For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સેમીકન્ડક્ટર્સ ભારતના અર્થતંત્રમાં કરંટ લાવી શકે

Updated: Mar 11th, 2023

Article Content Image

- સેમીકન્ડક્ટર્સના ઉત્પાદનમાં ભારત અને અમેરિકા હાથ મિલાવે તો ભારત માટે એક નવા યુગની શરૂઆત થાય તેમાં શંકા નથી

- ભારત-અમેરિકાના સેમીકન્ક્ટર્સમા સહયોગના એમઓયુ મહત્વના છે. અમેરિકા ભારતને સેમીકન્ડક્ટર ઈન્ડસ્ટ્રીના વિકાસમાં મદદ કરવા આતુર છે કેમ કે અમેરિકા ચીનથી થાકી ગયું છે. અમેરિકા પોતે સેમીકન્ટક્ટર્સનું મોટું ઉત્પાદક છે પણ તેની જરૂરીયાત જંગી હોવાથી ચીન પર કંઈક અંશે નિર્ભર છે. ચીનની લુખ્ખાગીરી વધતી જાય છે તેથી અમેરિકા ભારત અને તાઈવાનને ચીનના વિકલ્પ તરીકે વિકસાવવા માગે છે.

ભારતે શુક્રવારે અમેરિકા સાથે એક મહત્વના કરાર પર સહી કરી. આ કરાર પ્રમાણે ભારત અને અમેરિકા સેમીકન્ડક્ટર સપ્લાય ચેન વિકસાવામાં અને સેમીકન્ડક્ટર્સ ઈન્ડસ્ટ્રીમાં નવું કરવા માટે ભાગીદારી કરશે. અત્યારે અમેરિકાનાં વ્યાપાર મંત્રી ગિના એમ. રાયમોંડો ભારતની મુલાકાતે છે. રાયમોંડો અને ભારતના વ્યાપાર મંત્રી પિયૂષ ગોયલ બંને દેશો વચ્ચેના આ કરાર પર સહી કરી છે. 

આ કરાર મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુ) એટલે કે એક સમજૂતી છે. એમઓયુમાં કશું નક્કર હોતું નથી તેથી અત્યારે કંઈ પણ કહેવું વહેલું છે પણ આ કરારના કારણે ભારત માટે વૈશ્વિક અર્થતંત્રમાં એક મહાસત્તા બનીને ઉભરવાનો તખ્તો ચોક્કસ તૈયાર થઈ ગયો છે. 

ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર વધારવા માટે પણ સંમતિ સધાઈ છે. વ્યાપારના નવા નવા ક્ષેત્રોમાં સહયોગ માટે બંને દેશ સહમત થયા છે. આ કરારના અમલમાં શું શું થાય છે એ જોવાનું રહે છે પણ સેમીકન્ડક્ટર્સના ઉત્પાદનમાં ભારત અને અમેરિકા હાથ મિલાવે તો કમ સે કમ ભારત માટે એક નવા યુગની શરૂઆત થાય તેમાં શંકા નથી. સેમીકન્ડક્ટર્સ ઈન્ડસ્ટ્રી ભારતના અર્થતંત્રમાં કરંટ લાવી શકવાની ક્ષમતા ધરાવે છે.

ભારત લાંબા સમયથી સેમીકન્ડક્ટર્સના બજારમાં પોતાની જગા બનાવવા મથ્યા કરે છે પણ હજુ સુધી એવી સફળતા મળી નથી. મોદી સરકારે સેમીકન્ડક્ટર ચિપ્સના ઉત્પાદન માટે ૧૦ અબજ ડોલરનું પેકેજ જાહેર કર્યું છે. ૨૦૨૧ના ડીસેમ્બરમાં મોદી સરકારે જાહેરાત કરેલી કે, ભારતમાં સેમીકન્ટક્ટર્સ ઉદ્યોગના વિકાસ માટે સહાય આપશે. અમેરિકાએ એ વખતે જ ભારતને તમામ મદદની ખાતરી આપેલી પણ કશું નક્કર થયું નહોતું. આ સમજૂતીથી એ દિશામાં નક્કર પગલાંનો આશાવાદ પેદા થયો છે. 

