Get The App

પશ્ચિમી દેશોમાં જાન્યુઆરી ડાયવોર્સ મન્થ તરીકે ઓળખાય છે

Updated: Jan 11th, 2026

GS TEAM

Google News
Google News
પશ્ચિમી દેશોમાં જાન્યુઆરી ડાયવોર્સ મન્થ તરીકે ઓળખાય છે 1 - image

- આખા વર્ષની સરખામણીએ અમેરિકા સહિત પશ્ચિમી દેશોમાં જાન્યુઆરીમાં છુટાછેડાનું પ્રમાણ 35-40 ટકા જેટલું વધી જાય છે

- જાણકારો જણાવે છે કે, મોટાભાગે પશ્ચિમી દેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં છુટાછેડાના ત્રણ મુખ્ય કારણો હોય છે, લગ્નેતર સંબંધ, પારિવારિક અયોગ્યતા અને આર્થિક સમસ્યાઓ : પશ્ચિમના દેશોમાં પણ 70 અને 80ના દાયકાથી જ આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બેબી બુમર્સ દ્વારા જાન્યુઆરીમાં સૌથી વધારે છુટાછેડા લેવાનું પ્રમાણ શરૂ થયું હતું જે આજે 50 વર્ષે પણ એવી જ રીતે ચાલી રહ્યું છે : છેલ્લાં 20 થી 25 વર્ષ દરમિયાન જાન્યુઆરીમાં છુટાછેડાના કેસ દાખલ કરવાનું ચલણ 33 ટકા જેટલું વધી ગયું છે. આ ઉપરાંત નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન છુટાછેડાના કેસ દાખલ કરવાનું પ્રમાણ 50 ટકા ઘટી જતું હોય છે

તાજેતરમાં જ નવું વર્ષ શરૂ થયું છે. મોટાભાગે લોકો નવું વર્ષ શરૂ થાય ત્યારે નવા નવા રિઝોલ્યુશન્સ રાખતા હોય છે, નવા કાર્યો કરવાની ઈચ્છા વ્યક્ત કરતા હોય છે. હવે પરિવારને સમય આપીશ, હવે જીમમાં જઈશ, હવે વજન ઘટાડી દઈશ, હવે સિક્સપેક એબ્સ બનાવી દઈશ, હવે નવો બિઝનેસ શરૂ કરી દઈશ જેવા ઘણા સંકલ્પો રાખતા હોય છે. આમ નવું નવું અને પોતાને ગમે તેવા સુરક્ષિત ભવિષ્યનું સપનું જોઈને લોકો આગળ વધતા હોય છે. બીજી તરફ આ જ જાન્યુઆરી મહિનો જે વર્ષનો પહેલો મહિનો છે તે ઘણી લોકો માટે જીવનના સુખનો અને લગ્નજીવનનો અંતિમ મહિનો પણ બની જાય છે.

આશ્ચર્યની વાત એ છે કે, લોકો નવા જીવનના સંકલ્પો કરતા હોય છે પણ તેની સાથે સાથે તેઓ પોતાનું જુનું જીવન છોડીને આગળ વધવા માગતા હોય છે. તેઓ પોતાના લગ્નજીવનનો અંત આણીને નવા જીવનની શરૂઆતની વાત કરતા હોય છે. જાણકારો માને છે કે, જાન્યુઆરી એવો મહિનો છે જેમાં છુટાછેડાના કેસ સૌથી વધારે આવતા હોય છે. ખાસ કરીને અમેરિકા અને પશ્ચિમી દેશોમાં જાન્યુઆરીમાં છુટાછેડા લેવાનું પ્રમાણ સૌથી વધારે છે. છૂટાછેડા સાથે સંકળાયેલા વકલો, થેરાપીસ્ટ અને કાઉન્સેલિંગ એક્સપર્ટ જણાવે છે કે, આ મહિનામાં લોકો ટોક્સિક રિલેશનમાંથી મુક્ત થવાના સંકલ્પ સાથે છુટાછેડા લેવાનું વધારે પસંદ કરે છે. તેના કારણે જ જાન્યુઆરી મહિનામાં છુટાછેડાનું પ્રમાણ એકાએક વધી જાય છે. અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોમાં જાન્યુઆરીમાં સૌથી વધારે છુટાછેડા થતા હોવાથી તેને ડાયવોર્સ મન્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ અધિકારિક રીતે આવું કોઈ નામ અપાયું નથી છતાં લોકબોલીમાં અને જાહેર વ્યવહારમાં જાન્યુઆરીને છુટાછેડાનો મહિનો ગણવામાં આવે છે.

