Get The App

એગ્રો-ડેરી સેક્ટરમાં અમેરિકાએ ઘણા દેશોને બરબાદ કર્યા છે

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
એગ્રો-ડેરી સેક્ટરમાં અમેરિકાએ ઘણા દેશોને બરબાદ કર્યા છે 1 - image


- ભારત સાથે અમેરિકાએ શિંગડા ભરાવ્યા છે ત્યાં એ જાણવું જરૂરી છે કે, અમેરિકાએ ઘણા દેશોના વેપારની ઘોર ખોદી કાઢી છે

- અમેરિકા ભારતના એગ્રિકલ્ચર અને ડેરી સેક્ટરમાં ઘુસવા માગે છે પણ લાગતું નથી કે ભારત તેના માટે તૈયાર થાય. હાલના સમયે પણ ભારત તેના માટે સજ્જ નથી અને કદાચ આગામી સમયમાં પણ તૈયાર નહીં થાય : ભારત પોતાના ખેડૂતોનું રક્ષણ કરવા માટે આ ક્ષેત્રમાં અમેરિકી કંપનીઓનો પગપેસારો થવા દેતું નથી. ભારતનું એગ્રો સેક્ટર લાખો નાના ખેડૂતો ઉપર આધારિત છે : અમેરિકી ખેત ઉત્પાદનો અને એગ્રો સેક્ટરના ઉત્પાદનો સસ્તા અને સબસિડી આધારિત છે. તેની સામે ભારતીય ખેડૂતો સ્પર્ધા કરી શકે તેમ જ નથી. ભારતીય ખેડૂતોને ખૂબ જ સહન કરવાનું આવી શકે છે : સાઉથ કોરિયાએ પણ અમેરિકા સાથે ટ્રેડડીલ કરી હતી. 2012માં અમેરિકા પાસેથી સસ્તુ બીફ, દૂધ પાઉડર, અનાજ વગેરે આવવાની શરૂઆત થઈ હતી તેના કારણે કોરિયાનું બજાર જ બદલાઈ ગયું એ જોખમી બાબત હતી

ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી વેપાર બાબતે મોટો વિવાદ ચાલે છે. અમેરિકા આડોડાઈ ઉપર ઉતરી આવ્યું છે અને તેણે ભારત ઉપર ૫૦ ટકા જેટલો ટેરિફ ઝિંકી દીધો છે. પોતાની વાત મનાવવા અને પોતાની શરતોને આધિન રહીને વેપાર કરાવવા માટે અમેરિકા દબાણ કરી રહ્યું છે પણ ભારત દાદ આપવામાં માનતું નથી. બંને દેશો વચ્ચે તમામ પ્રોડક્ટ ઉપર સહમતી સધાઈ ગઈ છે પણ વાત માત્ર એગ્રિકલ્ચર અને ડેરી પ્રોડક્ટ ઉપર આવીને અટકી ગઈ છે. અમેરિકા ભારતના એગ્રિકલ્ચર અને ડેરી સેક્ટરમાં ઘુસવા માગે છે પણ લાગતું નથી કે ભારત તેના માટે તૈયાર થાય. હાલના સમયે પણ ભારત તેના માટે સજ્જ નથી અને કદાચ આગામી સમયમાં પણ તૈયાર નહીં થાય. તેના કારણે જ અમેરિકાને પેટમાં દુ:ખી રહ્યું છે અને તેણે બેફામ ટેરિફના દર નાખી દીધા છે. તે કોઈપણ રીતે ભારતને ઘુટણીયે લાવવા માગે છે. 

અમેરિકા ઈચ્છે છે કે, ભારત પોતાના કૃષી ક્ષેત્રમાં અને ડેરી ઉત્પાદનોના ક્ષેત્રમાં તેનો પ્રવેશ થવા દે. અમેરિકી કંપનીઓને આ સેક્ટરમાં કામ કરવાના અવસરો આપે. તે દૂધ, દૂધનો પાઉડર, ચીઝ, પનીર, પ્રોટીન વગેરે જેવા ઉત્પાદનોની આયાતમાં પ્રતિબંધો મુકેલા છે તેમાં ઢીલ આપે. તે સિવાય સફરજન, અખરોટ, ઘઉં, મકાઈ અને સોયાબિન વગેરેમાં જે ટેરિફ લગાવેલો છે તેમાં ઘટાડો કરે તથા જિનેટિકલી મોડિફાઈડ પાકના બીજ ઉપરના નિયમો હળવા કરે જેથી અમેરિકી કંપનીઓને વેપાર કરવામાં સરળતા રહે.

