Get The App

દેવું કરી ઘી તો પી લીધું, હવે પૈસા પરત કરવાના ફાંફા!

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
દેવું કરી ઘી તો પી લીધું, હવે પૈસા પરત કરવાના ફાંફા! 1 - image


- પર્સનલ લોન, ક્રેડીટ કાર્ડમાં હપ્તા ભરવામાં નિષ્ફળતાનું પ્રમાણ વધી રહ્યું છે

- છેલ્લા એક દાયકામાં ભારતના ગ્રાહકોએ અમેરિકન ઉક્તિ અનુસાર લોન લઇ, ક્રેડિટ કાર્ડ ઘસી મોજશોખ, વૈભવ અને ખર્ચાઓ કરવામાં આંધળી દોટ મૂકી છે. ચાર્વાક સૂત્રને અનુસરી ભારતીયોએ દેવું કરી ઘી પીવાની વૃત્તિ શરુ કરી છે. આંકડાઓ દર્શાવે છે કે ભારતીય કુટુંબોની મિલકત સામે દેવાનું પ્રમાણ છેલ્લા 50 વર્ષમાં સૌથી ઉંચી સપાટીએ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા અનુસાર વર્ષ 2023-24ના અંતે ભારતીય કુટુંબો પાસે કુલ રૂ.34.32 લાખ કરોડની મિલકતો હતી અને સામે કુલ દેવું 18.79 લાખ કરોડનું હતું. મિલકત સામે દેવાનું પ્રમાણ ૫૫ ટકા થયું છે! માર્ચ 2025 સુધીના ક્રેડીટ બ્યૂરોનાઆંકડા દર્શાવે છે કે ઓટો લોન, પર્સનલ લોન અને ક્રેડીટ કાર્ડનું દેવું ભરવામાં લોકોને ફાંફા પડી રહ્યા છે. આ સમસ્યામાં હવે આઈટી ક્ષેત્રમાં મંદી અને ઉપરથી રોજગારીનું સર્જન કરતા ઉદ્યોગો ઉપર ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનો ઉમેરો થયો છે. જો ટેરિફની સમસ્યાનો ત્વરિત ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં વધુને વધુ લોકો લોનના હપ્તા ભરી શકશે નહીં

દેવું કરી ધી પી લેવાની વૃત્તિ બાદ હવે લોન ભરપાઈ કરવામાં તકલીફ વધી રહી હોવાનો સંકેત સત્તાવાર આંકડાઓ આપી રહ્યા છે. છેલ્લા દસ વર્ષમાં ડિજિટલ કેવાયસી, માત્ર મોબાઈલ ઉપર પળવારમાં મળતી લોન અને ક્રેડીટ કાર્ડના કારણે ગ્રાહકો આડેધડ લોન લઇ પોતાની મોજશોખ પૂરો કરી રહ્યા છે. દેખાદેખીમાં પોતાની આવકનો સ્ત્રોત જોવાના બદલે બાજુવાળાએ ખરીદેલી ગાડી કે મોબાઈલ મારે પાસે કેમ નથી.. એવું વિચારી આ ખરીદી પાછળ ડોટ મૂકી રહ્યા છે. અર્થતંત્ર મજબૂત હોવાનો દાવો કરવા માટે ચીજોના વધી રહેલા વેચાણને આગળ ધરવામાં આવે છે. હકીકતમાં આ વેંચાણ લોન લઇ પૂર્ણ કરવામાં આવ્યું છે અને હપ્તા ભરવાની, સમયસર ભરવાની જવાબદારી અંગે કોઈ વિચાર થતો નથી. લોન એક એવી વસ્તુ છે જેમાં વર્તમાનમાં નાણા ખિસ્સામાં આવ્યાનો ઉન્માદ હોય છે પણ ભવિષ્યમાં તે ભરપાઈ કરવાની ચિંતા કોણ નથી કરતું! 

