તાલિબાનનો ભારત પ્રેમ : દ. એશિયામાં નવું રાજકીય સમીકરણ રચાશે

- ભારતની આર્થિક, સામાજિક અને અન્ય મદદને બિરદાવવા તથા માન્યતા માટે તાલિબાની સરકારનો ભરપૂર પ્રયાસ, ભારતની થોભો અને રાહ જૂઓની નીતિ
- ભારતે 2023થી અફઘાનિસ્તાનનું દૂતાવાસ બંધ કરી દીધું છે અને તેની સાથે બીજા રાજકીય કામ થતા નથી, ભારત દ્વારા અફઘાનિસ્તાનને લાખો રૂપિયાની સહાય વિકાસ કાર્યો માટે કરાઈ છે અને પ્રોજેક્ટ પણ કરવામાં આવી રહ્યા છે : રશિયા એકમાત્ર દેશ છે જેણે તાલિબાનોને અફઘાનિસ્તાનના શાસક તરીકે માન્યતા આપી છે અને હવે જો ભારત તરફથી માન્યતા મળી જાય તો અફઘાનિસ્તાન માટે મોટા દ્વારા ખુલે તેમ છે અને તેથી જ મુત્તાકી ભારતના પ્રવાસે આવ્યા છે : અફઘાનિસ્તાનના ઘણા ભાગ ખાલી પડયા છે જેનો આતંકવાદ માટે ઉપયોગ થઈ રહ્યો છે અથવા તો થઈ શકે તેમ છે, આ સ્થિતિમાં ભારતે તાલિબાનો પાસેથી અફઘાની જમીનનો આતંકવાદ માટે ઉપયોગ ન થાય તેની ખાતરી લેવી પડશે અને ચકાસણી કરવી પડશે પછી જ ભાવી જોડાણો અંગે આગળ વધવું પડશે
એશિયામાં હાલમાં જે સત્તાના, જોડાણના અને રાજકીય ગોઠવણ માટેના જે સમીકરણો સધાઈ રહ્યા છે તેણે સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચેલું છે. થોડા સમય પહેલાં ભારતીય વડા પ્રધાન ચીનના પ્રવાસે ગયા હતા. ત્યાં ચીન અને રશિયા સાથે જોડાણ કરવાની અને અન્ય વૈશ્વિક તાકાતોને મોઘમ ચિમકી આપવાની તેમની રણનીતિએ ખૂબ જ ચર્ચા જગાવી હતી. તેવી જ રીતે અમેરિકા દ્વારા ભારતને દબાવવા માટે તેની ઉપર ટેરિફ વધારાયો અને હવે બાંગ્લાદેશને પણ ગુલામ બનાવવાની મથરાવટી ઘસી છે. બીજી તરફ પાકિસ્તાનને મુર્ખ બનાવીને મદદના નામે જોડાણ કરી રહેલા અમેરિકાને લાભ લઈ લેવા છે પણ કશું જ કમિટમેન્ટ કરવું નથી. તે ઉપરાંત અમેરિકાએ બાકીના દેશોની પણ ટેરિફથી ડરાવીને પોતાની તરફ અથવા પિડિત જૂથમાં રહવા મજબૂર કરી દીધા છે. આ રાજકીય ઉથલપાથલ વચ્ચે અફઘાનિસ્તાન ભારત સાથે જાડાવા અને સંબંધ વધારે મજબૂત કરવા ઉતાવળું થયું છે. અફઘાનિસ્તાનના વિદેશમંત્રી ભારતના પ્રવાસે આવ્યા છે અને તેમાં તેમના લાભ ઉપરાંત વિવિધ જિયોપોલિટિકલ ફાયદા પણ દેખાઈ રહ્યા છે.
અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ગુરુવારે ભારતના પ્રવાસે આવ્યા છે. તેઓ થોડા દિવસ ભારતમાં રહીને તેની સાથે જોડાણના વિવિધ મુદ્દે ચર્ચા કરે તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા થોડા સમય પહેલાં જ અફઘાનિસ્તાનના આ મંત્રી ઉપરના વિદેશ પ્રવાસના પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા હતા અને તેના પગલે જ તેઓ ભારતના પ્રવાસે આવ્યા છે. ખાસ વાત એ છે કે, ઓગસ્ટ ૨૦૨૧માં તાલિબાનો દ્વારા અફઘાનિસ્તાનમાં ફરીથી સત્તા મેળવવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી આ નેતાઓ ઉપર યુએને પ્રતિબંધ મુકેલો હતો. તેઓ વિદેશ પ્રવાસ કરી શકતા નહોતા. તાજેતરમાં પ્રતિબંધ દૂર થયો અને અફઘાનિસ્તાનના વિદેશમંત્રી મુત્તાકી ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરના આમંત્રણ ઉપર ભારત પ્રવાસે આવ્યા છે. મુત્તાકી મંત્રી તરીકે ભારતના અધિકારિક પ્રવાસે આવ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે પણ જણાવ્યું હતું કે, મુત્તાકી સાથે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો તથા જે ક્ષેત્રીય મુદ્દા છે તેના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે.
જાણકારોના મતે મુત્તાકી ભારતના પ્રવાસે આવ્યા છે તેના કારણે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હશે અને તે આ મુલાકાત ઉપર ખાસ નજર રાખીને બેઠું હશે. સૂત્રોમાં ચર્ચા છે કે, ભારત અને તાલિબાન સરકાર દ્વારા બંને દેશોના સંબંધો વધારે મજબુત કરવા માટે ચર્ચા કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં જ મુત્તાકીએ દુબઈ ખાતે એક કાર્યક્રમ દરમિયાન ભારતના ટોચના રાજદૂત વિક્રમ મિસ્રી સાથે મુલાકાત કરી હતી અને ચર્ચા કરી હતી. આ વખતે તેઓ ભારત આવ્યા છે તો ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સાથે બેઠક કરશે. આ બેઠકમાં બંને દેશોની સુરક્ષા અને વેપાર અંગે સૌથી વધારે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. વર્તમાન સ્થિતિ જોતા ભારત દ્વારા પણ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને ઔપચારિક માન્યતા આપવામાં આવે તેવી શક્યતાઓ ઓછી જણાઈ રહી છે. ભારત હવે કાબુલ ઉપર પોતાનો પ્રભાવ વધારવા માગે છે અને તેની સાથે નવા પ્રકારો જોડાણ કરીને ચીન અને પાકિસ્તાનને ભીંસમાં લેવાનો પ્લાન બનાવાઈ રહ્યો છે.
મહત્ત્વની વાત એ પણ છે કે, એશિયામાં જે સમીકરણો બદલાઈ રહ્યા છે તેમાં ઘણા પરિવર્તનો થઈ રહ્યા છે. રશિયા હાલમાં દુનિયાનો એકમાત્ર દેશ છે જેણે અધિકારિક રીતે અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનને માન્યતા આપી છે. મુત્તાકી રશિયાનો પ્રવાસ કરીને આવ્યા ત્યારબાદ ભારતના પ્રવાસે આવ્યા છે. તાલિબાન કૂટનીતિક માન્યતા અને કાયદેસરની માન્યતા ઝંખે છે. જાણકારોનું માનવું છે કે, કોઈપણ દેશ દ્વારા તાલિબાનોને સરકાર તરીકે સ્વીકારવા હજી ઘણી દૂરની વાત છે. ભારતના વલણ ઉપરથી પણ લાગી રહ્યું છે કે, તાલિબાની સરકારને માન્યતા આપવાની ભારતને જરાય ઉતાવળ નથી. ભારતે લાંબા સમયથી ઘણા અફઘાનીઓની યજમાની કરી છે. તેમાંથી ઘણા તો તાજેતરમાં અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ આવતા ભાગીને ભારત આવી ગયા હતા. ભારતમાં રહેલું અફઘાનિસ્તાનનું દૂતાવાસ ૨૦૨૩માં બંધ કરી દેવામાં આવ્યું હતું. બીજી તરફ મુંબઈ અને હૈદરાબાદ ખાતે આવેલું વાણિજ્યિક દૂતાવાસ હજી પણ સેવાઓ આપે છે. ભારતનું હાલનું વલણ જણાવે છે કે, તેઓ અફઘાનિસ્તાન સાથે જોડાણ કરવા માગે છે તેમાં માત્ર માનવીય અભિગમ છે. તેઓ કાબુલ સાથે જોડાઈને પીડિત લોકોની મદદ કરવા માગે છે, તેનાથી વિશેષ કોઈ જોડાણ કરવું નથી.
