જનતા જવાબ માગે છે : પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ શા માટે...
- ભારતમાં આંતરિક આતંક ફેલાવવાનું ષડયંત્ર કરનારા પાકિસ્તાનને આમ સરળતાથી ના છોડી દેવાય
- માત્ર ત્રણ કલાકમાં યુદ્ધ વિરામ તોડીને હુમલા કરનારા પાકિસ્તાન ઉપર ફરી દયા ખાવાની જરૂર શું ઃ આઝાદીથી શરૂ કરીને અત્યાર સુધી પાકિસ્તાને અનેક વખત નાપાક કામગીરી કરી, આતંક ફેલાવ્યો અને ભારત તેને જતું કેમ કરે છે ઃ સંસદ હુમલાથી માંડીને પહલગામ હુમલા સુધી પુરતા પુરાવા છતાં પાકિસ્તાન સામે કોઈ પગલાં નહીં
પહલગામ હુમલા બાદ ભારતે આતંકવાદને તેની જ ભાષામાં જવાબ આપવાનો નિર્ણય કર્યો હતો. ચાર આતંકવાદીઓ ૨૨ એપ્રિલે પહલગામના પ્રવાસન સ્થળે ઘુસી આવે છે અને ત્યાં ફરતા પ્રવાસીઓને તેમના નામ અને ધર્મ પુછી પુછીને મોતને ઘાટ ઉતારે છે. તે ઉપરાંત મહિલાઓને ધમકાવે છે કે, જઈને તમારા મોદીને કહી દેજો. આવો જઘન્ય હુમલો ભારતના ઈતિહાસમાં ક્યારેય થયો નથી. ધર્મના નામે ભારતના સરળતાથી ભાગલા પાડી શકાય છે તે સમજી જનારા આતંકવાદીઓ અને પાકિસ્તાને તેને જ મોડસ ઓપરેન્ડી બનાવીને હુમલો કર્યો હતો. ૨૬ લોકોના આ હુમલામાં જીવ ગયા અને તેના પગલે સમગ્ર દેશ સ્તબદ્ધ થઈ ગયો. માત્ર પીડિત પરિવારોએ જ નહીં સમગ્ર દેશના લોકોએ સ્વજન ગુમાવ્યાની પીડા અનુભવી. હવે માત્ર પીડા અનુભવવાથી કશું જ થવાનું નથી, આ ઘટનાનો બદલો લેવાવો જોઈએ તેવી લોકલાગણી પ્રબળ બની.
સૌથી પહેલાં તો એ વાત વિચારવાની આવી કે, આટલો મોટો હુમલો થયો ત્યાં સુધી સરકારને કોઈ માહિતી જ મળી નહીં. ઈચ્છે તેની અને ઈચ્છે તે રીતે માહિતી કઢાવનારી સરકારે આટલા મોટા આતંકી હુમલા વિશે કોઈ ઈન્ટેલ મેળવી શકી નહીં. આટલી મોટી સંખ્યામાં જ્યાં પ્રવાસીઓ આવે છે તે જગ્યા કાશ્મીરની છે તે પણ ભુલી ગઈ. અહીંયા ગમે ત્યારે આતંકી ત્રાટકી શકે છે તેની જાણ હોવા છતાં આર્મી, બીએસએફ કે પોલીસનો કોઈ જવાન તહેનાત નહોતો, કોઈ ચોકી બનાવેલી નહોતી. આવી જઘન્ય ઘટના અંગે ઢાંકપીછોડ કરવામાં આવી રહી હતી.
ખાડી દેશોના પ્રવાસે ગયેલા વડા પ્રધાન અચાનક મુલાકાત પડતી મુકીને સ્વદેશ પરત ફર્યા. તેમણે એરપોર્ટ ઉપર જ ધડાધડી બેઠક બોલાવી અને એક્શન પ્લાન બનાવવાના આદેશ આપી દીધા હોય તેવો માહોલ ઊભો કર્યો. હકિકતે તો માહોલ ઊભો કરવાના બદલે એક્શન જ લેવાનો આદેશ આપવાનો હતો પણ તેમ થયું નહીં. બીજા દિવસે બિહારમાં જઈને સભાને સંબોધન કર્યું અને તેમાં પહલગામ હુમલાની વાત કરી. જ્યાં હુમલો થયો છે તે જગ્યાએ ગયા નહીં, જે પીડિતો છે તેમને અથવા તો મૃતકોના પરિવારજનોને મળ્યા નહીં લાગ્યા.