ભારતને અમેરિકાની આ માગણી યોગ્ય લાગતી નથી. આ સેક્ટરોમાં ભારત કોઈ રાહત આપવા તૈયાર નથી કે બાંધછોડ કરવા તૈયાર નથી. ભારત પોતાના ખેડૂતોનું રક્ષણ કરવા માટે આ ક્ષેત્રમાં અમેરિકી કંપનીઓનો પગપેસારો થવા દેતું નથી. ભારતનું એગ્રો સેક્ટર લાખો નાના ખેડૂતો ઉપર આધારિત છે. અમેરિકી ખેત ઉત્પાદનો અને એગ્રો સેક્ટરના ઉત્પાદનો સસ્તા અને સબસિડી આધારિત છે. તેની સામે ભારતીય ખેડૂતો સ્પર્ધા કરી શકે તેમ જ નથી. ભારતીય ખેડૂતોને ખૂબ જ સહન કરવાનું આવી શકે છે. આ ઉપરાંત ડેરી ઉદ્યોગમાં પણ મુશ્કેલી થાય તેવી છે. ભારતમાં ડેરી ઉદ્યોગ અસંગઠિત, ઘરેલુ અને નાના સ્તરે કામ કરનારો છે. અમૂલ જેવી સહકારી મંડળી કરોડો ખેડૂતોની આજીવિકાનું સાધન છે. ભારતીય ડેરી ઉદ્યોગ અમેરિકી ડેરી ઉદ્યોગ સાથે સ્પર્ધામાં ટકી શકે તેમ જ નથી. અમેરિકી ડેરી ફાર્મમાં ગાયોને કતલખાનેથી કાઢવામાં આવેલા જાનવરોનો ચારો આપવામાં આવે છે જે ભારતમાં ધાર્મિક રીતે જ સ્વીકાર્ય નથી. જૈવ સુરક્ષા પણ ભારત માટે ખૂબ જ મહત્ત્વની છે. ભારત માને છે કે, અમેરિકી ઉત્પાદનોની સાથે કોઈ બિમારી, જીવાણુઓ કે જૈવિક ખતરો આવી શકે છે સ્થાનિક ખેત પેદાશો અને પશુધનને વ્યાપક અસર કરી શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા ઘણા સમયથી આ મુદ્દે ભારત ઉપર દબાણ કરી રહ્યું છે. તે ભારતના કૃષિ ઉદ્યોગ અને ડેરી સેક્ટરમાં ઉદારતાવાદ લાવવા માટે દબાણ કરી રહ્યું છે. ખાસ કરીને ટ્રેડ ડીલ દરમિયાન અમેરિકાને આ ક્ષેત્રોમાં પ્રવેશવા માટે નિયમો હળવા કરવાની માગણી કરી રહ્યું છે. ભારત આ મુદ્દે સંપૂર્ણ સહમત નથી. જાણકારોના મતે ભારત એટલા જ ઉત્પાદનો અથવા વસ્તુઓમાં રાહત આપી શકે અથવા તો અમેરિકી કંપનીઓને પ્રવેશ આપી શકે જેમાં બજારને નુકસાન થતું ન હોય. ખાસ કરીને કેટલાક ફળો અને સુકામેવા જેવા સેક્ટરમાં આંશિક છૂટ આપી શકાય તેમ છે. કેટલાક પેકેટ ફૂડમાં પણ ભારત આંશિક રાહત આપવા તૈયાર છે પણ ડેરી ઉદ્યોગ અને જીએમ ઉત્પાદનોમાં ભારત જરાય બાંધછોડ કરવા માટે તૈયાર નથી. વાત એવી છે કે, અમેરિકામાં કૃષિ અને ડેરી ઉદ્યોગોને સરકાર મોટાપાયે સબસિડી આપે છે તેના કારણે તેમના ઉત્પાદનો વૈશ્વિક બજારમાં ખૂબ જ સસ્તી કિંમતે વેચાય છે. ભારત પોતાના ખેડૂતોને આટલી બધી સબસિડી આપી શકે તેમ નથી. તેના કારણે અમેરિકી ઉત્પાદનોની સ્પર્ધામાં ભારતીય ઉત્પાદનો ટકી શકે નહીં.

