Get The App

રેવડી કલ્ચર દ્વારા મફતિયાં વચનોની લ્હાણી, બિલાડીના ગળે ઘંટ બાંધે કોણ ?

Updated: Aug 13th, 2022

GS TEAM

Google News
Google News
રેવડી કલ્ચર દ્વારા મફતિયાં વચનોની લ્હાણી, બિલાડીના ગળે ઘંટ બાંધે કોણ ? 1 - image

- રેવડી કલ્ચર ઉપર પ્રતિબંધની માંગણી કરતી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે ભારત જેવા ગરીબ દેશમાં આવું પરવડે નહીં

- ચીફ જસ્ટિસે ટીકા કરી કે, કેટલાક પક્ષોને બેરોજગારોને ભથ્થાં, મહિલાઓને રોકડ કે બીજી જાહેરાતો ના કરે ત્યાં સુધી જીતનો ભરોસો નથી બેસતો. આ કારણે લોકોને મફતમાં બધું અપાઈ રહ્યું છે અને ટેક્સપેયર્સને ઠગવામાં આવી રહ્યા છે. પ્રમાણિક ટેક્સપેયર્સને છેલ્લાં નવ વર્ષમાં કોઈ ડિસ્કાઉન્ટ નથી અપાયું પણ તેમના નાણાંથી ભરાતી તિજોરીમાંથી લહાણી થઈ રહી છે.

રાજકારણીઓ દ્વારા ચૂંટણી જીતવા માટે મફતમાં સુવિધાઓ કે ચીજો આપવાનો મુદ્દો ફરી ગાજ્યો છે. ચૂંટણી જીતવા કરાતી વચનોની લહાણી સામે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી ચાલુ છે. 

યોગાનુયોગ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામવા માંડયો છે ને અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીને જીતાડવા માટે એક પછી એક વચનોની લહાણી કરી રહ્યા છે.  ગુજરાતમાં હજુ ચૂંટણીની જાહેરાત થઈ નથી પણ એ પહેલાં જ કેજરીવાલે મફત કા ચંદન ઘસ બે લાલિયા કરીને મતદારોને આકર્ષવા લોભામણી જાહેરોતોનો મારો ચલાવી દીધો છે. ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી, બેરોજગારોને ૩૦૦૦ રૂપિયા ભથ્થુ, મહિલાઓને દર મહિને ૧૦૦૦ રૂપિયાની સહાય સહિતનાં વચનો કેજરીવાલ પહેલાં જ આપી ચૂક્યા છે. કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાત દોડી આવે છે તેથી હજુ બીજી ઘણી જાહેરાતો કરશે જ તેમાં શંકા નથી. 

કેજરીવાલની જાહેરાતોના કારણે રાજકીય રીતે ગરમીનો માહોલ છે ત્યાં સુપ્રીમ કોર્ટે પણ ચૂંટણી સમયે મફત આપવાનાં વચનો સામે નારાજગી બતાવી છે. મફતિયા ખેરાતોના વચનો પર પ્રતિબંધની માગણી કરતી અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું કે, ભારત જેવા ગરીબ દેશમાં આ પ્રકારનું વલણ યોગ્ય નથી ને આ પ્રકારની જાહેરાતો ભારતને પરવડે પણ નહીં. 

સુપ્રીમ કોર્ટે એવી ટીપ્પણી પણ કરી કે, રાજકીય પક્ષો એવી દલીલ કરે છે કે, આ જાહેરાતો તો સામાજિક કલ્યાણ યોજનાઓના ભાગરૂપે કરાય છે પણ  ચૂંટણી ટાણે મફત આપવાના કરાતા વાયદા અને સામાજિક કલ્યાણ યોજનામાં બહુ મોટો ફરક છે. 

ચૂંટણીમાં મફતિયા જાહેરાતો કરતી વખતે રાજકીય પક્ષ એવું નથી વિચારતો કે પૈસા કયાંથી આવશે પણ તેના કારણે દેશનું અર્થતંત્ર બેહાલ થઈ જશે ને એક તબક્કે તૂટી પડશે. ચીફ જસ્ટિસ એન.વી. રમનાએ સુપ્રીમ કોર્ટમાં પોતાના સસરાનો ગેરકાયદેસર વીજળી કનેક્શનને લગતો અને પોતાની આસપાસનાં ઘરોમાં કરાયેલા ગેરકાયદેસર બાંધકામોને સરકારે કાયદેસર કરી દીધાં તેનાં બે ઉદાહરણ પણ આપ્યાં. 

