For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકાની ધમકીને ભારતે ડસ્ટબિનમાં પધરાવી દેવી જોઈએ

Updated: Sep 11th, 2022

Article Content Image

- રશિયાએ ભારત-ચીન સહિતના દેશોને સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ આપવા માંડતા તેમનું અર્થતંત્ર ટકી ગયું હતું

- રશિયા ભારતને પ્રતિ બેરલ 30 ડોલર ઓછા ભાવે ક્રૂડ આપે છે. ભારત રોજનું 11 લાખ બેરલ ક્રૂડ ખરીદે છે તેથી  ભારતને દરરોજ 3.30 કરોડ ડોલરનો ફાયદો થાય છે. ભારતીય રૂપિયામાં રોજના 260 કરોડ રૂપિયા થયા ને મહિનાના 7800 કરોડ રૂપિયા થયા એ જોતાં મોદી સરકાર અમેરિકાની ધમકીને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખે તેમાં કશું ખોટું નથી. 

ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ખરીદે છે તેના કારણે અમેરિકાને બહુ મરચાં લાગેલાં છે. ભારતને રશિયા પાસેથી સસ્તા ભાવ ક્રૂડ લેતું રોકવા અમેરિકાએ બહુ ધમપછાડા કરી જોયા પણ ભારત ગાંઠતું નથી. અમેરિકાએ પ્રેમથી સમજાવવાથી માંડીને આર્થિક પ્રતિબંધો લાદવાની ધાકમધમકી સુધીનું બધું અજમાવી જોયું પણ ભારતે મચક ના આપતાં છેવટે અમેરિકાએ ક્રૂડના ભાવ પર મર્યાદા એટલે કે પ્રાઈસ કેપ નક્કી કરવાનો દાવ ખેલ્યો છે. 

અમેરિકાએ ધમકી આપી છે કે, આ પ્રાઈસ કેપ કરતાં ઓછા ભાવે રશિયા પાસેથી ક્રૂડ ખરીદનારા દેશો પર પ્રતિબંધો લદાશે. અમેરિકાની જો બાઈડન સરકારે કોઈ પણ ભોગે આ પ્રાઈસ કેપનો અમલ કરવાનો હુંકાર કરીને કહ્યું છે કે, પ્રાઈસ કેપનો ભંગ કરીને જંગી પ્રમાણમાં ક્રૂડ ખરીદશે કે પછી ક્રૂડની ખરીદી અંગે ખોટા માહિતી આપશે તેની સામે આકરા પ્રતિબંધ લગાવાશે. આ પ્રતિબંધો શું હશે તેનો ફોડ પડાયો નથી પણ આર્થિક પ્રતિબંધો હશે એ દેખીતું છે. 

અમેરિકાએ આડકતરી રીતે ભારત અને ચીન એ બે દેશને પ્રતિબંધોની ધમકી આપી છે કેમ કે રશિયા પાસેથી સૌથી વધારે ક્રૂડ આ બંને દેશ જ ખરીદે છે. અમેરિકા સહિતના પશ્ચિમના દેશો પાસેથી મેરીટાઈણ ઈન્સ્યોરન્સ સહિતની સેવાઓ મેળવતી કંપનીઓને પર પણ પ્રતિબંધ લદાશે કેમ કે આ કંપનીઓ રશિયા પાસેથી સસ્તા ભાવે રીફાઈન્ડ ક્રૂડ એટલે કે પેટ્રોલ- ડીઝલ ખરીદે છે. અલબત્ત ભારત-ચીનની ખરીદીની સરખામણીમાં તેમની ખરીદી ઓછી હોવાથી મુખ્ય ટાર્ગેટ ભારત-ચીન છે. 

ભારત-ચીનને કોઈ પણ રીતે ડારી ના શકાતાં અમેરિકાએ આ પ્રાઈસ કેપનું તૂત ઉભું કર્યું છે. દુનિયાના સાત ધનિક દેશોના બનેલા જી૭ ગુ્રપના નાણાં મંત્રીઓની ગયા અઠવાડિયે બેઠક મળેલી. આ બેઠકમાં અમેરિકાના ઈશારે પ્રાઈસ કેપનો તખ્તો ઘડાયેલો. પ્રાઈસ કેપનો મતલબ છે કે, અમેરિકા સહિતના સાત ધનિક દેશો રશિયાના ક્રૂડ ઓઈલની ખરીદી માટે એક તળિયાનો ભાવ નક્કી કરશે. તેનાથી ઓછા ભાવે ક્રૂડની ખરીદી નહીં કરી શકાય.  

અમેરિકાનો ઈરાદો રશિયાને ફટકો મારવાનો છે. યુક્રેન પર રશિયાએ આક્રમણ કર્યું ત્યારે અમેરિકા તથા યુરોપના દેશોએ તેની સામે પ્રતિબંધોનું શસ્ત્ર ઉગામેલું. અમેરિકાને એમ હતું કે, આર્થિક પ્રતિબંધો લાદીને નાક દબાવીશું એટલે રશિયાનું મોં ખૂલશે ને રશિયા આપણા પગે પડતું આવશે. અમેરિકાના કમનસીબે એવું થયું નથી. રશિયાએ ભારત-ચીન સહિતના દેશોને સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ આપવા માંડતાં તેનું અર્થતંત્ર ટકી ગયું છે ને અમેરિકાની મનની મનમાં રહી ગઈ છે. 

