Get The App

મુસ્લિમ મહિલાને પણ ભરણપોષણ, શાહબાનો કેસની યાદ તાજી થઈ

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
મુસ્લિમ મહિલાને પણ ભરણપોષણ, શાહબાનો કેસની યાદ તાજી થઈ 1 - image


- સુપ્રીમ કોર્ટે આડકતરી રીતે સમાન સિવીલ કોડનું સમર્થન કર્યું છે, દેશની બીજી મહિલાઓને જે કાયદા લાગુ પડે એ જ કાયદા મુસ્લિમ મહિલાઓને પણ લાગુ પડે છે

- સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક છે કેમ કે આ ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે ક્રિમિનલ પ્રોસીજર કોડને મુસ્લિમ પર્સનલ લો કરતાં ઉપર ગણ્યો છે. તેના કરતાં પણ મહત્વની બાબત એ છે કે, મુસ્લિમ વીમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન ડિવોર્સ) એક્ટ, 1986ને જ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે. આ દેશના બંધારણે આપેલા સમાનાતાનો હક તમામ ધર્મની સ્ત્રીઓને અંગત બાબતોમાં  લાગુ પડે છે એ બાબતનો સ્વીકાર કરાયો છે. સુપ્રીમના ચુકાદાએ શાહબાનો કેસની યાદ અપાવી દીધી છે કેમ કે સુપ્રીમ કોર્ટે શાહબાનો કેસ પછી બંધારણમાં કરાયેલા સુધારાને ફગાવી દીધો છે.

સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે કે, તલાકશુદા એટલે કે ડિવોર્સી મુસ્લિમ મહિલા પણ તેના પતિ પાસેથી ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. તેલંગાણાના મોહમ્મદ અબ્દુલ સમદે પોતાની પત્નીને ભરણપોષણ નહીં આપવા માટે દલીલ કરેલી કે, મુસ્લિમ વીમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન ડિવોર્સ) એક્ટ, ૧૯૮૬ હેઠળ મુસ્લિમ સ્ત્રી પતિ પાસેથી ભરણપોષણની હકદાર નથી. સુપ્રીમ કોર્ટે આ દલીલને ફગાવી દઈને ચુકાદો આપ્યો છે કે, ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૧૨૫ તમામ ધર્મની સ્ત્રીઓને લાગુ પડે છે તેથી સમદે પણ ભરણપોષણ આપવું પડશે. 

સમદે તેની પત્નીને ૨૦૧૭માં તલાક આપી દીધા હતા. પત્નીએ ભરણપોષણ માટે ફેમિલી કોર્ટમાં દાવો કરતાં ફેમિલી કોર્ટે પત્નીને દર મહિને ૨૦ હજાર રૂપિયા ભરણપોષણ આપવા માટે ફરમાન કરેલુ. સમદ તેની સામે હાઈકોર્ટમાં ગયો હતો. સમદની દલીલ હતી કે, મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે તલાક આપ્યા હોવાથી ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૧૨૫ લાગુ ના પડે પણ મુસ્લિમ વીમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન ડિવોર્સ) એક્ટ, ૧૯૮૬ લાગુ પડે. આ સંજોગોમાં પત્ની ભરણપોષણ ના માગી શકે.

હાઈકોર્ટે આ દલીલ ફગાવીને ભરણપોષણ આપવાનો આદેશ આપેલો પણ ભરણપોષણની રકમ ૨૦ હજાર રૂપિયાથી ઘટાડીને ૧૦ હજાર રૂપિયા કરી દીધેલીં. સમદ તો પત્નીને એક રૂપિયા પણ ભરણપોષણ પેટે ચૂકવવા નહોતો માગતો તેથી સુપ્રીમ કોર્ટમાં ગયો પણ સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી દીધી છે. સમદ પાસે રીવ્યુ પીટિશનનો વિકલ્પ છે. મુસ્લિમ સંગઠનોનું તેને પીઠબળ હોવાનું કહેવાય છે એ જોતાં એ રીવ્યુ પીટિશન કરી શકે પણ અત્યારે તો સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી.વી. નાગરથ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસિહની બેંચે તેની વિરૂધ્ધ ચુકાદો આપી દીધો છે. 

સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક છે કેમ કે આ ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે ક્રિમિનલ પ્રોસીજર કોડને મુસ્લિમ પર્સનલ લો કરતાં ઉપર ગણ્યો છે. તેના કરતાં પણ મહત્વની બાબત એ છે કે, મુસ્લિમ વીમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન ડિવોર્સ) એક્ટ, ૧૯૮૬ને જ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે. આ દેશના બંધારણે આપેલા સમાનાતાનો હક તમામ ધર્મની સ્ત્રીઓને અંગત બાબતોમાં  લાગુ પડે છે એ બાબતનો સ્વીકાર કરાયો છે. 

