- ઈઝરાયેલે આડોડાઈ કરીને લેબનોન ઉપર હુમલા ચાલુ રાખતા ઈરાન અકળાયું અને તેણે વળતા હુમલા શરૂ કર્યા જેમાં અમેરિકી હેલિકોપ્ટરનો ભોગ લેવાયો
- 9 જૂને થયેલી અમેરિકી હેલિકોપ્ટર અને ઈરાની ડ્રોન વચ્ચેની ટક્કરને પગલે સ્થિતિ વણસી છે. તેણે અટકી ગયેલા યુદ્ધાના અગ્નિમાં ઘી રેડવાનું કામ કર્યું છે. અમેરિકાએ અને ઈઝરાયેલે ફરી ઈરાન ઉપર હુમલા શરૂ કરી દીધા છે. ઈરાને પણ ઈઝરાયેલ અને મિડલ ઈસ્ટના કેટલાક દેશોને ટાર્ગેટ કરીને હુમલા શરૂ કરી દીધા છે. તેણે આ દેશોમાં અમેરિકી ઠેકાણાઓ ઉપર હુમલા કર્યા છે : યુદ્ધ અટકાવવા માટે ઈરાન અને અમેરિકા વાટાઘાટો કરતા હતા ત્યાં ઈઝરાયેલ લેબેનોન ઉપર હુમલા કરતું હતું. ઈરાને શરત મૂકી હતી કે, લેબેનોન પર ઈઝરાયેલના હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી શાંતિ મંત્રણા યોજાશે નહીં. ઈઝરાયેલે આ વાત પહેલાં માની નહીં અને લેબેનોન ઉપર હુમલા વધારી દીધા. તેના કારણે ઈરાન હવે અકળાયું છે અને લડી મરણિયું થઈ ગયું છે : અમેરિકાની જે યુદ્ધ નીતિ છે તેને આધિન રહીને જ તેણે હુમલા શરૂ કરી દીધા છે. અમેરિકા પોતાની જાતને કોઈપણ સ્તરે નબળું સાબિત કરવા માગતું નથી.
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામનો ફરી એક વખત અંત આવ્યો છે. ઈઝરાયેલના કારણે ઈરાન સામે યુદ્ધ શરૂ કરનાર અમેરિકા ફરી એક વખત હિંસક હુમલા કરવા લાગ્યું છે. એપ્રિલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ થયો હતો. ત્યારબાદ અમેરિકા અને ઈરાન વિવિધ મુદ્દે વાતચીત કરીને આ યુદ્ધનો અંત આણવા માગતા હતા પણ ઈઝરાયેલ હવે અમેરિકાના કહ્યામાં રહ્યું નથી અને તેને ગાંઠતું પણ નથી. તાજેતરમાં ઈઝરાયેલે લેબેનોનના વિવિધ ભાગમાં હવાઈ હુમલા કર્યા હતા. તેના જવાબમાં ગુસ્સે થયેલા ઈરાને પણ હવાઈ હુમાલ શરૂ કર્યા હતા. આ દરમિયાન હોર્મુઝની ખાડીમાં અમેરિકાનું એક હેલિકોપ્ટર અપાચે તૂટી પડયું. આ હેલિકોપ્ટરને ઈરાની ડ્રોન અથડાયાની વિગતો સામે આવ્યા બાદ અમેરિકાએ તેને હુમલો સમજી લીધો અને તેણે પણ સામે છેડેથી જવાબી પગલાં લેતા ભીષણ હુમલા શરૂ કરી દીધા. તેના પગલે ફરી એક વખત મિડલ ઈસ્ટમાં સ્થિતિ કાબુ બહાર જતી રહી.
