- જેન ઝી ક્રાંતિ પછી નેપાળ, હસીનાની પડતી બાદ બાંગ્લાદેશ અને યુદ્ધ બાદ ઈઝરાયેલ અને રશિયાની ચૂંટણી ઉપર બધાની નજર
- ભારતના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓના સાથે સાથે વિશ્વના 40 દેશોમાં ચૂંટણી યોજવાની છે. ભારતમાં જોઈએ તો કેરળ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પુડ્ડુચેરી અને અસમમાં ચૂંટણી થવાની છે. ભારતના ભાજપ અને કોંગ્રેસ પક્ષો માટે આ પાંચેય રાજ્યોની ચૂંટણી ખૂબ જ મહત્ત્વની સાબિત થવાની છે : બાંગ્લાદેશમાં કટ્ટરવાદી વિકસી રહ્યો છે. બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાના કારણે ભારત સાથેના તેના સંબંધો તંગ થઈ ગયા છે. શેખ હસિનાની સરકાર દ્વારા પંદર વર્ષ સુધી ભારત સાથે સારા સંબંધો ટકાવી રાખવામાં આવ્યા હતા. હસિનાના ગયા બાદ પહેલી વખત બાંગ્લાદેશમાં ચૂંટણી થવાની છે જે બંને દેશોના ભવિષ્યને નક્કી કરશે : સપ્ટેમ્બરમાં રશિયાની ચૂંટણી, ઓક્ટોબરમાં ઈઝરાયેલનીચૂંટણી અને ત્યારબાદ નવેમ્બરમાં અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી ઉપર સમગ્ર વિશ્વ મીટ માંડીને બેઠું છે તેના પરિણામો વ્યાપક અસર કરશે
ગત વર્ષે ઘણી ઉથલપાથલ અને ગતિવિધિઓ બતાવીને પસાર થઈ ગયું છે. હવે જે નવું વર્ષ શરૂ થયું છે તે પણ વૈશ્વિક રીતે અનેક કામગીરી અને પરિસ્થિતિઓનું સર્જન કરે તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને રાજકારણની દ્રષ્ટિએ વિચારીએ તો આ વર્ષ ખૂબ જ મહત્ત્વનું રહેવાનું છે. જાણકારોના મતે ૨૦૨૬નું વર્ષ ચૂંટણીઓનું વર્ષ રહેવાનું છે. આ વર્ષે ભારતના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓના સાથે સાથે વિશ્વના ૪૦ દેશોમાં ચૂંટણી યોજવાની છે. ભારતમાં જોઈએ તો કેરળ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પુડ્ડુચેરી અને અસમમાં ચૂંટણી થવાની છે. ભારતના ભાજપ અને કોંગ્રેસ પક્ષો માટે આ પાંચેય રાજ્યોની ચૂંટણી ખૂબ જ મહત્ત્વની સાબિત થવાની છે. ૧૧ જાન્યુઆરીથી વિશ્વભરની ચૂંટણીઓની શરૂઆત થશે. બેનીન દેશની ચૂંટણી સાથે વૈશ્વિક ચૂંટણીની શરૂઆત થશે અને ત્યારબાદ જાન્યુઆરીમાં જ યુગાન્ડા, પોર્ટુગલ અને મ્યાંમાર ખાતે ચૂંટણી યોજવાની છે. અનુક્રમે ૧૫ જાન્યુઆરી, ૧૮ જાન્યુઆરી અને ૨૫ જાન્યુઆરીના રોજ આ ચૂંટણીઓ યોજાશે.
બીજા મહિનાથી મહત્ત્વની ચૂંટણીઓની શરૂઆત થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ એશિયાના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો ભારતના બે મહત્ત્વના પાડોશી દેશોમાં ચૂંટણી યોજાવાની છે. સૌથી પહેલાં તો બાંગ્લાદેશમાં ચૂંટણી થવાની છે. ત્યારબાદ તબક્કાવાર નેપાળમાં પણ ચૂંટણી યોજાવાની છે. આ સિવાય ભારતને અસર કરે તેવી ચૂંટણીમાં બ્રાઝિલ, અમેરિકાની મિડટર્મ ચૂંટણી અને અન્ય કેટલાક દેશોની ચૂંટણી છે. તેના કારણે સમગ્ર વિશ્વમાં પાવર ડાયનામિક્સમાં સતત ફેરફાર જોવા મળશે. ભારત માટે તો આ ચૂંટણીઓ મહત્ત્વની જ છે. ભારતમાં પાંચ રાજ્યોમાં અને તેના મિત્ર દેશો અને પાડોશી દેશો જ્યાં હિંસા ફાટેલી છે ત્યાં ચૂંટણીઓ થવાની છે. તેથી તમામ ચૂંટણીઓના પરિણામોની અસર ભારત ઉપર પડવાની જ છે. બાંગ્લાદેશ, નેપાળ, થાઈલેન્ડ, ઈઝરાયેલ, રશિયા અને બ્રાઝિલ જેવા મોટા દેશોની ચૂંટણી ઉપરાંત અમેરિકાની પોતાની મીડટર્મ ચૂંટણી જેના પરિણામો સીધા જ ભારત ઉપર અસર કરી શકે છે.
