For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૂંટણી પરિણામોએ પાકિસ્તાનને 'બનાના રીપબ્લિક' સાબિત કરી દીધું

Updated: Feb 11th, 2024


- નવાઝ શરીફની મુસ્લિમ લીગ ગરબડ ગોટાળા કરીને ૨૬૫માંથી ૬૯ બેઠકો જીતી છે પણ સ્પષ્ટ બહુમતીથી બહુ દૂર છે

- ચૂંટણી પરિણામોએ પાકિસ્તાનની હકીકત તેમજ ભારત અને પાકિસ્તાનમાં શું ફરક છે એ આખી દુનિયા સામે સ્પષ્ટ કરી દીધું છે. ભારત આઝાદીનાં ૭૫ વર્ષ પછી દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે જ્યારે પાકિસ્તાનમાં કહેવા પૂરતી લોકશાહી છે, બાકી રીતસરની ઠોકશાહી અને લશ્કરની દાદાગીરી ચાલે છે.  મતદાનની હિંસા, ચૂંટણીમાં મોટા પાયે થયેલી ગરબડો અને લોકોએ ફગાવી દીધેલા નવાઝ શરીફને જીતાડવા માટે કરાયેલી ઘાલમેલે સાબિત કરી દીધું છે કે, પાકિસ્તાન 'બનાના રીપબ્લિક' છે. 'બનાના રીપબ્લિક'નો અર્થ છે એવો દેશ કે જે ગરીબીમાં સબડે છે, એકદમ ભ્રષ્ટ છે અને શાસન જેવું કશું છે જ નહીં. પાકિસ્તાન ગરીબ અને ભ્રષ્ટ છે એ પહેલાં જ સાબિત થઈ ગયેલું. હવે શાસન નથી એ પણ સાબિત થઈ ગયું.

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીની ૨૬૫ બેઠકોની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં. આ પરિણામોએ એક તરફ પાકિસ્તાનની હકીકત આખી દુનિયા સામે ઉઘાડી કરી દીધી છે તો બીજી તરફ પાકિસ્તાનીઓ લશ્કરને અને આતંકવાદીઓને જરાય પસંદ કરતાં નથી એ પણ સ્પષ્ટ કરી દીધું છે. લશ્કર પોતાની કઠપૂતળીઓને સત્તામાં બેસાડવા માગતું હતું પણ પાકિસ્તાનની પ્રજાએ તેમને લાત મારીને ફેંકી દીધા છે. એ જ રીતે લોકોના મત મેળવીને સત્તા કબજે કરવામાં સપનાં જોતા આતંકવાદી સરદાર હફીઝ સઈદની પાર્ટીને પણ લાત મારીને ફેંકી દીધી છે.

પાકિસ્તાની લશ્કર જેને જરાય પસંદ કરતું નથી એવા ઈમરાન ખાનના સમર્થકોને સૌથી વધારે જીતાડીને પાકિસ્તાનીઓએ પાકિસ્તાની લશ્કરના મોં પર સણસણતો તમાચો મારી દીધો છે. પાકિસ્તાનના લશ્કરે ભ્રષ્ટાચારના કેસમાં સજા થતાં દેશ છોડીને ભાગી ગયેલા ને સાત વર્ષે પાછા આવેલા નવાઝ શરીફને ગાદી પર બેસાડવા પૂરી તાકાત લગાવી દીધેલી.

ઈમરાનના સમર્થકોને જેલમાં ધકેલવાથી માંડીને મતગણતરી વખતે ઈમરાનના સમર્થકોને મળેલા મતો રદ કરાવવા સુધીના ધંધા લશ્કરે કર્યા છે. નવાઝ શરીફની પાર્ટીના ઉમેદવારો જીત્યા છે એવી ઘણી બેઠકો પર તો શરીફના ઉમેદવારની જીતના માર્જિન કરતાં રદ થયેલા મતોની સંખ્યા ડબલથી પણ વધારે છે. લશ્કરે શરીફને જીતાડવા માટે ચૂંટણી પંચને પણ પોતાના ઈશારે નચાવ્યું. 