ચીફ જસ્ટિસે એવી ટીકા પણ કરી કે, કેટલાક રાજકીય પક્ષો બેરોજગારોને ભથ્થાં, મહિલાઓને રોકડ કે આવી બીજી જાહેરાતો ના કરે ત્યાં સુધી તેમને પોતાની જીતનો ભરોસો નથી બેસતો. 

આ કારણે લોકોને મફતમાં બધું અપાઈ રહ્યું છે અને ટેક્સપેયર્સને ઠગવામાં આવી રહ્યા છે. પ્રમાણિક ટેક્સપેયર્સને ટેક્સમાં છેલ્લાં નવ વર્ષમાં કોઈ જ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું નથી જ્યારે તેમના નાણાંથી ભરાતી તિજોરીમાંથી લહાણી થઈ રહી છે.

કેજરીવાલ દ્વારા કરાતી જાહેરાતો તાજી છે તેથી સુપ્રીમ કોર્ટની ટીપ્પણીઓ કેજરીવાલના સંદર્ભમાં છે એવું અર્થઘટન કરાઈ રહ્યું છે. 

જો કે કેજરીવાલ બધાંની નજરે ચડી ગયા છે પણ બીજા પક્ષો પણ કેજરીવાલની જેમ મફતની લહાણી કરે જ છે. કેજરીવાલની સૌથી વધારે ટીકા ભાજપ કરે છે. નરેન્દ્ર મોદીએ કેજરીવાલ દ્વારા કરાતી ખેરાતો માટે રેવડી શબ્દ વાપર્યો પછી તો ભાજપના નેતા કેજરીવાલ પર તૂટી જ પડયા છે પણ ભાજપ પણ મફતની ચીજો આપે જ છે. 

મોદીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જીતવા માટે ખેડૂતોને દર વર્ષ છ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરેલી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી પેટે દર ચાર મહિને અપાતી બે હજાર રૂપિયાની રકમ રેવડી નથી તો બીજું શું છે ? 

ખેડૂતોની મતબેંક બહુ મોટી છે અને નાના ખેડૂતોની હાલત ખરાબ છે તેથી તેની સામે કોઈ બોલતું નથી પણ એ રકમ પણ અંતે તો દેશની તિજોરીમાંથી જ ચૂકવાય છે ને ? ભાજપ કંઈ પોતાના પાર્ટી ફંડમાંથી તો ખેડૂતોના ખાતામાં એ રકમ જમા કરાવતો નથી ને ? ટેક્સપેયર્સ આપે છે એ રકમમાંથી જ આ રકમ ચૂકવાય છે તેથી અંતે તો બધો ભાર કન્યાની કેડ પર જ આવે છે. હમણાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૬૦ વર્ષથી વધારે વયની મહિલાઓની બસયાત્રા સાવ મફત કરી નાંખી છે. 

આ તો બે ઉદાહરણ આપ્યાં પણ આવાં બીજાં પણ ઘણાં ઉદાહરણ આપી શકાય. પ્રાદેશિક પક્ષો તો કોના બાપની દિવાળી સમજીને જે સૂઝે એ મફતમાં આપવાની જાહેરાત કરી નાંખે છે. ટીવીથી માંડી મિક્સર ગ્રાઈન્ડર ને સાયકલથી માંડીને લેપટોપ સુધીનાં ચીજોની મફતમાં લહાણી કરાઈ રહી છે. 

સુપ્રીમ કોર્ટે તેની ઝાટકણી કાઢીને બરાબર કર્યું છે. સુપ્રીમે આ લહાણીઓની અર્થતંત્ર પર પડનારી ઘાતક અસરો વિશે આપેલી ચેતવણી પણ યોગ્ય છે અને પ્રમાણિક કરદાતાને ઠગવામાં આવી રહ્યો છે એ વાત પણ સાચી છે. આ રીતે મફતમાં ચીજો આપી આપીને તો ભારતના પાડોશી દેશો શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ બરબાદ થઈ ગયા છે. વેનેઝુએલા ને બીજા દેશો પણ બેહાલ થઈ ગયા છે. 

ભારતમાં પણ આ રીતે મફતમા લહાણીઓ થાય તો વિકાસ યોજનાઓ માટે નાણાં જ ના બચે ને વિકાસ ના થાય તો અર્થતંત્ર પડી જ ભાંગે એ જોતાં સુપ્રીમ કોર્ટ સાવ સાચી જ છે. 

આ લહાણીઓ સામે પ્રમાણિક કરદાતાઓમાં અસંતોષ અને આક્રોશ બંને છે. મધ્યમ અને નોકરીયાત વર્ગ મહેનત કરી કરીને મરી જાય ને જે કમાણી કરે તેના પર જાત જાતના તગડા ટેક્સ ચૂકવે તેના બદલામાં સવલતો તો મળતી નથી જ. પણ એ નાણાં આ રીતે રાજકીય પક્ષોની સત્તાલાલસા સંતોષવા વપરાય છે. આ ગાયને દોહી દોહીને કૂતરાને પાવા જેવું છે એવી લાગણી બળવત્તર બનતી જ જાય છે. 

