Get The App

યુદ્ધને પગલે અનેક દેશોમાં પેટ્રોલ, ડીઝલ, ગેસની તંગી સર્જાઈ

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધને પગલે અનેક દેશોમાં પેટ્રોલ, ડીઝલ, ગેસની તંગી સર્જાઈ 1 - image

- ક્યાંક પેટ્રોલ નથી મળતું તો ક્યાંક મોંઘવારી વધી ગઈ તો ભારતમાં ગેસની અછત સર્જાઈ છે, યુદ્ધ લાંબું ચાલ્યું તો વિશ્વભરમાં હાહાકાર થશે

- મધ્ય-પૂર્વમાં ભયાનક યુદ્ધ ચાલી રહ્યું હોવાના કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશો ફ્યૂલ સંકટનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાન, ફ્રાન્સ, અમેરિકા, જર્મની, પોલેન્ડ, વિયેતનામ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઈન્ડોનેશિયામાં ઈંધણની ભારે કટોકટી સર્જાઈ છે : જાપાન દ્વારા પોતાની જરૂરિયાતનું 95 ટકા ક્રૂડ આયાત કરવામાં આવે છે. તેમાંથી 75 ટકા ક્રૂડ હોર્મુઝની ખાડીમાંથી આવે છે. જાપાનની હાલત ખરાબ થઈ રહી છે. જાપાન દ્વારા નેશનલ રિઝર્વનો ઉપયોગ કરવાનો વિચાર કરાઈ રહ્યો છે. ટૂંક સમયમાં સ્થિતિ નહીં સુધરે તો આ એકમાત્ર વિકલ્પ છે : પાકિસ્તાન પાસે તો પહેલેથી જ પૈસા નથી અને તેમાંય ક્રૂડની સમસ્યા સર્જાતા કોવિડ જેવા નિયમો લાગુ કરાયા છે. અહીંયા વર્કફ્રોમ હોમ જાહેર કરાયું છે. સ્કૂલ અને કોલેજોમાં ઘરેથી ભણવાના આદેશ અપાયા છે. આ સિવાય સરકારી કચેરીઓમાં માત્ર જરૂરી સ્ટાફ જ હાજર રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન છેલ્લા ૧૧ દિવસથી યુદ્ધ કરી રહ્યા છે. આ યુદ્ધની અસર હવે દુનિયાભરના દેશોમાં જોવા મળી રહી છે. ઈઝરાયેલ અને અમેરિકાના હુમલાથી આકરા થયેલા ઈરાને વિશ્વભર માટે સૌથી મહત્વનો જળમાર્ગ હાર્મુઝ બંધ કરી દીધો. તેના કારણે સ્થિતિ એવી થઈ છે કે, ભારત સહિત અનેક એશિયાઈ દેશો અને યુરોપના દેશોના આયાત-નિકાસ અટકી ગયા છે. ખાસ કરીને ક્રૂડ અને ગેસનો ખાડી દેશોમાંથી એશિયા અને યુરોપમાં સપ્લાય કરનારા ટેન્કરો અને જહાજો મધદરિયે ફસાઈ ગયા છે. બીજી તરફ  ઈરાન દ્વારા ખાડી દેશો ઉપર હુમલા કરવામાં આવ્યા હતા. તેના પગલે સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયા સહિતના દેશોએ પણ આયાત પર કાપ મુકી દીધો છે. તે ઉપરાંત તેમણે નિકાસ પણ બંધ કરી દીધી છે. જેના કારણે અનેક દેશોમાં ફ્યૂલ સંકટ સર્જાયુંં છે. 

