For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અબજોપતિના વિરોધી જિનપિંગે જેકમાના ફ્રેન્ડને પ્રીમિયર બનાવ્યા

Updated: Mar 12th, 2023

Article Content Image

- સૌને આંચકો : જિનપિંગ સરકારે અબજોપતિ પર તવાઈ બોલાવી હતી, ચીનની ટીકાઓ કરનારને  રહસ્યમય રીતે ગાયબ કરી દીધા હતા

- ક્વિયાંગની વરણીથી આશ્ચર્ય ફેલાયું છે કેમ કે, ક્વિયાંગની ગણના ચીનના ધનિકોના માણસ તરીકે થાય છે. ચીન છોડીને ભાગી ગયેલા અલીબાબ ગ્રુપના જેક મા સાથે ક્વિયાંગની નિકટતા બહુ જાણીતી છે. ચીનની સરકારની ટીકા કરનારા ગુઓ ગુઆંગચાંગ તથા બેંકર બાઓ ફાન સાથે પણ ક્વિયાંગના ગાઢ સંબંધો ચર્ચાસ્પદ બન્યા હતા.

ચીનમાં શી જિનપિંગ સતત ત્રીજી ટર્મ માટે ચીનના સર્વેસર્વા બની ગયા. ચીનના બંધારણમાં પહેલાં એવી જોગવાઈ હતી કે, ચીનની શાસક ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના જનરલ સેક્રેટરી તરીકે કોઈ પણ નેતા સળંગ બે ટર્મથી વધારે સમય માટે ના રહી શકે. ચીનમાં સીસીપીના જનરલ સેક્રેટરી જ પ્રેસિડેન્ટ હોય છે.

જિનપિંગ ૨૦૧૩માં સીસીપીના જનરલ સેક્રેટરી અને પ્રેસિડેન્ટ બનેલા તેથી ૨૦૨૩માં તેમણે વિદાય થવું પડે એમ હતું પણ જિનપિંગે પહેલાં જ બંધારણ બદલાવી નાંખેલું. જિનપિંગે બે ટર્મનો નિયમ બદલાવીને પોતે જીવે ત્યાં સુધી ચીનના સર્વેસર્વા રહે એવો બંદોબસ્ત કરી નાંખેલો તેથી જિનપિંગની સતત ત્રીજી ટર્મ માટે પ્રેસિડેન્ટ તરીકે વરણીથી કોઈને આશ્ચર્ય થયું નથી પણ જિનપિંગે લી ક્વિયાંગને પ્રીમિયર એટલે કે નંબર ટુ બનાવીને આશ્ચર્ય ચોક્કસ સર્જ્યું છે. 

લી ક્વિયાંગને લી કેક્વિયાંગને સ્થાને પ્રીમિયર બનાવાયા છે. કેક્વિયાંગ પણ જિનપિંગની જેમ ૨૦૧૩થી જ પ્રીમિયર હતા ને જિનપિંગના ખાસમખાસ હતા તેથી જિનપિંગ તેમને પણ પોતાની સાથે ચાલુ રાખશે એવું મનાતું હતું પણ જિનપિંગે ક્વિયાંગ પર કળશ ઢોળી દીધો. 

ક્વિયાંગની વરણીથી એટલે આશ્ચર્ય ફેલાયું છે કે, ક્વિયાંગની ગણના ચીનના ધનિકોના માણસ તરીકે થાય છે. ચીન છોડીને ભાગી ગયેલા અલીબાબ ગ્રુપના જેક મા સાથે ક્વિયાંગની નિકટતા બહુ જાણીતી છે. ચીનની સરકારની ટીકા કરનારા ગુઓ ગુઆંગચાંગ તથા બેંકર બાઓ ફાન સાથે પણ ક્વિયાંગના ગાઢ સંબંધો ચર્ચાસ્પદ બન્યા હતા. 

ચીનમાં જિનપિંગ સરકારે હમણાં અબજોપતિઓ પર તવાઈ બોલાવી છે. 