સુપ્રીમના ચુકાદાએ શાહબાનો કેસની યાદ અપાવી દીધી છે કેમ કે સુપ્રીમ કોર્ટે શાહબાનો કેસ પછી બંધારણમાં કરાયેલા સુધારાને ફગાવી દીધો છે. શાહબાનો મધ્ય પ્રદેશના ઈન્દોરનાં હતાં. શાહબાનો બેગમના નિકાહ ૧૯૩૨માં ૧૮ વર્ષની વયે ઈન્દોરના  મોહમ્મદ અહમદ ખાન સાથે થયા હતા. ખાન માલદાર ને વગદાર વકીલ  હતા. મોહમ્મદ ખાન સાથેનાં લગ્નથી  શાહબાનો પાંચ બાળકોમાં માતા બન્યાં હતાં. એ પછી ખાનને શાહબાનોમાંથી રસ ઉડી ગયો એટલે લગ્નના ૧૪ વર્ષ પછી મોહમ્મદ ખાને વીસ વરસની બીજી યુવતી સાથે નિકાહ પઢી લીધા. મુસ્લિમોમાં બીજા નિકાહ કરી શકાય છે શાહબાનોએ કમને શોક્યને સ્વીકારી લીધી.

મોહમ્મદ ખાન વરસો સુધી બંને પત્ની સાથે રહેતા હતા પણ ૧૯૭૬માં  લગ્નજીવનના ૪૪ વર્ષ પછી ૧૯૭૬માં  શાહબાનોને પાંચ સંતાનો સાથે ઘરમાંથી તગેડી મૂક્યાં. શાહબાનો ત્યારે ૬૨ વર્ષનાં હતાં ને સંતાનો પણ મોટાં હતાં તેથી આર્થિક રીતે પતિ પર નિર્ભર નહોતાં પણ આ અપમાન મોટું હતું તેથી શાહબાનોએ   સગાંને ફરિયાદ કરી. સગાં વચ્ચે પડતાં ખાન શાહબાનો તથા તેનાં સંતાનોના ભરણપોષણ માટે મહિને ૨૦૦ રૂપિયા આપવા તૈયાર થયા. બે વર્ષ પછી એટલે કે એપ્રિલ ૧૯૭૮માં મોહમ્મદ ખાને ભરણપોષણ  બંધ કરીને શાહબાનોને તલાક આપી દીધા.

શાહબાનોએ કોર્ટ કેસ કરીને ભરણપોષણની માગણી કરી. ખાને દલીલ કરી કે, ઈસ્લામના કાયદા પ્રમાણે મહેરની રકમ આપી દીધી હોવાથી શાહબાનોને ભરણપોષણ આપવાનો સવાલ જ નથી. નીચલી કોર્ટથી માંડીને હાઈકોર્ટ સુધી બધાંએ શાહબાનોની અરજીને માન્ય રાખીને ભરણપોષણ આપવાનું ફરમાન કર્યું તેથી ખાન સુપ્રીમ કોર્ટમાં ગયા. 

ખાનને મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમિત ઉલેમા-એ-હિંદ સહિતનાં સંગઠનોનો ટેકો હતો પણ સુપ્રીમ કોર્ટની લાર્જર બેંચે ૨૩ એપ્રિલ, ૧૯૮૫ના રોજ  ઐતિહાસિક ચુકાદો આપીને શાહબાનોને ભરણપોષણ આપવા ફરમાન કર્યું. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો કે, આઈપીસીની કલમ ૧૨૫ દરેક ધર્મ, સંપ્રદાય અને જ્ઞાાતિનાં લોકોને એકસરખી રીતે લાગુ પડે છે તેથી શાહબાનોને ભરણપોષણની રકમ આપવામાં આવે. 

આ ચુકાદા સામે મુસ્લિમ સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો. મુસ્લિમ આગેવાનો કોંગ્રેસની રાજીવ ગાંધી સરકાર પર દબાણ લાવ્યા તેથી રાજીવ ગાંધીની સરકારે  આ ચુકાદાને રદબાતલ કરવા માટે ધ મુસ્લિમ વીમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન ડિવોર્સ) એક્ટ, ૧૯૮૬ બનાવી દીધો. નવા કાયદા હેઠળ મુસ્લિમ મહિલાઓને તલાક પછી પતિ ભરણપોષણ આપવા બંધાયેલા નથી.

૨૦૦૧મા સુપ્રીમ કોર્ટે ડેનિયલ લતિફના કેસમાં મુસ્લિમ વીમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન ડિવોર્સ) એક્ટ, ૧૯૮૬ને બંધારણીય ગણાવ્યો હતો. આ કાયદાના કારણે  ભારતના બંધારણે આપેલા મૂળભૂત અધિકારને લગતી કલમ ૧૪, ૧૫ અને ૨૧નો ભંગ થતો નથી. કલમ ૧૪ દેશમાં તમામ લોકોને સમાનતાનો અધિકાર આપે છે. કલમ ૧૫ હેઠળ ધર્મ, વંશ, 

જ્ઞાાતિ, લિંગ કે જન્મના સ્થળના આધારે દેશના કોઈ નાગરિક સાથે ભેદભાવ કરવા પર પ્રતિબંધ છે. સુપ્રીમ કોર્ટે આ કોઈ કલમનો ભંગ નથી થતો એવો ચુકાદો આપતાં આ કલમ કાયમી થઈ ગયેલી. સુપ્રીમ કોર્ટે આ કલમને જ ફગાવી દીધી છે. 

