પહેલી વખત ચૂંટણી લડનાર વિજયની ટીવીકેએ જૂનાજોગી ડીએમકે અને એઆઈએડીએમકેનો 59 વર્ષનો રાજકીય દબદબો ખતમ કર્યો
તમિલ ફિલ્મોના સુપરસ્ટાર વિજયે પોતાના સ્ટારપાવરને પોલિટિકલ પાવરમાં ફેરવ્યો છે. પહેલી જ ચૂંટણીમાં ઐતિહાસિક જીત સાથે તેણે તમિલનાડુના રાજકારણને નવું રુપ આપ્યું છે. આ સાથે જ તે કરુણાનિધિ, એમજીઆર અને જયલલિતા જેવા તમિલ સિનેમામાંથી આવેલા સિતારાઓની લિસ્ટમાં સામેલ થયો છે. જેમણે, સિનેમાની સાથે રાજકારણમાં પોતાની આગવી છાપ છોડી છે. તેની ૨૦૧૭માં રિલીઝ થયેલી ફિલ્મ 'મર્સલ' અનેક વિવાદોને કારણે ચર્ચામાં આવી હતી. આ ફિલ્મમાં જીએસટી અને ડિજિટલ ઈન્ડિયા પર ચાબખા મારવામાં આવ્યા હતા. આ ફિલ્મની રિલીઝ બાદથી જ કહેવામાં આવી રહ્યું હતું કે, વિજય થોડા સમયમાં જ રાજકારણમાં જોડાઈ શકે છે. તેણે ફિલ્મની રિલીઝના નવ વર્ષ બાદ જીત મેળવી છે. ભલે, સ્પષ્ટ બહુમતી નથી મળી પરંતુ, આ જીત તમિલનાડુના રાજકારણને સંપૂર્ણ રીતે બદલવાની તાકાત ધરાવે છે. આ સાથે દિલ્હીના રાજકારણમાં વિજયની ભૂમિકા નક્કી કરી શકે છે.
રાજકારણ એટલે સંભાવનાઓનો ખેલ. આજે જે નેતા કે પક્ષ મજબૂત દેખાય અને કાલે તે અચાનક નબળો પડી જાય. અને જેને ગણતરીમાં જ ન લેવામાં આવે તે અચાનક સત્તામાં આવી જાય. તમિલનાડુનું જ ઉદાહરણ લઈ લો. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા ડીએમકેની સામે કોઈને પડકાર દેખાયો જ નહીં. પ્રી-પોલ સર્વેમાં તે જ અવ્વલ આવી. જયલલિતાની એઆઈએડીએમકે ફરી બેઠી થઈ શકે તેવી પરિસ્થિતિમાં નહોતી અને બીજી તરફ, અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની ૨ ફેબુ્રઆરી, ૨૦૨૪ના રોજ લોન્ચ થયેલી નવી-નક્કોર પાર્ટી ટીવીકે (તમિલગા વેટ્રી કઝગમ) હતી. વિજયની રેલીઓમાં ભારે ભીડ જોવા મળતી હતી. પરંતુ, રાજ્કીય વિશ્લેક્ષકોને શંકા હતી કે, ભીડ વોટમાં પરિવર્તિત થશે કે કેમ..? યોગાનુયોગ બધું જ વિજયની ફિલ્મની સ્ક્રિપ્ટ જેવું બન્યું. હીરોની મહેનત બાદ પરિણામ માટે દોડાદોડી અને તેમાં પણ પાછું છેક સુધી સસ્પેન્સ. સત્તામાં બેઠેલી ડીએમકેને ૫૯ સીટો મળી. એઆઈએડીએમકેને ૪૭ સીટો મળી. જ્યારે, પહેલી જ ઈનિંગ્સમાં વિજયની પાર્ટીએ ૧૦૮ સીટો સાથે જૂનીજોગી ડીએમકે અને એઆઈએડીએમકેને પછાડી. એટલી હદે કે, કટ્ટરવિરોધી પાર્ટીઓએ ગઠબંધન કરવાની ચર્ચાઓ શરુ કરી દીધી. રાજ્યભરમાંથી ૩૫ ટકા વોટ મેળવીને વિજયે બે પક્ષોનો ૫૯ વર્ષનો દબદબો સમાપ્ત કર્યો.
