- ફાઈટોસેનેટરીની સમસ્યાના કારણે પ્રતિબંધ મુકાયો, અન્ય દેશોમાં પણ કેરીઓ ઉપર લટકતી તલવાર, એક્સપોર્ટને વ્યાપક નુકસાન જવાની ભીતિ
- એશિયામાં જાપાન પણ ભારતીય કેરીઓનો મુખ્ય આયાતકાર દેશ છે. તે વર્ષે 20 લાખ ડોલર એટલે કે અંદાજે 18 થી 20 કરોડ રૂપિયાની કેરીઓ આયાત કરે છે તેણે બધી આયાત અટકાવી દીધી. બીજી તરફ નેપાળ દ્વારા દર વર્ષે અંદાજે 40 કરોડ રૂપિયાની કિંમતની કેરીઓ આયાત કરવામાં આવે છે. તેમાં દશહરી, માલદા, બમ્બઈ, કેસનો સમાવેશ થાય છે. આ વર્ષે ભારતે પહેલાં 16 ટન કેરીની નિકાસ ત્યાં કરી દીધી હતી પણ તે બધા ઉપર પ્રતિબંધ મુકી દેવાયો હતો, જો કે બાદમાં નેપાળે નિર્ણય બદલીને આયાત યથાવત્ રાખી : ફાઈટોસેનિટરી બે ગ્રીક શબ્દોનું સંયોજન છે. તેમાં ફાઈટો એટલે છોડ અને સેનેટરી એટલે તેની સ્વચ્છતા. જે છોડમાં સ્વચ્છતા હોવી જોઈએ તે. તેના માટે દુનિયાભરમાં ફાઈટોસેનેટરી નિયમો બનાવવામાં આવ્યા છે. તેના દ્વારા જ નક્કી કરવામાં આવે છે કે, એક દેશમાંથી બીજા દેશમાં જતા ફળો, શાકભાજી, છોડ, બીજ વગેરેમાં કોઈ જીવજંતુઓ, રોગ કે ફંગસ લઈને ન જાય : માત્ર ભારત જ ઉપર આવા પગલાં લેવાય છે તેવું નથી. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, જાપાન, યુરોપીયન સંઘ અને દુનિયાના બીજા ઘણા દેશો એકબીજાની ખેત પેદાશો ઉપર પ્રતિબંધ મુકે છે અથવા વધારાની વિશેષ તપાસના આદેશ આપે છે. અત્યાર સુધીમાં ઘણી વખત અમેરિકાના ફળો અને શાક ઉપર વિદેશોમાં પ્રતિબંધ મુકાયો છે કે તેને અટકાવાયા છે
ફળોના રાજા કેરીની સિઝન ચાલી રહી છે. દેશભરમાં લાખો ટન કેરી ખવાઈ રહી છે અને બીજી તરફ લાખો ટન કેરી વિદેશોમાં પણ એક્સપોર્ટ થઈ રહી છે. કેરીના આ ક્રેઝ વચ્ચે એક એવી સ્થિતિ સામે આવી છે જેણે ભારતીય કેરીનો પાછો આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતો કરી નાખ્યો છે. તાજેતરમાં બે દેશો દ્વારા ભારતીય કેરી ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે. ભારતીય કેરીની હાલત એવી થઈ છે કે ક્યારેક જાપાન પ્રતિબંધ મુકી દે છે તો ક્યારેક યુરોપ દ્વારા બેન મુકી દેવામાં આવે છે. ઘણી વખત અમેરિકા દ્વારા કેરીઓ નષ્ટ કરી દેવાય છે. કેરીઓમાં એવા કીડા હોય છે જે કોઈપણ દેશની ફાઈટોસેનેટરી ખરાબ કરી શકે છે તેમ છે અને તેના કારણે તેના ઉપર સમયાંતરે પ્રતિબંધ મુકાતો જ રહે છે.