બિહારની ચૂંટણીના રંગે રંગાવા લાગ્યા. પ્રજાને થોડો આઘાત લાગ્યો પણ એકાએક પાકિસ્તાનને છોડાશે નહીં, આતંકવાદીઓને પાતાળમાંથી કાઢીને સજા અપાશે, આતંકવાદનો ખાતમો બોલાવાશે જેવી વાતો વહેતી કરવામાં આવી.
તરત જ બીજા દિવસે એટલે કે ૨૩ એપ્રિલના રોજ યુદ્ધ વિરામનો ભંગ થયો હોવાની જાહેરાત કરાઈ અને પાકિસ્તાન સામે પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી. પાકિસ્તાનના નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા અને તાત્કાલિક તેમને પરત જવાના આદેશ જારી કરાયા. પાકિસ્તાની દૂતાવાસ પણ ખાલી કરવાનો આદેશ આપી દેવાયો. બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાગુ થયેલી સિંધુ જળ સંધિ રદ કરવામાં આવી અને લોકોનો ઉન્માદ વધારી દેવાયો. ત્યારબાદ દરરોજ એકના એક નિવેદનો અને પ્રજાનું યુદ્ધ માટેનું વળગણ વધવા લાગ્યું. કોઈને છોડાશે નહીં, સેનાને છુટ્ટોદોર અપાયો છે, પાકિસ્તાને ભોગવવું પડશે અને બીજી નિવેદનબાજીઓ ચાલી. પીએમ, વિદેશ મંત્રી, વગેરેએ અમેરિકા અને સાથી દેશો સાથે ચર્ચા-વિચારણા કરી અને પાકિસ્તાનને જવાબ આપવો પડશે તેવી લાગણી વ્યક્ત કરી.
આ બધી વાતો વચ્ચે અચાનક મોટો ટ્વિસ્ટ આવ્યો અને સાતમી મેના રોજ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું અને પીઓકે તથા પાકિસ્તાનમાં બનાવાયેલા આતંકવાદીઓના ૯ જેટલા ઠેકાણાઓ ઉપર મિસાઈલમારો કરી દીધો. મધરાતે કરેલી મિસાઈલ સ્ટ્રાઈકથી દેશ ઉન્માદમાં આવી ગયો. બીજા દિવસે સમગ્ર દિવસ દરમિયાન લોકોએ મોદીનો, સરકારનો અને સેનાનો જયજયકાર કરી દીધો. સમગ્ર વિશ્વમાંથી આતંકવાદીઓનો ખાતમો બોલાવી દીધો હોય, લોકો પોતે યુદ્ધ કરી આવ્યા હોય, સરહદે આતંકીઓને મારીને આવ્યા હોય તેમ ઉન્માદ બતાવતા રહ્યા. તેમની આ પ્રાસંગિક દેશભક્તિ ઉન્માદી હતી પણ લાંબુ ટકે તેમ નહોતી.
સાતમી તારીખે રાત્રે આઠ વાગ્યાથી જ પાકિસ્તાને પણ પોતાની સેનાને છુટ્ટોદોર આપી દીધો અને તેમણે સરહદે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. બીજી તરફ ભુજથી માંડીને પંજાબ સુધી તમામ સરહદી રાજ્યોના ૧૫ શહેરો ઉપર ડ્રોન અને મિસાઈલથી હુમલા કરવાનું શરૂ કરી દીધું. તેણે સ્વાર્મ ડ્રોન દ્વારા અને તોપમારો કરીને હુમલા કર્યા પણ ભારતની એર ડિફેન્સ સિસ્ટમને તેને તોડી પાડયા અને દેશ બચી ગયો.
