સોશિયલ મીડિયા પ્રતિબંધ : બાળકોને બાળકો રહેવા દો

- વિશ્વ માટે ઉદાહરણ : ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાની ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે
- ઓસ્ટ્રેલિયામાં વર્તમાન સમયમાં ફેસબુક, થ્રેડ્સ, ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટિકટોક, એક્સ, યૂટયૂબ, કિક અને રેડિટ જેવા માધ્યમો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રેડિટ અને કિકનો તાજેતરમાં સમાવેશ કરાયો છે કારણ કે તેમાં સોશિયલ ઈન્ટરેક્શન ઘણું વધારે છે : ઓસ્ટ્રેેલિયામાં નિયમોનું પાલન કરવાની સંપૂર્ણ જવાબદારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મની છે. તેઓ વારંવાર નિયમોનો ભંગ કરશે તો તેમને 49.5 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ કરવામાં આવશે એટલે કે અંદાજે 300 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે : ભારત જો સમયસર પગલાં ભરીને ઓસ્ટ્રેલિયા જેવા નિયમો નહીં લાવે તો અહીંયાનું યુવાધન બરબાદ થઈ જશે અને વર્ચ્યુઅલ વિશ્વના વમળમાં અટવાઈને વાસ્તવિક જીવન ગુમાવી દેશે
ઓસ્ટ્રેલિયાએ વિશ્વમાં ઐતિહાસિક પગલું લીધું છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે દેશમાં ૧૬ વર્ષથી નાની ઉંમરના તમામ બાળકોના સોશિયલ મીડિયા વપરાશ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. ઓસ્ટ્રેલિયાનું સ્પષ્ટ વલણ છે કે, બાળકો છે તો તેઓ તેમના બાળપણનો જ આનંદ માણે. આવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને તેઓ ખોટી બાબતો જાણે અથવા તો મુશ્કેલીમાં ફસાય તેને સરળતાથી લઈ શકાય નહીં. બાળકોને તેમની સાચી જિંદગી જીવતા કરવા પડશે. મંગળવારે મધરાત એટલે કે બુધવારથી ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી નીચેના તમામ બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલિટ કરવામાં આવશે અને નવા ખોલવા દેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા દુનિયાનો પહેલો દેશ છે જેણે ૧૬ વર્ષથી નીચેની ઉંમરના તમામ બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. તે ઉપરાંત જે બાળકોની હાલમાં સોશિયલ મીડિયા ઉપર પ્રોફાઈલ હશે તેને પણ બંધ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાની સરકારે નવેમ્બર ૨૦૨૪માં ઓનલાઈન સેફ્ટી અમેન્ડમેન્ટ બિલ પસાર કર્યું હતું. આ કાયદો પસાર કરવા પાછળ ઘણા કારણો જવાબદાર હતા. આ કાયદાનો આશય બાળકોને ઓનલાઈન હાનિકાકર કન્ટેન્ટ અને સાઈબર જોખમોથી દૂર રાખવાનો અને બચાવવાનો છે. મહત્ત્વની વાત એ છે કે, ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બનીઝે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાનું આ એક મોટું સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન છે જે સમગ્ર દેશ, તેમાં વસતા સમાજ અને ખાસ કરીને માતા-પિતાને વધારે માનસિક શાંતિ આપશે. લોકોને રાહત આપવા માટે આ પરિવર્તન આણવું ખૂબ જ જરૂરી હતું. આ રીતે જ દેશના બાળકોનું બાળપણ સુરક્ષિત રાખી શકાય તેમ હતું. નવેમ્બર ૨૦૨૪માં ફેડરલ પાર્લામેન્ટ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદામાં સ્પષ્ટ જણાવાયું હતું કે, દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના એકાઉન્ટ બનતા રોકવા પડશે અને તેના માટે નક્કર નિયમો બનાવવા પડશે. તેનું ચેકિંગ પણ યોગ્ય રીતે થાય તેની તકેદારી રાખવી પડશે.