ફિલ્મ દિગ્દર્શક એસ.એ. ચંદ્રશેખર અને પ્લેબેક સિંગર શોભા ચંદ્રશેખરના દીકરા વિજયે ૧૯૮૪માં 'વેત્રિ' ફિલ્મ સાથે ડેબ્યુ તો બાળ કલાકાર તરીકે જ કરી લીધું હતું. પરંતુ, મુખ્ય અભિનેતા તરીકે તેણે પોતાની આગવી છાપ છોડી અને થલાપતી (કમાન્ડર, સેનાપતિ) તરીકે ઓળખાયો. ૩૦ વર્ષથી વધુના સમયગાળામાં વિજયે ૬૯ ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મો માટે એવી ફી મેળવી કે તેની ગણતરી ભારતીય સિનેમાના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાં થવા લાગી. તેની અનેક ફિલ્મોને બોક્સઓફિસ બેન્ચમાર્ક ગણવામાં આવે છે. 'ઘિલ્લી' (૨૦૦૪), 'થુપ્પાક્કી' (૨૦૧૨), 'કથ્થી' (૨૦૧૪), 'મર્સલ' (૨૦૧૭), 'બિગિલ' (૨૦૧૯), 'માસ્ટર' (૨૦૨૧) અને 'લિયો' (૨૦૨૩) જેવી ફિલ્મોએ તમિલ સિનેમામાં તેનું વર્ચસ્વ મજબૂત કર્યું. આ ફિલ્મોમાં તેણે પોતાની છબી એક જન નાયક તરીકેની બનાવી. તેની ફિલ્મ 'મર્સલ'ને કારણે ભારે વિવાદ થયો હતો. આ ફિલ્મમાં જીએસટી અને ડિજિટલ ઈન્ડિયા પર ચાબખા મારવામાં આવ્યા હતા. તે સમયે તમિલનાડુ ભાજપ અધ્યક્ષ તમિલિસાઈ સુંદરરાજને વિજયને ફિલ્મના ડાયલોગ્સ માટે માંફી માંગવા કહ્યું હતું. જ્યારે, રાહુલ ગાંધી, કમલ હસન અને સ્ટાલિનની પાર્ટી ડીએમકે તેના સમર્થનમાં આગળ આવી હતી. 'મર્સલ' બાદ ૨૦૧૮માં તેની ફિલ્મ 'સરકાર' રીલિઝ થઈ હતી. જેમાં, વિજયે એક બિઝનેસ ટાયકૂનની ભૂમિકા ભજવી હતી. જે છેવટે રાજકારણમાં પ્રવેશ કરે છે. આ ફિલ્મના ઓડિયો લોન્ચમાં વિજયે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, જો મને મુખ્યમંત્રી બનવાની તક મળશે તો ભ્રષ્ટાચાર સામેની લડત મારી પહેલી પ્રાથમિકતા રહેશે. તે સમયે આ વાત ઘણાને પ્રમોશનનો ભાગ લાગી હતી પણ છેવટે સાચી પડી.