આ ક્રમ આઠમી તારીખે પણ ચાલુ જ રહ્યો. ત્યારબાદ નવમી તારીખે પણ રાત્રે ચાલુ રહ્યો. પાકિસ્તાન દ્વારા સતત ડ્રોન હુમલા અને મિસાઈલ હુમલા ચાલુ રહ્યા જેને ભારતે નિષ્ફળ બનાવ્યા. બીજી તરફ સરહદે પણ પાકિસ્તાનનો ગોળીબાર અને તોપમારો ચાલતો રહ્યો જેમાં સેનાના કેટલાક જવાનો શહીદ થયા અને નાગરિકો મોતને ભેટયા. બીજી તરફ ભારતે પાકિસ્તાનના કેટલાક લશ્કરી ઠેકાણા, આતંકી ઠેકાણા, એરપોર્ટ, રન વે, સ્ટેડિયમ અને બીજી ઘણી ઈમારતો તથા સેવાઓને વ્યાપક નુકસાન પહોંચાડી દીધું.
ભારતીય વાયુસેના વધારે આક્રમક બની ગઈ. તેણે લાહોરના લ્લઊ-૯મ્ ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી દીધું. પાકિસ્તાને પણ આક્રમક બનીને સ્વાર્મ મિસાઈલ્સ, લુટેરિંગ મ્યૂનિશન તથા ફતહ મિસાઈલ્સ દ્વારા ભારતના ૨૬ શહેરો ઉપર હુમલો કરવામાં આવ્યો. ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તમામ હુમલા ખાળી દીધા. તેમ છતાં કેટલાક સ્થળોએ છુટા છવાયા બ્લાસ્ટ થયા. આ ઉપરાંત સરહદે ગોળીબાર અને ઘુસણખોરીના પ્રયાસ થયા જેને પણ બીસએસએફ દ્વારા ખાળી દેવાયા અને આતંકીઓનો સફાયો કરી દેવાયો. આ સિવાય સિયાલકોટ, એલઓસી અને પીઓકે પાસે ભારતીય સેનાએ મોટાપાયે ગોળીબાર અને તોપમારો કર્યો અને પાકિસ્તાનને હંફાવી દીધું.
બીજી તરફ ૧૦મીએ વહેલી સવારે ભારતે વધુ એક એરસ્ટ્રાઈક કરી અને પાકિસ્તાનના ૮ મુખ્ય એરબેઝ તોડી કાઢયા અને તે સિવાય ૮-૯ જેટલી એર સ્ટ્રીપ્સ પણ તોડી પાડી જેથી અન્ય કોઈ આડોડાઈ ન થાય. ભારતના આ હુમલાથી પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું. હથિયારો અને પૈસા લેવા માટે અમેરિકાના ઘુંટણીયે પડેલું પાકિસ્તાન કદાચ ફરી ટ્રમ્પને નતમસ્તક થયું અને ટ્રમ્પ આ ઘટનામાં મધ્યસ્થી કરવા સજ્જ થયા. તેમણે ભારત અને પાકિસ્તાનને સંદેશ મોકલ્યો. અમેરિકી વિદેશમંત્રી માર્કો રુબિયોએ ભારત અને પાકિસ્તાનના વડા પ્રધાન તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સાથે વાતચીત કર્ર્યાની વાત વહેતી કરી. તેમની મધ્યસ્થીના કારણે ભારત અને પાકિસ્તાન યુદ્ધ રોકવા રાજી થયા.
અહીંયાથી સમજવા જેવું છે કે ૧૦મીએ બપોરે ત્રણ વાગ્યે આવ્યું કે, પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે રાજી છે.
અમેરિકા દ્વારા બંને દેશોને સમજાવાયા છે તેવી વાત વહેતી કરાઈ. ટ્રમ્પે મોટા ભા થવાનું જશ ખાટી લીધું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં બંને દેશોના ડીજીએમઓ દ્વારા ફોન ઉપર વાતચીત કરવામાં આવી અને યુદ્ધ વિરામ કરવાનું નક્કી થયું. ભારતે પોતાની શરતો મુકી. ફરીથી પાકિસ્તાન દ્વારા કોઈ ગોળીબાર નહીં કરવામાં આવે, કોઈ ડ્રોન હુમલા નહીં કરવામાં આવે, સરહદે ગામડાંને નિશાન નહીં બનાવવામાં આવે. તે ઉપરાંત ભારતમાં ફરી એકપણ આતંકી હુમલો થયો તો તેને એક્ટ ઓફ વોર ગણાશે.