લશ્કરની દાદાગીરી સામે ઝૂકીને પંચે મતગણતરીમાં વિલંબ કરાવ્યો, ઈન્ટરનેટમાં ગરબડ હોવાથી પરિણામો જાહેર કરવામાં મોડું થયું છે એવાં વાહિયાત બહાનાં કાઢીને શરીફની પાર્ટીને મતપેટીઓમાં ઘાલમેલ કરવા સમય આપ્યો. બીજું પણ ઘણું કર્યું પણ પાકિસ્તાનીઓએ શરીફને પસંદ કર્યા જ નથી તેથી આ બધા ઉધામા છતાં શરીફ સત્તાથી દૂર રહી ગયા.  નવાઝ શરીફની મુસ્લિમ લીગ ગરબડ ગોટાળા કરીને ૨૬૫માંથી ૬૯ બેઠકો જીતી છે પણ સ્પષ્ટ બહુમતીથી બહુ દૂર છે, બલ્કે બહુમતી માટે જરૂરી ૧૩૩ બેઠકોથી અડધે જ પહોંચી શકી છે.  

પાકિસ્તાનના લશ્કરને ઈમરાન ખાન ધોળે ધરમેય ખપતો નથી. લશ્કરે કાવતરું કરીને ઈમરાનને ઘરભેગો કર્યો પછી પોતાની કઠપૂતળી જેવા શાહબાઝ શરીફને ગાદી પર બેસાડેલા. ઈમરાનને સાવ પતાવી દેવા ભ્રષ્ટાચારના આરોપમાં જેલભેગો કર્યો. ઈમરાનના સમર્થકોની સહાનુભૂતિ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ને ના મળે એટલે તેને ચૂંટણી લડવા ગેરલાયક ઠેરવવામાં આવી. ઈમરાનને ચૂંટણી લડવાથી દૂર રાખવા તેની સામેના કેસો ધડાધડ ચલાવડાવીને ત્રણ કેસમાં તેને સજા પણ કરાવડાવી દીધી. 

લશ્કરે ઈમરાનને પતાવવા શરૂ કરેલા અભિયાનના કારણે ઈમરાનની પાર્ટી પીટીઆઈ તો ચૂંટણી નહોતી લડી પણ ઈમરાનના સમર્થકો અપક્ષ તરીકે ઉભા રહેલા. ૨૬૫ બેઠકોમાંથી ૧૧૦ બેઠકો જીતીને ઈમરાનના સમર્થકો છવાઈ ગયા છે. સ્પષ્ટ બહુમતી માટે ઈમરાનની પાર્ટીનો પનો પણ ટૂંકો પડી ગયો છે પણ લશ્કર જે રીતે ઈમરાનની પાછળ ખાઈખપૂચીને પડેલું એ જોતાં ઈમરાનનો રાજકારણમાંથી કાંટો જ નિકળી જશે એવી ધારણા સાવ ખોટી પડી છે. 

લશ્કરે ઈમરાનને ઘરભેગો કરવા નવાઝ શરીફની મુસ્લિમ લીગ અને રાજકારણ કરતાં લફરાંબાજીના કારણે વધારે ચર્ચામાં રહેતા બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) વચ્ચે સમાધાન કરાવેલું પણ અત્યારે જે પરિણામો આવ્યાં છે તેમાં તો શરીફ અને બિલાવલ ભુટ્ટો હાથ મિલાવે તો પણ સરકાર રચી શકે તેમ નથી કેમ કે પીપીપીને ૫૧ બેઠકો મળી છે. શરીફ અને બિલાવલની મળીને ૧૨૦ બેઠકો થાય છે. બિલાવલ પહેલાં જ કહી ચૂક્યા છે કે, આ વખતે પંજાબમાંથી વડાપ્રધાન નહીં બને એ જોતાં બિલાવલ નવાઝ શરીફને ટેકો આપે એવી શક્યતા નથી. નવાઝ શરીફ આબરૂ ટકાવવા માટે બિલાવલને વડાપ્રધાન બનાવવા તૈયાર થાય તો વાત અલગ છે, બાકી નવાઝ શરીફ વડાપ્રધાન બને એવી કોઈ શક્યતા અત્યારે તો દેખાતી નથી. 