મહત્ત્વની વાત એ છે કે, એવી ઘણી બાબતો હતી જેના કારણે ઓસ્ટ્રેલિયાની સરકારે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકવો પડયો. સૌથી પહેલાં તો તેની નેગેટિવ અસરોથી બાળકો અને ટીનએજર્સને બચાવવાના હતા. તે ઉપરાંત તેમનો સ્ક્રીનટાઈમ એટલો બધો વધી ગયો હતો કે, તેના કારણે અન્ય સમસ્યાઓ થઈ રહી હતી. તે ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર એવું કન્ટેન્ટ આવતું હતું જેના કારણે બાળકોના સ્વાસ્થ્ય અને માનસ ઉપર ગંભીર નુકસાન પહોંચી રહ્યું હતું. તેઓ ગેરમાર્ગે દોરાઈ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાની સરકારે ૨૦૨૫ના વર્ષની શરૂઆતમાં જ એક અભ્યાસ કરાવ્યો હતો. સરકારે દ્વારા કરાયેલા સર્વેમાં બહાર આવ્યું કે, ૧૦ થી ૧૫ વર્ષના ૯૬ ટકા બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા. તેમાં પણ ૧૦માંથી ૭ બાળકો હાનિકારક કન્ટેન્ટના સંપર્કમાં આવતા હતા. તેમાં મહિલાઓ પ્રત્યે નફરત, હિંસક સામગ્રી, ખાનબાન સાથે જોડાયેલી વિવિધ ગેરમાન્યતાઓ, બિમારીઓ, આત્મહત્યાને ઉત્તેજન આપતું કન્ટેન્ટ, પોર્ન અને બીજી ઘણી બાબતોનો સમાવેશ થતો હતો. સરકારે અત્યાર સુધીમાં ૧૦ જેટલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પ્રતિબંધ મુકવાના આદેશ આપી દીધા હતા અને તેના ઉપર કામગીરી શરૂ કરી દેવાઈ છે.
ખાસ વાત એ છે કે, સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ એટલે આ માધ્યમો સાવ કામ કરવાનું બંધ નહીં કરી દે. આ તમામ પ્લેટફોર્મ ઉપર એજ રિસ્ટ્રિક્ટેડ સેટિંગ કરવામાં આવશે. તેના કારણે ૧૬ વર્ષની નાના બાળકોના એકાઉન્ટ જ ક્રિયેટ નહીં કરી શકાય. સરકારે સ્પષ્ટ જણાવ્યું કે, આ ખરેખર તો પ્રતિબંધ નથી પણ બાળકોએ ૧૬ વર્ષ સુધી રાહ જોવાની છે. તેઓ આ બાબતો વિશે થોડાઘણા સમજદાર થાય ત્યારબાદ તેનો ઉપયોગ કરે તે યોગ્ય છે. ઓસ્ટ્રેલિયાના કોમ્યુનિકેશન મિનિસ્ટર અનિકા વેલ્સે સ્પષ્ટ જણાવ્યું કે, બાળકોને ઓનલાઈન હાનિકારક કન્ટેન્ટથી બચાવવા માટે આ શ્રેષ્ઠ રસ્તો હતો. સોશિયલ મીડિયા માધ્યમોએ યૂઝર્સની ઉંમર ચેક કરવા માટે યોગ્ય પગલાં લેવા પડશે. કાયદાનું પાલન નહીં કરનાર પ્લેટફોર્મ સામે નક્કર અને આકરાં પગલાં લેવામાં આવશે.
