Get The App

3 દેશોનો અહંકાર, આતંકના નામે ઈસ્લામિક દેશો પર હુમલા કરવાની ઈઝરાયલની નીતિએ દુનિયાને મુશ્કેલીમાં મૂકી

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
3 દેશોનો અહંકાર, આતંકના નામે ઈસ્લામિક દેશો પર હુમલા કરવાની ઈઝરાયલની નીતિએ દુનિયાને મુશ્કેલીમાં મૂકી 1 - image

- સત્તા ભુખ્યા પેન્ટાગોનની જીદ, આતંકના નામે ઈસ્લામિક દેશો ઉપર હુમલા કરવાની ઈઝરાયેલની આડોડાઈએ દુનિયાને મુશ્કેલીમાં લાવી દીધું 

- દુનિયાનો સૌથી ધનિક દેશ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને સૌથી વધારે મદદ કરનારા અને સાચવનાર દેશ હોવાના નામે તે દાયકાઓથી જગત જમાદારી કરી રહ્યો છે. હાલમાં તેને રોકનાર કે તેની સામે અવાજ ઉઠાવે તેવી કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા જ નથી. અમેરિકા હવે યુએનને પણ કોરાણે મૂકીને મનમાની કરી રહ્યું છે : અમેરિકાનો અને ખાસ કરીને સત્તાભુખ્યા અને લાલચી પેન્ટાગોનનો સૌથી મોટો આશય ઈરાનના ક્રૂડ અને ગેસના કેન્દ્રો ઉપર કબજો જમાવવાનો છે. અમેરિકા હકિકતે ઈરાનના ક્ડ અને ગેસના ભંડારો પોતાના કબજે કરવા માગે છે જેથી વૈશ્વિક સ્તરે પોતાનું નિયંત્રણ બનાવી શકે. તેના કારણે આ ત્રણેય દેશોના આ અહંકારની જે લડાઈ થઈ તેમાં સમગ્ર દુનિયાનો સોથ વળી ગયો છે : ઊર્જા સંકટનો સામનો કરવા દુનિયાભરના દેશો પોતપોતાનીરીતે સંસાધનો શોધી રહ્યા છે પણ તે કાયમી સમાધાન બની શકે નહીં. અહંકાર, આડંબર અને આક્રમકતાના કારણે જે વૈશ્વિક સ્થિતિ ઊભી થઈ છે તેનો કાયમી ઉકેલ નહીં આવે તો વૈશ્વિક અર્થતંત્ર પત્તાના મહેલની જેમ ધ્વસ્ત થઈ જશે. અમેરિકા અને ખાસ કરીને પેન્ટાગોનની સત્તાભુખ આખી દુનિયાને લઈ ડૂબશે 

વિશ્વ માટે એકવીસમી સદી જેટલી વિકાસ, નવાનિન્ય, આધુનિકતા, ટેક્નોલોજી અને અન્ય પરિબળો લઈને આવી છે ત્યાં આ સદીના ત્રણ દાયકા વિવિધ યુદ્ધ અને તેના વિનાશ પણ લઈને આવ્યા છે. હાલમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધની સ્થિતિ છે અને તેને અટકાવવા માટે જાતભાતના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે એકંદરે સફળ થાય તેવું લાગતું નથી. તેનું સૌથી મોટું કારણ એ છે કે, આ ત્રણેય દેશો પોતાના અહંકારને મૂળમાં રાખીને લડી રહ્યા છે અને સમાધાન માટે બેસવા તૈયાર થયા છે છતાં તેમનો અહંકાર બાજુએ રાખ્યો નથી. ઈરાન હોર્મુઝની ખાડી માટે જાતભાતની શરતો મુકી રહ્યું છે તો ઈઝરાયેલ પણ લેબેનોન ઉપર હુમલા કરી રહ્યું છે. બીજી તરફ અમેરિકા સતત ઈરાનને નષ્ટ કરવાની ધમકી આપી રહ્યું છે. 