ઉલ્લેખનીય છે કે, ૯ જૂને થયેલી અમેરિકી હેલિકોપ્ટર અને ઈરાની ડ્રોન વચ્ચેની ટક્કરને પગલે સ્થિતિ વણસી છે. તેણે અટકી ગયેલા યુદ્ધાના અગ્નિમાં ઘી રેડવાનું કામ કર્યું છે. અમેરિકાએ અને ઈઝરાયેલે ફરી ઈરાન ઉપર હુમલા શરૂ કરી દીધા છે. ઈરાને પણ ઈઝરાયેલ અને મિડલ ઈસ્ટના કેટલાક દેશોને ટાર્ગેટ કરીને હુમલા શરૂ કરી દીધા છે. તેણે આ દેશોમાં અમેરિકી ઠેકાણાઓ ઉપર હુમલા કર્યા છે. અમેરિકા અને ઈઝરાયેલે પણ ઈરાનના કેટલાક બંદરો અને શહેરો ઉપર હુમલા કર્યા છે. ચિંતાજનક બાબત એવી છે કે, આ ત્રણેય વચ્ચે વાટાઘાટો લગભગ છેલ્લા તબક્કામાં પહોંચી હતી અને કાયમી ધોરણે યુદ્ધ વિરામ આવે તેવી સ્થિતિ હતી ત્યાં હુમલા થતા પરિસ્થિતિ પાછી કાબુ બહાર જતી રહી છે. જાણકારોના મતે ઈઝરાયેલ તો આ હુમલાથી વધારે ખુશ છે.
જાણકારોના મતે ઈઝરાયેલના હાથના કરેલા હવે અમેરિકાને હૈયે વાગી રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે એપ્રિલમાં યુદ્ધ વિરામ જાહેર થયો હતો. આ દરમિયાન એક મોટી સમસ્યા સામે આવતી હતી. યુદ્ધ અટકાવવા માટે ઈરાન અને અમેરિકા વાટાઘાટો કરતા હતા ત્યાં ઈઝરાયેલ લેબેનોન ઉપર હુમલા કરતું હતું. ઈરાને શરત મૂકી હતી કે, લેબેનોન પર ઈઝરાયેલના હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી શાંતિ મંત્રણા યોજાશે નહીં. ઈઝરાયેલે આ વાત પહેલાં માની નહીં અને લેબેનોન ઉપર હુમલા વધારી દીધા. અમેરિકા તેના કારણે અકળાયું. બાદમાં તેણે હુમલા અટકાવી લીધા અને ઈરાન સંધી માટે રાજી થવા લાગ્યું હતું.
આ દરમિયાન થોડા દિવસ પહેલાં ઈઝરાયેલે ફરી એક વખત લેબેનોનમાં હિઝબુલ્લાના ઠેકાણાઓ ઉપર મિસાઈલમારો શરૂ કરી દીધો. તેણે અમેરિકાની ચેતવણી ધરાર અવગણીને બેરૂતમાં વિવિધ સ્થળે હુમલા કર્યા. તેના કારણે સ્થિતિ એવી થઈ કે ત્યાં ઘણા નિર્દોષ સ્થાનિકોનાં મોત થયા. ઈરાન આ હુમલાથી અકળાયું. તેણે તરત જ ચેતવણી આપી કે, આવા હુમલાનો તેની જ ભાષામાં જવાબ અપાશે. ઈરાને પણ ઈઝરાયેલ ઉપર હુમલા શરૂ કરી દીધા. તેણે આ સિવાય મિડલ ઈસ્ટના કેટલાક દેશોને પણ ટાર્ગેટ કર્યા.
આ ઘટનાના ભૂતકાળમાં જઈએ તો અઠવાડિયા પહેલાં ૪ જૂને ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધ વિરામ કરવા માટે વાટાઘાટો કરવામાં આવી હતી. તે સમયે હિઝબુલ્લાએ જણાવ્યું કે, જ્યાં સુધી ઈરાન લેબેનોનમાં હુમલા અટકાવશે નહીં અને લેબેનોનની ધરતી છોડશે નહીં ત્યાં સુધી કોઈ યુદ્ધ વિરામ નહીં થાય. ત્યારબાદ ઈઝરાયેલે ગુસ્સે થઈને સરહદે ગોળીબાર શરૂ કર્યો અને હિઝબુલ્લાએ પણ તેનો જવાબ આપ્યો. બીજા દિવસે એટલે કે પાંચમી જૂને ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડના એક ઉપરી અધિકારીએ ચેતવણી ઉચ્ચારી કે જ્યાં સુધી લેબેનોન પર ઈઝરાયેલના હુમલા અટકે નહીં ત્યાં સુધી વાત થશે નહીં. હવે આ હુમલા સહન કરવામાં આવશે નહીં. તેમણે એમ પણ જણાવ્યું કે, ઈઝરાયેલે પણ લેબેનોનમાં જે નરસંહાર કર્યો છે તેના કારણે ઈરાનના લોકો હવે બદલો લેવા આકરા થયા છે. જનતાને શાંત કરવા પણ અમારે હુમલા તો કરવા જ પડશે. હવે બદલો લેવામાં આવશે.