મુત્તાકી પણ ભારતમાં અધિકારિક પ્રવાસે જ આવ્યા છે તેથી તેમને પણ સ્ટેટ પ્રોટોકોલ હેઠળ જ રાખવામાં આવશે. તેમના માટે વિશેષ ભોજ અને મુલાકાતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી સ્તરે તેઓ ભારત સાથે ચર્ચા કરી શકે છે. દ્વિપક્ષીય સહયોગ, વેપાર, સુકા મેવાની નિકાસ, સ્વાસ્થ્ય ક્ષેત્રની સુવિધાઓ, કોન્સ્યુલર સેવાઓ અને વિવિધ બંદરો ઉપર અપાતી સેવાઓ વગેરે વિશે તેઓ ચર્ચા કરે તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાની વિદેશી પ્રવક્તાએ પણ જણાવ્યું હતું કે, ભારત સાથે રાજકિય, આર્થિક, વ્યાપારિક અને અન્ય મુદ્દે સંબંધ સુધારવા, વધારવા માટે જ મુત્તાકી ભારત પહોંચ્યા છે. તેઓ વિવિધ અધિકારીઓ અને એસ જયશંકર સાથે આ મુદ્દે જરૂરી બેઠકો પણ કરવાના છે.
જાણકારોના મતે આ મુલાકાત ભારત માટે કૂટનીતિક રીતે અને અફઘાનિસ્તાન માટે તો ઘણા મુદ્દે ખુબ જ મહત્ત્વની છે. મુત્તાકીનો આ પ્રવાસ આર્થિક સંબંધો સુધારવા ઉપરાંત રાજકીય માન્યતાની શોધ અને ક્ષેત્રીય શક્તિ અને જોડાણને વધારવાના તાલિબાની પ્રયાસને દર્શાવે છે. રશિયાએ જે રીતે ભારતને માન્યતા આપી છે તે જ રીતે ભારત પણ તાલિબાનોને માન્યતા આપી દે તેવી મુત્તાકી અને તાલિબાન સરકારની ઈચ્છા હોય તેમ દેખાઈ રહ્યું છે. ભારતે હજી સુધી આ દિશામાં કોઈ વિચાર કર્યો નથી અને ભારત અત્યારે પણ અફઘાનિસ્તાનમાં સંયુક્ત, સમાવેશી અને વાસ્તવિક સરકાર આવે તેવું ઈચ્છી રહ્યું છે. બીજી તરફ દુનિયાના કેટલાક દેશો તાલિબાનો સાથે ચર્ચા કરવા માગે છે અને તેમની સરકારે સાથે જોડાવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે તાલિબોનો સામે ચાલીને ભારત સાથે જોડાવા આવે તે ખૂબ જ મહત્ત્વનું બની જાય છે. હાલમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું જ રાજકીય પ્રભુત્વ છે. બીજી તરફ અફઘાનિસ્તાનમાં જે રીતે આતંકવાદ વકરી રહ્યો છે અને સરહદો ઉપર જોખમ ઊભું થઈ રહ્યું છે તે જોતા ભારતે પણ અફઘાનિસ્તાન સાથે ચર્ચા કરવી પડે તે જરૂરી હતું. ભારત આજે પણ એ બાબતે ભાર મુકી રહ્યું છે કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ અન્ય દેશમાં આતંકવાદ ફેલાવવાના બેઝ તરીકે ન થવો જોઈએ.