અહેવાલો જણાવે છે કે, મોટાભાગે પશ્ચિમી સંસ્કૃતિમાં નવી શરૂઆત નવા વર્ષ અને નવા મહિનાથી થતી હોય છે. તેના કારણે યુગલો પણ નવા વર્ષમાં જ એકબીજાથી છુટા પડીને નવી જિંદગીની શરૂઆત કરવાનું વલણ દાખવતા હોય છે. તેના કારણે લિગલ જૂથમાં અને લોકોમાં જાન્યુઆરીને ડાયવોર્સ મન્થ કહેવાય છે. જાણકારો કહે છે કે, જાન્યુઆરીમાં જ છુટાછેડા વધારે થાય છે તેવું અત્યારથી નથી. ઘણા દાયકાઓથી સમાજમાં આ વલણ જોવા મળી રહ્યું છે. ડાયવોર્સના કેસ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ વકીલે પોતાના અહેવાલમાં ટાંક્યું હતું કે, અમેરિકામાં ૧૯૭૦ના દાયકાથી જાન્યુઆરીમાં છુટાછેડા લેવાનું ચલણ છે. તેવી જ રીતે પશ્ચિમના દેશોમાં પણ ૭૦ અને ૮૦ના દાયકાથી જ આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બેબી બુમર્સ દ્વારા જાન્યુઆરીમાં સૌથી વધારે છુટાછેડા લેવાનું પ્રમાણ શરૂ થયું હતું જે આજે ૫૦ વર્ષે પણ એવી જ રીતે ચાલી રહ્યું છે.

આશ્ચર્યજનક બાબત એવી છે કે, છેલ્લાં ૨૦થી ૨૫ વર્ષ દરમિયાન જાન્યુઆરીમાં છુટાછેડાના કેસ દાખલ કરવાનું ચલણ ૩૩ ટકા જેટલું વધી ગયું છે. સરેરાશ જોવા જઈએ તો આ મહિનામાં છુટાછેડાના કેસ દાખલ કરવાનું પ્રમાણ ૩૫થી ૪૦ ટકા જેટલું રહેતું હોય છે. આ ઉપરાંત નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન છુટાછેડાના કેસ દાખલ કરવાનું પ્રમાણ ૫૦ ટકા ઘટી જતું હોય છે. સામાજિક વિજ્ઞાાન અને મનોવિજ્ઞાાન સાથે જોડાયેલા જાણકારો માને છે કે, આવી સ્થિતિ આવવા પાછળ ઘણા કારણો જવાબદાર  છે. તેના માટે સંશોધકો દ્વારા ૨૦૦૧થી ૨૦૧૫ સુધી છુટાછેડાના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ જણાવ્યું કે, દર વર્ષે છુટાછેડાની પેટર્નમાં મોટાપાયે તફાવત જોવા મળતો હતો પણ જાન્યુઆરીમાં આ ડેટા ચેક કરીએ તો તેમાં સતત વધારો દેખાતો હતો. તે ઉપરાંત અન્ય મહિનાઓની સરખામણીમાં જાન્યુઆરીમાં તેમાં તફાવત જોવા મળતો હતો.