હકિકતે જોઈએ તો તેમાં સૌથી ખરાબ સ્થિતિ અમેરિકાએ ઊભી કરેલી છે. દુનિયાનો સૌથી ધનિક દેશ, આંતર રાષ્ટ્રીય સંસ્થાઓને સૌથી વધારે મદદ કરનારા અને સાચવનાર દેશ હોવાના નામે તે દાયકાઓથી જગત જમાદારી કરી રહ્યો છે. હાલમાં તેને રોકનાર કે તેની સામે અવાજ ઉઠાવે તેવી કોઈ આંતર રાષ્ટ્રીય સંસ્થા જ નથી. અમેરિકા હવે યુએનને પણ કોરાણે મૂકીને કામ કરી રહ્યું છે. તેનું મોટું કારણ એ છે કે, સંયુક્ત રાષ્ટ્રો હોય કે યુનેક્સો કે અન્ય આંતર રાષ્ટ્રીય સંસ્થાઓ અને વર્લ્ડ બેન્ક તમામ સંસ્થાઓમાં અમેરિકા અબજો ડોલરનું ભંડોળ આપે છે. આ સિવાય ઘણા દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને કરોડો ડોલરની લોન આપીને તેમને મજબૂર બનાવી દીધા છે. તેના પગલે જ હાલમાં અમેરિકાની વિરુદ્ધ કોઈ બોલી શકે તેમ નથી. તેવી જ રીતે ઈસ્લામિક વિચારસરણી અને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં સૌથી વધુ વર્ચસ્વ ધરાવનાર ઈરાનને આ અમેરિકી તઘલખી વિચારધારા પસંદ નથી. તે અમેરિકાને તાબે થવા માગતું નથી. આ બાજુ ઈઝરાયેલને વર્ષોથી ઈરાન સામે વાંધો છે અને અન્ય ઈસ્લામિક દેશો સામે પણ વાંધો છે. તે આતંકવાદના બહાને સતત આ બધા સાથે લડતું રહે છે. છેલ્લાં ૪૦ દિવસથી વિશ્વ જે મુશ્કેલીમાં મુકાયું છે તે આ ત્રણેય દેશોના અહંકારના ટકરાવના કારણે જ થયું છે. 

હાલમાં ત્રણેય દેશો યુદ્ધ વિરામ કરીને સ્થિતિનો કાયમી ઉકેલ લાવવા માટે પાકિસ્તાન ખાતે મિટિંગ કરવા ભેગા થયા છે. યુદ્ધ વિરામની હાલમાં મુખ્ય બે શરતો હતી કે આગામી ૧૪ દિવસ સુધી અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાનના કોઈપણ ઠેકાણા ઉપર હુમલો કરવામાં નહીં આવે. બીજી તરફ ઈરાન પણ હોર્મુઝની ખાડી ખુલ્લી મુકવા માટે તૈયાર થયું છે. આ તમામ જહાજો ઈરાની સેનાની દેખરેખ હેઠળ જ પસાર થશે તેવું પણ તેણે કહ્યું હતું. ઈસ્લામાબાદ ખાતે ચર્ચા માટે ભેગા થવા માટે અને ઉકેલ લાવવા માટે ઈરાને દસ મુદ્દાનો એક મુસદ્દો આપ્યો હતો. તેના અનુસંધાનમાં જ અમેરિકા અને ઈઝરાયેલ ચર્ચા કરવા રાજી થયા છે.  મહત્ત્વની વાત એ છે કે, ઈરાને પહેલાં તો પોતાના ઉપર લગાવાયેલા તમામ પ્રતિબંધો દૂર કરવાની જે હિંસા અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવી છે તેનાથી જે નુકસાન થયું તેનું વળતર આપવાની માગણી કરી છે. તેણે લેબેનોન ઉપર પણ ઈઝરાયેલી હુમલા અટકાવવાની શરત મૂકી છે. 

બીજી તરફ ઈઝરાયેલા આ શરત ફગાવી દીધી છે. તેનું કહેવું છે કે, આતંકવાદ વિરુદ્ધ તેની લડાઈ ચાલુ જ રહેશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકી પ્રમુખે ગત અઠવાડિયે જ ધમકી ઉચ્ચારી હતી કે જો મંગળવાર સુધીમાં ઈરાન સમજૂતી માટે તૈયાર નહીં થાય તો સમગ્ર ઈરાનને નષ્ટ કરી દેવામાં આવશે. તેના પગલે જ ઈરાન સમજૂતી માટે રાજી થયું હતું. 

સમજવા જેવી બાબત એ છે કે, ભૂમધ્ય સાગર પાસેનું ખાડી ક્ષેત્ર દુનિયાના એનર્જી સપ્લાયનું કેન્દ્ર ગણાય છે. સાઉદી અરબ, સંયુક્ત આરબ અમીરાત, કતાર, જેવા દેશો ક્રૂડ અને ગેસના ટોચના ઉત્પાદકો હોવાની સાથે સાથે અમેરિકાની કૂટનીતિ અને રણનીતિના પણ ભાગીદાર છે. અમેરિકાએ દાયકાઓ પહેલાં પોતાની કૂટનીતિ અને પૈસાના જોરે આ તમામ દેશોને તેના હેતુઓ સિદ્ધ કરવા માટે સાધી લીધા હતા પણ ઈરાન ક્યારેય તેની જાળમાં ફસાયું નહોતું. તેના કારણે ખાડી દેશોમાં અમેરિકાનું સમીકરણ બગડી રહ્યું હતું. ઈરાન ન્યૂક્લિયર રિએક્ટર ઉપર કામ કરી રહ્યું છે અને ન્યૂક્લિયર વેપન્સ બનાવી રહ્યું હોવની શંકા અમેરિકાને દાયકાઓથી પીડા આપી રહી છે. 

