For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોના વાઇરસના મૂળની તપાસ કરવા માટે ચીનનો નન્નો

Updated: Aug 14th, 2021

Article Content Image

- ચીન ઉપર કોરોના વાઇરસની ઉત્પતિની તપાસ કરવાનું દુનિયાનું દબાણ છતાં ડ્રેગન ઢાંકપિછોડો કરે છે

- સાર્સ કોવિડ-19 વાઇરસ વુહાનની વાઇરસ પર પ્રયોગો કરતી લેબોરેટરીમાંથી ફેલાયો હોવાની થિયરી ખોટી હોવાનો રિપોર્ટ આપવા ચીને દબાણ કર્યું હોવાની ચોંકાવનારી વાત પણ સામે આવી છે ત્યારે ચીનની મેલી મથરાવટીને જોતાં આ દિશામાં વ્યવસ્થિત તપાસ થવાની જરૂર છે

કોરોના મહામારીના આ દોરમાંથી બહાર આવવા આખી દુનિયા ઝઝૂમી રહી છે. કોરોના સામે રક્ષણ આપવા માટે ઘણી વેક્સિન પણ બજારમાં આવી ચૂકી છે. પરંતુ કોરોના વાઇરસના નવા નવા વેરિએન્ટ સામે આવતા જ રહે છે જે વેક્સિનની અસરકારકતા સામે સવાલ ખડા કરે છે. બીજી બાજુ વિશ્વ આરોગ્ય સંસ્થાના વૈજ્ઞાાનિકો કોરોના વાઇરસના મૂળનો પતો લગાવવાના પ્રયાસો કરી રહ્યાં છે પરંતુ એમાં હજુ સુધી સફળતા મળી નથી. 

દુનિયાભરમાં કાળો કેર વર્તાવી રહેલા સાર્સ કોવિ-૧૯ નામના કોરોના વાઇરસનું ઉદ્ભવસ્થાન ચીનના હુબેઇ પ્રાંતમાં આવેલું વુહાન શહેર છે એ તો નિર્વિવાદ છે. 

કોરોના વાઇરસ કેવી રીતે ફેલાયો એનો અભ્યાસ કરવા ચીનના વુહાન શહેર ગયેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની એક ટીમને સંશોધનના અંતે કશું હાથ ન લાગ્યું. હવે વિશ્વ આરોગ્ય સંસ્થા ફરી વખત ચીન જઇને વાઇરસની ઉત્પત્તિ વિશે વધુ તપાસ કરવાની રજૂઆત કરી પરંતુ ચીને એ માટે નન્નો ભણ્યો છે.

કોરોના વાઇરસની ઉત્પતિની તપાસ કરવા માટે ચીન ઉપર દબાણ

દુનિયાભરના દેશોની અર્થવ્યવસ્થાને પંગુ બનાવી દેનારો કોરોના વાઇરસ હજુ પણ સ્વરૂપો બદલીને જુદાં જુદાં દેશોમાં કેર વર્તાવી રહ્યો છે. એવામાં ફરી વખત ચીન ઉપર કોરોના વાઇરસના મૂળનો પત્તો લગાવવા માટે દબાણ સર્જાવા લાગ્યું છે. પરંતુ ચીને આ દબાણને વૈજ્ઞાાનિક નહીં પરંતુ રાજકીય ગણાવીને વિશ્વ આરોગ્ય સંસ્થાની ટીમને ફરી વખત તપાસ માટે વુહાનમાં પ્રવેશ આપવા માટે રાજી નથી. 

અગાઉ પણ ચીને વિશ્વ આરોગ્ય સંસ્થાની ટીમને અનેક વાંધાવચકા બાદ વુહાનમાં પ્રવેશ આપ્યો હતો અને તપાસમાં પણ સહકાર આપ્યો નહોતો. 

કોરોના વાઇરસે કાળો કેર મચાવવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતની તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે કોરોના વાઇરસ વુહાનના એક એવા બજારમાંથી ફેલાયો હતો જ્યાં સી ફૂડની સાથે સાથે વન્ય પ્રાણીઓનું માંસ પણ વેચાતું હતું. 

આ બજારમાં ચામાચિડીયા પણ વેચાતા હતાં જેમાંથી આ વાઇરસનું સંક્રમણ હોવાનું જણાયું હતું. એ પછી પશ્ચિમી દેશોના મીડિયામાં રિપોર્ટ આવ્યાં કે કોવિડ-૧૯ નામનો રોગ ફેલાવતો આ સાર્સ કોવિ-૨ નામનો વાઇરસ વુહાન ઇન્સ્ટીટયૂટ ઓફ વાઇરોલોજીમાંથી લીક થયો. 