પરંતુ, વિજય માટે આ આસાન નહોતું. વિજયે ૨૦૦૯માં મક્કલ ઈયક્કમની શરુઆત કરીને રાજકારણમાં પા પા પગલી ભરી હતી. આ પાર્ટીએ ૨૦૧૧ની ચૂંટણીઓમાં જયલલિતાની એઆઈએડીએમકેને સમર્થન આપ્યું હતું. થોડા સમયમાં નામશેષ થયેલી પાર્ટીને કારણે વિજયના પિતા અધીરા બન્યા હતા. ૨૦૨૧માં પિતા એસ. એ. ચંદ્રશેખરે વિજયની ફેન ક્લબને રાજકીય પાર્ટીમાં ફેરવી નાખી. વિજય પિતાના આ નિર્ણયથી ગુસ્સે ભરાયો હતો. તેણે સંમતિ વિના પોતાના નામના ઉપયોગ બદલ પિતા એસ.એ. ચંદ્રશેખર, માતા શોભા ચંદ્રશેખર સહિત ૧૧ વ્યક્તિઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આજે, ઘણા આ સ્ટંટને વિજયની રાજકીય સ્ક્રિપ્ટનો એક ભાગ ગણાવી રહ્યા છે. આ ઘટનાના લગભગ ત્રણ વર્ષ બાદ વિજયે નાટકીય વળાંક લીધો અને તમિલગા વેટ્રી કઝ્ગમ પાર્ટીના લોન્ચિંગ સાથે ઔપચારિક રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો. આ પક્ષે ધર્મનિરપેક્ષતા, સામાજિક ન્યાયની સાથે સાથે બાબાસાહેબ આંબેડકર, પેરિયાર અને કે. કામરાજના સિદ્ધાંતોને પોતાની વિચારધારામાં સામેલ કર્યા. પાર્ટીએ લોન્ચિંગ પહેલા જ જમીની સ્તર પર કામ શરુ કરી દીધું હતું અને એક રીતનું સોફ્ટ લોન્ચિંગ કરી દીધું હતું. ૨૦૨૨ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પાર્ટીના મેમ્બર્સ ૧૧૫ સીટો જીતી હતી. એટલે પાર્ટીની સ્થાપના થાય તે પહેલા જ સેમીફાઈનલમાં જીત. વિધાનસભાની ફાઈનલમાં જીત બાદ સૌથી પહેલા વિજયના પિતા ઉજવણી કરતા દેખાયા હતા.
સુપરસ્ટાર વિજયના વિજયને સમજવા માટે તમિલનાડુની ઈકોસિસ્ટમને સમજવી જરૂરી છે. તમિલનાડુ એવું રાજ્ય નથી જ્યાં, કદાચ એકાદ ફિલ્મનો કલાકાર રાજકારણમાં પ્રવેશ કરે. અહીં તો રાજકારણમાં પ્રવેશ માટે ફિલ્મનું બેકગ્રાઉન્ડ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. એમ. કરુણાનિધીની વાત લઈ લો. તેઓ તમિલ અભિનેતા તો નહોતા પરંતુ, સૌથી પ્રભાવશાળી પટકથા લેખક હતા. તેમણે ફિલ્મોમાં રાજકારણ, સામાજિક ન્યાય અને વૈચારિક સંઘર્ષને પ્રતિબિંબિત કરતા સંવાદ લખ્યા. ધાર્મિક ઢોંગ અને સામાજિક અસમાનતાની ટીકા કરી. તેમની ભાષા એટલી હદે પાવરફૂલ હતી કે, તેમના ડાયલોગ્સ સમય જતાં રાજ્કીય સૂત્રો અને અભિયાન બની ગયા. તેઓ પાંચ વખત મુખ્યમંત્રી બન્યા અને દ્વવિડિયન રાજકારણના આધારસ્થંભ કહેવાયા.
આ સિવાય એમ. જી. રામચંદ્રન પણ એક મોટું નામ. એમજીઆર ફક્ત એક સુપરસ્ટાર નહોતા. તેઓ પડદા પર સતત ગરીબોના રક્ષક, પ્રામાણિક હીરો અને સામાન્ય જનતાના ઉદ્ધારક તરીકેના રોલ કરતા. ૧૯૭૭માં તેઓ પહેલી વાર મુખ્યમંત્રી બન્યા અને તેમના મૃત્યુ સુધી સત્તામાં રહ્યા. તેમણે સાબિત કર્યું કે, તમિલનાડુમાં સિનેમાની લોકપ્રિયતાને ચૂંટણીની જીતમાં પરિવર્તિત કરી શકાય છે.