અમેરિકા ભારતને સેમીકન્ડક્ટર ઈન્ડસ્ટ્રીના વિકાસમાં મદદ કરવા આતુર છે કેમ કે અમેરિકા ચીનથી થાકી ગયું છે. અમેરિકા પોતે સેમીકન્ટક્ટર્સનું મોટું ઉત્પાદક છે પણ તેની જરૂરીયાત જંગી હોવાથી ચીન પર કંઈક અંશે નિર્ભર છે. ચીનની લુખ્ખાગીરી વધતી જાય છે તેથી અમેરિકા ભારત અને તાઈવાનને ચીનના વિકલ્પ તરીકે વિકસાવવા માગે છે. આ કારણે ભારત અમેરિકાને તમામ પ્રકારની મદદ કરશે.  

ભારતમાં ટેકનોલોજી વિશે બહુ સભાનતા નથી તેથી લોકોને સેમીકન્ડક્ટર્સ ઈન્ડસ્ટ્રી વિકસે તો ભારતમાં કેવી મહાક્રાંમતિ આવી જાય તેની કલ્પના જ નથી. મોદી સરકારે ૨૦૨૫ સુધીમાં ભારતને ફાઈવ ટ્રિલિયન ઈકોનોમી બનાવવાનું એલાન કર્યું છે. અત્યારે આપણા અર્થતંત્રની જે દશા છે એ જોતાં ફાઈવ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવી બહુ કપરું કામ છે પણ સેમીકન્ડક્ટર્સ ઈન્ડસ્ટ્રી વિકસે તો ભારત સરળતાથી આ લક્ષ્યને પાર કરી શકે. 

વિશ્વમાં સેમીકન્ડક્ટર્સ બજાર કેટલું મોટું છે તેનો અંદાજ એ વાત પરથી જ આવે કે, ૨૦૨૧ના વર્ષમાં કુલ ૧.૧૫ લાખ કરોડ સેમીકન્ડક્ટર્સ યુનિટ વેચાયા હતા. ચીને એકલાએ જ ૧૯૨ અબજ ડોલરના સેમીકન્ડક્ટર્સ યુનિટ વેચ્યા હતા. ચીનની આર્થિક તાકાતમાં સેમીકન્ડક્ટર્સ યુનિટના વેચાણનું યોગદાન મોટું છે. 

ભારત પણ સેમીકન્ડક્ટર્સ ઈન્ડસ્ટ્રીને વિકસાવે તો આ ફાયદો મળે. મોદી સરકારે ભારતમાં સેમીકન્ડક્ટર્સ ઈન્ડસ્ટ્રીને વિકસાવીને તેમાં ૨૫ અબજ ડોલરનું વિદેશી રોકાણ લાવવાનું ટાર્ગેટ નક્કી કર્યું છે પણ સેમીકન્ડક્ટર્સ ઈન્ડસ્ટ્રીનો વ્યાપ જોતાં તેના કરતાં અનેકગણું રોકાણ ભારતમાં આવી શકે.  અમેરિકા પોતે દુનિયામાં ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રીમાં ટોચના દેશોમાં છે. દુનિયાના ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રીમાં ટોચના મનાતા જાપાન, જર્મની, તાઈવાન વગેરે દેશો અમેરિકાની સાથે છે. અમેરિકાની કંપનીઓ ભારતમાં આવવા માંડે એટલે તેની પાછળ પાછળ આ દેશોની કંપનીઓ પણ ભારતમાં આવે. 