જાણકારોના મતે મધ્ય-પૂર્વમાં ભયાનક યુદ્ધ ચાલી રહ્યું હોવાના કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશો ફ્યૂલ સંકટનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાન, ફ્રાન્સ, અમેરિકા, જર્મની, પોલેન્ડ, વિયેતનામ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઈન્ડોનેશિયામાં ઈંધણની ભારે કટોકટી સર્જાઈ છે. મધ્ય-પૂર્વમાં દિવસે ને દિવસે ઘર્ષણ વધવાના કારણે ઊર્જા સપ્લાયની આયાત-નિકાસ કરવામાં ભારે અડચણો ઉભી થઈ રહી છે. ૨૮ ફેબુ્રઆરીએ યુદ્ધ શરૂ થયું ત્યારથી આજ સુધીમાં હોર્મુઝની ખાડી બંધ રાખવામાં આવી છે. વૈશ્વિક ક્રૂડના સપ્લાયમાંથી ૩૦ ટકા ક્ડ આ રસ્તે મોકલવામાં આવે છે. તેના કારણે દુનિયાભરમાં ક્રૂડ અને ગેસની અછત ઊભી થઈ છે. આ અછતને પગલે જ દુનિયાભરમાં ક્રૂડ અને ગેસના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. જાણકારોએ શંકા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જો ૧૦ જ દિવસમાં વિશ્વની આ સ્થિતિ થતી હોય તો આ યુદ્ધ લાંબું ચાલશે તો સમગ્ર વિશ્વમાં હાહાકાર થશે. 

નોંધનીય છે કે, ચાર વર્ષ પહેલાં રશિયાએ જ્યારે યુક્રેન સામે જંગ શરૂ કર્યો ત્યારે વૈશ્વિક માર્કેટમાં ક્રૂડના ભાવ ઉચકાયા હતા અને હાલમાં તેના જેવી જ અસર જોવા મળી રહી છે. ક્ડ, ગેસ સપ્લાય કરતા દેશો દ્વારા સપ્લાય અટકાવી દેવામાં આવતા ક્ડ ચાર વર્ષ બાદ પહેલી વખત ૧૦૦ ડોલરને પાર ગયું છે. ચિંતાજનક બાબત એ છે કે, વિશ્વ હાલમાં ક્રૂડ અને ગેસની કટોકટી સુધી પહોંચવા આવ્યું છે છતાં અમેરિકા પ્રમુખની તુમાખી ઓછી થતી નથી. 

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વકરતી જાય છે તેમ તેમ દુનિયાભરમાં કોમોડિટિઝ અને ફેસેલિટિઝની સ્થિતિ આકરી થતી જાય છે. ખાસ કરીને ક્ડની આયાત-નિકાસને મોટો ફટકો પડયો છે. બીજી તરફ ભારતની પણ આયાત ને નિકાસ ખોટકાઈ છે. તેના ૨૦૦૦થી વધારે જહાજો હવે રાતા સમુદ્રમાં પણ ફસાયા છે. હોર્મુઝની ખાડીમાં ફસાયેલા જહાજો પણ આગળ વધી શકતા નથી કે ભારત તરફ આવી શકતા નથી. આ સિવાય ક્રૂડ ૧૫૦ ડોલર જવાની શક્યતા દેખાઈ રહી છે. બીજી તરફ અનેક દેશોમાં ક્રૂડ, ગેસ અને અન્ય વસ્તુઓની અછત વર્તાવા લાગી છે. તેમાંય હાલમાં દુનિયાના અંદાજે ૯ દેશોમાં સ્થિતિ અત્યંત કફોડી થઈ ગઈ છે. આ સિવાય પણ નાના મોટા દેશોનો અસર થઈ રહી છે. આ દેશોમાં અત્યારે હાલાત ખરાબ થઈ રહ્યા છે.

જાપાન : જાપાન દ્વારા પોતાની જરૂરિયાતનું ૯૫ ટકા ક્રૂડ આયાત કરવામાં આવે છે. તેમાંથી ૭૫ ટકા ક્રૂડ હોર્મુઝની ખાડીમાંથી આવે છે. ઈરાન યુદ્ધના કારણે આ ખાડી દસ દિવસથી બંધ છે અને જાપાનની હાલત ખરાબ થઈ રહી છે. જાપાન દ્વારા નેશનલ રિઝર્વનો ઉપયોગ કરવાનો વિચાર કરાઈ રહ્યો છે. ટૂંક સમયમાં સ્થિતિ નહીં સુધરે તો આ એકમાત્ર વિકલ્પ છે.