સૌથી પહેલાં તો બાંગ્લાદેશ ઉપર નજર જાય છે જ્યાં ફેબુ્રઆરીમાં ચૂંટણી છે. શેખ હસિનાની સત્તા ગયા બાદ બાંગ્લાદેશનું રાજકારણ બદલાઈ ગયું છે, સમાજકરણ બદલાઈ ગયું અને અર્થતંત્ર પણ ખાડે જઈ રહ્યું છે. બાંગ્લાદેશમાં કટ્ટરવાદી માનસિકતા અને હિન્દુ તથા ભારત વિરોધી માનસકિતા વિકસી રહી છે. બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાના કારણે ભારત સાથેના તેના સંબંધો તંગ થઈ ગયા છે. શેખ હસીનાની સરકાર દ્વારા પંદર વર્ષ સુધી ભારત સાથે સારા સંબંધો ટકાવી રાખવામાં આવ્યા હતા અને તેમના નેતૃત્વની અવામી લીગની સરકાર પડી ભાંગતા ૨૦૨૪થી બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર છે જે કશું જ કરી શકે તેમ નથી. તેના કારણે બાંગ્લાદેશમાં હિંસા ફેલાઈ છે અને ભારત સાથેના સંબંધો વણસી ગયા છે. શેખ હસીના અને તેની સરકાર દ્વારા ભારત સાથે ઘણા સારા સંબંધો રાખવામાં આવ્યા હતા. હસીનાના ગયા બાદ પહેલી વખત બાંગ્લાદેશમાં ચૂંટણી થવાની છે. બાંગ્લાદેશની હાલની વચગાળાની યુનુસ સરકાર દ્વારા શાંત, પારદર્શક અને લોકોપયોગી ચૂંટણી કરવાનો વાયદો અપાયો છે. તે ઉપરાંત બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને તેની સાથે સંકળાયેલા જમાત-એ-ઈસ્લામી સહિતના ઈસ્લામિક સંગઠનોને રાજકારણમાં પ્રવેશ આપવા જેવી છુટ અપાઈ છે. ભારત માટે આ પાર્ટી અને તેની કામગીરી ચિંતાજનક છે.
બીએનપી મોટાભાગે પાકિસ્તાન અને ચીન સાથે જોડાઈને કામ કરવાનું પસંદ કરનારી પાર્ટી છે. હાલના સંજોગોમાં વિચારીએ તો ભારત માટે સિક્યોરિટી સૌથી મોટો પ્રશ્ન છે. બાંગ્લાદેશમાં સત્તામાં ઉથલપાથલ થઈ અને તેના કારણે જો હિંસા વધારે ફેલાઈ તો ભારતના નોર્થ ઈસ્ટના રાજ્યોમાં સમસ્યા સર્જાવાની શક્યતાઓ રહેલી છે. બીજી તરફ ભારતે બાંગ્લાદેશ થકી નોર્થઈસ્ટરમાં વિકાસ પ્રોજેક્ટમાં વ્યાપક રોકાણ કરેલું છે. તેના કારણે જ જો બાંગ્લાદેશમાં કંઈક ઉંચનીચ થઈ તો તેની અસર આર્થિક રીતે પણ મોટાપાયે પડી શકે તેમ છે.
બાંગ્લાદેશની જેમ નેપાળમાં પણ આંતરિક હિંસા અને ક્રાંતિએ સમગ્ર દેશને હચમચાવી કાઢયો હતો. અહીંયા પણ આ જેન ઝી ક્રાંતિ બાદ પહેલી ચૂંટણી આવી રહી છે. ભ્રષ્ટાચાર અને નેપોટિઝમ આધારિત રાજકારણથી કંટાળેલા યુવાનો દ્વારા સત્તા ઉખાડી કાઢવામાં આવી હતી. અહીંયા પાંચમી માર્ચે નેપાળી કોંગ્રેસ તથા સીપીએન-યુએમએલ તથા માઓઈસ્ટ સેન્ટર જેવી પાર્ટીઓ દ્વારા ચૂંટણી મેદાનમાં ઝંપલાવવામાં આવશે. ભારતે હાલમાં તો નેપાળ સાથે સંબંધો જાળવી રાખે છે છતાં નવી પેઢીની નવી પાર્ટી અને રાજકારણીઓ જો સત્તામાં આવશે તો સ્થિતિ કેવી રીતે પલટાશે તે જોવાનું રહેશે.