બીજી તરફ, જે. જયલલિતાએ એઆઈએડીએમકે મારફતે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા તેમણે ૧૯૬૧થી ૧૯૮૦ વચ્ચે તમિલ, તેલુગુ અને કન્નડ સિનેમામાં ૧૪૦થી વધુ ફિલ્મો કરી હતી. એમજીઆરના મૃત્યુ બાદ ઘણાએ તેમને અનુગામી તરીકે નહોતા જોયા પરંતુ, પક્ષની અંદર અને બહાર ટીકાનો સામનો કરીને જયલલિતાએ પોતાનું આગવું સ્થાન બનાવ્યું. સમય જતા જયલલિતા તમિલનાડુના રાજકારણના સૌથી મજબૂત નેતા બન્યા અને અમ્મા તરીકે ઓળખાયા. આ લિસ્ટમાં ઘણા એવા પણ નામ છે જેમને મોટી સફળતા નથી મળી. કમલ હસન રાજ્યસભાના સાંસદ છે. જ્યારે, વિજયકાંત એક સમયે મજબૂત રાજકીય વિકલ્પ તરીકે ઊભરી આવ્યા હતા. તેમની પાર્ટી ડીએમડીકે મુખ્ય વિપક્ષી પાર્ટી બની હતી. પરંતુ, તેમનો ગ્રાફ સમય જતા નીચો ગયો. સુપરસ્ટાર રજનીકાંતે પણ અનેક વખત રાજકારણમાં પ્રવેશના સંકેત આપ્યા પરંતુ, છેલ્લી ઘડીએ માંડી વાળ્યું. કહેવાય છે કે, ભાજપે રજનીકાંતને રાજકીય પક્ષ સ્થાપવાની અથવા પાર્ટીમાં જોડાવવાની ઓફર કરી હતી. રજનીકાંતે નવી પાર્ટી મુદ્દે વિચાર્યું અને છેવટે રાજકારણથી દૂર રહેવાનું નક્કી કર્યું.
તમિલ ફિલ્મોનું બેકગ્રાઉન્ડ રાજકારણમાં તો સરળતાથી એન્ટ્રી આપી દે છે પરંતુ, પડકારો અનેક હોય છે. એમજીઆરે લોક કલ્યાણની યોજનાઓ પર દાવ લગાવીને સત્તા ચલાવી પરંતુ, તેમની સરકાર પર સરમુખત્યારશાહીના આરોપ લાગ્યા. ડીએમકે સુપ્રીમો કરુણાનિધિની અડધી રાત્રે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે, આ ધરપકડ પાછળ જવાબદાર જયલલિતા પણ અપ્રમાણસર સંપત્તિના કેસમાં દોષિત ઠર્યા હતા. તેમનો વી. કે. શશિકલા સાથેનો સંબંધ ચર્ચામાં રહ્યો હતો. ચૂંટણી એફિડેવિટમાં રૂપિયા ૬૨૪ કરોડની સંપત્તિ(જેમાં, ૩૧૩ કરોડની બેંક ડિપોઝીટ અને એક જ ખાતામાં ૨૧૩ કરોડ) જાહેર કરનારા વિજય માટે પણ રાજકારણની સફર આસાન નહીં હોય. ટીવીકે ભલે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરીને આવ્યો હોય પરંતુ, સ્પષ્ટ બહુમતીથી દૂર છે. સત્તા માટે રાજ્યપાલ સમક્ષ ત્રણ વાર ધક્કા ખાઈને વિજયને સમજાયું હશે કે, સાથી પક્ષોને સંભાળવા અલગ લેવલનો માથાનો દુખાવો છે. તેના પાંચ વર્ષના શાસનમાં આ સાથી પક્ષો સાથેનો તાલમેલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ત્યારે, જોવાનું રહેશે કે, વિજય પોતાના એજન્ડા પર અડગ રહે છે કે, સાથી પક્ષો તેના પર હાવી થાય છે.