સાઉથ કોરિયા : સાઉથ કોરિયાના પ્રમુખ લી જેઈ મેયંગે જણાવ્યું કે, છેલ્લાં ૩૦ વર્ષમાં તેઓ પહેલી વખત સ્થાનિક ઈંધણના ભાવની સમીક્ષા કરશે અને લિમિટ લગાવશે. આ સિવાય ક્રૂડનો સપ્લાય અન્ય કોઈ દેશ કે સ્રોત દ્વારા કરવામાં આવે તેના પણ વિકલ્પ ચકાસવામાં આવશે. તે સિવાય બજારને સ્થાયી કરવા ૬૭ અબજ ડોલરનું સ્ટેબિલાઈઝેશન પેકેજ જારી કરાશે.

વિયેતનામ : ક્ડના ભાવ વધવાની ભીતીને પગલે વધુ એક એશિયાઈ દેશ દ્વારા ક્રૂડ ઉપરના ટેરિફમાં ઘટાડો કરાશે. કટેલીક પેટ્રોલિયમ પેદાશો ઉપર ઈમ્પોર્ટ ટેક્સ ઝીરો કરી દેવામાં આવશે. તેના દ્વારા સ્થાનિક બજારની સ્થિતિ કાબુ કરવાનો પ્રયાસ કરાશે. વિયેતનામે ચિંતા વ્યક્ત કરી છે કે, યુદ્ધ અટકશે નહીં અને હોર્મુઝની ખાડો ઉકેલ નહીં આવે તો સમગ્ર વિશ્વમાં ક્ડના ભાવ ભડકે બળશે. સ્થિતિ કાબુમાં આવશે નહીં. વિયેતનામમાં ક્રૂડના ભાવમાં વધારો થયો છે. 

ઈન્ડોનેશિયા : ઈન્ડોયનેશિયાના નાણામંત્રીએ જણાવ્યું કે, ફ્યૂઅલના રેટ્સ કાબુ કરવા સરકારે જે બજેટની ફાળવણી કરી છે તેમાં વ્યાપક વધારો કરવો પડશે. ઈન્ડોનેશિયા દ્વારા તાજેતરના બજેટમાં એનર્જી સબસીડી માટે ૨૨.૫ અબજ ડોલરના ભંડોળની જાહેરાત કરાઈ હતી. હવે તેમાં વધારો કરવામાં આવશે.

ચીન : ચીન પોતાના ઉત્પાદનનું મોટાભાગનું ઓઈલ વિદેશોથી મંગાવે છે. તેમાંય ૫૭ ટકા ક્રૂડ મધ્યપૂર્વમાંથી આયાત કરે છે. આ વિસ્તારમાં કટોકટી સર્જાતા ચીને આંતરિક સખતાઈ અમલમાં મુકી છે. દેશની તમામ રિફાઈનરીઓને આદેશ આપી દીધ છે કે, વૈશ્વિક સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી નિકાસ અટકાવીને સ્થાનિક બજારને બચાવવા કામગીરી કરવામાં આવે. આ સિવાય જેમને શિપમેન્ટ આપવાની જાહેરાત થઈ ગઈ હતી કે, કરાર થઈ ગયા હતા તે પણ રદ કરવાના આદેશ આપી દેવાયા છે. 

ફિલિપાઈન્સ : ક્રૂડના ભાવ કાબુ કરવા અને વપરાશ ઘટાડવા ફિલિપાઈન્સ સરકારે અઠવાડિયામાં ચાર દિવસ કામની યોજના લાગુ કરી છે. તમામ સરકારી વિભાગો ચાર જ દિવસ કામ કરે છે. તેના દ્વારા ટ્રાફિક ઘટાડવામાં આવ્યો છે અને ક્રૂડનો વપરાશ તથા ડિમાન્ડ ઘટાડવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારી વિભાગો અને એજન્સીઓમાં વીજવપરાશ પણ ૨૦ ટકા સુધી ઘટાડવાના આદેશ અપાયા છે.

મ્યાંમાર : મ્યાંમારની મિલિટરી સરકાર દ્વારા રેશનિંગ પદ્ધતિથી ઈંધણ આપવાની જાહેરાત કરાઈ હતી. તે સિવાય રસ્તે ફરતા ખાનગી વાહનોની સંખ્યા અડધી કરી દેવાના આદેશ અપાયા છે. તેમાં કદાચ નંબર પ્લેટના આધારે પદ્ધતિ લાગુ કરાઈ છે. 