બ્રાઝિલમાં પણ નવી સરકારની રચના થવાની છે. આમ તો ઉતાવળ નથી છતાં બ્રાઝિલમાં જૂના પ્રમુખના સમર્થકો અને નવા પ્રમુખપદાના દાવેદારો અને તેમના સમર્થકો વચ્ચેનો સંઘર્ષ છે. નવાઈની વાત એ છે કે, હાલમાં જૂના પ્રમુખ બોલ્સોનારોની પોતાની ઉમેદવારી અંગે અનિશ્ચિતતા છે છતાં તેમની પાર્ટી ચૂંટણી વિજયના સપના જઈ રહી છે. બ્રાઝિલના વિકાસ, ઈકોનોમી, પર્યાવરણની સુરક્ષા અને વિશ્વ સાથેના જોડાણ અંગે બે જુદા જુદા વિઝન ધરાવતી પાર્ટીઓ વચ્ચે સંગ્રામ જામવાનો છે. બ્રિક્સ સંગઠનના સાથીદાર તરીકે ભારત માટે આ ચૂંટણી પણ મહત્ત્વની સાબિત થશે.
અન્ય દેશોની વાત કરીએ તો ફેબુ્રઆરીમાં બાંગ્લાદેશ ઉપરાંત થાઈલેન્ડ, કોસ્ટારિકા, લાઓસમાં ચૂંટણી થવાની છે. તેવી જ રીતે રિપબ્લિક ઓફ કોંગો, નેપાળ, કોલમ્બિયા, વિયેતનામ અને સ્લોવેનિયામાં માર્ચ મહિનામાં ચૂંટણી યોજવામાં આવશે. ૧૨ એપ્રિલે બેનીન અને પેરુ દ્વારા પ્રમુખપદ અને સંસદની રચનાની ચૂંટણી કરવામાં આવશે.
મે મહિનામાં સાયપ્રસ અને કોલમ્બિયા દ્વારા પાર્લામેન્ટ્રી અને પ્રેસિડેન્ટ ઈલેક્શન યોજવામાં આવશે. ઈથોપિયા અને આર્મેનિયામાં નવી સરકારની રચના માટે જૂન મહિનામાં ચૂંટણી યોજવાની છે. ઓગસ્ટમાં ઝામ્બિઆ અને હૈતિમાં ચૂંટણી યોજાશે.
સપ્ટેમ્બરમાં સ્વીડનની ચૂંટણી યોજાશે. બીજી તરફ રશિયામાં પણ પાર્લામેન્ટ્રી ચૂંટણી યોજવાની છે. ઓક્ટોબરમાં ડેનમાર્ક, બ્રાઝિલ તથા બોસ્નિયા અને હેર્ઝેગોવિના ખાતે ચૂંટણી યોજાશે. નવેમ્બરમાં બ્લગેરિયામાં ચૂંટણી યોજવાની છે. વર્ષના અંતિમ મહિના ડિસેમ્બરમાં ગામ્બિયા, સાઉથ સુદાન ખાતે ચૂંટણી યોજવામાં આવનારી છે.
- અમેરિકાની મીડટર્મ ચૂંટણી ઉપર સમગ્ર વિશ્વની નજર ટકેલી રહેશે
અમેરિકામાં ૩ નવેમ્બરના રોજ મધ્યસત્ર ચૂંટણી થવાની છે. રિપબ્લિકન્સ માટે આ ચૂંટણી લિટમસ ટેસ્ટ સમાન સાબિત થશે. ખાસ કરીને અમેરિકન કોંગ્રેસની ૧૨૦મી ટર્મ અને ડોનાલ્ડ ટ્રમ્પની સત્તા સામે કેવા પડકાર આવે છે અને ડેમોક્રેટ્સ દ્વારા કેવી કામગીરી કરવામાં આવે છે તેના ઉપર સૌની નજર રહેશે. ખાસ કરીને હાલમાં ભારત અને અમેરિકાના સંબંધો જે રીતે વણસેલા છે તેના ઉપર સૌથી વધારે નજર રહેશે. આ મધ્યસત્ર ચૂંટણીમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ૪૩૫ બેઠકો તથા ૩૩ રેગ્યુલર ક્લાસ ૨ સેનેટ સીટ અને બે સ્પેશિયલ ઈલેક્શન બેઠકો ઉપર જંગ જામશે. હાલમાં રિપબ્લિકન પાસે નજીવી સરસાઈ છે. અત્યાર સુધી ઈતિહાસ રહ્યો છે કે અમેરિકામાં જે પાર્ટી સત્તામાં આવે છે અને વ્હાઈટ હાઉસ ઉપર કબજો કરે છે તે મધ્યસત્રમાં બેઠકો ગુમાવતી જ હોય છે.