સૌથી પહેલા સમજીએ કે વ્યક્તિગત ધિરાણ કેટલું વિશાળ બની ગયું છે. એપ્રિલ ૨૦૦૭થી ઉપલબ્ધ આંકડા અનુસાર બેંકોના કુલ ધિરાણમાં ઉદ્યોગોનો હિસ્સો ૩૬ ટકા, સર્વિસ ક્ષેત્ર (રિટેલ દુકાનો, ટ્રાન્સપોર્ટ સેવાઓ વગેરે)નો હિસ્સો ૨૨ ટકા અને વ્યક્તિગત લોનનો હિસ્સો ૨૫ ટકા હતો. એપ્રિલ ૨૦૨૫માં આ ચિત્ર બદલાયું છે. ઉદ્યોગો કરતા વ્યક્તિગત લોન વધારે છે. અત્યારે કુલ લોનમાં ઉદ્યોગોનો હિસ્સો ૨૧ ટકા, સેવાઓનો હિસ્સો ૨૮ ટકા જયારે વ્યક્તિગત ધિરાણનો હિસ્સો ૩૩ ટકા થઇ ગયો છે! એપ્રિલ ૨૦૨૫ની સ્થિતિએ પર્સનલ બાકી લોન અધધ રૂ.૫૯.૮૦ લાખ કરોડની છે જ્યારે ઉદ્યોગોની બાકી લોન રૂ.૩૮.૯૫ લાખ કરોડની છે. ક્રેડિટ કાર્ડ ઉપર ખરીદીનો વ્યાપ પણ ફાટયો છે. એપ્રિલ ૨૦૧૬ના ભારતમાં કુલ ૨.૫ કરોડ ક્રેડિટ કાર્ડ હતા અને એ મહિનામાં રૂ.૨૩,૦૧૦ કરોડની ખરીદી કે ખર્ચ કાર્ડ થકી થયો હતો. એપ્રિલ ૨૦૨૫ના અંતે દેશમાં ૧૧.૦૪ કરોડ ક્રેડિટ કાર્ડ હતા અને રૂ.૧,૮૪,૨૩૭ કરોડની ખરીદી કે ખર્ચ કાર્ડ ઘસી કરવામાં આવ્યો હતો. 

ધિરાણ લીધા પછી તેની સમયસર ચૂકવણીના આધારે ગ્રાહકોના ક્રેડિટ સ્કોર નક્કી થયા છે. આ નક્કી કરતી સંસ્થાઓ લોન આપનાર બેંક કે કંપની પાસેથી ડેટા એકત્ર કરી દર મહિને વ્યક્તિના ક્રેડીટ સ્કોર જાહેર કરે છે. ક્રીફ હાઈમાર્ક નામની સંસ્થા આવી જ એક એજન્સી છે. એજન્સીના આંકડાઓ અનુસાર ૩૦ દિવસથી વધારે બાકી લોન (એટલે એક હપ્તો બાકી હોય તે)થી ૧૮૦ દિવસ (છ મહિના સુધી નિયત ચૂકવણીમાં નિષ્ફળતા) છેલ્લા ત્રણ વર્ષથી વધી રહી છે. સ્થિતિ બહુ વિકરાળ નથી પરંતુ, આર્થિક પ્રવૃત્તિ ધીમી પડે તો તે વિકરાળ બની શકે એમ છે.

ક્રીફ હાઈમાંર્ક અનુસાર, દેશમાં પર્સનલ રૂ.૧૦.૨૦ લાખ કરોડની કુલ પર્સનલ લોનમાંથી હપ્તો ભરવામાં ચુકી જનારા લોકોનું પ્રમાણ માર્ચ ૨૦૨૫માં રૂ.૫૬,૧૬૦ કરોડ થયું છે. ૩૦ દિવસથી ૧૮૦ સુધી હપ્તો સમયસર નહીં મળતા બેંક કે કંપની ગ્રાહકના ડિફોલ્ટ અંગે ક્રેડીટ બ્યુરોને જાણ કરે છે. ઉપરોક્ત આંકડામાં ૧૮૦ દિવસથી વધારે લોન જેને નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ) ગણવામાં આવે છે તેનો સમાવેશ થતો નથી.