મહત્ત્વની વાત એ છે કે, આ મહિનામાં કદાચ છુટાછેડા દાખલ કરવાના પ્રમાણમાં ૩૩ ટકાનો, છુટાછેડા લેવામાં ૪૦ ટકા અને છુટાછેડા માટે તપાસ કરવાનો ક્રેઝ પણ ૩૦ ટકા જેટલો વધી ગયો છે. આ સિવાય લોકો ઓનલાઈન માધ્યમોમાં અને વકીલોના પોર્ટલ ઉપર પણ ડાયવોર્સ અને કેવી રીતે ડાયવોર્સ લેવા તેવી તપાસ સૌથી વધારે કરતા હોય છે. તેઓ સર્ચ એન્જીન ઉપર છુટાછેડા લેવાના રસ્તા પણ સૌથી વધારે શોધતા હોય છે. આ તમામ માટે જાન્યુઆરી મહિનો વધારે પસંદ કરાય છે. સંશોધકો જણાવે છે કે, આખું વર્ષ દરમિયાન વ્યક્તિના દાંપત્યમાં જે બન્યું હોય, તે ઉપરાંત તેના રોજિંદા જીવનનો જે ઘટમાળ હોય, તેના પડકારો, તેની જવાબદારીઓ અને તેની વચ્ચે આવતા કંકાસ અને અન્ય બાબતો તેને વધારે દુઃખી કરતા હોય છે. ઘણી વખત એવું બને છે કે, માણસ આખું વર્ષ આ પીડા સહન કરી લે છે. તે દરમિયાન તહેવારો આવતા તેને આ બધામાંથી થોડી રાહત મળે છે. ત્યારબાદ નવું વર્ષ શરૂ થાય ત્યારે તે વિચારે છે કે, હું ખરેખર વધુ એક વર્ષ આવી રીતે ખેંચી શકીશ. તેને અંતરાત્મા થકી મળતા જવાબો જ છુટાછેડાના પ્રમાણમાં વધારો કરી રહ્યા છે. મહત્ત્વની વાત એવી છે કે, કેટલાક જાણકારો આ ટ્રેન્ડ અથવા તો સ્થિતિ સાથે સહમત થતા નથી. તેઓ માને છે કે જાન્યુઆરીને ડાયવોર્સ મન્થ તરીકે ન જોવો જોઈએ. અન્ય કેટલાક મહિનામાં પણ ડાયવોર્સ વધારે થાય છે. માર્ચ અને ઓગસ્ટમાં પણ છુટાછેડાનું પ્રમાણ વધારે છે. આ સંજોગોમાં જાન્યુઆરીને ડાયવોર્સ મન્થ નહીં પણ એવું કહી શકાય કે જાન્યુઆરી દરમિયાન ડાયવોર્સ સિઝન વધારે જામે છે. કેટલાક જાણકારો એવું માને છે કે, જાન્યુઆરીમાં છુટાછેડા માટે કેસ દાખલ કરવા સરળ છે. ત્યારબાદના મહિનાઓમાં સરકારી કામ વધારે ચાલતા હોય છે અને માર્ચ મહિનામાં તો કેસ દાખલ કરવા વધારે મુશ્કેલી થતી હોય છે છતાં લોકો કેસ દાખલ કરતા હોય છે. તેના પગલે જાન્યુઆરીમાં છુટાછેડા લેવાનું પ્રમાણ વધારે છે. જાન્યુઆરી, માર્ચ અને ખાસ કરીને સમર દરમિયાન છુટાછેડાના કેસ વધારે આવતા હોય છે. ૨૦૦૧થી ૨૦૧૫ દરમિયાન આ સમયગાળામાં છુટાછેડાના કેસમાં નોંધનીય વધારો જોવા મળ્યો હતો.છૂટાછેડાના ટ્રેન્ડની વાત કરીએ તો મોટાભાગે જુલાઈ અને ઓગસ્ટમાં પણ આવો જ ક્રેઝ જોવા મળે છે. સામાજિક અને અન્ય ભૌતિક જવાબદારીઓ પૂરી કરતા પહેલાં કેટલાક કિસ્સાઓમાં છુટા પડી જતા હોય છે. ઓગસ્ટ દરમિયાન છુટાછેડા લેતો મોટાભાગના લોકો ફેમિલિ વેકેશન પૂરું કરીને કે પછી બાળકોની સ્કુલ શરૂ થયા તે પહેલાં છૂટા પડવાનું પસંદ કરે છે. બીજી તરફ મોટાભાગના લોકો જાન્યુઆરીમાં જ છુટા પડવાનું પસંદ કરે છે જેથી તમામ સ્તરે નવી શરૂઆત કરી શકાય. 

મોટાભાગે વેકેશન અને રજાઓ દરમિયાન પારિવારિક સમસ્યાઓ વધી જતી હોય છે

જાણકારો માને છે કે, મોટાભાગે યુગલોમાં જે સમસ્યા ચાલતી હોય છે તેમાં રજાઓ દરમિયાન વધારો થતો હોય છે. નવેમ્બર અને ડિસેમ્બર એવો સમયગાળો હોય છે જેમાં વધારે તહેવારો આવતા હોય છે અને રજાઓ હોય છે. 