વુહાનની લેબમાંથી કોરોના વાઇરસ લીક થયો હોવાની થિયરી

આમ તો આ નવતર કોરોના વાઇરસ ફેલાવાનો શરૂ થયો ત્યારથી જ સોશિયલ મીડિયાની વેબસાઇટ્સ પર એવી વાતો ચાલી રહી હતી કે ચીનની ખાનગી સૈન્ય પ્રયોગશાળામાં આ વાઇરસ બાયોલોજિકલ વેપન એટલે કે જૈવિક હથિયારના સ્વરૂપમાં બનાવવામાં આવ્યો હતો. જોકે એ વખતે ઘણાં સંશોધકોએ આ જાણકારી ખોટું હોવાનું જણાવીને રિસર્ચ ટાંક્યા હતાં કે જેમાં આ વાઇરસ પ્રયોગશાળામાં માનવીએ બનાવેલો નહીં પરંતુ કુદરતી જણાતો હતો. 

આ વાત પર વિશ્વાસ કરવાનું કારણ એ પણ હતું કે વુહાનની પ્રયોગશાળા ગુપ્ત નથી. આ પ્રયોગશાળામાં થતા અનેક રિસર્ચ દુનિયાભરના સાયન્સ મેગેઝિનોમાં છપાતા રહેતા હોય છે. આ ઉપરાંત વુહાનની પ્રયોગશાળામાં થતા રિસર્ચમાં પશ્ચિમના દેશોના સંશોધકો પણ સામેલ થતાં હોય છે. 

વુહાનના માંસબજાર ઉપર શંકાની સોય

કોવિડ-૧૯ નામની બીમારી ફેલાવતો કોરોના વાઇરસ પણ પ્રાણીઓમાંથી માનવીમાં પ્રસરેલો એટલે કે ઝૂનૉટિક બીમારી છે. અગાઉના એચઆઇવી, ઇબોલા, સાર્સ અને મર્સ જેવા જીવલેણ વાઇરસ પણ ઝૂનૉટિક ગણાય છે. જાણકારોના મતે ચીન તેમજ વિયેતનામ જેવા અગ્નિ એશિયાના દેશોમાં ભરાતા વન્ય જીવોના બજાર આવી ઝૂનૉટિક બીમારીઓ ફેલાવવામાં મોટો ભાગ ભજવે છે. અગાઉ સાર્સ પણ વૅટ માર્કેટ એટલે કે જ્યાં તાજુ માંસ અને સીફૂડ મળતું હોય એવી જગ્યાએથી ફેલાયો હોવાનું તથ્ય સામે આવ્યું હતું. સાર્સ કોવિ-૧૯ માટે પણ કહેવાતું રહ્યું છે કે તેનો ઉદ્ભવ પણ વુહાનના સીફૂડ હોલસેલ માર્કેટથી થયો છે.

 વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બરમાં કોરોના વાઇરસનો ઉપદ્રવ શરૂ થયા બાદ ૨૦૨૦ના જાન્યુઆરીમાં વુહાનનું આ માંસ બજાર બંધ કરી દેવામાં આવ્યું હતું. જાણીતી વાત છે કે ચીનમાં ખોરાક તરીકે અને પરંપરાગત દવાઓમાં વપરાશ માટે અનેક જીવતા અને મૃત જંગલી પ્રાણીઓ મોટા પાયે ખરીદવામાં આવે છે.

બીજી થિયરી એવી પણ સામે આવી હતી કે જે રીતે સાર્સનો વાઇરસ સીવેટ નામના પ્રાણી દ્વારા ચામાચિડીયામાં થઇને માણસોમાં પ્રસર્યો હતો એ રીતે કોવિ-૨ વાઇરસ પેંગોલીન નામના પ્રાણી દ્વારા મનુષ્યોમાં પ્રસર્યો છે. મનુષ્યોમાં જે કોરોના વાઇરસ જોવા મળ્યો છે એનું બંધારણ પેંગોલીનમાં જોવા મળેલા વાઇરસને મળતું આવે છે. જીવતા પ્રાણીઓ વેચતા બજારમાં એક જ જગ્યાએ અનેક પ્રાણીઓ ભેગા કરવામાં આવે છે એ સંજોગોમાં વાઇરસને એક પ્રજાતિમાંથી બીજી પ્રજાતિમાં જમ્પ મારવાનો મોકો મળી જાય છે.

વૈજ્ઞાાનિકો કોરોના વાઇરસ માનવી સુધી કેવી રીતે પહોંચ્યો એની જાસૂસીમાં લાગ્યાં છે. જાણકારોના મતે કોરોના વાઇરસના વાહક અનેક જંગલી પ્રાણીઓ હોઇ શકે છે પરંતુ ચામાચિડીયા મોટી સંખ્યામાં જુદાં જુદાં પ્રકારના કોરોના વાઇરસના વાહક હોવાનું જાણવા મળ્યું છે. ચામાચિડીયા જે રીતે વસવાટ કરતા હોય છે એ જોતાં તેમનું શરીર વાઇરસના ફલવાફૂલવા માટે આદર્શ સ્થાન બની રહે છે.