ચીનની નીતિઓની ટીકા કરનારા અબજોપતિઓ રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે. ઘણા અબજોપતિઓને તો ભ્રષ્ટાચારના કેસમાં ફિટ કરીને જેલની સજા પણ કરી દેવાઈ છે. આ સંજોગોમાં ચીનની સરકારના ટીકાકાર એવા અબજોપતિઓના મિત્રને ચીનમાં નંબર ટુ બનાવાયા તેના કારણે સૌને આંચકો લાગે એ સ્વાભાવિક છે. 

જિનપિંગ અત્યંત ડંખીલો સ્વભાવ ધરાવે છે. પોતાની જરાક સરખી પણ ટીકા સહન કરવાની તેમનામાં તાકાત નથી. પોતાની સામે પડનારાને જ નહીં પણ તેની સાથે હોય એવા બધાંને સાફ કરી દેવામાં જિનપિંગ માને છે ત્યારે ક્વિયાંગ પર એ કેમ મહેરબાન થઈ ગયા તેનું સૌને આશ્ચર્ય છે. 

ક્વિયાંગને ૨૦૨૨માં શાંઘાઈમાં લદાયેલા લોકડાઉનના જવાબદારી સોંપાઈ હતી. એ વખતે ક્વિયાંગે કડક હાથે કામ લીધું તેના કારણે જિનપિંગ ખુશ થઈ ગયા એવું મનાય છે પણ ચીનની સ્થિતીને જાણનારાં વિશ્લેષકો આ વાતને ખોટી ગણાવે છે. તેમના મતે, જિનપિંગે ક્વિયાંગને પસંદ કર્યા છે એ પાછળનું કારણ ચીનની બગડી રહેલી આર્થિક સ્થિતી છે. 

અમેરિકા ચીન પર ભડકેલું છે અને ભારત સહિતના દેશોને મહત્વ આપી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડને ચીન પર આર્થિક નિયંત્રણો મૂકવા માંડયાં છે. તેના ભાગરૂપે અમેરિકન કંપનીઓના ચીનમાં ચોક્કસ ક્ષેત્રોમાં રોકાણ પર પ્રતિબંધ આવવાના ભણકારા વાગી રહ્યા છે. બીજી તરફ ચીનના ધનિકો એક પછી એક દેશ છોડીને ભાગી રહ્યા છે ને પોતાનાં નાણાં બીજા દેશોમાં લઈ જઈ રહ્યા છે. ચીન માટે તેના કારણે દુકાળમાં અધિક માસ જેવી હાલત છે. આ સિલસિલો ચાલુ રહે તો ચીનના બાર વાગી જાય.

જિનપિંગ પોતાના શાસનકાળમાં ચીનની હાલત બગડે એવું ના જ ઈચ્છે તેથી તેમને એવા માણસની જરૂર છે કે જે ચીનના અબજોપતિઓને સમજાવીને ચીનમાં રહેવા માટે સમજાવી શકે ને સાથે સાથે અમેરિકાને પણ કૂણું પાડીને ચીન પર તવાઈ નહીં લાવવા મનાવી શકે. આ ઉપરાંત અમેરિકામાંથી આવતો વિદેશી રોકાણનો પ્રવાહ પણ વધારી શકે. ક્વિયાંગે પોતાની કરીયરમાં આ બધું કરી બતાવ્યું છે તેથી જિનપિંગે જખ મારીને ક્વિયાંગને પ્રીમીયિર તરીકે પસંદ કરવા પડયા છે. 

ક્વિંયાંગે તેમની કારકિર્દીમાં ચીનના અર્થતંત્રના વિકાસમાં બહુ યોગદાન આપ્યું છે. શાંઘાઈ ચીનની ઝાકમઝોળનું પ્રતિક છે ને શાંઘાઈની ઝાકમઝોળ ક્વિયાંગને આભારી છે. શાંઘાઈના સેક્રેટરી તરીકે ક્વિયાંગે શાંઘાઈ સ્ટોક એક્સચેન્જ સ્ટાર માર્કેટની શરૂઆત કરાવી કે જેમાં સાયન્સ અને ટેકનોલોજીની કંપનીઓના સોદા થાય છે. આ માર્કેટમાં અધધધ કહેવાય એટલું સીધું વિદેશી રોકાણ છેલ્લાં ત્રણ વર્ષમાં ઠલવાયું છે.