જો કે અસલી ફાયદો સેમીકન્ડક્ટર્સ યુનિટના વેચાણ કરતાં તેના કારણે આવતા બીજા ઉદ્યોગોનો છે. સેમીકન્ટક્ટર્સનું વેચાણ અબજોમાં છે પણ તેના પર નિર્ભર ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રીના જુદા જુદા વિભાગોના વેચાણના આંકડા સાંભળશો તો આંખો ફાટી જશે.  ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોને પાવર, કન્ઝયુમર અને ટેક એમ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વરસોથી ઈ-કોમર્સનો વ્યાપ જબરદસ્ત વધ્યો છે તેથી ઈ-કોમર્સ પણ ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રીનો ભાગ જ ગણાય છે. પાવર ઈલેક્ટ્રોનિક્સમાં વીજળીનાં ઉત્પાદનો માટે વપરાતાં ઈક્વિપમેન્ટ્સ આવે છે. કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સમાં ટીવી, ફ્રીજ, મોબાઈલ ફોન વગેરે આવે. ટેક ઈલેક્ટ્રોનિક્સમાં ટેલીકોમ્યુનિકેશન સહિતની મોટી ટેકનોલોજીના વપરાશવાળા ઈક્વિપમેન્ટ્સ આવે. 

અત્યારે પાવર ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોનું વેચાણ ૫૦૦ અબજ ડોલરની આસપાસ હોવાનું મનાય છે. કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સનું વેચાણ તો ૩ લાખ કરોડ ડોલરને આંબી ગયું છે. ટેક ઈન્ડસ્ટ્રીમાં વેચાણનો આંકડો છ લાખ કરોડ ડોલરને પાર છે અને ઈ-કોમર્સનું ટર્નઓવર ૫૦ લાખ કરોડ ડોલરને પાર છે. આપણે કલ્પના પણ ના કરી શકીએ એ હદે ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રીમાં વેચાણ થાય છે. 

આ વેચાણ સતત વધતું જાય છે કેમ કે નવી નવી ટેકનોલોજી આવતી જાય છે. નવાં નવાં ઈક્વિપમેન્ટ્સ બન્યા કરે છે. ગ્રાહકોને નવી ટેકનોલોજીમાં તરત રસ પડી જાય છે તેથી ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોની માંગ વધ્યા કરે છે ને એ માંગને પહોંચી વળવા માટે ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન વધતું જાય છે.

અમેરિકા અત્યારે સેમીકન્ડક્ટર્સ ઉત્પાદનમાં ટોચ પર છે ને ચીન બીજા નંબરે છે. આ કારણે ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો બનાવતી દુનિયાભરની કંપનીઓએ ચીનમાં પ્લાન્ટ નાંખ્યા છે. ચીનમાં વિદેશી કંપનીઓનું અબજો ડોલરનું રોકાણ આવ્યા જ કરે છે. તેના કારણે ચીનમાં જંગી પ્રમાણમાં રોજગારી ઉભી થઈ છે. સરકારને પણ અધધધ કહી શકાય એવી કરની આવક થાય છે. જે દેશમાં ઉત્પાદન વધારે હોય ત્યાં ટ્રાન્સપોર્ટેશનથી માંડીને ટ્રાવેલ-ટુરિઝમ સુધીના બધા ધંધા ધમધોકાર ચાલે. ચીનમાં પણ બધા ધંધા ધમધોકાર ચાલે છે. 

ભારતમાં સેમીકન્ટક્ટર્સ ઉદ્યોગ વિકસે તો ભારતમાં પણ મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ આવે, દુનિયાની મોટી ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ ભારતમાં આવે અને જંગી પ્રમાણમા રોજગારી પેદા થાય. ભારતમા લોકોનું જીવનધોરણ સુધારવા માટે મોટી આર્થિક છલાંગની જરૂર છે જ. સેમીકન્ડક્ટર્સ ઈન્ડસ્ટ્રીમાં ભારતનો ડંકો વાગવા માંડે તો ભારતને એ છલાંગની તક મળી જાય એ જોતાં મોદી સરકારે સાચી દિશામાં પગલું ભર્યું છે. 

જો કે સવાલ સૈધ્ધાંતિક નિર્ણય કરતાં વધારે તેના અમલનો છે. ભારતમાં ચીનની સરખામણીમાં ઓછું વિદેશી રોકાણ આવે છે તેનું કારણ અમલદારશાહીની મગજમારી છે. 