અમેરિકાએ અત્યાર સુધી ઈરાન સામે આકરા પગલાં લીધા નહોતા. હાલમાં સત્તા ઉપર રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની જડ મનોવૃત્તિના પગલે ઈરાનને તાબે કરવા યુદ્ધનો નિર્ણય લઈ લીધો. બીજી તરફ ઈઝરાયેલને ઢાલ બનાવીને હુમલા શરૂ કરવામાં આવ્યા અને તેના કારણે ઈરાન સીધું જ યુદ્ધ માટે સજ્જ થઈ ગયું. 

આ યુદ્ધને પગલે છેલ્લાં ૪૦ કરતા વધારે દિવસથી પશ્ચિમ એશિયા ભડકે બળી રહ્યું છે. અમેરિકાએ ઈરાનના ક્રૂડ અને ગેસના ઠેકાણાઓ તોડીને તેને આર્થિક રીતે પાયમાલ કરવાનો પણ પ્રયાસ કર્યા હતો. તેનું પરિણામ એ આવ્યું કે, ઈરાને સમગ્ર વિશ્વને પહોંચતો ક્ડ અને ગેસનો જથ્થો અટકાવી દીધો. ઈરાન બદલો લેવાના જ મૂડમાં આવી ગયું. તેને પોતાનો સપ્લાય અટકાવવાની સાથે સાથે સાઉદી અરબ, યુએઈ અને કતાર દ્વારા વિશ્વને અપાતો પુરવઠો પણ ખોરવી કાઢવામાં આવ્યો હતો. હજારો જહાજો હોર્મુઝની ખાડીમાં અટવાઈ ગયા હતા. હવે યુદ્ધ વિરામ કરવાના પગલે કદાચ આ સપ્લાય સામાન્ય થાય તેવું લાગી રહ્યું છે. 

યુદ્ધમાં સ્થિતિ એવી થઈ હતી કે, અમેરિકાએ યુદ્ધના પહેલા જ દિવસે ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈ અને તેના પરિવારજનોને ઉડાવી દીધા હતા. તેના હવાઈ હુમલામાં ઈરાનના ઘણા સૈન્ય અધિકારીઓ અને ટોચના નેતાઓ પણ મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત ઈરાન અને ઈઝરાયેલના અન્ય હુમલામાં પણ ખામેનેઈનો પુત્ર અને અન્ય કમાન્ડરો પણ મૃત્યુ પામ્યાના અથવા તો ગંભીર રીતે ઘવાયાના અહેવાલ આવ્યા હતા. તેના પગલે ઈરાન બદલો લેવાના મૂડમાં આવી ગયું હતું. 

ઈરાનમાં બદલો લેવાની ભાવના સામાન્ય લોકોમાં પણ ભડકી અને ઈરાની સેનાએ પોતાનું યોજના ગોઠવીને સમગ્ર વિશ્વને ડખે ચડાવી દીધું. તે ઉપરાંત ઈરાને ખાડી ક્ષેત્રમાં અમેરિકાના સાથી દેશો ઉપર ભયાનક હુમલા કર્યા અને ઈઝરાયેલને પણ વ્યાપક નુકસાન પહોંચાડયું. 

ઉલ્લેખનીય છે કે, અમેરિકાની કામગીરી પાછળ ચાર ઉદ્દેશ રહેલા હતા. સૌથી પહેલાં તો તે ઈરાનની પરમાણુ ઊર્જાના કેન્દ્રો બંધ કરવા માગતું હતું. ઈરાનને કોઈપણ ભોગે પરમાણુ સંપન્ન રાષ્ટ્ર થવા દેવું નહોતું. બીજી તરફ ઈરાનની ધરતી ઉપરથી ફેલાતા આતંકવાદનો તે અંત આણવા માગતું હતું. અમેરિકાનું દ્રઢપણે માનવું છે કે, ઈરાન સમર્થિત આતંકીઓ દ્વારા સમગ્ર વિશ્વમાં કેર વર્તાવાયો છે. તેઓ સમગ્ર  વિશ્વ માટે જોખમી છે અને તેમનો સફાયો કરી દેવો જોઈએ. અમેરિકા અને ઈઝરાયેલનો સૌથી મોટો આશય ઈરાનમાં સત્તા પરિવર્તનનો પણ હતો. 

