દુનિયાભરમાં ડંકો વાગે છે ભારતના ફાઈટર જેટ પાઈલટ્સનો
- માત્ર ત્રણ વર્ષ પહેલાં મળેલા રાફેલ ઉપર પણ અદ્વિતિય પકડ જમાવીને આતંકીઓને ખોખરા કરી બતાવ્યા
- ઓપરેશન સિંદૂરમાં રાફેલ. મિરાજ, સુખોઈ, મિગ અને તેજસ જેવા પ્લેનનો ઉપયોગ કરાયો હતો : મલ્ટિલેયર્ડ પ્રેક્ટિસ અને ટેસ્ટિંગ થયા બાદ જ ભારતીય વાયુસેનામાં મોટા ફાઈટર જેટ ઉડાવવાની મંજૂરી મળે છે : વિશ્વના ટોચના પાંચ દેશોના ફાઈટર પ્લેન પાઈલટ્સમાં પણ ભારતીય પાઈલટ્સનો સમાવેશ થાય છે
ભારતીય એરફોર્સ દ્વારા જે રીતે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું અને છેલ્લાં ચાર દિવસથી જે રીતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ ઉપર હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે તેણે સમગ્ર વિશ્વમાં પ્રશંસા મેળવી છે. સુખોઈ, મિગ, મિરાજ અને રાફેલ જેવા જેટને હવામાં કન્ટ્રોલ કરીને નક્કી કરેલા ટાર્ગેટને ધ્વસ્ત કરવો મુશ્કેલ હોય છે. તેના કારણે જ ભારતીય વાયુસેનાના જવાનો દ્વારા જે કરવામાં આવ્યું તે અદ્વિતિય ગણાય છે. તેના લીધે વિશ્વભરની સેનાઓ ભારતીય વાયુસેના અને તેના ફાઈટર જેટ પાઈલટ્સની પ્રશંસા કરે છે. જાણકારોના મતે મધરાત્રે ભારતીય પાઈલટ્સ દ્વારા વિવિધ વિમાનોનો ઉપયોગ કરીને મલ્ટિપલ ટાર્ગેટ તોડી પાડવાની જે કવાયત હાથ ધરવામાં આવી તે આવકારદાયક અને મહાવરો માગી લે તેવી છે. ભારતીય વાયુસેના અને તેના ફાઈટર પાઈલટ્સ આ કામગીરી માટે દુનિયાભરમાં જાણીતા છે.
ઉલ્લેખનીય છે કે, ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરમાં રાફેલ, મિરાજ, સુખોઈ, મિગ અને તેજસ જેવા ફાઈટર પ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાંય મુખ્ય કામગીરી રાફેલ દ્વારા સંભાળવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનમાં તમામ જેટ્સ દ્વારા પોતપોતાના ટાર્ગેટ નષ્ટ કરવાનું કામ સચોટ રીતે અને સફળતાપૂર્વક કરવામાં આવ્યું. તેમાં મુખ્ય જવાબદારી રાફેલ દ્વારા સંભાળવાં આવી હતી. પોતાની ખાસિતય પ્રમાણે તેણે પાકિસ્તાનની અંદર રહેલા તમામ ટાર્ગેટ નષ્ટ કરી દીધા. મહત્ત્વની વાત એ છે કે, ભારતીય વાયુસેનામાં રાફેલને જોડયાને માત્ર ત્રણ જ વર્ષ થયા છે. આટલા ઓછા સમયમાં ભારતીય વાયુસેનાના ફાઈટર પાઈલટ્સ દ્વારા તેને સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં લઈ લેવાયા છે. અત્યાર સુધી ભારતના અન્ય ફાઈટર પ્લેન્સ સફળતાપૂર્વક ઉડાડનારા જાંબાઝ પાઈલટ્સને હવે રાફેલની કમાન સોંપવામાં આવી છે.