ક્વિયાંગના કારણે શાંઘાઈમાં ટેસ્લાની ગિગાફેક્ટરી શાંઘાઈ બની. ક્વિયાંગે મહિનાઓમાં તો શાંઘાઈની આસપાસ પાંચ નવાં શહેર વસાવી દીધેલાં કે જેથી કામદારો રહી શકે. કામદારોને ચીનના બીજા પ્રાંતમાંથી આવીને રહેવામાં રેસિડેન્સી પરમિટ નહોતી મળતી. ક્વિયાંગે રાતોરાત નિયમો બદલાવીને લાખો કામદારોને ખડકી દીધેલા.

ચીનમાં ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીમાં નાણાંની રેલમછેલ છે. ચીનના ટોચના ત્રણેય ધનિકો વેઈ જિન્જુઆન, હ્યુઆંગ શિલિન અને લુ શિયાંગયાંગ ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીમાંથી આવે છે. ક્વિયાંગે શાંપોતે ઉભાં કરેલાં પાંચ નવાં ટાઉનમાં તેમના પણ  પ્લાન્ટ નંખાવેલા.

અત્યારે ચીન આર્થિક સંકટમાં છે. ગયા વરસે જીડીપી વિકાસ દર માત્ર ત્રણ ટકા નોંધાતાં ચીનને આર્થિક મોરચે દમદાર માણસની જરૂર છે. ક્વિયાંગે ચીનના પ્રીમિયર તરીકે ચીનના અર્થતંત્રને ધમધમતું કરવાનું કામ કરી શકે છે. ચીનને જેક મા સહિતના બિઝનેસમેનની પણ જરૂર છે. ક્વિયાંગે પ્રીમિયર હોય તો  ચીનની સરકારથી નારાજ ધનિકો પણ સચવાઈ જાય. 

જિનપિંગ ક્વિયાંગે પર રીઝયા તેના મૂળમાં આ જ કારણ છે. ગુજરાતીમાં કહેવત છે કે, ગરજે ગધેડાને બાપ કહેવો પડે. ક્વિયાંગે ચીનની સરકારના ટીકાકાર ધનિકોના મિત્ર છે, અમેરિકા માટે સોફ્ટ કોર્નર ધરાવે છે છતાં જિનપિંગે તેમને બાપ બનાવવા પડયા છે કેમ કે તેમનો સ્વાર્થ છે. 

ચીનમાં નવ સામ્યવાદી પક્ષોને જ માન્યતા, જિનપિંગ સરમુખત્યાર

ચીનમાં સામ્યવાદી શાસન હોવાથી ભારત કરતાં અલગ સરકારી તંત્ર છે. ચીનમાં લોકશાહી નથી તેથી અમેરિકા સહિતના દેશોની જેમ સીધા પ્રમુખને ચૂંટવા કે ભારત સહિતના લોકશાહી દેશોની જેમ સંસદના સભ્યોને ચૂંટવા માટે કોઈ ચૂંટણી થતી નથી. ચીનમાં ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) સર્વેસર્વા છે. 

સીસીપીએ ચાઈનીઝ પીપલ્સ પોલીટિકલ કન્સલ્ટેટિવ કોન્ફરન્સના નામે સામ્યવાદી પક્ષોનો મોરચો બનાવ્યો છે. ચીનમાં  આઠ નાની નાની રાજકીય પાર્ટીઓને સત્તાવાર માન્યતા મળેલી છે. આ તમામ પાર્ટીઓ સાથે મળીને સીસીપીએ બનાવેલા મોરચાના સભ્યો જ ચીનમાં સરકારના હોદ્દા ભોગવે છે. સંસદસભ્યો, લશ્કરી અધિકારીઓ, સુપ્રીમ કોર્ટના જજ વગેરે બધા સીસીપી અને તેની સાથી સામ્યવાદી પાર્ટીમાંથી જ આવે છે.  ચીનની સંસદને નેશનલ પીપલ્સ કોંગ્રેસ કહેવાય છે. તેમાં કુલ ૨૯૮૦ સભ્યો છે. તેમાંથી સીસીપીના બે તૃતિયાંશથી વધારે એટલે કે ૨૦૯૦ સભ્યો છે. ચીનના લશ્કરને પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) કહે છે. પીએલએ સામ્યવાદી પાર્ટી પાસેથી આદેશ લે છે.