મહત્ત્વની વાત એ છે કે, ૧૦ ડિસેમ્બર ૨૦૨૫થી સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ લાગુ થઈ ગયો છે. તમામ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવા પડશે. તમામ પ્લેટફોર્મે રિઝનેબલ એક્શન લેવા પડશે. તેમણે ખાસ કરીને દરેક યૂઝરની ઉંમરની ચકાસણી કરવી પડશે. તમામ પ્લેટફોર્મને જાણ કરી દેવાઈ હતી કે, તેઓ ૧૦ ડિસેમ્બર પહેલાં તમામ યુઝર્સને જાણ કરી દે જેથી તેમની હાજરી અને ગેરહાજરી અંગે સ્પષ્ટતા થવા લાગે. વર્તમાન સમયમાં ફેસબુક, થ્રેડ્સ, ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટિકટોક, એક્સ, યૂટયૂબ, કિક અને રેડિટ જેવા માધ્યમો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
બીજી તરફ ડિસ્કોર્ડ, ટ્વિટ, મેસેન્જર, વોટ્સએબ, ગિટહબ, ગૂગલ ક્લાસરૂમ, લેગો પ્લે, રોબ્લોક્સ, સ્ટીમ અને યૂટયૂબ કિડ્સ જેવા પ્લેટફોર્મ હાલમાં પ્રતિબંધથી બહાર રાખવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના ઈ-સેફ્ટી કમિશનર જુલી ઈનમૈન ગ્રાન્ટે જણાવ્યું કે, પહેલા તબક્કામાં સોશિયલ ઈન્ટરેક્શન ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને તેને લગતા જ પ્લેટફોર્મ ઉપર પ્રતિબંધ મુક્યો છે. ત્યારબાદ જેમ જેમ સ્થિતિ સ્પષ્ટ થતી જશે તેમ તેમ નવા પ્લેટફોર્મ આ યાદીમાં ઉમેરવામાં આવશે. હાલમાં કોઈપણ યાદી સ્પષ્ટ કે નક્કી થઈ ગઈ નથી. તેમાં ફેરફારને પૂરતો અવકાશ છે. જાણકારોના મતે હાલમાં ૧૬ વર્ષથી નાની ઉંમરના ૯૬ ટકા ઓસ્ટ્રેલિયન્સ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તેનો અર્થ એ થયો કે, અંદાજે ૧૦ લાખ લોકો સોશિયલ મીડિયા પ્રતિબંધના કારણે આ વિવિધ માધ્યમો ઉપરથી જતા રહેશે. સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે, જે માધ્યમોથી બાળકો અને કિશોરોને ભય છે તે તમામ અટકાવી દેવાશે. તેમાં એવું પણ જણાવાયું છે કે, જે સોશિયલ મીડિયા માત્ર ઓસ્ટ્રેલિયા પૂરતા મર્યાદિત છે અને છતાં તેમાં બાળકો અને યુવાનો વચ્ચે અંતર જાળવી શકાય તેમ છે તો તેવા તમામ પ્લેટફોર્મને ઈ સેફ્ટી નિયમોનું પાલન કરવાના આદેશ કરાશે.ખાસ વાત એ છે કે, ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બનીઝનો એક વીડિયો મેસેજ દેશની તમામ સ્કુલોમાં બતાવવામાં આવ્યો હતો. તેમાં અલ્બનીઝ સ્પષ્ટ રીતે બાળકોને સમાજવે છે કે, તેઓ જે સોશિયલ મીડિયાના અલગોરિધમ અને મીડિયા ફીડના કારણે દબાણમાં રહે છે તેવી તમામ બાબતોમાંથી મુક્તિ અપાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. તેનાથી બાળકોને જ રાહત થશે.
સરકારે પ્રતિબંધ મુક્યા પછી પણ જો બાળકનું એકાઉન્ટ ખુલશે અથવા તો ખુલ્લુ હશે તો બાળકો અથવા તો તેમના માતા-પિતા નહીં પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ નિયમોનું પાલન કરવાની સંપૂર્ણ જવાબદારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મની છે. તેઓ વારંવાર નિયમોનો ભંગ કરશે તો તેમને ૪૯.૫ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ કરવામાં આવશે એટલે કે અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. બીજી તરફ સરકારે એ વાત પણ સ્વીકારી છે કે, બાળકોની ઉંમરનો તફાવત નક્કી કરનારી ટેક્નોલોજી કામ કરી રહી છે પણ તેનું નક્કર પરિણામ આવતા થોડો સમય લાગશે તેથી નિયમોમાં પરિસ્થિતિ આધારિત પગલાં લેવાશે.