દેશમાં કુલ રૂ.૫,૮૦,૭૮૪ કરોડનો વાહનો માટેની ઓટો લોન્સ છે. આવી લોન લેનાર પણ સમયસર હપ્તો ચૂકવી નહી શકતા. ક્રીફ હાઈમાર્કના આંકડાઓ અનુસાર, માર્ચ ૨૦૨૫ના અંતે ૩૦ દિવસથી ૧૮૦ દિવસ સુધી હપ્તો ચુકવવામાં નિષ્ફળતાનું પ્રમાણ રૂ.૨૪,૮૬૮ કરોડ નોંધાયું છે. આ લોન સિવાય સૌથી વધારે ઉપયોગ ક્રેડિટ કાર્ડનો કરવામાં આવે છે. ગ્રાહકને ૩૦ દિવસ સુધી વગર વ્યાજના પૈસા વાપરવા આપતી ક્રેડીટ કાર્ડ કંપનીઓ સમયસર બિલની ચુકવણી થાય નહીં તો વાર્ષિક ૩૫થી ૪૫ ટકા સુધીનું વ્યાજ અને દર મહિને, વ્યાજ ઉપર વ્યાજ વસૂલે છે! માર્ચ ૨૦૨૫ના અંતે ક્રેડિટ કાર્ડ ઉપર ૩૦ દિવસથી ૧૮૦ દિવસ સુધી બાકી હોય તેવી રકમનું પ્રમાણ રૂ.૩૯,૧૫૮ કરોડ હોવાનું આ અહેવાલ જણાવે છે. 

હજી ચિંતાના બે મહત્વના આયામ જાણવા જરૂરી છે. એક, રૂ.૧૦,૦૦૦ કે તેનાથી ઓછી રકમની પર્નસલ લોન પરત થવામાં સૌથી વધુ નિષ્ફળતા જોવા મળી રહી છે. અને બીજું, ટીયર થ્રી એટલે કે નાના શહેરોમાંથી લોનની પરત ચૂકવણીમાં વિલંબ વધી રહ્યો છે. 

છેલ્લા ત્રણ વર્ષમાં ડિજિટલ લેન્ડિંગ (એટલે કે મોબાઈલ એપ ઉપર પાન કાર્ડ અને આધારના દસ્તાવેજો થકી) માત્ર પળવારમાં ધિરાણ ઉપલબ્ધ બન્યું છે. ડિજિટલ લેન્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના આંકડા અનુસાર ડિસેમ્બર ૨૦૨૩થી જૂન ૨૦૨૪ વચ્ચે રૂ.૧૦,૦૦૦ સુધીની લોનમાં વિલંબનું પ્રમાણ ૪૪ ટકા જેટલું છે. એટલે કે લગભગ બે ધિરાણ લેનાર ગ્રાહકમાંથી એક પરત કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યો છે! 

માર્ચ ૨૦૨૫માં પણ આ સ્થિતિ સુધરી નથી. ફિનટેક એસોસિએશન ફોર કન્ઝયુમર એમ્પાવરમેન્ટ (ફેસ)ના અહેવાલ અનુસાર ૯૦ દિવસથી વધારે બાકી હોય તેવી લોનનું પ્રમાણ કુલ લોનના ૩.૬ ટકા થયું છે જે છેલ્લા બે વર્ષમ સૌથી ધારે છે. નાના શહેરોમાંથી કુલ નવી લોનના ૪૪ ટકાનું પ્રમાણ છેલ્લા બે વર્ષમાં જોવા મળ્યું હતું હવે આ શહેરોમાંથી લોન પરત નથી આવી રહી છે. ફેસના અહેવાલ અનુસાર નાના શહેરોમાંથી કુલ લોનના ૪.૨ ટકા અને ગ્રામ્ય ક્ષેત્રમાંથી ૪.૧ ટકા છેલ્લા ૯૦ દિવસથી પરત આવી રહ્યા નથી.  દેશમાં વ્યક્તિગત ધિરાણ, ખાસ કરીને કન્ઝયુમર લોનમાં બજાજ ફાઈનાન્સ સૌથી અગ્રણી કંપનીની સ્થિતિ પણ વ્યક્તિગત ધિરાણમાં તકલીફ હોવાનું સૂચવે છે. જૂન ૨૦૨૫ના ક્વાર્ટરના પરિણામ જાહેર કરતા બજાજ ફાઈનાન્સે પણ લોન પરત થવામાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે જે ગ્રાહક એક કરતા વધારે લોન લઇ રહ્યો છે તેના ઉપર ચોક્કસ ધ્યાન કેન્દ્રિત કરી તેનું પ્રમાણ ઘટાડવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સૌથી મહત્વની વાત છે કે બજાજ ફાઈનાન્સની દરેક પ્રકારની લોનમાં વિલંબમાં વધારો જોવા મળી રહ્યો છે. 

