Get The App

ક્રૂઝ શિપમાં મહામારી : કોરોનાથી શરૂ કરીને હંતા અને નોરો વાઈરસ સુધી

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
ક્રૂઝ શિપમાં મહામારી : કોરોનાથી શરૂ કરીને હંતા અને નોરો વાઈરસ સુધી 1 - image

- અવિચારી ઉન્માદ સામે જોખમ : લાંબી સમુદ્રી યાત્રા કરતા મોટા જહાજોમાં ડીપ ક્લિનિંગ અશક્ય હોવાથી રોગનું સંક્રમણ ઝડપથી ફેલાય છે

- હાલમાં ક્રૂઝ ટૂરિઝમનો ક્રેઝ વધી રહ્યો છે. તેમાંય હવે એન્ટાર્કટિકા જનારા લોકોની સંખ્યા પણ વધી છે. કોરોના પહેલાં જોઈએ તો એક દાયકા પહેલાં 2015માં એન્ટાર્કટિકા જનારા પ્રવાસીઓની સંખ્યા માત્ર 37,000 હતી. સરેરાશ જોઈએ તો તે વધારે જ કહેવાય પણ તેના દસ વર્ષ બાદ 2025માં 1,17,000 પ્રવાસીઓ એન્ટાર્કટિકા ગયા હતા. ગત વર્ષે પણ 80,000 કરતા વધારે લોકો એન્ટાર્કટિકા ગયા હતા : અંતરિયાળ અને દૂરના વિસ્તારોમાં જનારા જહાજો ઉપર યોગ્ય મેડિકલ સારવાર હોતી નથી. આ ઉપરાંત અહીંયા જે બિમારીઓ અને વાઈરસ ફેલાય છે તેના વિશે કોઈ પૂરતી માહિતી હોતી નથી, તેના કારણે દર્દીઓના જીવનું જોખમ વધી જાય છે : ક્રૂઝ શિપ સેમી એનક્લોઝ્ડ ઈકોસિસ્ટમ જેવા હોય છે મોટા મોટા જહાજોમાં 6000થી વધુ પ્રવાસીઓ અને 2000-2500 જેટલા ક્રૂ મેમ્બર્સ હોય છે. તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું મુશ્કેલ છે. લોકો એક જ લિફ્ટ, ડાઈનિંગ હોલ, થિયેટર, કેસીનો અને અન્ય ફેસેલિટીનો ઉપયોગ કરતા હોય છે. તેમાં એક પણ વ્યક્તિ સંક્રમિત હોય અથવા તો થાય તો તેનો ચેપ ફેલાતા વાર લાગતી નથી

દુનિયાભરના ઘણા દેશોમાં અત્યારે વેકેશનનો માહોલ ચાલે છે. ભારત અને એશિયાના કેટલાક દેશોમાં જ્યાં અતિશય ગરમીના કારણે રજાઓનો માહોલ છે ત્યાં કેટલાક સ્થળોએ અતિશય ઠંડીના કારણે રજાઓ છે. આ બધા વચ્ચે લાખો લોકો પ્રવાસ માટે નીકળી પડયા છે. આ પ્રવાસ વચ્ચે એક ભયાનક સમાચાર સામે આવ્યા છે. લોકો છેલ્લાં કેટલાક સમયથી ક્રૂઝ વેકેશન ઉપર જવાનું વધારે પસંદ કરતા હોય છે. તેમાંય ભારતમાં પણ આ ચલણ વધવા લાગ્યું છે. ક્રૂઝ વેકેશનના આ ક્રેઝ વચ્ચે એક એવા સમાચાર આવ્યા છે જેણે ફરી દુનિયાને ચિંતામાં મુકી દીધી છે. સ્વચ્છ, સલામત, સમયબદ્ધ અને શાનદાર દેખાતા આ ક્રૂઝ શીપ ધીમે ધીમે બિમારીઓના ઘર બનતા જાય છે. દુનિયાભરમાં મહામારીઓ ફેલાવાના કેન્દ્ર બની રહ્યા છે. જાણકારોના મતે મહામારીની કેટેગરીમાં મુકી શકાય તેવી બિમારીઓના ફેલાવા માટે આ ક્રૂઝશિપ અત્યંત સંવેદનશીલ સ્થાન બનવા લાગ્યા છે. ગત અઠવાડિયે જ બે મોટા ક્રૂઝ ઉપર બે અલગ અલગ વાઈરસનો હુમલો થયો અને અનેક લોકો તેનો ભોગ બન્યા હતા. એક કેસમાં એમવી હોંડિયસ જહાજમાં ઘાતક હંતાવાઈરસ ફેલાયો હતો જ્યારે બીજી તરફ કેરેબિયન પ્રિંસેસ નામના ક્રૂઝ ઉપર નોરોવાઈરસનો હુમલો થયો હતો. 