ઉલ્લેખનીય છે કે, દસ-પંદર દિવસ પહેલાં જ જાપાન દ્વારા ભારતીય કેરીઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ વાતનો આઘાત હજી સર્યો નહોતો ત્યાં નેપાળ જેવા નાનકડા અને ભારતના પાડોશીએ પણ ભારતીય કેરીઓની આયાત અટકાવી દીધી હોવાના સમચાર આવ્યા હતા. નેપાળે જણાવ્યું હતું કે, ભારતીય કેરીઓમાં નક્કી કરેલા માપદંડો કરતા અનેક ગણા વધારે જંતુનાશકો હતા અને તેના કારણે તેના ઉપર પ્રતિબંધ મુકી દીધો. ભારતની કેસર, દશહરી, લંગડો, આલ્ફાન્ઝો અને અન્ય બીજી જાતની કેરીઓ જૂન મહિનામાં જ સૌથી વધારે નેપાળમાં અને અન્ય દેશોમાં જતી હોય છે. આ સંજોગોમાં પ્રતિબંધ મુકાયો તે આઘાતજનક હતો.
ખાસ વાત એ છે કે, જાપાન પણ ભારતીય કેરીઓનો મુખ્ય આયાતકાર દેશ છે. તે વર્ષે ૨૦ લાખ ડોલર એટલે કે અંદાજે ૧૮ થી ૨૦ કરોડ રૂપિયાની કેરીઓ આયાત કરે છે. તેમાં મહારાષ્ટ્રની આલફાન્ઝો અને ગુજરાતની કેસરનો સમાવેશ થાય છે. તે સીવાય બે-ત્રણ જાતની કેરીઓ જાપાન મંગાવે છે.
આ વખતે ચાર પ્રજાતીની કેરીઓ ઉપર તેણે પણ પ્રતિબંધ મુકી દીધો. તેણે પણ રસાયણોનું વધારે પ્રમાણ હોવાનું જણાવીને આ પ્રતિબંધ મુક્યો છે.
ઉલ્લેખનીય છે કે, નેપાળ દ્વારા દર વર્ષે અંદાજે ૪૦ કરોડ રૂપિયાની કિંમતની કેરીઓ આયાત કરવામાં આવે છે. તેમાં દશહરી, માલદા, બમ્બઈ, કેસનો સમાવેશ થાય છે. આ વર્ષે ભારતે પહેલાં ૧૬ ટન કેરીની નિકાસ ત્યાં કરી દીધી હતી પણ તે બધા ઉપર પ્રતિબંધ મુકી દેવાયો હતો. બાદમાં તેણે નિર્ણય ફેરવી તોળ્યો અને તમામ કેરીઓની આયાત ફરી શરૂ કરી દીધી હતી. જાણકારોના મતે ફાઈટોસેનિટરીના કારણે આ નિર્ણય લેવાયો છે. ફાઈટોસેનિટરી બે ગ્રીક શબ્દોનું સંયોજન છે. તેમાં ફાઈટો એટલે છોડ અને સેનેટરી એટલે તેની સ્વચ્છતા. જે છોડમાં સ્વચ્છતા હોવી જોઈએ તે. તેના માટે દુનિયાભરમાં ફાઈટોસેનેટરી નિયમો બનાવવામાં આવ્યા છે. તેના દ્વારા જ નક્કી કરવામાં આવે છે કે, એક દેશમાંથી બીજા દેશમાં જતા ફળો, શાકભાજી, છોડ, બીજ વગેરેમાં કોઈ જીવજંતુઓ, રોગ કે ફંગસ લઈને ન જાય. આ બધું જ ચકાસવામાં આવે છે. જેમ વિદેશી પ્રવાસીઓ અને નાગરિકોનું ચેકિંગ થાય છે તેમ આયાત કરેલી વસ્તુઓનું પણ ચેકિંગ થાય છે. આ ચેકિંગ માટે બે સંસ્થાઓ કામ કરે છે. ઈન્ટરનેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન કન્વેન્શન અને બીજી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝશન દ્વારા આ કામ કરવામાં આવે છે. તેઓ ખેતપેદાશો જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં જતી હોય છે ત્યારે તેનું ખાસ ચેકિંગ કરે છે.