નવાઝ શરીફે ભ્રષ્ટાચાર કરી કરીને જાડો રૂપિયો ભેગો કર્યો છે. એ પોતે બિઝનેસમેન પરિવારમાંથી આવે છે તેથી પોતાનો રૂપિયો પણ ઓછો નથી. શરીફ અત્યારે પાકિસ્તાન આર્મીના પણ લાડકા છે. પાકિસ્તાન આર્મી સત્તા પર પોતાનો કબજો રહે એ માટે કોઈ પણ હદે જતાં વિચાર કરતું નથી. આ સંજોગોમાં પાકિસ્તાન આર્મીના મસલ પાવર અને શરીફના મની પાવરના કારણે શરીફ સત્તામાં આવી જાય એવી શક્યતા નકારી ના શકાય. ઈમરાનના સમર્થક અપક્ષોને ધમકાવીને કે ખરીદીને શરીફ સત્તામાં બેસવાનો જુગાડ કરી લે એવી પૂરી શક્યતા છે પણ સીધી રીતે શરીફ સત્તામાં આવી શકે તેમ નથી, પાકિસ્તાનની પ્રજાએ તેમને નકારી જ કાઢયા છે.  

પાકિસ્તાનમાં હવે કોની સરકાર રચાશે એ થોડા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે પણ આ પરિણામોએ પાકિસ્તાનની હકીકત આખી દુનિયા સામે ઉઘાડી કરી દીધી છે. ભારત અને પાકિસ્તાનમાં શું ફરક છે એ પણ સ્પષ્ટ કરી દીધું છે. ભારત આઝાદીનાં ૭૫ વર્ષ પછી દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે જ્યારે પાકિસ્તાનમાં કહેવા પૂરતી લોકશાહી છે, બાકી રીતસરની ઠોકશાહી અને લશ્કરની દાદાગીરી ચાલે છે. 

મતદાન વખતે થયેલી હિંસા, ચૂંટણીમાં મોટા પાયે થયેલી ગરબડો અને લોકોએ ફગાવી દીધેલા નવાઝ શરીફને જીતાડવા માટે કરાયેલી ઘાલમેલે સાબિત કરી દીધું છે કે, પાકિસ્તાન 'બનાના રીપબ્લિક' છે. 'બનાના રીપબ્લિક'નો અર્થ છે એવો દેશ કે જે ગરીબીમાં સબડે છે, એકદમ ભ્રષ્ટ છે અને શાસન જેવું કશંક છે જ નહીં. પાકિસ્તાન ગરીબ અને ભ્રષ્ટ છે એ પહેલાં જ સાબિત થઈ ગયેલું. હવે શાસન નથી એ પણ સાબિત થઈ ગયું. 

નેશનલ એસેમ્બલીની ચૂંટણીમાં મોટા પાયે થયેલી ગરબડોને કારણે અત્યારે આખી દુનિયા પાકિસ્તાન પર થૂ થૂ કરી રહી છે. અમેરિકા, યુરોપીયન યુનિયન, યુકે સહિતના દેશોએ તો ચૂંટણીમાં થયેલા ગેરરીતિઓની તપાસ કરવા પણ કહ્યું છે. પાકિસ્તાનમાં લોકશાહીના ધજાગરા ઉડી ગયા એ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે પણ પાકિસ્તાન પર તેની અસર થવાની શક્યતા નથી.

પાકિસ્તાનીઓએ સળંગ બીજી વાર આતંકી સઈદને નકારી કાઢયો

પાકિસ્તાનની ચૂંટણીનાં પરિણામો પરથી મળેલો બીજો એક સંકેત પણ સમજવા જેવો છે. ભારતમાં સામાન્ય ધારણા એવી છે કે, ભારતમાં આતંકવાદ ફેલાવનારા હફીઝ સઈદ અને મસૂદ અઝહર સહિતના આતંકવાદી સરદારો પાકિસ્તાનમાં અત્યંત લોકપ્રિય છે. સઈદ કે મસૂદ હજારોની ભીડ સામે ભારત વિરોધી ઝેર ઓકતા હોય એવી વીડિયો આપણે બહુ જોયા છે તેથી આ માન્યતા બંધાઈ છે પણ આ પરિણામોએ આ માન્યતાને સાવ ખોટી સાબિત કરી છે. 