જાણકારો માને છે કે, કોરોના મહામારી બાદ લોકોમાં ક્રૂઝ ટ્રાવેલનો ક્રેઝ વધ્યો છે પણ તેઓ ભુલી જાય છે કે, કોરોના મહામારી વખતે પણ કેટલાક ક્રૂઝમાં વાઈરસ ફેલાયો હતો અને હજારો લોકોનાં મોત થયા હતા જેની વિગતો આજે પણ કદાચ દુનિયા પાસે નથી. કોઈપણ દેશ કોરોનાગ્રસ્ત ક્રૂઝને પોતાના કિનારે આવવા દેતા નહોતા અને સ્થિતિ કફોડી થઈ ગઈ હતી. તેવી જ રીતે અત્યારે સ્થિતિ ફરી ઊભી થઈ છે. ખાસ વાત એવી છે કે લોકો ક્રૂઝમાં બેસીને એન્ટાર્કટિકા અને અન્ય દૂરના ધ્રુવીય પ્રદેશોની સફર કરવાનું પસંદ કરે છે. આ મોંઘીદાટ યાત્રા કરનારા લોકોની સંખ્યા વધી રહી છે અને સાથે સાથે તેમના ઉપર સ્વાસ્થ્યનું જોખમ પણ વધી રહ્યું છે. 

ચિંતાજનક બાબત એ છે કે, અત્યાર સુધી ક્રૂઝ ઉપર કોલાઈ રોગ, લિઝિયોનેયર્સ રોગ જેવા સંક્રમણો જોવા મળતા હતા. ત્યારબાદ થોડા વર્ષ પહેલાં કોરોના મહામારી ફેલાઈ હતી. તેમ છતાં લોકો આ તરફ વધારે આગળ વધવા લાગ્યા. હવે સ્થિતિ એવી આવી છે કે, નોરોવાઈરસ ફેલાયો છે અને તેની સાથે સાથે હંતા વાઈરસની એન્ટ્રી થઈ છે. કરોડો રૂપિયા ખર્ચીને જતા લોકો ગંભીર બિમારીઓનો ભોગ બની રહ્યા છે અને તેમને પોતાને તેની ગંભીરતાનો ખ્યાલ નથી. કોરોનામાં પણ અનેક લોકોનાં ચેપ ફેલાવાના કારણે મોત થયા હતા અને હાલમાં હંતા વાઈરસને કારણે પણ કેટલાક મોત થયા છે અને ઘણા લોકોની સ્થિતિ ગંભીર થયેલી છે. આ સંજોગોમાં જો તેના ઉપર કાબુ નહીં મેળવવામાં આવે તો આગામી સમયમાં સ્થિતિ વધારે પડકારજનક બની શકે તેમ છે. 

ઉલ્લેખનીય છે કે, ડચ ઓપરેશન ધરાવતા એમવી હોંડિયસ ક્રૂઝ ઉપર હંતાવાઈરસની સૌથી મોટી અસર જોવા મળી છે. તેના કારણે ઘણા પ્રવાસીઓ ગંભીર રીતે બિમાર થઈ ગયા છે અને કેટલાકનાં તો મોત થયા છે. જાણકારોના મતે આ વાઈરસની ઘટના એટલા માટે પણ ગંભીર છે કારણ કે તેમાં એન્ડિઝ વાઈરસના સ્ટ્રેન પણ જોવા મળ્યા છે. જાણકારોના મતે આ હંતાવાઈરસનું એક દુર્લભ કહી શકાય તેવું સ્વરૂપ છે. તે પહેલાં પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાયો અને ત્યારબાદ માણસો થકી જ માણસોમાં ફેલાયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે, આ વાઈરસ ક્લસ્ટરમાં ફેલાયો  છે અને તે તમામની તપાસ કરવાની કામગીરી ચાલે છે. બીજી મેના રોજ પહેલી વખત આ વાઈરસને ફેલાવા અંગે સમાચાર આવ્યા હતા. તે સમયે જહાજ ઉપર ૧૪૭ પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર્સ હતા. બીજી તરફ તેમાંથી ૩૪ પ્રવાસીઓ તો ઉતરી ગયા હતા. હાલમાં તમામ  સંક્રમીત લોકો સાઉથ આફ્રિકા, નેધરલેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડમાં સારવાર લઈ રહ્યા છે. કેટલાક લોકો માને છે કે, આ પ્રવાસીઓ જહાજ ઉપર આવ્યા તે પહેલા જ આ વાઈરસથી સંક્રમિત થઈ ગયા હતા.