ભારતીય વાયુસેનામાં જે પણ ફાઈટર પાઈલટ છે તેઓ અનુભવી, સક્ષમ, સચોટ અને વિશેષ ટ્રેનિંગ મેળવેલા છે. તેઓ દરેક સ્થિતિમાં અને વાતાવરણમાં ફાઈટર પ્લેન ઉડાવવામાં સક્ષમ છે. મલ્ટિલેયર્ડ સ્કિલ્સ અને ટેસ્ટિંગ બાદ જ આ પાઈલટ્સનું સિલેક્શન કરવામાં આવતું હોય છે. તેના કારણે જ ભારતના પાઈલટ્સ દુનિયાના શ્રેષ્ઠ પાઈલટ્સમાં સ્થાન ધરાવે છે. દુનિયાના શ્રેષ્ઠ પાઈલટ્સ ધરાવતા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ફ્રાન્સ અને અન્ય દેશો પણ ભારતીય પાઈલટ્સના વખાણ કરે છે. ભારતીય પાઈલટ્સ ઈન્ટરનેશનલ લેવલે પણ રિહર્સલ અને એક્ટિવિટીમાં ભાગ લઈને મહારથ પ્રાપ્ત કરે છે અને પોતાની એફિસિયન્સી સાબિત કરે છે.
જાણકારોના મતે ફ્રાન્સની વાયુસેના પાસે રાફલ ઉડાડવાનો સૌથી વધારે અનુભવ છે તેમ છતાં જ્યારે ભારતીય પાઈલટ્સને રાફેલ આપવામાં આવ્યા તો તેમણે ખૂબ જ ઓછા સમયમાં રાફેલ ઉપર પકડ જમાવી લીધી. મહત્ત્વની વાત એ છે કે, રાફેલને ભારતીય વાતાવરણ પ્રમાણે મોડિફાય કરવામાં આવ્યા છે. તેના કારણે રાફેલ હિમાલય જેવા દુર્ગમ વિસ્તારો અને ઠંડા વાતાવરણમાં ઓપરેશન્સ પાર પાડી શકે તો બીજી તરફ રાજસ્થાન જેવા અત્યંત ગરમ રણ પ્રદેશમાં પણ તે કામ કરી શકે છે. આમ જોવા જઈએ તો ઉડાવવા માટે સૌથી ટફ પ્લેનમાં સુખોઈની ગણના થાય છે. તેની મશિનરી અને ટેક્નોલોજી પણ સમગ્ર વિશ્વમાં જાણીતી છે.
ભારતીય પાઈટલટ્સ કાયમ ઓછા સંસાધનોમાં પણ જબરદસ્ત રિઝલ્ટ આપે છે. તેના કારણે જ મિગ-૨૧ દ્વારા શક્તિશાળી એફ-૧૬ને હંફાવી દીધું હતું. હવે તો ભારતીય પાઈલટ્સ પાસે રાફેલ, સુખોઈ-૩૦એમકેઆઈ, તેજસ જેવા પ્લેન્સ છે. તેના કારણે ઈન્ડિયન એરફોર્સની રણનીતિ અને શક્તિ અનેક ગણી મજબૂત થઈ ગઈ છે. દુનિયાના પાંચ દેશોના પાઈલટ્સ છે જેઓ હાઈ અલ્ટિટયૂ, એર ટુ એર કોમ્બેટ, એર ટુ ગ્રાઉન્ડ મિશનમાં મહારત ધરાવે છે. ભારતીય પાઈલટ્સનો તેમાં સમાવેશ થાય છે. તેઓ સુખોઈ-૩૦ એમકેઆઈ, મિરાજ-૨૦૦૦ અને મિગ-૨૯ જેવા મલ્ટિ રોલ ફાઈટર જેટ્સમાં માસ્ટરી ધરાવે છે.
