અમેરિકાના ટેરિફ વોરના ત્રાગા વચ્ચે પણ ચીન વિશ્વમાં ટ્રેડ કિંગ

- દુનિયાભરમાં 94 જેટલી મુખ્ય સામગ્રીઓ એક્સપોર્ટ કરતા ચીનનો ટ્રેડ સરપ્લસ 1 ટ્રિલિયનને પાર
- ગત વર્ષે ચીનનું સરપ્લસ 992 બિલિયન ડોલર હતું અને આ વખતે ચીને પોતાનો જ રેકોર્ડ તોડીને ૧ ટ્રિલિયન ડોલરનો આંકડો આંબી લીધો છે. આ કામ તેણે માત્ર 11 મહિનામાં કરી બતાવ્યું છે : ચીન દ્વારા માત્ર 14 ટકા એક્સપોર્ટ જ અમેરિકામાં થાય છે. બીજી તરફ તે 86 ટકા બિઝનેસ વિશ્વના બીજા દેશો સાથે કરે છે. તેણે 14 ટકાની ઉપર ખાસ ધ્યાન નહીં આપીને બાકીના 86 ટકામાંથી વધારે ફાયદો લેવાની રણનીતિ જ તેને સફળ બનાવી ગઈ છે : ચીન દ્વારા એક્સપોર્ટ ટેક્સ રિબેટ યોજનામાં ફેરફાર કરીને તેમાં વધારો કરવામાં આવ્યો. તે ઉપરાંત એક્સપોર્ટર્સ માટે સસ્તી લોન ઉપલબ્ધ કરાવવામાં આવી તથા તેમના માટે વ્યાજના દરો પણ ઓછા રાખવામાં આવ્યા જેથી ખૂબ ફાયદો થયો
વૈશ્વિક વેપાર જગતમાં ચીન દ્વારા જે કરવામાં આવ્યું છે તે બધા જ માટે આશ્ચર્યજનક છે. અમેરિકા સાથે દાયકાઓથી પ્રતિસ્પર્ધા અને વિવાદ વચ્ચે પણ ચીન મહાસત્તા બન્યું અને હવે વિશ્વમાં તેની દરેક ક્ષેત્રમાં બોલબાલા થઈ રહી છે. તાજેતરમાં વિશ્વના વેપારના આંકડા આવ્યા જેમાં પણ સાબિત થઈ ગયું કે, ગ્લોબલ ટ્રેડિંગમાં પણ ચીન જ કિંગ છે. ચીનનો દુનિયામાં જે વેપાર ચાલે છે તે હવે એટલો મોટો થઈ ગયો છે કે, તેનું ટ્રેડ સરપ્લસ ૧ ટ્રિલિયન ડોલરને પાર થઈ ગયું છે. તેનો સીધો અર્થ છે કે, જો ચીનના વેપારમાં એક્સપોર્ટમાંથી ઈમ્પોર્ટની બાદબાકી કરી દેવામાં આવે તો તેનો ફાયદો ૧ ટ્રિલિયન ડોલરનો થાય છે. દુનિયાના મોટાભાગના મોટા મોટા દેશોનો વેપાર પણ ૧ ટ્રિલિયન સરપ્લસ પહોંચ્યો નથી ત્યારે ચીને સાબિત કરી દીધું છે કે તે જ આ સેક્ટરમાં કિંગ છે અને દુનિયાના દેશો તેની સામે ટકી શકે તેમ નથી.
ચીને નવેમ્બર ૨૦૨૫ સુધીમાં ટ્રેડ સરપ્લસ પહેલી વખત ૧ ટ્રિલિયન ડોલરને પાર કરી લીધી છે. ખાસ વાત એ છે કે, ગત વર્ષે ચીનનું સરપ્લસ ૯૯૨ બિલિયન ડોલર હતું અને આ વખતે ચીને પોતાનો જ રેકોર્ડ તોડીને ૧ ટ્રિલિયન ડોલરનો આંકડો આંબી લીધો છે. આ કામ તેણે માત્ર ૧૧ મહિનામાં કરી બતાવ્યું છે. તેણે છેલ્લાં ૧૧ મહિનામાં દુનિયાભરના દેશોને ૩.૪ ટ્રિલિયન ડોલરની વસ્તુઓ એક્સપોર્ટ કરી છે જ્યારે દુનિયાભરમાંથી ૨.૩ ટ્રિલિયનની વસ્તુઓ ઈમ્પોર્ટ કરી છે તેથી તેનો ટ્રેડ સરપ્લસ ૧ ટ્રિલિયન ડોલર થઈ ગયો છે.