પાકિસ્તાનની ચૂંટણીમાં સઈદની પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (પીએમએમએલ)એ નેશનલ એસેમ્બલીની તમામ ૨૬૫ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા પણ એક પણ ઉમેદવાર જીત્યો નથી. સઈદનો દીકરો તલ્હા સઈદ લાહોરથી ચૂંટણી લડયો હતો પણ હારી ગયો છે. હફીઝ સઈદની પાર્ટીનો પ્રમુખ ખાલિદ મસૂદ સિંધુ લાહોરની બીજી બેઠક પરથી નવાઝ શરીફ સામે ઉભો રહેલો પણ હારી ગયો છે. 

હફીઝ સઈદે ૨૦૧૮ની ચૂંટણીમાં પણ મિલ્લી મુસ્લિમ લીગ (એમએમએલ)ના બેનર હેઠળ પોતાના ઉમેદવારો ઉભા રાખેલા પણ એક પણ બેઠક નહોતી જીતી.  પંજાબ પ્રાંતની વિધાનસભાની ચૂંટણીમાં પણ સઈદની પાર્ટીને કારમી હાર મળેલી. પાકિસ્તાનની પ્રજાએ સળંગ બે ચૂંટણીમાં હફીઝ સઈદને નકારી કાઢયો તેનો અર્થ એ થાય કે, પાકિસ્તાનનું લશ્કર કે આઈએસઆઈ ભલે હફીઝ સઈદ જેવા આતંકવાદીઓને પંપાળતી હોય પણ પાકિસ્તાનની પ્રજાને આ આતંકવાદીઓ પસંદ નથી, સઈદ સહિતના આતંકીઓ શુધ્ધ ઈસ્લામિક શાસન સ્થાપવાની વાતો કરે છે એ પણ પસંદ નથી.

નવાઝ 'શરીફ' નથી, લાહોરમાં ગરબડ કરીને જીત્યા

પાકિસ્તાનની ચૂંટણીમાં નવાઝ શરીફ 'શરીફ' સાબિત થયા નથી અને ગરબડ કરીને જીત્યા છે. શરીફ બે બેઠકો પરથી ચૂંટણી લડેલા. તેમાંથી ખૈબૂર પખ્તુનવાલાની માનસેહરા બેઠક પરથી ઈમરાનના સમર્થક અપક્ષ ઉમેદવાર ગસ્તાસપ સામે ૧૧ હજારથી વધારે મતે હારી ગયા છે. શરીફ લાહોરની બીજી બેઠક પરથી ઈમરાનનાં સમર્થક ડો. યાસ્મિન રશીદ સામે ૫૯ હજાર મતે જીત્યા છે પણ આ જીત ઘાલમેલ કરીને મેળવાયેલી છે. આ ઘાલમેલના પુરાવા પણ સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. 

પાકિસ્તાન ઈલેક્શન કમિશનના રેકોર્ડ પ્રમાણે, લાહોરની બેઠક પર કુલ ૨.૯૩ લાખ મત નંખાયેલા જ્યારે માન્ય મતોની સંખ્યા ૨.૯૪ હજાર છે. જે નંખાયા જ નથી એવા એક હજારથી વધારે મત ક્યાંથી આવી ગયા એ સવાલ અત્યારે થઈ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, નવાઝ શરીફની દીકરી મરીયમે પણ ભૂલથી નંખાયેલા મત કરતાં માન્ય મત વધારે હોવાનો ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયા પર મૂકી દીધેલો પણ પછી ડીલીટ કરી નાંખ્યો. 

પાકિસ્તાની પત્રકાર મલીહા હાશમીએ કરેલી ટ્વિટ પ્રમાણે, લાહોર બેઠક પર શરીફ અને ડો. યાસ્મિન સિવાય બીજા કોઈ ઉમેદવારને એક પણ મત મળ્યો નથી. મલિહાએ સવાલ કર્યો છે, બીજા ઉમેદવારોને એક પણ મત ના મળે એવું કેવી રીતે બની શકે ?

Gujarat