આ ઘટનાનું પરિણામ એ આવ્યું કે, અમેરિકા અને ઈરાન વચ્ચેની મંત્રણાઓ અટકી ગઈ. હિઝબુલ્લાએ જવાબ આપવા ઉત્તરી ઈઝરાયેલ ઉપર રોકેટ હુમલો કર્યો અને આત્મઘાતી ડ્રોન વરસાવ્યા. તેના જવાબમાં ઈઝરાયેલની સેનાએ પણ લેબેનોન સરહદ ઉપર ભીષણ હુમલો કર્યો. આ હુમલા દરમિયાન ૭ જૂનને રવિવારે સ્થિતિ એકદમ જ પલટાઈ ગઈ. ઈઝરાયેલે બેરુતના એક વીઆઈપી વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો જેમાં સામાન્ય નાગરિકોનાં મોત થયા. તેના બદલામાં ઈરાને પણ ઈઝરાયેલના રમાત ડેવિડ એરબેઝ ઉપર ૩૦ બેલેસ્ટિક મિસાઈલ છોડી. ઈઝરાયેલના એર ડિફેન્સ સિસ્ટમને ભેદીને આ મિસાઈલો વિવિધ સ્થળે પડી અને વ્યાપક નુકસાન અને જાનહાની થયા.
ઈઝરાયેલે સોમવારે તેના જવાબમાં બીજી એસ્ટ્રાઈક કરી. સોમવારે જ આ ઘટનાની ટ્રમ્પે નિંદા કરી અને તાકીદે ઈરાન તથા ઈઝરાયેલને હુમલા અટકાવવા માટે ચેતવણી આપવામાં આવી. ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા યુદ્ધ અટકાવવાનો પણ સંદેશ આપ્યો હતો. આ દેશો માન્યા નહોતા. તેઓ એકબીજા ઉપર હુમલા કરતા હતા. આ દરમિયાન મંગળવારે હોર્મુઝની ખાડીમાં અમેરિકાનું અપાચે હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. તપાસમાં બહાર આવ્યું કે, ઈરાનના આત્મઘાતી ડ્રોન જોડે અથડાવાથી આ હેલિકોપ્ટર તુટી પડયું હતું. આ ઘટનામાં પાઈલટ્સ બચી ગયા હતા પણ ટ્રમ્પ તેનાથી ગુસ્સે થઈ ગયા. તેમણે અમેરિકી સેનાને તાત્કાલિક ઈરાન ઉપર હુમલો કરવાના આદેશ આપ્યા. કલાકોમાં જ અમેરિકાના ફાઈટર વિમાનો દ્વારા ઈરાન ઉપર હુમલા શરૂ કરી દેવાયા.
જાણકારોના મતે અમેરિકાની જે યુદ્ધ નીતિ છે તેને આધિન રહીને જ તેણે હુમલા શરૂ કરી દીધા છે. અમેરિકા પોતાની જાતને કોઈપણ સ્તરે નબળું સાબિત કરવા માગતું નથી. ઈરાને જે કર્યું છે તેનું પરિણામ તેણે ભોગવવું જ પડશે. તે સહેજ પણ ઢીલ મુકે તો તેની છબી ખરડાય તેમ છે અને તેના કારણે જ તેણે ઈરાન ઉપર હુમલા કર્યા. અમેરિકાનો એવો પણ સ્પષ્ટ સંદેશ હતો કે, અમે યુદ્ધ વિરામ માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યાં તમે અમને પરેશાન કરવાનું સાહસ ન કરશો નહીંતર ભયાનક પરિણામ ભોગવવા પડશે.