અમેરિકાને એમ છે કે, પ્રાઈસ કેપ નક્કી કરીશું એટલે રશિયાનું ક્રૂડ મોંઘું પડશે તેથી ભારત-ચીન જેવા દેશો અને કંપનીઓ પણ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ કરી દેશે. કંપનીઓ કદાચ અમેરિકા સામે ઘૂંટણ ટેકવી દે પણ ભારત-ચીન નહીં ગાંઠે. અમેરિકા ભલે ગમે તે ધમકી આપે પણ મોદી સરકારે ના જ ગાંઠવું જોઈએ કેમ કે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ભારતના ફાયદામાં છે. 

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેના કારણે બીજા દેશોનું જે થયું હોય એ પણ ભારતને આ યુધ્ધ ફળ્યું છે. રશિયાના આક્રમણને પગલે યુરોપના દેશોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ લેવાનું બંધ કર્યું તેમાં રશિયાએ પોતાનું ક્રૂડ વેચવા ભારત અને ચીન એ બે દુનિયાના સૌથી મોટા દેશો તરફ મીટ માંડવી પડી. ભારત-ચીન બંને પહેલાં અમેરિકા અને આરબ દેશો પાસેથી મોટા ભાગનું ક્રૂડ ખરીદતાં કેમ કે રશિયાથી ક્રૂડ લાવવામાં ઘાટ કરતાં ઘડામણ મોંઘું થઈ જાય એવી હાલત હતી.  ક્રૂડ માટે ચૂકવાતી રકમ કરતા ટ્રાન્સપોર્ટેશન ને ઈન્સ્યોરન્સનો ખર્ચ વધી જતો હતો. 

રશિયાએ આ તકલીફનો તોડ કાઢીને અમેરિકા ને આરબ દેશો જે ભાવ પાડે તેના કરતાં બહુ ઓછા ભાવે ક્રૂડ આપવા માંડયું તેના કારણે ભારતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ખરીદવા માંડયું છે. ભારતે ૨૦૨૨ના ફેબુ્રઆરીમાં એટલે કે છ મહિના પહેલાં સુધી રશિયા પાસેથી એક પૈસાનું ક્રૂડ ઓઈલ નહોતું ખરીદ્યું. એ પહેલાં પણ ભારતની રશિયા પાસેથી ક્રૂડની ખરીદી નહિવત હતી. 

યુક્રેન પર આક્રમણના પગલે રશિયાએ ભારતને સસ્તા બાવે ક્રૂડ આપવા માંડતાં ભારતે થોકબંધ પ્રમાણમાં ક્રૂડ લેવા માંડયું છે. અત્યારે રશિયા પાસેથી ભારત દરરોજ ૧૧ લાખ બેરલ ક્રૂડ લે છે. ભારતે ગયા આખા વરસ દરમિયાન રશિયા પાસેથી ૧.૬૦ કરોડ બેરલ ક્રૂડ ઓઈલ ખરીદેલું. તેની સામે ભારતે માર્ચ મહિનામાં જ ૧.૩૦ કરોડ બેરલ ક્રૂડનો ઓર્ડર આપ્યો હતો. આ પ્રમાણ વધતું ગયું ને અત્યારે ભારત દર મહિને રશિયા પાસેથી ૩.૩૦ કરોડ બેરલ ક્રૂડ ખરીદે છે. આખ વરસમાં ખરીદેલ ક્રૂડથી દર મહિને ત્રણ ગણું ક્રૂડ ખરીદે છે. 

ભારત માટે આ સોદો બહુ ફાયદાનો છે કેમ કે રશિયા ભારતને આંતરરાષ્ટ્રીય કિંમત કરતાં પ્રતિ બેરલ ૩૦ ડોલર ઓછા ભાવે ક્રૂડ આપે છે. ભારત રોજનું ૧૧ લાખ બેરલ ક્રૂડ ખરીદે છે તેથી  ભારતને દરરોજ ૩.૩૦ કરોડ ડોલરનો ફાયદો થાય છે. ભારતીય રૂપિયામાં ગણો તો રોજના ૨૬૦ કરોડ રૂપિયા થયા ને મહિનાના ૭૮૦૦ કરોડ રૂપિયા થયા. ભારત જેવા વિકસી રહેલા દેશ માટે આ રકમ બહુ મોટી છે.  આ રકમમાંથી દર મહિને એક મોટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઉભો કરી શકાય એ જોતાં મોદી સરકાર અમેરિકાની ધમકીને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખે તેમાં કશું ખોટું નથી. 