આ દરમિયાન સ્થિતિ એવી થાય છે કે, યુગલોને એકબીજા સામે જે સમસ્યા હોય છે તેમાં વધારો થાય છે અથવા તો પોતાના જીવનસાથીની ખામીઓ આ સમયમાં વધારે દેખાય છે. બીજી તરફ ક્રિસમસ અને અન્ય તહેવારોની રજાઓમાં મિત્રો, સગા-સંબંધીઓની અવરજવર વધારે રહેતી હોય છે. પાર્ટીઓ થતી હોય છે જેના કારણે ઘરનું અર્થતંત્ર ડામાડોળ થઈ જાય છે. તેના પગલે પણ યુગલો વચ્ચે તણાવ વધતો હોય છે. તેમાંય જે યુગલોના સંબંધ વધારે વણસેલા હોય છે તેમને વધારે મુશ્કેલી સર્જાતી હોય છે. તેમાં પણ તહેવારો સમયે સર્જાતી વિવિધ સ્થિતિઓ અને આર્થિક તંગી સંબંધોને વધારે આકરા કરી નાખે છે અને તેના તુટવાની શક્યતાઓ અનેકગણી વધી જાય છે. જાણકારો સ્પષ્ટ માને છે કે, જેમના દાંપત્યમાં વિખવાદ ચાલતો હોય તેમને તહેવારો દરમિયાન સાથે રહેવામાં વધારે મુશ્કેલી થાય છે. આ ઉપરાંત બાળકોની સંભાળ, તેમના ખર્ચા, મહેમાનોની આગતા-સ્વાગતા જેવી બાબતો સ્થિતિને વધારે નકારાત્મક બનાવી દે છે. ખાસ કરીને મહિલાઓ સાથે આવું વધારે થતું હોય છે. તેઓ તહેવારો દરમિયાન કે રજાઓમાં ઘરે હોય છે. તેમાં ઘરનું કામ, મહેમાનોની સારસંભાળ, બાળકોની સારસંભાળ જેવી કામગીરીઓ તેમના માથે જ આવે છે. તેના કારણે સ્થિતિ એવી આવે છે કે, તહેવારો પૂરા થતાં જ મહિલાઓ દ્વારા છૂટાછેડા માટે અરજી કરવાની પહેલ કરવામાં આવે છે. મોટાભાગે જાન્યુઆરી દરમિયાન મહિલાઓ દ્વારા વધારે પ્રમાણમાં અરજીઓ કરવામાં આવે છે. સરેરાશ જોવા મળ્યું છે કે, તહેવારો પૂરા થયા બાદ પતિ કરતા પત્નીઓ વધારે ઝડપથી છુટા થવાનું પસંદ કરે છે. ઘણા કિસ્સામાં એવું પણ બનતું હોય છે કે, પરિવાર સાથે વધારે સમય રહેવા દરમિયાન અને સામાજિક જવાબદારીઓનું સતત વહન કરવા દરમિયાન વ્યક્તિને લાગતું હોય છે કે, મારે લાઈફમાં જે જોઈતું હતું તે આ બધું નહોતું. તેના કારણે જ વેલેન્ટાઈન ડે પછી, સમર વેકેશન પછી અને ક્રિસમસ વેકેશન પછી છુટાછેડા ફાઈલ કરવાના પ્રમાણમાં વધારો થઈ જાય છે. જાણકારો જણાવે છે કે, મોટાભાગે પશ્ચિમી દેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં છુટાછેડાના ત્રણ મુખ્ય કારણો હોય છે, લગ્નેતર સંબંધ, પારિવારિક અયોગ્યતા અને આર્થિક સમસ્યાઓ. 

તેઓ માને છે કે, જ્યારે બે પાત્રો દ્વારા એકબીજા સાથે કમિટમેન્ટ સાથે ન રહેવામાં આવે અથવા તો તેમાં શંકા જાય તેવી પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે સ્થિતિ વણસે છે. 

કમિટમેન્ટના અભાવના કારણે લગ્નેત્તર સંબંધો વધતા હોય છે. તે ઉપરાંત એકબીજાને છેતરવાની સમસ્યા પણ વકરવા લાગે છે. આવા લોકો પારિવારિક જવાબદારીઓમાં પણ સેટ થઈ શકતા નથી. આખરે વાત વણસીને છેક છુટાછેડા સુધી પહોંચી જતી હોય છે.