થાઈલેન્ડ : થાઈલેન્ડે પોતાના ૬૦ દિવસના રીઝર્વમાંથી અડધું રિઝર્વ વાપરવાનો નિર્ણય લીધો છે. તે ઉપરાંત ઈંધણના ભાવ ઉપર નિયંત્રણ લગાવ્યું છે. 

બાંગ્લાદેશ : દક્ષિણ એશિયાના આ દેશમાં યુનિવર્સિટીઓ અને કોલેજો તથા શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવાઈ છે. રમઝાન ઈદના નામે વેકેશન જારી કરી દેવાયું છે. તે પોતાનું ૯૫ ટકા ક્રૂડ ઈમ્પોર્ટ કરે છે. લોકો સંગ્રહખોરી ન કરે તે માટે વાહનોની કેટેગરીના આધારે પેટ્રોલ આપવાનું નક્કી કરાયું છે. 

પાકિસ્તાન : પાકિસ્તાન પાસે તો પહેલેથી જ પૈસા નથી અને તેમાંય ક્રૂડની સમસ્યા સર્જાતા કોવિડ જેવા નિયમો લાગુ કરાયા છે. 

અહીંયા વર્કફ્રોમ હોમ જાહેર કરાયું છે. સ્કૂલ અને કોલેજોમાં ઘરેથી ભણવા અથવા તો એકાદ શિફ્ટમાં કામ કરવાના આદેશ અપાયા છે. આ સિવાય સરકારી કચેરીઓમાં માત્ર જરૂરી સ્ટાફ જ હાજર રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. આઈટી કંપનીઓ અને અન્ય ટેલિકોમ કંપનીઓને પણ કર્મચારીઓને અઠવાડિયામાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ આપવાના આદેશ અપાયા છે. તે સિવાય સરકારી કર્મચારીઓને કારપુલ કરવા કે સાથે એક જ વાહનમાં આવવા પણ જણાવાયું છે. હાલમાં તેની પાસે ૨૫ દિવસનો જથ્થો છે અને ૧૦ દિવસનો રીઝર્વ છે. તે ઉપરાંત ૧૫ દિવસ ચાલે તેટલો એલપીજી છે. 

હાલમાં પાકિસ્તાનમાં ડીઝલ ૩૨૧ રૂપિયે લીટર અને પેટ્રોલ ૩૩૬ રૂપિયે લિટર પહોંચી ગયું છે.

હોર્મુઝ બાદ રાતા સમુદ્રમાં પણ જોખમ ! ભારતના 1800 કન્ટેઇનર પરત 

આ યુદ્ધની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. એક તરફ ક્રૂડ અને ગેસની તંગીના કારણે સરકાર ભીંસમાં આવી છે ત્યાં બીજી તરફ નિકાસને પણ વ્યાપક નુકસાનની શક્યતાઓ જોવાઈ રહી છે. ખાડી દેશોમાં વધતા સંઘર્ષને કારણે સમુદ્રી માર્ગો જોખમી બન્યા છે. થોડા સમય પહેલાં ગલ્ફ દેશો માટે મોકલવામાં આવેલી આશરે ૨૦૦૦ કારોને હવે ચેન્નાઈ પોર્ટ પર પરત લાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ ગાડીઓને હંબનટોટા પોર્ટ થઈને મધ્ય-પૂર્વના બજારોમાં મોકલવાની હતી, પરંતુ યુદ્ધના કારણે શિપિંગ કંપનીઓએ રૂટ બદલવા પડયા છે. 

જાણકારોના મતે હોર્મુઝની ખાડી બાદ હવે રાતા સમુદ્રના જળમાર્ગો ઉપર પણ જોખમ વધી રહ્યું છે. તેના પગલે અંદાજે પાંચ હજાર જેટલા કન્ટેનરોને પાછા વાળવામાં આવી રહ્યા છે. બીજી તરફ ભારતમાં આંતરિક રીતે પણ ઘણી સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને એલપીજી અને એલએનજીની અછત સર્જાઈ છે. તેના કારણે પેટ્રોલ, પેટ્રોલિયમ પ્રોડક્ટ અને ગેસ માટે એસેન્શિયલ કોમોડિટિઝ એક્ટ લાગુ કર્યો છે.