આ દેશો પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘટાડવા પ્રયાસ કર્યો છે
- બ્રિટનમાં પણ સગીરોને સોશિયલ મીડિયા સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે હિંસક અને બિભત્સ સામગ્રીઓથી દૂર રાખવાના પ્રયાસ કરાય છે. જો કે તેના કાયદામાં ક્યાંય લઘુત્તમ ઉંમરની વાત કરાઈ નથી.
- ફ્રાન્સમાં ૨૦૨૩માં કાયદો પસાર કરાયો હતો જેમાં ૧૫ વર્ષથી નીચેના બાળકોએ સોશિયલ મીડિયાના ઉપયોગ માટે માતા-પિતાની મંજૂરી લેવી પડશે.
- જર્મનીમાં પણ ૧૩ થી ૧૬ વર્ષ સુધીના બાળકોને માતા-પિતા અને વાલીઓની મંજૂરીથી જ સોશિયલ મીડિયા ઉપયોગમાં લેવા દેવાય છે.
- ઈટાલીમાં પણ ૧૪ વર્ષથી નીચેના બાળકોને સોશિયલ મીડિયાના ઉપયોગ માટે માતા-પિતાની મંજૂરી લેવી પડે છે.
- નોર્વેમાં પણ ૧૩ થી ૧૫ વર્ષના બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માતા-પિતાની મંજૂરી લેવી પડે છે.
- ચીનમાં તો પોતાનું જ સોશિયલ મીડિયા નેટવર્ક છે. તેમાં વિદેશી માધ્યમોને પ્રવેશ અપાયો નથી. તે ઉપરાંત અહીંયા દરેક ફોનમાં માઈનોર મોડ આવે છે જે ઓન કરતા જ બાળકો માટે સ્ક્રીન ટાઈમ અને જરૂરી એપ જ કામ કરે છે. તેનાથી વધારે તેઓ એક્સેસ કરી શકતા નથી.
ભારતમાં આ અંગે નક્કર પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી
જાણકારો માને છે કે, ઓસ્ટ્રેલિયા દ્વારા બાળકો અને ટીનએજર્સને જે રીતે સોશિયલ મીડિયાના દૂષણોથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો તે ખુબ જ આવકારદાયક છે. ભારત જેવા દેશમાં આવી કામગીરી તાકીદે કરવામાં આવે જરૂરી છે.
ભારતમાં હાલમાં યુવાનો અને બાળકો તથા ટીનએજર્સની સંખ્યા દુનિયામાં સૌથી વધારે છે. ભારતનું આ યુવાધન કે કિશોરો સોશિયલ મીડિયાના અને સ્માર્ટફોનના એવા બંધાણી થઈ ગયા છે કે, તેમાંથી તેમને બહાર કાઢવા મુશ્કેલ થઈ ગયા છે.
ફોન લઈ લેવામાં આવે કે તેનો ઉપયોગ ઓછો કરવાનું કહેવામાં આવે તો બાળકો આક્રમક થઈ જાય છે, હિંસા કરે છે, તેઓ હત્યા કરવા સુધી પહોંચી ગયા છે.
પોતાના સગા માતા-પિતાની હત્યા કરી દીધી હોવાના કિસ્સા સમાજમાં છે. તેવી જ રીતે છોકરીઓ પણ મોબાઈલના દુષણને પગલે સોફ્ટપોર્ન અને ડીપ ફેકનો શિકાર બની રહી છે. ભારતમાં તો સરકારો અને રાજકીય પક્ષો જ લોકોને સોશિયલ મીડિયા ઉપર આવવા અને કામ કરવા આમંત્રણ આપી રહ્યા છે ત્યારે તેમનામાં આ માધ્યમો વિશે સજાગતા અને સભાનતા આવે તેવા પગલાં લેવા જ પડશે.
ભારત જો સમયસર પગલાં ભરીને ઓસ્ટ્રેલિયા જેવા નિયમો નહીં લાવે તો અહીંયાનું યુવાધન બરબાદ થઈ જશે અને વર્ચ્યુઅલ વિશ્વના વમળમાં અટવાઈને વાસ્તવિક જીવન ગુમાવી દેશે.