આ તમામ શરતો મુકાઈ તેના ત્રણ જ કલાકમાં એટલે કે રાત્રે આઠ વાગ્યે ફરીથી ભુજથી માંડીને પઠાણકોટ સુધી પાકિસ્તાને હુમલા શરૂ કરી દીધા. આખી રાત પાકિસ્તાન હુમલો કરતું રહ્યું અને ભારત તેનો જવાબ આપતું રહ્યું. આખરે મધરાતે બધું અટક્યું અને ફરી એક વખત અમેરિકી વાંદરો વચ્ચે આવ્યો અને બંને બિલાડાને શાંત પાડવાની વાતો કરવા લાગ્યો. તેણે ન્યાય કરી દીધો અને બંનેને શાંત કરી દીધા. આ બધી વાત બરોબર હવે સોમવારે ફરીથી બેઠક કરાશે અને યુદ્ધ વિરામ ક્યાં સુધી અને કેવી રીતે લાગુ રહેશે તેની ચર્ચા કરાશે.
- લોકલાગણી : દર વખતે પાકિસ્તાન સામે જીતનો કોળિયો છોડીને ઊભા થઈ જવાનું
વાત ત્યાં આવીને અટકે છે કે, આટલો બધો ઉન્માદ, આટલું બધું એગ્રેશન, આટલી બધી વાતો, પાકિસ્તાનને નામશેષ કરી દેવાના બણગા, આતંકવાદનો સફાયો કરી દેવાની બાંગો અને લોકોની લાગણીઓનું શું.
પાકિસ્તાન દ્વારા છેલ્લાં સાત દાયકાથી ભારતની સાથે આવું કરવામાં આવે છે અને ત્યારબાદ યુદ્ધ વિરામ કરીને બધું અચાનક અટકાવી દેવાય છે.
મોટાભાગે અમેરિકા અથવા યુએન વચ્ચે પડે છે અને ભારત માની જાય છે. ૪૭નું યુદ્ધ હોય કે, ૬૨નું યુદ્ધ કે પછી ૭૧નું યુદ્ધ અથવા તો કારગિલનું ૯૯ની સાલનું યુદ્ધ. દર વખતે ભારતનો હાથ ઉપર રહ્યો હતો છતાં ભારતે છેલ્લી ઘડીએ જતું કર્યું અને માફી આપીને કે પાકિસ્તાનને એક અવસર આપીને પોતાનું જ નુકસાન કર્યું છે. લોકોની લાગણીઓ ભડકાવવાની અને પછી પાકિસ્તાન અને આતંકવાદને ચૂંટણીલક્ષી મુદ્દાની જેમ ઠંડા બસ્તામાં નાખી દઈને દર પાંચ વર્ષે બહાર કાઢવાનો. પ્રજાને ખરેખર જાણવું છે કે, વારંવાર પ્રજાને રંજાડતી, નિર્દોષ લોકોના ભોગ લેતી, મોટાપાયે જાનહાની કરતી, કરોડોનું નુકસાન કરતી આતંકી પ્રવૃત્તિઓ અને તેમના આકાઓને ક્યાં સુધી છોડવામાં આવશે.
ભારત ક્યાં સુધી આ જતું કરવાનું વલણ લાવીને અધવચ્ચેથી બધું છોડી દેશે.
૭૧માં ઈન્દિરા ગાંધીએ આકરાપાણીએ થઈને પાકિસ્તાનના બે ટૂકડા કરી નાખ્યા હતા. મોદી પાસે તો તેના કરતા વધારે પાવર અને ક્ષમતા છે તેઓ પાકિસ્તાનના ટુકડે ટુકડા કરી નાખી શકે છે તો તેઓ કેમ કરતા નથી.