ઘણા સમયથી તેણે અમેરિકા ઉપરથી પોતાના નિર્ભરતા ઘટાડવાના પ્રયાસ શરૂ કરી દીધા હતા. તેમાંય ૨૦૧૮થી તો તેણે સક્રિય રીતે અમેરિકા ઉપરની નિર્ભરતા ઓછી કરવાની રણનીતિ અપનાવી લીધી હતી. વાત એવી છે કે, ચીન દ્વારા જે એક્સપોર્ટ કરવામાં આવે છે તેમાંથી માત્ર ૧૪ ટકા એક્સપોર્ટ જ અમેરિકામાં થાય છે. ૧૪ ટકાની ઉપર ખાસ ધ્યાન નહીં આપીને બાકીના ૮૬ ટકામાંથી વધારે ફાયદો લેવાની રણનીતિ જ તેને સફળ બનાવી ગઈ છે.
હવે સમજવા જેવી વાત એ છે કે, ચીન પોતાના એક્સપોર્ટમાંથી ૧૭ ટકા એક્સપોર્ટ આસિયાન દેશોમાં કરે છે. તેવી જ રીતે યુરોપીયન યુનિયનને ૧૬ ટકા એક્સપોર્ટ કરે છે. અમેરિકાને ૧૪ ટકા એક્સપોર્ટ કરે છે અને જાપાન તથા સાઉથ કોરિયાને ૧૧ ટકા એક્સપોર્ટ કરે છે.
દુનિયાના બાકીના તમામ દેશોને કુલ ૩૦ ટકા એક્સપોર્ટ કરે છે હવે આમ જોવા જઈએ તો અમેરિકાની આડોડાઈ કે ટેરિફના ત્રાગા માત્ર ૧૪ ટકા ઉપર જ લાગુ થવાના છે. તેની સામે ચીને કોઈ વાંધો લીધો જ નથી. તેણે અમેરિકાને ગરજ ઊભી થાય તેવી સ્થિતિ લાવી દીધી હતી. બીજી તરફ તેણે બાકીના દેશો સાથેનો વેપાર ખૂબ જ વધારી દીધો અને તેમાં વધુ નફો મળે તેવી રણનીતિ અપનાવી દીધી.
ચીનના વેપારની વાત કરીએ તો આ વર્ષે આસિયાન દેશોમાં તેનો વેપાર ૧૨.૮ ટકા વધ્યો છે. વિયેતનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડમાં ચીની વસ્તુઓની ડિમાન્ડ રેકોર્ડ સ્તરે છે. અહીંયા આરસીઈપી સમજૂતી કરવામાં આવેલી છે તેના કારણે ટેરિફ લગભગ શૂન્ય જેવો છે જેનો ચીનને સૌથી મોટો ફાયદો થયો છે. બીજી તરફ આફ્રિકામાં આ વખતે ચીનનું એક્સપોર્ટ ૧૮.૪ ટકા વધ્યું છે.
બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનઝયૂમર ગુડ્સની ડિમાન્ડ ખૂબ જ વધી છે. તેવી જ રીતે બ્રાઝિલ, મેક્સિકો, ચિલી જેવા લેટિન અમેરિકાના દેશોમાં પણ ચીનની નિકાસ ૧૪થી ૧૬ ટકા સુધી વધી ગઈ છે. મિડલ ઈસ્ટમાં સાઉદી, યુએઈમાં કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ અને ઈલેક્ટ્રોનિક્સની ડિમાન્ડ અધધ વધી છે. ભારત વચ્ચે ઘણા વિવાદ ચાલે છે છતાં ૨૦૨૨૫માં ચીનના વેપારમાં ૧૧.૨ ટકાનો વિકાસ થયો છે. એક સમય હતો જ્યારે આ બજારો નાના ગણાતા હતા પણ અમેરિકાની સરખામણીએ હવે આ બજારો મોટા થઈ ગયા છે. ટેરિફ વોરના કારણે ચીને પણ રણનીતિ બદલીને અમેરિકાને પડતું મુક્યું છે અને બાકીના દેશો ઉપર વધારે ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. ચીન આ દેશોની મદદથી અમેરિકામાં તો પોતાનો માલ મોકલી જ રહ્યું છે અને અમેરિકા તેમાં કશું કરી શકે તેમ પણ નથી. ચીનની બીજી રણનીતિની વાત કરીએ તો તેણે બીજા દેશોમાં ફેક્ટરીઓ શરૂ કરી દીધી છે. તેણે વિયેતનામ, મેક્સિકો, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા જેવા દેશોમાં કંપનીઓ શરૂ કરીને ફેક્ટરીઓ ધમધમતી કરી છે.