વાઇરસના ફેલાવા અંગે ચીનની ગોળ ગોળ વાતો

ચીન અત્યાર સુધી એવો ખુલાસો કરતું આવ્યું છે કે નવતર કોરોના વાઇરસ વુહાનના વૅટ માર્કેટમાંથી ફેલાયો પરંતુ પશ્ચિમના દેશોમાં એવા અહેવાલ પણ આવ્યા હતાં કે કોરોના વાઇરસનું સંક્રમણ ડિસેમ્બરમાં નહીં પરંતુ નવેમ્બર ૨૦૧૯માં ચાલું થઇ ગયું હતું. એક રિપોર્ટ એવો પણ સામે આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વુહાન ઇન્સ્ટીટયૂટ ઓફ વાઇરોલોજીમાં કામ કરતી એક ઇન્ટર્ન દ્વારા કોરોના વાઇરસ ભૂલથી લીક થઇ ગયો હતો.

 આ રિપોર્ટ અનુસાર આ વાઇરસ લોકોમાં ફેલાયો એ પહેલા આ યુવતી સુરક્ષાના નિયમોનું પાલન ન કરવાના કારણે વાઇરસથી સંક્રમિત થઇ ગઇ હતી. બાદમાં તેના સંપર્કમાં આવીને તેનો મિત્ર પણ કોરોના વાઇરસથી સંક્રમિત થયો એ એ પછી આ વાઇરસ વુહાનના માંસબજારમાં પહોંચ્યો.

વાઇરસ વુહાનના માંસબજાર સુધી કેવી રીતે પહોંચ્યો એ અંગે એક થિયરી વુહાન ઇન્સ્ટીટયૂટના પ્રોફેસર શી ઝેંગલીએ પણ આપી હતી.  આ વૈજ્ઞાાનિકે ચામાચિડીયામાં મોજૂદ જુદાં જુદાં વાઇરસ વિશે પોતાની રિસર્ચ ફેબ્રુઆરીમાં જ પ્રકાશિત કરી હતી. શીના જણાવ્યા અનુસાર ચામાચિડીયાના સેમ્પલ લેવા માટે તેઓ ચીનના જુદાં જુદાં વિસ્તારોમાં ફર્યાં અને લગભગ ૨૮ જેટલી ગુફાઓમાં જઇને તેમણે ચામાચીડિયાના મળના સેમ્પલ એકઠા કર્યાં.  બાદમાં એ સેમ્પલના આધારે ચામાચિડીયામાં જોવા મળતા વાઇરસોનો એક આખો આર્કાઇવ તૈયાર કરવામાં આવ્યો.  આ આર્કાઇવમાં નવતર કોરોના વાઇરસનો પણ ઉલ્લેખ હતો અને આ વાઇરસ હોર્સશૂ બૅટ નામની ચામાચિડીયાની પ્રજાતિમાં જોવા મળ્યો હતો.

ચીને કોરોના વાઇરસ જૈવિક હથિયાર તરીકે વિકસાવ્યો હોવાની શક્યતા

ચીન તપાસ કરવા ગયેલી વિશ્વ આરોગ્ય સંસ્થાની ટીમ શી ઝેંગલીને મળીને તેમની વાતની પુષ્ટિ ન કરી શકી. બીજી બાજુ તાજેતરમાં જ અમેરિકામાં એક રિપોર્ટ પ્રસિદ્ધ થયો હતો કે ચીને કોરોના વાઇરસ ત્રીજા વિશ્વયુદ્ધના જૈવિક હથિયાર તરીકે વિકસાવ્યો હતો. આમ પણ અમેરિકા તો ગયા વર્ષથી આક્ષેપ કરતું આવ્યું છે કે કોરોના વાઇરસ ફેલાવામાં ચીનનો જ હાથ છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા એને છાવરી રહી છે. ખુદ ચીનની સરકાર કોરોનાનું સંક્રમણ કેવી રીતે ફેલાયું એ વિશે ખોંખારીને કશું કહેતી નથી. ચીનની સરકાર હજુ પણ મહામારી કેવી રીતે ફેલાઇ એના ઉપર હજુ રિસર્ચ ચાલી રહ્યું હોવાનો બચાવ કરે છે. 

એવા આક્ષેપ પણ થાય છે કે ડિસેમ્બર ૨૦૧૯માં કોરોના વાઇરસ ફેલાયાના તુરંત બાદ ચીનની સરકારે જ વાઇરસ વુહાનની વેટ માર્કેટમાંથી ફેલાયો હોવાની થિયરી વહેતી કરી. એટલા માટે લોકોએ કોરોના વાઇરસની સરખામણી ૨૦૦૨માં ફેલાયેલા સાર્સ અને ૨૦૧૨માં ફેલાયેલા મર્સ સાથે કરવાની શરૂઆત કરી દીધી.

કારણ કે આ બંને બીમારીઓ પણ પ્રાણીઓમાંથી જ માણસોમાં ફેલાઇ હતી.  કોરોના વાઇરસનું સ્વરૂપ પણ સાર્સ અને મર્સના વાઇરસને મળતું આવે છે. એટલા માટે જ લોકોએ તરત સ્વીકારી લીધું કે કોરોના વાઇરસ પણ પ્રાકૃતિક રીતે જ ફેલાયો છે.  જોકે વૈજ્ઞાનિકો માંગ કરી રહ્યાં છે કે કોરોના વાઇરસ વુહાનની લેબમાંથી નીકળ્યો કે નહીં એની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ.

Gujarat