- વિજયની જીત પાછળ પીકેની ચાણક્ય નીતિ
મોટાભાગના રાજ્કીય વિશ્લેષકો ડીએમકે અથવા એઆઈએડીએમકે સરકારનું અનુમાન લગાવી રહ્યા હતા. ત્યારે, રાજ્કીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે અલગ આગાહી કરી હતી. તેમણે ટીવીકેની પહેલી વર્ષગાંઠ નિમિત્તે સમારોહમાં હાજરી વખતે કહ્યું કે, જો હું ટીવીકેને આવતા વર્ષે જીતવા માટે મદદ કરું તો તમિલનાડુમાં લોકપ્રિય કોણ હશે..? મારો બિહારી સાથી એમ.એસ ધોની કે જે ચેન્નઈ સુપરકિંગ્સને ચેમ્પિયન બનાવે છે કે, પ્રશાંત કિશોર..? પ્રશાંત કિશોરે વિજયની સફળતા માટે ત્રણ ફેકટરને ખાસ ગણાવ્યા હતા. એક, એઆઈએડીએમકે અને ભાજપનું ગઠબંધન થાય. બીજું, ડીએમકે તેનું હાલનું સમર્થન જાળવી રાખે અને ત્રીજું, ટીવીકે એકલા હાથે ચૂંટણી લડે. જો આ ત્રણેય ફેક્ટર સચવાઈ જાય તો ટીવીકેની જીત પાક્કી છે.
ટીવીકેના ચૂંટણી અભિયાનને ખૂબ જ ધ્યાન પૂર્વક ડિઝાઈન કરવામાં આવ્યું હતું. ચેન્નઈ સુપરકિંગ્સ માટે વ્હીસલ પોડુ મોટું બ્રાન્ડિંગ છે, તેમ આ પાર્ટી માટે વ્હીસલ જ ચૂંટણી પ્રતીક હોવાથી કેમ્પેઈન ડિઝાઈન કરવામાં સરળતા રહી હતી. વિજયની પાર્ટીએ ડિજિટલ અભિયાન તૈયાર કર્યું હતું. જે, અલ્ગોરિધમને આધારે જેન-ઝીને ટારગેટ કરતું હતું. ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ, ફેન એડિટ્સ, સીટી-થીમ આધારિત મીમ્સ અને ટીઝર-સ્ટાઈલ વીડિયોઝ ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. યુટયુબ શોટર્સ, વ્હોટ્સએપ અને એક્સ પર તેમનું અભિયાન કોઈ ફિલ્મના પ્રચારનો યાદ અપાવે તેવું હતું. વિજયને જન જન સુધી પહોંચાડવા માટે એઆઈ જનરેટેડ વિઝયુઅલ્સ અને હોલોગ્રામ પ્રોજેક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મેનિફેસ્ટોને સીટી ક્રાંતિ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યું હતું. તેમાં મહિલાઓને માસિક રૂપિયા ૨,૫૦૦ની સહાય, વાર્ષિક ૬ રાંધણ ગેસ સિલિન્ડર, મફત બસ મુસાફરીનો સમાવેશ થતો હતો. આ સિવાય ૨૯ વર્ષથી વધુ ઉંમરના બેરોજગાર ગ્રેજ્યુએટ માટે માસિક રૂપિયા ૪,૦૦૦ આપવાના વચનની સાથે સ્થાનિક રહેવાસીઓને નોકરીઓમાં ૭૫ ટકા અનામતની તમિલ ફર્સ્ટ ગરંટી આપવામાં આવી હતી. પરિણામ એવું આવ્યું કે, ટીવીકેએ કોઈપણ પ્રકારના ધુ્રવીકરણ વિના ડીએમકે અને એઆઈએડીએમકેના વોટ ખેંચી લીધા.


