરથી દૂર કરવા કે તેની સામે આક્રોશ માટે ચાલી રહ્યું નથી. તેની પાછળ બે મહાસત્તાઓની ક્રૂડ સેક્ટરમાં બાદશાહત મેળવવાની જંગ કારણભૂત છે. મહત્ત્વની વાત એ છે કે, ઈરાનમાં ૧૯૮૦ સુધી અમેરિકાનો જ કન્ટ્રોલ હતો. ત્યારબાદ સત્તા પરિવર્તન થતા અમેરિકાનો દાબ જતો રહ્યો. તેમાંય ખોમેનઈ સત્તામાં આવ્યા બાદ અમેરિકાનો ભય કે દાબ રહ્યો નહોતો. ખોમેનઈએ ૨૦૨૧માં ચીન સાથે વિવિધ કરાર કર્યા. તેમાં ઈરાન પોતાનું ૯૦ ટકા ક્રૂડ ચીનને મોકલતું હતું. ચીન દ્વારા ઈરાનને મિસાઈલો બનાવવા અને ન્યૂક્લિયર પ્રોજેક્ટ માટે રેર અર્થ મિનરલ્સ આપવામાં આવતા હતા. તેના કારણે અમેરિકા અકળાયેલું હતું. અમેરિકાએ હવે સ્થિતિ પામીને પડદા પાછળથી લોકઆંદોલન શરૂ કરાવ્યું છે. બીજી તરફ ખોમેનઈ પણ ગાંજ્યો જાય તેમ નથી. તે સત્તા ટકાવી રાખવા ગમે તે હદે જઈ શકે તેમ છે. તેને પણ પડદા પાછળ ચીન મદદ કરતું જ હશે તેવું ચર્ચામાં છે. આ સંજોગોમાં દેખાઈ રહ્યું છે કે, અમેરિકા અને ચીનની ક્રૂડ સેક્ટરમાં દબદબાનો જંગ ઈરાનનો સોથ વાળી રહ્યું છે. 

ઈરાનની આ ક્રાંતિ પાછળ પેન્ટાગોનનું ભેજું હોવાની વાતો વેગ પકડી રહી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકી પ્રમુખ દ્વારા થોડા સમય પહેલાં જ ઈરાનને ચેતવણીઓ આપવામાં આવી હતી. તે ઉપરાંત હાલમાં ચાલી રહેલા આંદોલન અંગે પણ ચેતવણી ઉચ્ચારાઈ હતી કે, દેખાવકારો અને યુવાનોને કશું પણ થયું તો અમેરિકા ડાયરેક્ટ એક્શનમાં આવી જશે. જાણકારો માને છે કે, એક સમયે ક્રૂડ સેક્ટરમાં દબદબો ધરાવતા અમેરિકાને ફરીથી આ સેક્ટરની કમાન પોતાને હસ્તક જોઈતી હોવાથી સ્પર્ધક દેશોને ખતમ કરવાનું શરૂ કર્યું છે. આ સમગ્ર કામગીરી પેન્ટાગોનથી ઓપરેટ થઈ રહી છે. ટ્રમ્પનું તેમાં જરાય ગજું નથી.

ઈરાનમાં હાલમાં સ્થિતિ એવી છે કે, ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે, ફોન સેવાઓ ઉપર પણ લગામ કસવામાં આવી છે. તેના કારણે યુવાનો વધારે ઉશ્કેરાયા છે. બીજી તરફ ઈરાનના વિવિધ યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ક્યારેક ક્રૂડ અને ગેસ સેક્ટરના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિક્ષકો, સ્વાસ્થ્ય કર્મીઓ અને માર્કેટ સાથે જોડાયેલા લોકો દ્વારા પણ વારંવાર યુનિયનો થકી બજારો બંધ કરીને આંદલોનનો રસ્તો અપનાવાઈ રહ્યો છે. આ વખતે તો ઈરાનમાં મહિલાઓ દ્વારા પણ સરકાર સામે વિરોધનો રસ્તો અખત્યાર કરવામાં આવ્યો છે. જન આંદોલનમાં મહિલાઓની ભાગીદારી વધી છે. તેઓ પોતાની મુક્તિ માટે એક અલગ જ યુદ્ધ લડી રહી હોય તેમ દેખાઈ રહ્યું છે. સ્થિતિ એટલી વણસેલી છે કે, ૧૦૦થી વધારે શહેરોમાં પ્રજા રસ્તા ઉપર ઉતરી ગઈ છે. આ વિદ્રોહ અને જનક્રાંતિમાં ૬૦૦થી વધારે લોકોનાં મોત થયા છે જ્યારે ૧૦,૦૦૦થી વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે. 