વિશ્વમાં 600 અબજ ડોલરનું વેચાણ 

સેમીકન્ડક્ટર તમામ પ્રકારની ઈલેક્ટ્રોનિક્સ ડીવાઈસમાં વપરાય છે. લોખંડ સહિતની ધાતુઓ વીજળીની સુવાહક છે તેથી તેમના કારણે તરત કરંટ લાગે. કાચ અને લાકડું વીજળીનાં અવાહક છે તેથી કાચ-લાકડાને વીજળીનો તાર અડકે તો પણ કરંટ ના લાગે. સેમીકન્ટક્ટર ડીવાઈસ અત્યંત સુવાહક અને અવાહક બંનેની વચ્ચેનું મટીરીયલ છે. એ મર્યાદિત પ્રમાણમાં વીજળીના પ્રવાહના વહનનું કામ કરે છે. 

સેમીકન્ડક્ટર કઈ રીતે બને છે, કામ કરે છે એ એકદમ ટેકનિકલ બાબત છે. તેની વાત આપણે નથી કરતા પણ સેમીકન્ડક્ટર ઈન્ડસ્ટ્રીના વ્યાપની વાત કરવી જરૂરી છે. 

 ૧૯૪૭માં ટ્રાન્ઝિસ્ટર્સ અને ૧૯૫૨માં ઈન્ટીગ્રેટેડ સર્કિટ્સ (આઈસી)ની શોધના પગલે દુનિયામાં બહુ મોટી ક્રાંતિ આવી ગઈ. 

આ બંને શોધના કારણે ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રીનો વિકાસ થયો. ટ્રાન્ઝિસ્ટર્સ અને આઈસી સેમીકન્ડક્ટર્સનાં સૌથી જાણીતાં ઉદાહરણ છે. કોઈ પણ ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ આઈસી વિના ના બને ને આઈસીમાં ટ્રાન્ઝિસ્ટર્સ હોય જ. આ કારણે સેમીકન્ડક્ટર્સની ભારે માંગ છે. 

અત્યારે વિશ્વમાં સેમીકન્ડક્ટર્સના વેચાણમાંથી ૬૦૦ અબજ ડોલર કરતાં વધારેની આવક થાય છે. ૨૦૧૮માં આ વેચાણ ૪૮૧ અબજ ડોલર હતું ને ૨૦૨૧માં ૫૫૬ અબજ ડોલર હતું.

 ૨૦૨૭ સુધીમાં સેમીકન્ક્ટર્સનું વેચાણ ૭૨૫ અબજ ડોલરથી વધારે થવાની શક્યતા છે એ જોતાં ભારત સેમીકન્ટક્ટર્સ ઉત્પાદનમાં ટોપ ફાઈવ દેશોમાં આવે તો દેશના અર્થતંત્રને અકલ્પનિય ફાયદો થાય.

ભારતમાં સેમીકન્ડક્ટર ઈન્ડસ્ટ્રી 100 અબજ ડોલરની થઈ શકે

ભારતમાં અત્યારે સેમીકન્ડક્ટર ઈન્ડસ્ટ્રીની આવક ૨૭ અબજ ડોલરની આસપાસ છે. ૨૦૨૬ સુધીમાં આ આવનક વધીને ૬૪ અબજ ડોલર પર પહોંચવાની શક્યતા છે પણ આ ઈન્ટસ્ટ્રીના જાણકારોના મતે, અમેરિકાની મદદથી ભારત ૧૦૦ અબજ ડોલરનો આંકડો પાર કરી શકે છે. 

અત્યારે અમેરિકાની સેમીકન્ડક્ટર્સ ઈન્ડસ્ટ્રીની તમામ મોટી કંપનીઓના ભારતમાં પ્લાન્ટ છે. ઈન્ટેલ, ટેક્સાસ ઈન્સ્ટ્રમેન્ટ્સ, માઈક્રોન સહિતની કંપનીઓની ભારતમાં હાજરી છે જ. આ કંપનીઓ ભારતમાં રોકાણ વધારે તો ભારત સરળતાથી ૧૦૦ અબજ ડોલરના આંકને પાર કરી જાય.

Gujarat