ભારતીય વાયુસેના પાસે હાલના સમયે ૩૬ રાફેલ વિમાન છે. બીજા રાફેલ જોડાવાના છે. હાલમાં રાફેલ ઉડાવનારા પાઈલટ્સની સંખ્યા અંદાજે ૬૦ છે. ભારતીય વાયુસેના પાસે ફાઈટર જેટ માટે ૧.૫ થી ૨ પાઈલટ્સ છે, જેમની પાસે કોઈપણ પ્રકારના ઓપરેશન્સ પાર પાડવાની ટ્રેનિંગ છે. ઉલ્લેખનીય છે કે, રાફેલ માટે દરેક પાઈલટ્ને ફ્રાન્સમાં બેસિક ટ્રેનિંગ આપવામાં આવે છે. ફ્રાન્સના મેરિગ્નેક એરબેઝ ઉપર અંદાજે છ મહિના સુધી ટ્રેનિંગ ચાલે છે. અત્યાર સુધીમાં ભારતના મોટાભાગના પાઈલટ્સ ફ્રાન્સમાં ટ્રેનિંગ લઈ આવ્યા છે. આ ઉપરાંત તેમની ભારતમાં આવ્યા બાદ પણ એડવાન્સ ટ્રેનિંગ થઈ ગઈ છે. અહીંયા ભારતીય વાતાવરણ, વિષમતાઓ અને શક્યતાઓના આધારે તેમને ટ્રેનિંગ અપાઈ છે. અંબાલા બેઝ ઉપર ૧૭ સ્ક્વોડ્રન ગોલ્ડન એઝ અને હસીમારા એર બેઝ ૧૦૧ સ્ક્વોડ્રન ફાલ્કનમાં ટ્રેનિંગ અપાઈ છે. મહત્ત્વની વાત એ છે કે, ભારતમાં હાલ ૩૬ રાફેલ છે અને બીજા ઉમેરાવાના છે. તેની સામે ટ્રેનિંગ ધરાવતા પાઈલટ્સની સંખ્યા પણ વધીને ૧૦૦ સુધી થવાની છે. મહત્ત્વની વાત એ છે કે, ભારતીય વાયુસેનામાં અને ફાઈટર પાઈલટ્સના સ્ક્વોડ્રનમાં મહિલાનો પણ સમાવેશ થયેલો છે.
૨૦૦ કલાકના ફ્લાઈટ ટાઈમ સહિતની ફ્લાઈંગ ટ્રેનિંગ લેવી પડે છે. ભારતીય પાઈલટ્સને રાફેલ ઉડાવવા માટે સૌથી પહેલાં ફ્રાન્સ મોકલવામાં આવ્યા હતા. ભારતીય પાઈલટ્સને ફ્રાન્સના મેરિગ્નેકો એર બેઝ ઉપર દસોલ્ટ એવિયેશનના જાણકારો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેમાં સિમ્યુલેટર સેશન, ફાઈટર મશિન પ્લાનિંગ અને એડવાન્સ ડોગફાઈટિંગ ટેકનિકનો સમાવેશ થાય છે. દરેક પાઈલટને ૨૦૦ કલાક ફ્લાઈંગ ટાઈમ સહિતની રાફેલની તમામ પ્રકારની તાલિમ લેવાની હોય છે. તેના ઉપર આ સમયગાળામાં મહારત હાંસલ કરવાની હોય છે. ત્યારબાદ તેમને એડવાન્સ ટ્રેનિંગ માટે ભારત પરત લાવવામાં આવે છે. ભારતમાં અંબાલાના એર બેઝ તથા હસીમારા એર બેઝ ઉપર રાફેલ પાઈલટ્સને આઈએએફ દ્વારા વિશેષ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જોડવામાં આવે છે. તેમાં ઈલેક્ટ્રોનિક વોરફેર. બિયોન્ડ વિઝયુઅલ રેન્જ મિસાઈલ ઓપરેશન અને મલ્ટિ રોલ મિશન ઉપર ફોકસ કરવામાં આવે છે. એર ટુ એર, એર ટુ ગ્રાઉન્ડ અને રિકોન મિશનની તૈયારી કરાવવામાં આવે છે. ત્યારબાદ સ્પેક્ટ્રા ઈડબ્લ્યૂ સિસ્ટમનો ઉપયોગ કરીને દુશ્મનના રડારથી બચવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. રાફેલને સુપરસોનિક સ્પીડનો ઉપયોગ કરવાની ટ્રેનિંગ અપાય છે. મિટિયોર મિસાઈલનો ઉપયોગ કરવા દરમિયાન શૂટ એન્ડ સ્ક્ટ રણનીતિ શિખવવામાં આવે છે. ડોગફાઈટિંગ અને એચઓબીએસ મિસાઈલ ટેકનિક શિખવવામાં આવે છે.