ચીન આ ફેક્ટરીઓમાં જ માલસામાન તૈયાર કરાવે છે અને સ્થાનિક લેબલિંગ સાથે દુનિયાભરના દેશોમાં એક્સપોર્ટ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે, ૨૦૨૫માં અમેરિકાની મેક્સિકોથી આયાત ૨૨ ટકા અને વિયેતનામથી આયાત ૧૫ ટકા વધી છે. હવે આ બંને દેશઓની મોટાભાગની પ્રોડક્ટમાં ચીની મટિરિયલનો ઉપયોગ વધારે છે અથવા તો ચીની રોકાણ વધારે છે. અમેરિકાએ આ અંગે કડકાઈ કરવાના ઘણા પ્રયાસ કર્યા પણ તે ફાવ્યું નહીં.
ચીને ભલે અમેરિકાને મુખ્ય બજાર રાખ્યું નથી પણ તેના બજારમાં પહોંચવાના બીજા રસ્તા શોધી કાઢયા છે. ચીને નવા બજારો દ્વારા તેની ભરપાઈ કરી લીધી છે. ચીને સપ્લાય ચેન શિફ્ટ કરીને ટેરિફના બોજને બાયપાસ કરી કાઢયો છે.
જાણકારો માને છે કે, ચીની સરકારે એક્સપોર્ટર્સને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે. તેમને સવલતો પણ એટલી જ આપી છે જેથી દેશની ઈકોનોમીને મોટો ફાયદો થાય. ચીન દ્વારા એક્સપોર્ટ ટેક્સ રિબેટ યોજનામાં ફેરફાર કરીને તેમાં વધારો કરવામાં આવ્યો. તે ઉપરાંત એક્સપોર્ટર્સ માટે સસ્તી લોન ઉપલબ્ધ કરાવવામાં આવી તથા તેમના માટે વ્યાજના દરો પણ ઓછા રાખવામાં આવ્યા. રેનમિન્બીને જાણીને નબળો રાખવામાં આવ્યો જેથી ચીનનો સામાન સસ્તા ભાવે વિદેશમાં જાય અને ત્યાંના માર્કેટને અસર કરે. ચીને છેલ્લાં સાત-આઠ વર્ષમાં પોતાની ટ્રેડ ગેમ જ બદલી કાઢી. હવે તે એવી પ્રોડક્ટ બનાવે છે જે ક્વોલિટી અને ઈનોવેશનમાં સારી હોવાની સાથે સાથે માર્કેટમાં પણ ટોચના સ્થાને ટકી રહે.
ભારતે પોતાના વિદેશનીતિ અને વેપારનીતિ સ્પષ્ટ કરવી પડશે તો જ ફાયદો થશે
ભારત એક તરફ દુનિયાની ચોથા નંબરની સૌથી મોટી ઈકોનોમી હોવાનો જશ લઈ રહ્યો છે પણ વાસ્તવિક રીતે જોઈએ તો ઈકોનોમી એટલી સારી રીતે ચાલી રહી નથી. ભારતમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર નજર કરીએ તો તેમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ભારતને એક તરફ ચીન સામે વાંધો છે. તેની સાથે સરહદ વિવાદ દાયકાઓથી ચાલી રહ્યો છે. તેમ છતાં ભારત ચીનના માલસામાન ઉપર નિર્ભરતા છોડી શકે તેમ નથી. આ વર્ષે પણ ભારતની ચીન પાસેથી થતી આયાતમાં ૧૧ ટકાનો વધારો થયો છે. ગત વર્ષની જ વાત કરીએ તો ભારતે ચીનને ૧૪.૨૫ અબજ ડોલરની નિકાસ કરી હતી જ્યારે તેની પાસેથી ૧૧૩.૫ અબજ ડોલરની આયાત કરી હતી. ભારતની ચીન સાથેની જ ટ્રેડ ડેફિસિટ ૯૯.