સુપ્રીમ કોર્ટે આડકતરી રીતે સમાન સિવિલ કોડનું સમર્થન કર્યું છે. મુસ્લિમ પર્સનલ લો વિશે કોઈ ટીપ્પણી કર્યા વિના સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે, દેશની બીજી મહિલાઓને જે કાયદા લાગુ પડે છે એ જ કાયદા મુસ્લિમ મહિલાઓને પણ લાગુ પડે છે. 

શાહબાનો કેસે ભારતના રાજકારણને બદલી દીધું, ભાજપને મજબૂત બનાવ્યો

શાહબાનો કેસ ભારતના રાજકારણમાં ટર્નિંગ પોઈન્ટ મનાય છે. સુપ્રીમ કોર્ટે શાહબાનોની તરફેણમાં આપેલા ચુકાદાને રાજીવ ગાંધીએ બદલી નાંખ્યો તેના કારણે  કોંગ્રેસ સામે મુસ્લિમ તુષ્ટિકરણના આક્ષેપો અને હિંદુત્વ બંને પ્રબળ બનતાં દેશનું રાજકારણ બદલાઈ ગયું. કોંગ્રેસમાં એ વખતે આરિફ મોહમ્મદ ખાન સહિતના મુસ્લિમ નેતાઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાને બદલતો કાયદો બનાવવાની વિરૂધ્ધ હતા પણ રાજીવ ગાંધી કટ્ટરવાદી મુસ્લિમો સામે ઝૂકી ગયા હતા. આ કાયદો પાછો પાછલી અસરથી લાગુ કરાયો હતો.

આ નવા કાયદાના કારણે એવી છાપ પડી કે, કોંગ્રેસને મુસ્લિમ મહિલાઓને અધિકારોમાં રસ નથી પણ મુસ્લિમ મતબેંકના ઠેકેદાર એવા આગેવાનોને સાચવવામાં રસ છે. કોંગ્રેસ એક લાચાર વૃધ્ધ મહિલાને પડખે ઉભી રહેવાનો બદલે કટ્ટરવાદી અને પ્રગતિ વિરોધી પરિબળો સામે  ઝૂકી ગઈ એવો મુદ્દો ભાજપ સહિતના વિપક્ષોએ ચગાવ્યો હતો. શાહબાનો કેસનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો મુસ્લિમ મહિલાઓને દેશની બીજી મહિલાઓને સમકક્ષ ગણાવતો હતો. કોંગ્રેસ સરકારે કાયદો બદલીને મુસ્લિમ મહિલાઓને દેશની બીજી મહિલાઓથી અલગ ને પતિઓની ગુલામ હોય એવી સ્થિતીમાં મૂકી દીધી.

ભાજપ ૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં માત્ર ૨ બેઠકો જીતીને ખરાબ સ્થિતીમાં હતો ત્યારે જ આવેલા શાહબાનો કેસના ચુકાદાને કારણે તેને કોંગ્રેસ પર મુસ્લિમ તુષ્ટિકરણનો આક્ષેપ કરવાની તક મળી ગઈ. શાહબાનો કેસના ચુકાદા અને રાંમમંદિર ઝુંબેશના જોરે ભાજપે હિંદુત્વની લહેર ઉભી કરી દીધી હતી.

ટ્રિપલ તલાક પછી મુસ્લિમોને લગતો બીજો ઐતિહાસિક ચુકાદો

સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને લગતો આ બીજો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 

આ પહેલાં મુસ્લિમ મહિલાઓને ત્રણ વાર તલ્લાક બોલીને અપાતા ટ્રિપલ તલાકને પણ સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવીને સરકારને તેના પર પ્રતિબંધ મૂકતો કાયદો બનાવવા કહેલું. તેના પગલે મોદી સરકારે ટ્રિપલ તલાકને અપરાધ ગણતો કાયદો બનાવ્યો કે જે અમલી બની ગયો છે. ટ્રિપલ તલાક વિરોધી કાયદામાં ટ્રિપલ તલાકને ફોજદારી અપરાધ માનવામાં આવ્યો છે.  ટ્રિપલ તલાક આપનારને ત્રણ વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. આ ખરડામાં ટ્રિપલ તલાક અપાયા હોય એ મહિલાને વળતર અને ભરણપોષણ મળે એવી પણ જોગવાઈ છે. 

ટ્રિપલ તલાકની પ્રથા નાબૂદ કરતો ખરડો લવાયો એ પહેલાં મુલ્લા-મૌલવીઓ અને મુસ્લિમ નેતાઓ કહેતા હતા કે, ટ્રિપલ તલાકની પ્રથા નાબૂદ કરીને સરકાર મુસ્લિમોની ધામક બાબતોમાં દખલ કરી રહી છે એ મુસ્લિમો નહીં ચલાવી લે ને રસ્તા પર આવી જશે પણ એવું કશું ના થયું. મુસ્લિમ મહિલાઓ તો ટ્રિપલ તલાકની પ્રથા નાબૂદ થતાં ખુશ છે.

News-Focus

Google NewsGoogle News