ખાસ વાત એ છે કે, એમવી હોંડિયસની જે ઘટના બની છે તેણે ફરી એક વખત એન્ટાર્કટિકા ટૂરિઝમ સામે મોટા સવાલ ઊભા કર્યા છે. એક્સપીડિશન અને ટૂરિંગ માટે લઈ જવાતી ટૂરમાં કેટલા જોખમ રહેલા છે તે આ ઘટનાએ સાબિત કર્યું છે. હાલમાં ક્રૂઝ ટૂરિઝમનો ક્રેઝ વધી રહ્યો છે. તેમાંય હવે એન્ટાર્કટિકાની ટૂર કરાવનારા ઓપરેટર્સ વધી રહ્યા છે અને ત્યાં જનારા લોકોની સંખ્યા પણ વધી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના પહેલાં જોઈએ તો એક દાયકા પહેલાં ૨૦૧૫માં એન્ટાર્કટિકા જનારા પ્રવાસીઓની સંખ્યા માત્ર ૩૭,૦૦૦ હતી. સરેરાશ જોઈએ તો તે વધારે જ કહેવાય પણ તેના દસ વર્ષ બાદ ૨૦૨૫માં ૧,૧૭,૦૦૦ પ્રવાસીઓ એન્ટાર્કટિકા ગયા હતા. ગત વર્ષે પણ ૮૦,૦૦૦ કરતા વધારે લોકો એન્ટાર્કટિકા ગયા હતા. આ લોકો જહાજમાંથી નીચે ઉતરીને બરફ ઉપર લટાર મારવા પણ જતા હોય છે. 

ચિંતાજનક વાત એ છે કે, આવા અંતરિયાળ અને દૂરના વિસ્તારોમાં જનારા જહાજો ઉપર યોગ્ય મેડિકલ સારવાર હોતી નથી. આ ઉપરાંત અહીંયા જે બિમારીઓ અને વાઈરસ ફેલાય છે તેના વિશે કોઈ પૂરતી માહિતી હોતી નથી. માણસોને તો બિમારી થાય જ છે પણ સાથે સાથે પ્રકૃતિને નુકસાન થાય છે તેનું પણ મોટું જોખમ છે. અહીંયા ગંભીર બિમારી ફેલાય તો લોકોને ત્યાંથી બચાવી લાવવા પણ ખૂબ જ મુશ્કેલ હોય છે. એન્ટાર્કટિકાની આસપાસ દૂર દૂર સુધી કોઈ મોટો જમીની વિસ્તાર નથી કે ત્યાં કોઈ મોટી હોસ્પિટલ નથી. જહાજ ઉપર દવાઓ અને સારવાર કરનારા ડોક્ટરો પણ મર્યાદિત હોય છે. તેના કારણે જ આવા વિસ્તારોમાં પ્રવાસ ઉપર જવું એક મોટો પડકાર અને જોખમ બની ગયા છે.

માત્ર હંતાવાઈરસ જ નહીં નોરોવાઈરસ પણ એટલો જ જોખમી છે. હંતાવાઈરસ ઘાતક છે પણ આ વખતે ક્રૂઝ ઉપર નોરોવાઈરસના કારણે વધારે કેર વર્તાયો હતો. નોરોવાઈરસને ક્રૂઝ શિપ વાઈરસ પણ કહેવામાં આવે છે. તાજેતરમાં સીડીસીએ જણાવ્યું હતું કે, કેરેબિટન પ્રિન્સેસ જહાજ ઉપર ૧૦૦થી વધારે લોકો નોરોવાઈરસના શિકાર બન્યા હતા. જહાજ ઉપર ૧૦૨ પ્રવાસીઓ અને ૧૩ ક્રૂ મેમ્બર્સ નોરોવાઈરસનો ભોગ બન્યા હતા. મોટાભાગના દર્દીઓને ભયાનક ઉલટી અને ડાયેરિયા જેવી સમસ્યા થઈ ગઈ હતી. ફ્લોરિડાથી નીકળીને આ જહાજ બહામાસ જતું હતું ત્યારે આ સમસ્યા થઈ હતી. જહાજ ઓપરેટર્સ જણાવે છે કે, જહાજને વારંવાર સેનેટાઈઝ કરવામાં આવે છે, સાફ કરવામાં આવે છે. જો ખરેખર સાફસફાઈ થતી હોય તો આ વાઈરસ વારંવાર કેમ આવી જાય છે. માર્ચ મહિનામાં પણ સ્ટાર પ્રિન્સેસ જહાજ ઉપર ૨૦૦ લોકો આ વાઈરસની ઝપેટમાં આવી ગયા હતા. ગત વર્ષે અલગ અલગ ૧૮ જેટલા જહાજો ઉપર નોરોવાઈરસનો એટેક થયો હતો જેમાં ૨૨૦૦થી વધારે લોકો બિમાર પડી ગયા હતા.