અમેરિકાનો ડેરી ઉદ્યોગમાં ઘુસવાનો આ કોઈ પહેલો પ્રયાસ નથી. ૨૦૧૯-૨૦ દરમિયાન પણ અમેરિકા અને ભારત વચ્ચે જ્યારે મિની ટ્રેડ ડીલ ઉપર વાતચીત ચાલતી હતી ત્યારે પણ અમેરિકા ભારત ઉપર ડેરી સેક્ટર ખોલવા માટે દબાણ કરતું હતું. તે વખતે પણ ભારતે ધાર્મિક બાબતો અને ખાદ્ય સુરક્ષાનો મુદ્દો જણાવીને તેને અટકાવી દીધું હતું. અમુલ, એનડીડીબી, સ્વદેશી જાગરણ મંચ જેવા સંગઠનો આ બાબતો સખત વિરોધ કરી રહ્યા છે. તેઓ માને છે કે, વિદેશી ડેરી અને કંપનીઓ જો ભારતીય બજારમાં આવી ગઈ તો ભારતના કરોડો ગ્રામીણ ખેડૂતો અને પશુપાલકોના હીતોને વ્યાપક નુકસાન જશે.

આમ જેવા જોઈએ તો એક મત એવો પણ ચાલી રહ્યો છે કે ચોક્કસ ક્ષેત્રમાં ચોક્કસ વસ્તુઓ માટે અમેરિકાની કંપનીઓને મંજૂરી આપવી જોઈએ. તેઓ પ્રોડક્ટ ઉપર સ્પષ્ટીકરણ છાપતા હોય કે આ વસ્તુઓ પશુ આહારમાંથી બની છે કે, તેને સંલગ્ન બાબતો જોડાયેલી છે તો તેના વિશે વિચાર કરી શકાય તેમ છે. આ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. બીજી વાત એવી પણ છે કે, ડેરી અને કૃષી ઉત્પાદનો બાબતે સહમતી સધાઈ નથી તેથી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પણ થઈ નથી. ઈન્ડો પેસેફિક ઈકોનોમિક ફ્રેમવર્કમાંથી ભારત ટ્રેડ પીલરથી અલગ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં પણ ભારત કાયમ ડેવલપિંગ દેશોના હકમાં જ ઊભું રહેતું જોવા મળ્યું છે. 

જાણકારોના મતે ભારત સરકારે દેશના ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપીને અમેરિકાની સામે નમતુ જોખ્યું નથી. ગત મહિને જ ટ્રેડ ડીલ મુદ્દે ભારતના કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનો પણ મત હતો કે, મોદી સરકાર દ્વારા ખેડૂતોના હિતોને જ પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ભારતે અત્યાર સુધી યુકે, ઓસ્ટ્રેલિયા, મોરેશિયસ, ઈએફટીએ અને યુએઈ સાથે પણ જે ટ્રેડ ડીલ કરી તેમાં ખેડૂતોના હીતને જ પ્રાથમિકતા આપવામાં આવી છે. મોદી સરકાર માટે ખેડૂતોનું હિત સૌથી ઉપર છે. તેમના હિતો જળવાય, તેનું રક્ષણ થાય તે રીતે જ ડીલ કરવામાં આવી છે અને ભવિષ્યમાં પણ કરવામાં આવશે. અમેરિકા એફટીએમાં એગ્રીકલ્ચર સેક્ટરને પ્રાથમિકતા આપવા માગે છે પણ ભારત તેમાં કોઈપણ પ્રકારની રાહત આપવાના મૂડમાં નથી. સરકારનું સ્પષ્ટ માનવું છે કે, જો ડેરી અને અન્ય કેટલીક ખેત પેદાશોનો ટેરિફ જો ઘટાડવામાં આવશે તો તેની સીધી અસર નાના ખેડૂતો અને ગ્રામ્ય ડેરી ઈન્ડસ્ટ્રી ઉપર પડશે જે અયોગ્ય છે. નાના ખેડૂતોને નુકસાન જાય અને તેઓ પાયમાલી તરફ આગળ વધે તેવું કોઈ પગલું ભારત લેવા માગતું નથી. 

એ બાબત સ્પષ્ટ છે કે, ભારત આ સેક્ટરમાં કોઈપણ નિર્ણય લેવા માટે ઉતાવળ કરવા માગતું નથી. 