ભારતીય રાફેલ પાઈલટ્સની ખાસિયત 100 ટકા ટાર્ગેટ એચિવ કર્યા છે
ભારતીય રાફેલ ફાઈટર પાઈલટ્સની વિશેષતા છે કે, તેમણે અત્યાર સુધીમાં તમામ ટાર્ગેટ પૂરેપૂરા હાંસલ કર્યા છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પણ ૧૦૦ ટકા ટાર્ગેટ એચિવ કર્યા હતા. આ સિવાય ઓપરેશન ગંગા અને ઓપરેશન ચીન સ્ટેન્ડ ઓફ દરમિયાન પણ રાફેલે લદાખમાં ચીન સાથે તણાવ દરમિયાન એર ડોમિનન્સ સાબિત કર્યું હતું. ભારતીય પાઈલટ્સ નાઈટ ઓપરેશનમાં પણ એક્સપર્ટ છે. લોન્ગ રેન્જ નાઈટ સ્ટ્રાઈક કરવાની ક્ષમતા તેની અંદર છે.
પાકિસ્તાનમાં આવેલા આતંકી અડ્ડાઓને તોડી પાડવા માટે હાથ ધરેલું ઓપરેશન સિંદૂર તેનું પણ ઉદાહરણ છે. રાફેલ ઉડાવવા મુશ્કેલ છે. ફાઈટર પ્લેનની અલગ અલગ કેટેગરીમાં રાફેલ મિડિયમ ગણાય છે. તેને ઉડાવવા સરળ નથી.
નવા પાઈલટ્સ માટે તે પડકારજનક છે પણ તાલિમબદ્ધ પાઈલટ્સ માટે તે ડ્રિમ મશિન જેવા છે. રાફેલ એફબીડબ્લ્યૂ સિસ્ટમ દ્વારા ઓટોમેટિકલી વિમાનને હવામાં સ્થિર રાખી દે છે જેથી પાઈલટ્સને બેસિક ફ્લાઈંગમાં ઓછી મહેનત કરવી પડે છે. એફ-૧૬ અને ગ્રિપેનની જેમ તે યૂઝરફ્રેન્ડલી ઈન્ટરફેસ આપે છે જે પણ તાલિમ મેળવેલા પાઈલટ્સ માટે સરળ રહે છે. સ્પેક્ટ્રા ઈલેક્ટ્રોનિક વોરફેસ સિસ્ટમ દુશ્મનના થ્રેટ્સને ઓટોમેટિકલી હેન્ડલ કરી લે છે જેથી પાઈલટનું કામ સરળ થઈ જાય છે.
એક જ સોર્ટિમાં એર ટુ એર અને એર ટુ ગ્રાઉન્ડ મિશનમાં ગમે ત્યારે સ્વીચ કરી શકે છે. એક સાથે મલ્ટિપલ ટાર્ગેટને ટ્રેક કરી શકે છે જે નવા પાઈલટ્સ માટે સરળ નથી હોતું કારણ કે થ્રોટલ અને સ્ટિક કન્ટ્રોલ્સમાં માસ્ટર થવામાં ઘણો સમય લાગે છે. આ પ્લેન ડોમિનેશન, ઈન્ટરસેપ્શન, પ્રિસિશન સ્ટ્રાઈક, ઈલેક્ટ્રોનિક વોરફેર અને રીકોન જેવા તમામ કામ કરી શકે છે.