લક્ઝુરિયસ જહાજોને સંપૂર્ણ બિમારી મુક્ત રાખવા કે કરવા અશક્ય છે

જાણકારોના મતે લક્ઝુરિયસ જહાજોની સફાઈ કરવી અને તેમને સંપૂર્ણ સેનેટાઈઝ કરવા અશક્ય છે અને લોકો તે વાત જાણતા પણ નથી અને સમજતા પણ નથી. ક્રૂઝ શિપ સેમી એનક્લોઝ્ડ ઈકોસિસ્ટમ જેવા હોય છે મોટા મોટા જહાજો તો નાના ગામડા કે શહેર જેવા હોય છે જેમાં ૬૦૦૦થી વધુ પ્રવાસીઓ અને ૨૦૦૦-૨૫૦૦ જેટલા ક્રૂ મેમ્બર્સ હોય છે. તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું મુશ્કેલ છે. લોકો ૨૪ કલાક એકબીજાની સાથે જ હોય છે. લોકો એક જ લિફ્ટ, ડાઈનિંગ હોલ, થિયેટર, કેસીનો અને અન્ય ફેસેલિટીનો ઉપયોગ કરતા હોય છે. તેમાં એક પણ વ્યક્તિ સંક્રમિત હોય અથવા તો થાય તો તેનો ચેપ ફેલાતા વાર લાગતી નથી. કોરોનાકાળની વાત કરીએ તો ૨૦૨૦માં ડાયમંડ પ્રિન્સેસ જહાજના ૪૦૦૦ પ્રવાસીઓમાંથી ૭૦૦ લોકો સંક્રમિત થઈ ગયા હતા. તે સમયે જહાજમાં આટલા બધા લોકોને ક્વોરન્ટાઈન કરવા પણ મુશ્કેલ હતા. આ સિવાય જહાજમાં વેન્ટિલેશનની સૌથી મોટી સમસ્યા હોય છે. તેથી સંક્રમણ ઝડપથી ફેલાય છે. જાણકારો માને છે કે, ક્રૂઝ શિપ ઉપર બિમારીઓ ફેલાતી અટકાવવી કે પછી તેનો સંપૂર્ણ અંત લાવવો લગભગ અશક્ય છે. તેનું એક મોટું કારણ ટર્નઓવર ટાઈમ પણ છે. ક્રૂઝની એક રાઈડ પૂરી થયા પછી બીજી રાઈડ શરૂ થવા વચ્ચે માત્ર ૭ થી ૧૦ કલાકનો જ સમય હોય છે. આ દરમિયાન હજારો પ્રવાસીઓ ઉતરવા, જહાજનું ડીપ ક્લિનિંગ થવું, નવા પ્રવાસીઓ બેસવા બધું જ થતું હોય છે. તેના કારણે ડીપ ક્લિનિંગ કે સેનેટાઈઝેશન શક્ય જ નથી. ક્રૂઝની પહેલી સફર દરમિયાન જો તેમાં વાઈરસ ફેલાયો હોય તો આટલા ઓછા સમયમાં તેને સંપૂર્ણ દૂર કરવો અશક્ય છે. હજારો લોકો એક જ રેલિંગ અને લોબી એરિયાનો ઉપયોગ કરીને આવન-જાવન કરતા હોય છે. તેના કારણે વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાય છે. જાન્યુઆરી ૨૦૨૬માં સેવેન સીઝ મેરિનર ઉપર પણ ઈકોલાઈના કેસ આવ્યા હતા તેણે પણ ઉદાહરણ પૂરું પાડયું હતું કે, જહાજ ઉપર સંક્રમણ ઝડપથી ફેલાય છે અને તેને સંપૂર્ણ રીતે દૂર કરવું પણ શક્ય નથી.