જાણકારો માને છે કે જો મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટ્સ પાસે વધારે બેઠકો આવશે તો કન્ટ્રોલ તેમના હાથમાં આવશે. તેના પગલે સ્થિતિ પલટાશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સમગ્ર વિશ્વમાં જે ટેરિફ વોર શરૂ કરાઈ છે, ઈમિગ્રેશન મુદ્દે બેફામ પગલાં લેવાયા છે અને ખાસ કરીને ઈન્ડિયા સાથે જે સમસ્યા ઊભી કરવામાં આવી છે તેનો ઉકેલ લાવવા ઉપર ભાર મુકાશે અને ટ્રમ્પને આવા અવિચારી નિર્ણય મુદ્દે અટકાવવામાં આવશે. અહીંયા કટોકટોનો જંગ છે. ડેમોક્રેટ્સને ૧૩ બેઠકો બચાવવાની છે જ્યારે રિપબ્લિકનને ૧૧ બેઠકો રિપબ્લિકનને બચાવવાની છે. ખાસ કરીને મિશિગન, જ્યોર્જિયા અને નોર્ર્થ કેરોલિના જ્યાં ભારતીયોની વસતી વધારે છે ત્યાં રસાકસી જામે તેમ છે.
આ ઉપરાંત ઓહાયો અને ફ્લોરિડા ખાતે ખાલી પડેલી જેડી વાન્સ અને માર્કો રિબાયોની બેઠક ભરવા માટે પણ ચૂંટણી થશે. આ બંને જગ્યાએથી નવા ચૂંટાનારા ઉમેદવારો સેનેટની ફોરેન પોલિસીને સૌથી વધુ અસર કરનારા સાબિત થશે.
- વર્ષના અંતમાં ઈઝરાયેલ અને રશિયામાં યોજાનારી ચૂંટણી ઉપર યુરોપનું ભવિષ્ય ટકેલું છે
ઈઝરાયેલની ચૂંટણી કાયમ વિચિત્ર અને મોટા પરિવર્તનને આકર્ષિત કરતી રહી છે. આમ તો ઈઝરાયેલમાં વહેલી ચૂંટણી કરવી હોય તો શક્ય છે છતાં એવું દેખાઈ રહ્યું છે કે, ઓક્ટોબરમાં જ ઈઝરાયેલ દ્વારા ચૂંટણી યોજવામાં આવશે. ખાસ કરીને ગાઝા, લેબેનોન સાથે જે સંઘર્ષ થયા ત્યારબાદ આ મહત્ત્વની ચૂંટણી છે. આ યુદ્ધ દરમિયાન ઈઝરાયેલી પ્રમુખ બેન્જામિન નેતન્યાહુની જે ભૂમિકા રહી તેનો લિટમસ ટેસ્ટ આ ચૂંટણી દ્વારા થશે. ભારત માટે આ ચૂંટણી મહત્ત્વની છે. નેતન્યાહુની આગેવાનીમાં ભારત અને ઈઝરાયેલના સંબંધો ખૂબ જ વિકસ્યા હતા.
બંને દેશો એકબીજા માટે સ્ટ્રેટેજિક પાર્ટનર રહયા હતા અને સુરક્ષા મુદ્દે, હથિયાર મુદ્દે, કૃષિ મુદ્દે બંને દેશોએ ઘણી કામગીરી સાથે કરી છે અને એકબીજાના વિકાસમાં યોગદાન આપ્યું છે. બીજી તરફ દાબ અને દબાણમાં રહેલી રશિયાની કહેવાતી લોકશાહી માટે પણ ફરીથી ચૂંટણી આવવાની છે. રશિયાની સંસદના નીચલા ગૃહ માટે સપ્ટેમ્બરમાં ચુંટણી થવાની છે.