૨ અબજ ડોલર છે. આટલો મોટો આંકડો ભારત કેવી રીતે પાર કરી શકશે તે વિચારવા જેવું છે. બીજી તરફ અમેરિકા છે. અમેરિકા સદીઓથી દુનિયાના દેશોને નચાવવા, લડાવવા અને ફસાવવા સિવાય બીજું કોઈ કામ કરતું નથી. હાલમાં રશિયા અને ભારતના સંબંધો તોડવા માટે તેણે ભારત ઉપર ટેરિફ બોમ્બ નાખ્યો. રશિયન ઓઈલની આયાત ઓછી કરવા દબાણ કર્યું. ભારત ત્યારે શરણે થઈ ગયું અને નારાજગી હોવા છતાં દબાવી દીધી. બીજી તરફ ચીન સામે બાથ ભીડવાની વાત કરે ત્યારે અમેરિકાને પેસિફિક ક્ષેત્રમાં ભારત પોતાનું સાથી ગણાય છે. આ સમયે ભારત પોરસાય છે. એકબાજુ અમેરિકા યુદ્ધ માટે ભારતને સાથી ગણાવીને હથિયારો એક્સપોર્ટ કરે છે અને તેના બાસમતી ચોખા ઉપર ૫૦ ટકાથી પણ વધારે ટેરિફ નાખવાની ધમકી આપે છે. ભારત પાસે કોઈ નક્કર વિદેશનીતિ કે વેપારનીતિ નથી અને તેના કારણે જ તેને મોટો ફટકો પડી રહ્યો છે. ભારતે ખરેખર તો ચીન પાસેથી બોધપાઠ લેવો જોઈએ. ચીને કેવી રીતે અમેરિકાની જ કંપનીઓ અને સાધનોનો ઉપયોગ કરીને અમેરિકાને જ ઘુંટણીયે લાવી દીધું છે. વેપાર હોય કે, યુદ્ધ હોય કે પછી કોઈપણ બાબત ચીન ઈચ્છે ત્યારે અમેરિકા સાથે શિંગડા ભેરવી શકે છે. ભારતે પણ આ રીતે આત્મનિર્ભરતાને મહત્ત્વ આપીને દેશની ઈકોનોમીને સાચા અર્થમાં મજબૂત કરવી પડશે.
અમેરિકાએ પોતાના સ્વાર્થ ખાતર ચીનને ઊભું કર્યું અને હવે ચીન જ અમેરિકાને દબાવે છે
૧૯૮૦ના દાયકમાં અમેરિકી કંપનીઓ ઓછા રોકાણ સાથે વધુ કામ કરાવવા માટે વિદેશ જવા લાગી હતી. તે વખતે ચીને સૌથી વધારે લાભ આપ્યો હતો. સસ્તો કાચો માલ, વિપુલ પ્રમાણમાં અને સસ્તા ભાવમાં શ્રમિકો, ઉદાર નિયમો બધું જ પૂરું પાડયું અને તેના કારણે વિદેશી કારખાનાઓ ચીનમાં ધમધમવા લાગ્યા. સ્થિતિ એવી બની કે જેમ જેમ પશ્ચિમની મોટી બ્રાન્ડ ચીનમાં જવા લાગી તેમ તેમ ચીને પોતનું પોત પ્રકાશવાનું શરૂ કરી દીધું. તેણે આ કંપનીઓ માટે વસ્તુઓ બનાવવાની સાથે સાથે પોતાની રીતે પણ આવી જ વસ્તુઓનું ઉત્પાદન શરૂ કરી દીધું. ચીની સરકારે આ ઉદ્યોગોને ખૂબ જ સાથ આપ્યો. અમેરિકન ટેક્નોલોજી અને માઈન્ડસેટને પરખીને ચીને પોતાનું બજાર વિકાસવી લીધું. હવે સ્થિતિ એવી છે કે હાલમાં ચીન ૯૪ પ્રોડક્ટ જાતે બનાવીને તેની નિકાસ કરે છે. ચીન હાલમાં દુનિયાની ૬૦ ટકાથી વધારે લેપટોપ, ૫૦ ટકાથી વધારે સ્માર્ટફોન, ૮૨ ટકાથી વધારે ફ્લેટ પેનલ ડિસ્પ્લે, ૬૪ ટકા સ્માર્ટફોન અને કોમ્યુનિકેશન સિસ્ટમના પાર્ટ્સ, ૬૦ ટકાથી વધારે સોલાર પેનલ્સ અને તેના ઉપકરણો, ૫૬ ટકા લિથિયમ-આયન બેટરી જેવી મહત્ત્વની વસ્તુઓ ચીન દ્વારા એક્સપોર્ટ કરવામાં આવે છે. મોટાભાગના ઈલેક્ટ્રોનિક્સ, કમ્પ્યૂટર અને મશિનરીના પાર્ટ્સ અને કાચા માલસામાન ચીન દ્વારા મોકલવામાં આવે છે. એક સમયે પછાત અને ગરીબ ગણાતું ચીન હવે ચાર દાયકા બાદ દુનિયાભરના દેશો ઉપર રાજ કરવા માંડયું છે.