ઉલ્લેખનીય છે કે, કેરી સૌથી રસદાર અને સ્વાદિષ્ટ ફળ છે. તેના કારણે તેમાં ઘણા પ્રકારના રોગ લાગે છે અને કિટકો થતા હોય છે. તેનું સૌથી મોટું જોખમ ફ્રૂટ ફ્લાયનું છે. આ એવી માખી છે જે ફુલોને પણ નુકસાન પહોંચાડે છે. આ માખી કેરીની છાલમાં ઈંડા મુકે છે. ત્યારબાદ તેમાંથી નીકળતા લારવા એ કેરીની અંદર જ વિકસિત થાય છે. બહારથી કેરી સામાન્ય દેખાતી હોય છે પણ અંદર કીડાવિકસતા હોય છે. તે સિવાય ફંગસ, બેક્ટેરિયા અને અન્ય ક્વોરેન્ટાઈન કીટકો પણ કેરીને ચેપ લગાડતા હોય છે.
આ કારણે જ ફાયટોસેનેટરીનો નિયમ લાગુ થયો છે. કોઈપણ દેશમાં ફળોમાં કોઈ કીડા ન હોય અને અન્ય આયાતી ફળો દ્વારા તે કીડા આવી જાય તો તેના સમગ્ર પાકને નુકસાન પહોંચાડી શકે છે. ફળોમાં રહેલા કીટકો અંગે જાપાન જેવા દેશોએ તો ઝીરો ટોલરન્સ નીતિ અપનાવેલી છે.
ભારતીય કેરીઓની સીધે સીધી નિકાસ થતી નથી. તેનું જે રીતે સ્થાનિક બજારમાં વેચાણ થાય છે તે રીતે વૈશ્વિક સ્તરે નિકાસ થતી નથી. તેના માટે વિશેષ પ્રક્રિયાનું અનુસણ કરવું પડે છે.
સૌથી પહેલાં કેરીના બગીચાઓનું જ રક્ષણ અને સતત નિરિક્ષણ કરવામાં આવે છે. તેમાં દરેક આંબા અને તેની ઉપર આવતી કેરીઓનું નિરિક્ષણ થાય છે. ત્યારબાદ કેરીની નિકાસ જે દેશમાં કરવાની છે તેના નિયમો અને માપદંડો પ્રમાણે કેરી ઉપર પ્રોસેસ કચોરવામાં આવે છે. કેટલાક દેશોમાં કેરીઓ માટે વેપોર હીટ ટ્રીટમેન્ટ ફરજિયાત છે. તો કેરીઓને ગરમ વરાળમાં રાખવામાં આવે છે જેથી તેમાં રહેલા જીવાણુઓ નાશ પામે. તેવી જ રીતે કેટલાક દેશોમાં હોટ વોટર ટ્રીટમેન્ટ જરૂરી છે તો કેરીઓને ગરમ પાણીમાં રાખીને જંતુમુક્ત કરવામાં આવે છે. તે ઉપરાતં ઈરેડિયેશન કરવામાં આવે છે. આ તમામ કામગીરી પૂરી થાય બાદ તેના માટે ફાઈટોસેનેટરી સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવે છે. તેના દ્વારા જ પ્રમાણિત થાય છે કે, આ કેરીઓ હવે જે-તે દેશ દ્વારા આયાત કરવામાં આવશે.
ભારતીય કેરીઓ ઉપર આ પહેલી વખત પ્રતિબંધ મુકાયો છે તેવું નથી.
આ પહેલાં પણ ઘણી વખત ભારતની કેરીઓ ઉપર પ્રતિબંધ મુકાયા છે. જાપાનની વાત કરીએ તો તેની ખેત પેદાશોની આયાતમાં ઝીરો ટોલરન્સ પોલિસી છે. તેના કારણે તેના દેશમાં કોઈપણ એવી પ્રોડક્ટને એન્ટ્રી મળતી નથી જેનાથી ત્યાંની ખેતીને કે ખેત પેદાશોનો નુકસાન થાય. ભારત અને જાપાન વચ્ચે આ મુદ્દે કેટલીક સુવિધાઓ વિકસાવવામાં આવી છે છતાંય ભારતીય કેરીઓ ઉપર પ્રતિબંધ લાગ્યો જ છે. તેની સાથે એવું પણ છે કે, યુરોપ દ્વારા પણ આ દિશામાં તપાસ કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય કેરીઓ ઉપર ૨૦૧૪માં યુરોપીયન યુનિયન દ્વારા પ્રતિબંધ મુકાયો હતો. તે સમયે આલ્ફાન્ઝો કેરી અને કેટલાક શાકભાજી ઉપર અસ્થાયી સમય સુધી પ્રતિબંધ મુકાયો હતો.