ચીનમાં સીસીપીના જનરલ સેક્રેટરી સર્વેસર્વા છે. તેમને પેરામાઉન્ટ લીડર કહેવામાં આવે છે. એ પછી બીજા નંબરે પ્રેસિડેન્ટ હોય છે ને એ પછી પ્રીમિયર હોય છે. જિનપિંગ પ્રેસિડેન્ડ પણ છે. લી ક્વિયાંગ પ્રીમિયર બન્યા મતલબ કે ચીનમાં નંબર ટુ છે. પ્રીમિયરના હાથ નીચે વાઈસ પ્રીમિયર્સ હોય છે અને સેન્ટ્રલ પીપલ્સ ગવર્નમેન્ટ કામ કરે છે કે જેમાં પચાસ જેટલા સભ્યો હોય છે. તેને ચીનનું મંત્રીમંડળ કહી શકાય કે જે દેશનો વહીવટ ચલાવે છે. એ પછી પ્રાંતોમાં સરકારો સહિતનું તંત્ર છે પણ આ બધી સિસ્ટમ વહીવટી કામો માટે છે. અસલી સત્તા પેરમાઉન્ટ લીડર પાસે જ હોય છે. એ રીતે જોઈએ તો ચીનમાં સરમુખત્યારશાહી છે. પેરામાઉન્ટ લીડર એટલે કે શી જિનપિંગ ચીનના શહેનશાહ જ છે. 

ક્વિયાંગના ગુરુ ચીનમાં આર્થિક ઉદારીકરણ પાછળું ભેજું

ક્વિયાંગની પસંદગી પાછળનું મહત્વનુ કારણ લિ યિનિંગ સાથેનું કનેક્શન છે. ચીનના ટોચના અર્થશાસ્ત્રી યિનિંગ ક્વિયાંગના પીએચ.ડી. ગાઈડ હતા. તેમના માર્ગદર્શનમાં ક્વિયાંગે લખેલી થીસિસને ૧૯૯૬માં ચીનમાં અર્થશાસ્ત્રનું સર્વોચ્ચ મનાતું. સુન યેફાંગ પ્રાઈઝ મળ્યું હતું. 

યિનિંગની ગણના અમેરિકાના પીઠ્ઠુ તરીકે થતી. ચીનમાં સરકારી કંપનીઓના ખાનગીકરણની તરફદારી કરનારા યિનિંગને ૧૯૭૦ના દાયકામાં જમણેરી જાહેર કરીને ગામડામાં મજૂરી કરવા મોકલી દેવાયેલો. માઓ ઝેંડોગ ચીનના સર્વેસર્વા હતા ત્યાં સુધી યિનિંગે ચીનની સરકારનો જેલવાસ જ ભોગવ્યો.

માઓની વિદાય પછી આવેલા ડેંગ ઝિયાઓપિંગે ચીનમાં આર્થિક સુધારા અપનાવ્યા પછી યિનિંગે સૂચવેલાં પગલાં ધડાધડ લીધાં. યિનિંગના સૂચન પ્રમાણે ચીનમાં ફરી શેરબજાર પણ ખૂલ્યાં. યિનિંગ એ રીતે ચીનમાં આર્થિક ઉદારીકરણ પાછળનું ભેજું છે. 

આ કારણે અમેરિકા તથા પશ્ચિમના દેશોને યિનિંગ તરફ માન છે. ક્વિયાંગ યિનિંગના શિષ્ય હોવાથી તેમના વિચારો પણ ઉદારવાદી મનાય છે તેથી અમેરિકા સહિતના દેશો ચીન તરફ કૂણા પડશે એવી જિનપિંગની ગણતરી હશે.

Gujarat