મોટા ભાગના વિશ્લેષકો માને છે કે, અમેરિકા ભલે ગમે તેવી હૂલ આપે પણ ભારત-ચીન પર પ્રતિબંધો લાદવાની તેની હિંમત નથી. ચીનની તો વાત જ થાય એમ નથી કેમ કે ચીન તો આજે દુનિયાની સૌથી મોટી આર્થિક મહાસત્તાઓમાંથી એક છે પણ ભારત પણ પહેલાંનું ભારત નથી. અઢી દાયકા પહેલાં ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે અમેરિકાએ આકરા પ્રતિબંધો ઠોકી બેસાડયા હતા. એ વખતે ભારત એટલું મજબૂત નહોતું તેથી અમેરિકા દાદાગીરી કરી ગયેલું. 

આજનું ભારત અલગ છે ને તેને અમેરિકા પણ હળવાશથી લઈ શકે તેમ નથી. ભારત પાસે પોતાનું જંગી માર્કેટ છે ને તેનો અમેરિકાને પણ ખપ છે. ભારત અમેરિકા સામે વળતો પ્રહાર કરીને જેવ સાથે તેવા થવાનું વલણ અપનાવે તો અમેરિકાને પણ આપણે ફટકો મારી શકીએ એણ છીએ. અમેરિકાની કંપનીઓ માટે ભારતવા દરવાજા બંધ કરવા માંડીએ તો અમેરિકાને પણ લાંબા ગાળે ફીણ પડવા માંડે. ટૂંકમાં આપણને અમેરિકાની જેટલી ગરજ છે એટલી ગરજ અમેરિકાને આપણી છે તેથી અમેરિકા પ્રતિબંધોની ધમકીઓનાં નાટક ભલે કરે, ખરેખર પ્રતિબંધ નહીં લાદે. 

ભારતને ધમકી, પાકિસ્તાનને કરોડોની લશ્કરી સહાય

અમેરિકાએ એક તરફ રશિયા પાસેથી ક્રૂડની ખરીદીના મુદ્દે ભારતને આડકતરી રીતે પ્રતિબંધોની ધમકી આપી છે તો બીજી તરફ પાકિસ્તાનના એર ફોર્સને ૪૫ કરોડ ડોલરનું પેકેજ આપવાની જાહેરાત કરી છે. અમેરિકાએ એલાન કર્યું છે કે, પાકિસ્તાન એરફોર્સનાં ૬૫ જેટલાં એફ-૧૬ ફાઈટિંગ ફાલ્કન ફાઈટર્સને અપગ્રેડ કરવા માટે આ સહાય અપાશે. પાકિસ્તાન આતંકવાદ સામે અસરકારક રીતે લડી શકે એ બહાને આ સહાય મંજૂર કરાઈ છે.

અમેરિકાનો આ નિર્ણય આશ્ચર્યજનક છે કેમ કે લાંબા સમયથી અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો તણાવભર્યા છે. પાકિસ્તાન આતંકવાદને પોષે છે એવા આક્ષેપો પણ અમેરિકા કરી ચૂક્યું છે. હવે અચાનક અમેરિકાને પાકિસ્તાન પર હેત ઉભરાયું અને કરોડો ડોલરની લશ્કરી સહાય મંજૂર કરી દીધી છે. 

વિશ્લેષકો માને છે કે, ભારત ફરી રશિયા તરફ ઢળી રહ્યું હોવાથી અમેરિકાએ પાકિસ્તાનને હાથ પર લેવાની જૂની નિતી ફરી અમલી બનાવવાના સંકેત આપ્યા છે. અમેરિકા પ્રેશર ટેક્ટિક અપનાવીને ભારતને અહેસાસ કરાવવા માંગે છે કે, અમારી વાત નહીં માનો તો અમે ફરી પાકિસ્તાન તરફ વળી જઈશું. 

રશિયા ભારતના આર્થિક સંબંધ વધારે મજબૂત બન્યા

રશિયાએ આર્થિક પ્રતિબંધોના પગલે સસ્તું ક્રૂડ આપવાની તૈયારી બતાવીને જંગી પ્રમાણમાં ભાવ ઘટાડયા પછી ભારત રશિયાના ક્રૂડનું સૌથી મોટું ખરીદદાર બની ગયું છે. ભારત પહેલાં ખાવામાં વપરાતા સનફ્લાવર ઓઈલ એટલે કે સૂરજમુખીના ખાદ્યતેલનાં તેલીબિયાં યુક્રેન પાસેથી મોટા પ્રમાણમાં ખરીદતું.  યુધ્ધના કારણે યુક્રેનથી માલ આવતો બંધ થતાં ભારતે રશિયા પાસે સનફ્લાવર ઓઈલ મોટા પ્રમાણમાં ખરીદ્યું છે.  યુદ્ધ પહેલાં ભારત રશિયા પાસેથી મહિને સરેરાશ ૨૦ હજાર ટન સનફ્લાવર ઓઈલ ખરીદતું હતું. તેના બદલે એપ્રિલ મહિના માટે ભારતે ૪૫ હજાર ટનનો ઓર્ડર આપ્યો હતો.  રશિયા પાસેથી બીજી ચીજો પણ ભારતને સસ્તા ભાવે મળી રહી હોવાથી બંને દેશોના આર્થિક સંબધો વધારે મજબૂત બન્યા છે.

Gujarat