કેરીઓમાં ફ્રૂટ ફ્લાય અને અન્ય કીટકો મળી આવતા આ નિર્ણય લેવાયો હતો. આ દિશામાં ભારતે કડક કામગીરી કરી અને થોડા સમય બાદ યુરોપે પ્રતિબંધ હટાવી લીધો હતો.
આમ જોવા જઈએ તો માત્ર ભારત જ ઉપર આવા પગલાં લેવાય છે તેવું નથી. ઓસ્ટ્રેેલિયા, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, જાપાન, યુરોપીયન સંઘ અને દુનિયાના બીજા ઘણા દેશો એકબીજાની ખેત પેદાશો ઉપર પ્રતિબંધ મુકે છે અથવા વધારાની વિશેષ તપાસના આદેશ આપે છે. અત્યાર સુધીમાં ઘણી વખત અમેરિકાના ફળો અને શાકભાજી ઉપર વિદેશોમાં પ્રતિબંધ મુકાયો છે કે તેને અટકાવાયા છે. ઘણી વખત ઓસ્ટ્રેલિયાએ વિવિધ દેશોના ઉત્પાદનો અટકાવી દીધા છે. યુરોપીયન યુનિયન દ્વારા તો સમયાંતરે એકબીજાના ખેત ઉત્પાદનો ઉપર વધારાના નિયંત્રણો લાગુ કરવામાં અને દૂર કરવામાં આવતા જ હોય છે.
20 વર્ષ બાદ જાપાનનો પ્રતિબંધ હટયો હતો અને ફરીથી લાગુ થઈ ગયો
મહત્ત્વની વાત એ છે કે, જાપાન દ્વારા હાલમાં જે પ્રતિબંધ મુકાયો તેના વ્યાપક પડઘા પડયા છે. જાપાનની નીતિઓને પગલે આ નિર્ણય વધારે નુકસાનકારક સાબિત થાય તેમ છે. જાપાને આ પહેલી વખત નથી કર્યું.
જાપાને ૧૯૮૬માં ભારતની કેરીઓ ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો. તે સમયે પણ ફ્રૂટ ફ્લાયના સંક્રમણની જ ચેતવણી આપવામાં આવી હતી.
જાપાને આ પ્રતિબંધ ૨૦ વર્ષ સુધી લાગુ રાખ્યો હતો. તેણે ૨૩ જૂન ૨૦૦૬માં આ પ્રતિબંધ હટાવ્યો હતો. તે સમયે જાપાન અને ભારતે તેને મજબૂત સંબંધોનું પ્રતિક ગણાવ્યું હતું.
જો કે આ સ્થિતિ માત્ર ૨૦ વર્ષ ચાલી અને ફરી એક વખત જાપાને ભારતીય કેરીઓ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. તેમાં વેપોર હીટ ટ્રીટમેન્ટ યોગ્ય રીતે થતી ન હોવાનું તારણ આવ્યું છે. ૨૦ વર્ષ બાદ પણ કેસર, આલ્ફાન્ઝો, લંગડા, ચૌસા અને મલિકા જેવી કરીઓને મંજૂરી અપાઈ હતી પણ ફરીથી તેને અટકાવી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય કેરીઓની સૌથી મોટી નિકાસ યુએઈ, અમેરિકા, બ્રિટન, કુવૈત અને કતારમાં થાય છે. જાપાન ભારતીય કેરીઓનો મોટો આયાતકાર નથી. ભારતે વર્ષ ૨૫માં દુનિયાભરમાં ૩૦ હજાર મેટ્રિક ટન કેરીઓની નિકાસ કરી હતી. તેના દ્વારા તેને ૫૭ મિલિયન ડોલરની આવક થઈ હતી. વર્ષ ૨૦૨૫-૨૬માં જાપાનને ભારતે ૧૫ લાખ ડોલરની કેરીઓ મોકલાવી હતી. તેમાં ગુજરાતની કેસરનો સૌથી મોટો જથ્થો હતો. હવે આ તમામ કેરીઓ અટકી ગઈ છે અને પરત આવી રહી છે. ભારતને અને ખાસ કરીને ગુજરાતના કેરી ઉત્પાદકોને તેનાથી વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.