પ્રમાણિક કરદાતાએ પોતાની સારવાર હોય કે શિક્ષણ હોય કે નિવૃત્તિ પછીનું જીવન હોય, એ બધા માટેની વ્યવસ્થા જાતે જ કરવી પડે છે જ્યારે એક વર્ગને કશું કર્યા વિના મફતમાં બધું મળી જાય તેની સામે આક્રોશ છે જ પણ મધ્યમ વર્ગ સંગઠિત નથી તેથી તેનો અવાજ કોઈ સાંભળતું નથી. મધ્યમ વર્ગનાં લોકો ધર્મના નામે ફેલાવાતી ખોટી વાતોમાં ફસાય છે પણ પોતાની સાથે થતા અન્યાય સામે બોલવાની તેનામાં હિંમત નથી એ પણ તેનો અવાજ કોઈ સાંભળતું નથી એ એક કારણ છે. સુપ્રીમ કોર્ટે તેના અવાજને વાચા આપી છે તેમાં બેમત નથી.  આ સંજોગોમાં આ પ્રકારનાં વચનોની લહાણી બંધ થવી જ જોઈએ. 

જો કે સવાલ બિલાડીને ગળે ઘંટ કોણ બાંધે તેનો છે. રાજકીય પક્ષો માટે તો આ જાહેરાતો મત ખેંચવાનું સાધન બની ગઈ છે તેથી કોઈ રાજકીય પણ તેને બંધ કરવા તૈયાર નથી. ભાજપ કેજરીવાલની જાહેરાતોની ટીકા કરે છે પણ તેને રોકવા માટે સંસદમાં કાયદો લાવતો નથી. 

ચૂંટણી પંચે તો પહેલાં જ હાથ અધ્ધર કરી દીધા છે જ્યારે સુપ્રીમ કોર્ટ પાસે એ સત્તા નથી એ જોતાં નજર સામે ખોટું થઈ રહ્યું છે એ દેખાતું હોવા છતાં આ ધંધો ચાલતો રહેશે. 

39 દેશોમાં શિક્ષણ મફત, 9 દેશોમાં સારવાર

મફતિયા રેવડીના મુદ્દે ટીકાઓના સામનો કરી રહેલા અરવિંદ કેજરીવાલે એવો બચાવ કર્યો છે કે, બાળકોને મફતમાં અપાતું શિક્ષણ કે લોકોને વિના મૂલ્યે અપાતી સારવારને રેવડી ગણાવીને બંધ કરાવવા માટે પેદા કરાતો માહોલ દુઃખદ છે. કેજરી વાલે કહ્યું કે, દેશમાં એવો માહોલ પેદા કરાઈ રહ્યો છે કે, સામાન્ય લોકોને મળી રહેલું વિના મૂલ્યે શિક્ષણ, વીજળી, પાણી સહિતની સુવિધાઓ બંધ થવી જોઈએ. 

કેજરીવાલનો દાવો છે કે, વિશ્વમાં નોર્વે, ડેન્માર્ક સહિતના ૩૯ દેશો બાળકોને વિના મૂલ્યે શિક્ષણ આપે છે.

 કેનેડા, યુકે સહિતના ૯ દેશો લોકોને વિના મૂલ્યે સારવાર આપે છે. યુએસ, જર્મની સહિતના ૧૬ દેશો બેરોજગારોને ભથ્થાં આપે છે. 

કેજરીવાલની વાત સાચી હોઈ શકે છે પણ કેજરીવાલ જે દેશોની વાતો કરે છે એ બધા આર્થિક રીતે સમૃધ્ધ દેશો છે. ભારત હજુ વિકસિત દેશ પણ નથી એ જોતાં સુપ્રીમ કોર્ટની એ વાત સાચી છે કે, આ પ્રકારે મફતમાં ચીજો આપવાથી દેશના અર્થતંત્ર પર ગંભીર અસર થશે. અત્યારે મોટા ભાગનાં રાજ્યો દેવામાં ડૂબેલાં છે. આવી જાહેરાતો કરવાથી તેમનાં દેવાં વધશે. ચૂંટણી પંચે મફતિયા જાહેરાત કરનાર રાજકીય પક્ષ વધારાનાં નાણાં ક્યાંથી આવશે તેની સ્પષ્ટતા ફરજિયાત કરવી જોઈએ.