આઈટી ક્ષેત્રમાં નોકરીઓ જશે તો બેંકોની હાલત બગડશે

દેશમાં વ્હાઈટ કોલર જોબ (એટલે કે ઓફીસમાં બેસી કરવાની નોકરી જેમાં પગાર ધોરણ સારા હોય)આપવામાં છેલ્લા ત્રણ દાયકામાં ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રનો હિસ્સો અવ્વલ રહ્યો છે. આઈટી ક્ષેત્રના વિકાસના કારણે દેશની કુલ પર્સનલ લોનમાં કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોનો મહત્તમ હિસ્સો જોવા મળે છે. લગભગ ત્રીજા ભાગની લોન આ ત્રણ રાજ્યોના ફાળે છે. આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના કારણે આ નોકરીઓ ઉપર જોખમ વધ્યું છે. દેશની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસે તાજેતરમાં ૧૨,૦૦૦ કર્મચારીઓ છુટા કરવાની જાહેરાત કરી છે. આ સિવાય છેલ્લા એક વર્ષથી આઈટી કંપનીઓમાં નવી નોકરીઓનું પ્રમાણ ઘટયું છે, પગાર વધારો પણ ઘટયો છે. આ કિસ્સામાં હજી નોકરીઓનું પ્રમાણ ઘટે તો સૌથી પહેલી અસર ક્રેડીટ કાર્ડના બીલ ભરવામાં, પછી કન્ઝયુમર લોન ભરવા માટે અને છેલ્લે હાઉસિંગ લોન ભરવા ઉપર પડે છે. એવી શક્યતા છે કે કુલ ધિરાણ ઘટવાની સાથે હવે એનપીએ પણ વધી શકે છે. 

ટેરિફની અસરથી નોકરીઓ ઉપર સંભવિત જોખમ પણ ચિંતાજનક 

અમેરિકાએ ભારત ઉપર ટેરિફ યુદ્ધ શરૂ કર્યું છે. કુલ ૫૦ ટકા ટેરિફ લાદતા ભારતમાં રોજગારીનું સર્જન કરતા સૌથી મોટા ક્ષેત્રો ટેક્સટાઈલ્સ, ઓટો પાર્ટ્સ અને જેમ્સ એન્ડ જ્વેલરી માટે અમેરિકા સથે બિઝનેસ કરવો અશક્ય થઇ ગયો છે. જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં લેબગ્રોન ડાયમંડના કારણે અગાઉથી મંદી હતી ત્યાં આ બીજી ચિંતા ઉમેરાઈ છે. ટેરિફના કારણે ભારતથી ખરીદી કરતા એમેઝોન, વોલમાર્ટ જેવી કંપનીઓ પોતાના નવા ઓર્ડર બંધ કર્યા છે અને ભારતીય ઉત્પાદકોને માલ નહીં મોકલવા જાણ કરી છે.

 ટેરિફની સમસ્યા લાંબો સમય ચાલે, તેનો ઉકેલ જલ્દી નહી આવે તો અહીં પણ કર્મચારીઓ છુટા કરવાની શક્યતા રહેલી છે તેની અસર પણ બેન્કિંગ અને ફાઈનાન્સ ઉપર થઇ શકે છે.

30 દિવસથી વધારે બાકી ધિરાણ

રૂ. કરોડ

ઓટો લોન્સ

પર્સનલ લોન

ક્રેડીટ કાર્ડ

માર્ચ ૨૦૨૩

૨૦,૦૨૨

૩૪,૯૯૬

૨૫,૦૨૮

માર્ચ ૨૦૨૪

૨૦,૫૮૮

૨૪,૭૦૮

૩૦,૩૨૦

માર્ચ ૨૦૨૫

૨૪,૮૬૮

૫૬,૧૬૦

૩૯,૧૫૮


(સ્ત્રોતઃ ક્રીફ હાઈમાર્ક)

Tags :