ઈરાનની પ્રજા પણ ખામેનેઈના ઈસ્લામિક શાસનથી થાકી હોવાના અહેવાલો હતા. અમેરિકા તેમની જ લાગણીનો ઉપયોગ કરીને ઈરાનને મુક્ત અને સરળ રાષ્ટ્ર બનાવવા માગતું હતું. 

અમેરિકાનો અને ખાસ કરીને સત્તાભુખ્યા અને લાલચી પેન્ટાગોનનો સૌથી મોટો આશય ઈરાનના ક્રૂડ અને ગેસના કેન્દ્રો ઉપર કબજો જમાવવાનો છે. અમેરિકા હકિકતે ઈરાનના ક્રૂડ અને ગેસના ભંડારો પોતાના કબજે કરવા માગે છે જેથી વૈશ્વિક સ્તરે પોતાનું નિયંત્રણ બનાવી શકે. તે વૈશ્વિક ઊર્જા બજારમાં પોતાનો દબદબો બનાવવા માગે છે. આ ત્રણેય દેશોના આ અહંકાર અને પોતપોતાના હીતો સાધવાની જે લડાઈ હતી તેમાં સમગ્ર દુનિયાનો સોથ વળી ગયો છે. 

... તો દુનિયાના મોટા મોટા દેશોનું અર્થતંત્ર પત્તાના મહેલની જેમ તૂટી જશે 

હાલમાં દુનિયાભરના દેશો ક્રૂડ અને ગેસના અટકેલા સપ્લાયથી ત્રસ્ત છે. અનેક દેશોમાં રેશનિંગ ઉપર પેટ્રોલ-ડીઝલ આપવામાં આવે છે. ભારતમાં ગેસના બાટલાની તીવ્ર અછત છે. કેટલાક દેશોએ તો લોકડાઉન જેવી સ્થિતિ લાવીને વર્ક ફ્રોમ હોમ આપી દીધું છે. 

આ તમામ સ્થિતિમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે, યુદ્ધને પગલે ઈરાન, અમેરિકા કે ઈઝરાયેલમાં જે લોકો મૃત્યુ પામ્યા તેનાથી દુનિયાને ખાસ પ્રભાવ પડવાનો નથી. ક્રૂડ અને ગેસનો સપ્લાય અટકી ગયો અથવા તો ગેસ આવતો જ બંધ થઈ ગયો તો દુનિયાભરમાં મોટા મોટા અર્થતંત્રોના પૈડા થંભી જશે. ઈરાન પોતે જ ક્રૂડ અને ગેસનો મોટો સપ્લાયર છે અને તે પોતાનો સપ્લાય અટકાવી દેશે તો જે સ્થિતિ થઈ છે તે અનુભવાઈ છે. બીજી તરફ સાઉદી, યુએઈ, કુવૈત, ઓમાન, કતાર જેવા દેશો જે અમેરિકાના સાથીઓ છે તેના પણ ઊર્જા કેન્દ્રો અને ટેક્નોલોજીકલ કેન્દ્રો તેણે નષ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. આ સંજોગોમાં તે બદલો લેવા આક્રમક થયું તો અહીંયા પણ બધું નષ્ટ થઈ જશે અને દુનિયાભરમાં ક્ડ અને ગેસની ભયાનક તંગી સર્જાશે. યુદ્ધ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. તેનાથી ભાવી પેઢી માટે અંધકાર, અભાવ, અછત અને અવસાદનું જ સર્જન થતું હોય છે. આ સમસ્યાથી સર્જાયેલા ઊર્જા સંકટનો સામનો કરવા દુનિયાભરના દેશો પોતપોતાનીરીતે સંસાધનો શોધી રહ્યા છે પણ તે કાયમી સમાધાન બની શકે નહીં. અહંકાર, આડંબર અને આક્રમતાના કારણે જે વૈશ્વિક સ્થિતિ ઊભી થઈ છે તેનો કાયમી ઉકેલ નહીં આવે તો વૈશ્વિક અર્થતંત્ર પત્તાના મહેલની જેમ ધ્વસ્ત થઈ જશે. અમેરિકા અને ખાસ કરીને પેન્ટાગોનની સત્તાભુખ આખી દુનિયાને લઈ ડૂબશે.