જાણકારોના મતે ઈરાનમાં ચાલી રહેલા આંદોલનો કે હડતાળો કોઈ એકાદ ઘટના કે સરકારી નિર્ણયની પ્રતિક્રિયા નથી. દેશના નાગરિકોમાં દાયકાથી અસંતોષનો જ્વાળામુખી ઉકળી રહ્યો હતો જે હાલમાં ફાટયો છે. આર્થિક તંગીના કારણે સ્થિતિ ગંભીર છે, યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે અને તેમની જીવનશૈલીમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે, મોટાપાયે સામાજિક બંધનો નાખવામાં વ્યા છે. મહિલાઓની આઝાદી ઉપર પણ તરાપ મારવામાં આવી છે અને ભૂતકાળમાં આધુનિક રહેલા ઈરાનની સામે વર્તમાન સમયમાં લાગુ પડેલા મર્યાદાઓ અને બંધનોથી લોકોમાં વ્યાપક રોષ ફેલાયેલો હતો. તેના કારણે હાલમાં તેહરાન ઉપરાંત મશહદ, ઈસ્ફહાન, તબરીજ અને અનેક શહેરમાં લાખો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. હવે સ્થિતિ એ છે કે, લોકોની આ ક્રાંતિ ખરેખર પરિવર્તન આણશે કે પછી ખોમેનઈનું તંત્ર આ ક્રાંતિને દબાવી દેશે અને બધું સલામત થઈ જશે.

ઈરાનમાં હકિકતે ૨૮ ડિસેમ્બરથી ઉગ્ર આંદોલનની શરૂઆત થઈ છે. હાલમાં શિક્ષકો, સરકારી કર્મચારીઓ, મેડિકલ સેક્ટરના કર્મચારીઓ, યુવાનો, મહિલાઓ બધા જ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. આ આંદોલનમાં મહિલાઓ દ્વારા ખુલ્લેઆમ અને જાહેર સ્થળોએ પરંપરાના નામે બનાવાયેલા નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. તેઓ સરકારી અને સામાજિક બંધનોનો ખુલ્લેઆમ વિરોધ કરીને અસહમતી દર્શાવી રહી છે. જેન-ઝી પણ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. તેમના પણ કારણો અને તારણો અલગ છે. ખાસ કરીને મોરલ પોલિસિંગ સામે તેમને સખત વાંધો અને અસંતોષ છે. તેના કારણે આ આંદલોન વધારે ઉગ્ર, હિંસક અને લાંબો સમય સુધી ચાલે તેવું બને.

સૌથી મોટી વાત એ છે કે, ઈરાનની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ છે. અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રતિબંધોના કારણે ક્રૂડની નિકાસ ઘટી ગઈ છે. બીજી તરફ દેશમાં મોંઘવારીનો દર સતત ઊંચો જઈ રહ્યો છે. બેરોજગારીનો દર ઘણો ઉંચો ગયેલો છે અને તેના કારણે લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં ચિંતા છે. નોકરીઓના અભાવે શિક્ષિત યુવાનો છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. ઈરાનની મોટી મોટી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા છતાં તેમની પાસે નોકરી નથી. નોકરી મળે છે તો યોગ્ય વેતન મળતું નથી. નોકરીઓનો અભાવ અને આર્થિક હતાશા પણ યુવાનોના વિરોધ અને વિદ્રોહ માટે એક મોટું કારણ બની છે.

ઈરાનના આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ છે. તેના કારણે તેને હિજાબ પ્રોટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યો છે. વાસ્તવિકતા તેનાથી ઘણી જુદી અને જૂની છે. મહિલાઓ સરકારના ઘણા બધા નિર્ણયો અને નિયંત્રણોના કારણે દાયકાઓથી રોષે ભરાયેલી હતી. ખાસ કરીને તેમના શિક્ષણ, જીવનશૈલી અને અન્ય કામગીરીઓ ઉપર ખોમેનઈ સરકાર દ્વારા વધારે પડતા પ્રતિબંધો મુકી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમની સાથે શિક્ષણ અને કામગીરીમાં પણ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. જાહેર સ્થળો ઉપર સતત તેમના ઉપર વોચ રાખવામાં આવી રહી છે અને મોરલ પોલિસિંગના નામે દબાણ કરવામાં આવી રહ્યું છે. મહિલાઓ માટે માત્ર કપડાં કે હિજાબ માટે જ નહીં પણ પોતાના અસ્તિત્વ અને સ્વતંત્રતા માટેનો સંઘર્ષ પણ કહેવાઈ રહ્યો છે. મહિલાઓ પોતાના નિર્ણયો જાતે લેવા માગે છે અને સરકાર તેમાં રોડા નાખી રહી છે.