તાલિબાનો કોઈપણ ભોગે ભારતને પોતાની તરફ ખેંચવા માગે છે. તેઓ ભારતનું સમર્થન મેળવીને અશિયામાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માગે છે. અફઘાનિસ્તાનમાં આતંકવાદ વકરી રહ્યો છે છતાં તાલિબાનો આતંકવાદની નિંદા કરી રહ્યા છે. ભારતમાં છેલ્લાં ઘણા સમયમાં થયેલા આતંકી હુમલાની તાલિબાનો દ્વારા ટિકા કરવામાં આવી છે. ઘણી વખત તો અફઘાનિસ્તાને નામ લીધા વગર પાકિસ્તાનની પણ ટીકા કરી હતી. ભારત માટે એક સારી બાબત એ છે કે, તાલીબાનો પાકિસ્તાન પ્રેરિત આતંકીઓને અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે કરવા દેતા નથી. બીજી તરફ ભારત પણ સતત અફઘાનિસ્તાનના લોકો માટે ખાદ્યાન્ન, દવાઓ અને અન્ય રાહત સામગ્રીઓ મોકલાવતું રહે છે. ભારત દ્વારા ત્યાં ૫૦૦થી વધારે વિકાસ કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે.
ભારત અને અફઘાનિસ્તાન સાથે આવે તે પાકિસ્તાનને પોસાય તેમ નથી
ભારત અને તાલિબાનો વચ્ચે સતત સંપર્ક વધારવામાં આવી રહ્યો છે. ભારત તાલિબાનોને સત્તામાં સુધારો કરવા જણાવી રહ્યું છે અને બીજી તરફ તાલિબાનો ભારત પાસેથી મદદ મેળવી રહ્યા છે. વર્તમાન સ્થિતિ જોતાં ભારત અને તાલિબાનો વચ્ચે જે સંપર્ક સેતુ વિસ્તૃત થયો છે તેના કારણે પાકિસ્તાન વધારે ચિંતામાં આવી ગયું છે. તે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની નિકટતાને પાકિસ્તાન પોતાની વર્તમાન સ્થિતિ માટે સીધી જ પડકારજનક માની રહ્યું છે. પાકિસ્તાન કાયમ ઈચ્છતું આવ્યું છે અને પ્રયાસ કરતું રહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકા ઓછી રહે અથવા તો કોઈપણ રીતે ભારત વધારે ભૂમિકા ભજવી જ ન શકે. બીજી તરફ તાલિબાનો હવે ભારત સાથે જોડાવા તલપાપડ થઈ રહ્યા છે. તેઓ ભારત સાથેનું જોડાણ મહત્ત્વનું માને છે કારણ કે તેમણે ભારતની મદદ મળે તો પછી પાકિસ્તાન ઉપર આધાર રાખવાનો ખાસ પ્રશ્ન રહેતો નથી. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકાર આવી ત્યારથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંબંધો વણસી રહ્યા છે. પાકિસ્તાનને આશા હતી કે, તાલિબાનોને મદદ કરીશું તો સંબંધ સુધરી જશે અને અફઘાનિસ્તાનનો લાભ લેવાશે પણ તેવું થયું નહીં. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન આતંકવાદી સંગઠન અને તેના આતંકીઓને શરણું આપવાના નામે પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વિખવાદ ચાલે છે. તે ઉપરાંત બંને દેશોને જોડતી સરહદો ઉપર પણ સમયાંતરે ગોળીબાર થતો રહે છે અને તોપગોળા પણ ફેંકાતા હોય છે. પાકિસ્તાન સતત આરોપ મુકતું આવ્યું છે કે, પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવનાર ટીટીપીને તાલિબાનો દ્વારા આશ્રય આપવામાં આવ્યો છે.
તાલિબાનો દ્વારા પાકિસ્તાનના આ આરોપો ફગાવવામાં આવે છે. તેના કારણે બંને દેશોની સ્થિતિ તંગ છે. આ ઉપરાંત પાકિસ્તાન દ્વારા લાખો તાલિબાની શરણાર્થીઓને પાછા મોકલવાની જે ઘટની બની હતી તેના કારણે પણ અફઘાનિસ્તાન સાથેના તેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. તેના કારણે જ તાલિબાનોમાં પાકિસ્તાન વિરોધી લાગણીનો જન્મ થયો છે. હવે તાલિબાનો વર્તમાન સ્થિતિનો લાભ લઈને ભારતને વહાલા થવા માગે છે અને પાકિસ્તાનનું નાક દબાવવા માગે છે. ભારતને પણ અફઘાનિસ્તાન સાથે સંબંધો સુધરે તેનાથી મોટો પ્રાદેશિક લાભ થાય તેમ છે તેના કારણે પાકિસ્તાન ગિન્નાયેલું છે.