મેક્સિકો, ચિલી, સાઉથ કોરિયા જેવા દેશોને અમેરિકાએ બેહાલ કરી નાખ્યા

અમેરિકાએ જે દેશો સાથે કૃષિ અને ડેરી ઉદ્યોગોમાં સમજૂતીઓ કરીને પગપેસારો કર્યો હતો તે તમામની હાલત ખરાબ કરી નાખી હતી. તેમાંય કેટલાક દેશઓ જે આત્મનિર્ભરતા અને સમૃદ્ધિની વાતો કરતા હતા તે દેશો આ સેક્ટરમાં સાવ પાયમાલ થઈ ગયા છે. ઘણી દેશોએ પોતાના કૃષિ અને ડેરી સેક્ટરને અમેરિકા માટે ખોલ્યું હતું અને તેના માઠા પરિણામો આજે પણ ભોગવી રહ્યા છે. મેક્સિકોએ ૧૯૯૪માં અમેરિકા અને કેનેડા સાથે નાફ્ટા ઉપર હસ્તાક્ષર કર્યા હતા. તેનાથી અમેરિકી ખેત ઉત્પાદનો સસ્તી કિંમતે તેમની બજારમાં ઠલવાવા લાગ્યા. તેના પગલે સ્થાનિક ખેડૂતોને નુકસાન જવા લાગ્યું અને હજારો ખેડૂતોએ ખેતી છોડી દેવી પડી. 

તેવી જ રીતે ડેરી સેક્ટરમાં અમેરિકી કંપનીઓનો પ્રભાવ વધી ગયો અને મેક્સિન ખેડૂતો તેમની સામે નબળા પડી ગયા. અમેરિકાની કૃષિ અને ડેરી ક્ષેત્રની સબસિડીઓના કારણે મેક્સિકોના ગ્રામીણ ખેડૂતો ટકી જ ન શક્યા. તેઓ બેરોજગાર થતા ગયા અને પલાયન કરતા ગયા. ચિલી અને અમેરિકા વચ્ચે ૨૦૦૪માં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ૨૦૦૪ લાગુ થયો હતો. ચિલીએ કૃષિ અને ડેરી ઉત્પાદનોને આંશિક છૂટ આપી હતી. તેનાથી વાઈન અને ફળોની નિકાસને ફાયદો થયો હતો. બીજી તફ ડેરી અને માંસ ઉત્પાદનોમાં અમેરિકી કંપનીઓની ભાગીદારી વધવા લાગી હતી. લાંબા સમય બાદ અસંતુલન ઊભું થયું અને મોટા નિકાસકારોને જ લાભ થતો હતો. નાના વેપારીઓ સાવ પૂરા થઈ ગયા હતા. તેવી જ રીતે સાઉથ કોરિયાએ પણ અમેરિકા સાથે ટ્રેડડીલ કરી હતી. ૨૦૧૨માં અમેરિકા પાસેથી સસ્તુ બીફ, દૂધ પાઉડર, અનાજ વગેરે આવવાની શરૂઆત થઈ હતી. કોરિયન ખેડૂતોએ તેનો વ્યાપક વિરોધ કર્યો હતો પણ ખાસ ફરક પડયો નહોતો. પાછળથી સરકારે ખેડૂતોને સબસિડી પેકેજ આપવું પડયું પણ જે અસંતુલન સર્જાયું હતું તેણે કાયમ કોરિયાને નુકસાન જ પહોંચાડયું છે. તેવી જ રીતે અમેરિકા અને ચીન વચ્ચે ૨૦૦૦ની સાલમાં કૃષિ સેક્ટરમાં વેપારની વ્યાપક શરૂઆત થઈ હતી. સોયાબિન, મકાઈ અને ડેરી પ્રોડક્ટની ચીન દ્વારા અમેરિકાથી આયાત કરવામાં આવી હતી. ૨૦૧૮માં બંને દેશો વચ્ચે વિખવાદ થતાં ચીને અમેરિકાની આયાત ઘડાડવા માંડી. બંનેએ એકબીજા ઉપર વ્યાપક પ્રતિબંધો મૂકી દીધા હતા. ચીનને શરૂઆતમાં નુકસાન ગયું પણ તેણે વૈકલ્પિક દેશો શોધી કાઢયા અને કાયાકલ્પ કરી નાખ્યો. અહીંયા મૂળ વાત એક જ છે કે અમેરિકાએ જ્યાં પણ પગપેસારો કર્યો છે તો ત્યાં દેશોને ભોગવવાનું આવ્યું છે.

Tags :