ઈરાનની વસતી જોઈએ તો તેમાં મોટી વસતી ૩૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોની છે. તેઓ આ આંદોલનમાં સૌથી આગળ અને આક્રમક છે. તેમને સૌથી પહેલાં તો ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાની આઝાદી જોઈએ છે તેના ઉપર ઈરાન સરકારે તરાપ મારેલી છે. આમ સરકાર સામે હાલમાં તો જેન-ઝી રસ્તા ઉપર ઉતરી આવ્યા છે તેવું કહેવું પણ જરાય ખોટું નથી. આ પેઢીને સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે, પહેલાના સમયમાં તેમના માતા-પિતા દ્વારા જે મુક્ત જીવન જીવવામાં આવ્યું હતું તેની સરખામણીએ તેમના ઉપર અનેક નિયંત્રણો મુકવામાં આવેલા છે. સારા ભવિષ્યની વાતો વચ્ચે યુવાનો ઉપર નિયંત્રણો અને પ્રતિબંધ મુકવામાં આવ્યા છે અને તેથી જ તેઓ હવે આ બધાથી મુક્તિ માટે હિંસક બની રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઈરાનનો એક તબક્કો એવો હતો જ્યારે તહેરાનનો મધ્ય-પૂર્વના દેશોનું સૌથી આધુનિક શહેર ગણવામાં આવતું હતું. મહિલાઓ કોઈપણ દબાણ કે ભય વગર પશ્ચિમી કપડાં પહેરી શકતી હતી. સંગીત, કલા, સિનેમા અને અન્ય બાબતોમાં યુવાનો જોડાઈ શકતા હતા. મહિલાઓ કામ કરી શકતી હતી. 

૧૯૭૯માં ઈસ્લામિક ક્રાંતિ થઈ અને લોકોના જીવનમાં ફરીથી પરિવર્તન આવવા લાગ્યું. આજના યુવાનો પાસે આવી કોઈ સ્વતંત્રતા નથી અને તેના કારણે જ તેઓ રોષે ભરાયેલા છે.

ખામેનેઈ બાદ પહલવી, હસન રુહાની કે પછી ઈરાની સૈન્ય આવે પણ સત્તા અમેરિકાના હાથમાં જ રહેશે

ઈરાનમાં ખોમેનઈની સત્તા જતી રહે તો સત્તામાં કોણ આવે તેની ચર્ચાએ પણ જોર પકડયું છે. આ દિશામાં પહેલો વિકલ્પ ચર્ચાય છે તે રેઝા પહલવી છે. ઈરાનના પૂર્વ વડા અને શાહ જેમણે ૧૯૪૧થી ૧૯૭૯ સુધી ઈરાનને વિકસાવ્યું હતું તેમના પુત્ર છે રેઝા પહલવી. ઈરાનમાં તેમના પિતાની સત્તા ગઈ તે સમયથી તેમનો પરિવાર અમેરિકામાં જ રહે છે. જાણકારો માને છે કે, પહલવી હાલમાં તો ઈરાન ઉપર અસર જન્માવી શકે તેમ દેખાતા નથી. તેમ છતાં લોકોનું માનવું છે કે, તેઓ પણ તેમના પિતાની જેમ મુક્ત ઈરાનના સપના સાથે નેતૃત્વ કરવા માગે અને ઈરાનને વિકસિત કરે તો લોકોનો તેમને સાથ મળશે. તેઓ અમેરિકાની મદદથી સત્તામાં પરત ફરવાના પ્રયાસ કરી રહ્યા છે. ઈરાનમાં જ બીજા વિકલ્પ તરીકે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ હસન રુહાની અને અન્ય કેટલાક વિરોધપક્ષના નેતાઓના નામ ચાલે છે. તેમાં રુહાની પ્રબળ દાવેદાર ગણાય છે. રુહાની પણ અમેરિકા સાથે સીધા સંપર્ક ધરાવતા નેતા છે. તેઓ જ્યારે ૨૦૧૩માં ઈરાનના પ્રમુખ બન્યા હતા ત્યારે તેઓ અમેરિકા સાથે સીધો સંપર્ક ધરાવતા ઈરાનના પહેલા નેતા હતા. તેઓ આજે પણ પશ્ચિમી દેશો સાથે જોડાણ ધરાવે છે. તેમના થકી પણ ઈરાનમાં પરિવર્તન આવે તેમ છે.

 આ સિવાય સૈયદ હુસૈન મૌસેવિયનનું નામ પણ ચર્ચાય છે. તેઓ વિદેશનીતિના જાણકાર છે અને ઘણો લાંબો સમય યુરોપ સાથેના ઈરાનના રાજદૂત રહેલા છે. તેઓ પણ પશ્ચિમી દેશો અને અમેરિકા સાથે સારું જેડાણ ધરાવે છે જે ઈરાનને લાભ કરે તેમ છે. આ સિવાય એક વિકલ્પ એવો છે કે, ઈરાનના સૈન્ય દ્વારા જ સમગ્ર સ્થતિનો કાબુ લઈ લેવામાં આવે. તેઓ પહેલાં આ વિરોધ અને વિદ્રોહને કાબુ કરે અને ત્યારબાદ સત્તા જ પોતાના હાથમાં લઈ લે. હાલમાં આ શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. તેમ છતાં આ શક્યતાને નકારી શકાય તેમ નથી. જાણકારો માની રહ્યા છે કે, એકંદરે સત્તા પરિવર્તન થશે તો પણ અમેરિકાની મદદ અને તેની અસરથી જ નવા નેતાની સત્તા આવે તેમ છે. તે ઉપરાંત અમેરિકા હાલની સ્થિતિનો લાભ લઈને સીધી જ ચડાઈ કરી દે અને વેનેઝુએલાની જેમ ખોમેનઈને સત્તા ઉપરથી હટાવીને બધું જ પોતાના હસ્તક કરી લે તો પણ કશું કહી શકાય નહીં.