એક નાનકડો હુમલો પણ દુશ્મનને આગળ વધવાનો અવસર આપી શકે છે અને તેની ઈચ્છા શક્તિ પ્રબળ બનાવી શકે છે. તેના કારણે અમેરિકા તેને ઉગતો જ ડામી દેવામાં માને છે. તેના કારણે જ શાંતિની ચર્ચા વચ્ચે તેણે ફરી યુદ્ધનો માર્ગ અપનાવ્યો.
ઈરાનનો પણ સ્પષ્ટ સંકેત લેબનોનના ભોગે કોઈ શાંતિ મંત્રણા નહીં થાય
ઈરાને પણ હવે અમેરિકા સામે શસ્ત્રો ફરી ઉપાડી લીધા છે. અમેરિકાની અપાચે હેલિકોપ્ટર ભુલથી હુમલાનો ભોગ બની ગયું કે તેને ટાર્ગેટ કરાયું હતું તેના વિશે કોઈ નક્કર માહિતી નથી. તેમ છતાં આ ઘટના બાદ અમેરિકાએ જે રીતે ઈરાન ઉપર હુમલા કર્યા અને ઈઝરાયેલે હુમલા કર્યા તેના કારણે ઈરાન છંછેડાયું છે. તેણે ઈઝરાયેલ, અમેરિકા ઉપરાંત મિડલ ઈસ્ટના અમેરિકાના સાથી દેશોને પણ ટાર્ગેટ કરવાનું ફરી શરૂ કરી દીધું છે.
ઈરાનનો સ્પષ્ટ સંદેશ છે કે, હિઝબુલ્લા અને હુથી તેમના સાથીઓ છે અને તેમને પીડા થશે તો ઈરાન તેનો જવાબ આપશે. તેના પગલે તેણે વળતા હુમલા શરૂ કરી દીધા. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ પણ માને છે કે, યુએસનું જે હેલિકોપ્ટર તુટી પડયું તે હુમલો જ હતો. આ માત્ર યુદ્ધનો સંકેત નહીં પણ અમેરિકી સંપ્રભુતા અને સૈન્ય ઉપર હુમલો હતો. તેના પગલે જ તેમણે ઈરાન ઉપર સીધો જ બોમ્બમારો શરૂ કરાવી દીધો. હાલમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનની જે સ્થિતિ છે અને તેમની વચ્ચે જે રીતે યુદ્ધ ચાલી રહ્યું છે તે જોતાં વિશ્વને ફરી તેની માઠી અસરો ભોગવવી પડે તેવું દેખાઈ રહ્યું છે. રશિયા અને ચીન જેવા દેશો પડદા પાછળ રહીને ઈરાનને સપોર્ટ કરી રહ્યા છે તેવા દાવા કરી છે. તેઓ સીધી રીતે યુદ્ધ કરતા નથી પણ ઈરાનને પ્રોત્સાહન અને સપોર્ટ જરૂર આપશે. ચિંતાજનક બાબત એવી છે કે, યુએન દ્વારા જાહેર કરાયું છે કે આ યુદ્ધ ખેંચાશે તો ત્રીજા વિશ્વયુદ્ધની પણ સ્થિતિ આવી શકે છે.
આ સિવાય વૈશ્વિક બજારમાં પણ મોટાપાયે કડાકો આવશે અને મોંઘવારી તથા ફુગાવો વધશે. અમેરિકાએ ફરી એક વખત જાહેરાત કરી લીધી છે કે, તે પાછળ ખસશે નહીં. બીજી તરફ ઈઝરાયેલ તો પહેલેથી જ લડી લેવાના મૂડમાં છે અને કોઈપણ ભોગે ઈરાનનો નાશ કરવા માગે છે. આ સંજોગોમાં ઈરાન પણ મરણીયું થઈને આ બંને દેશોનો આક્રમક જવાબ આપશે અને ફરી એક વખત ક્રૂડના વૈશ્વિક વેપારની અટવાઈ દેશે.


