Get The App

ઈઝરાયેલ ચાર દાયકાથી લેબનોનમાં હિઝબુલ્લાહને હરાવી શક્યું નથી

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
ઈઝરાયેલ ચાર દાયકાથી લેબનોનમાં હિઝબુલ્લાહને હરાવી શક્યું નથી 1 - image

- 1982માં શિયા મુસ્લિમોના જૂથને ઈઝરાયેલે હરાવ્યા બાદ ઈરાનની મદદથી ત્યાં હિઝબુલ્લાહનું નેટવર્ક તૈયાર કરાયું જે આજેપણ ઈઝરાયેલની સેનાને હંફાવે છે

- હિઝબુલ્લાહ વિશે સમજવા જેવી વાત એ છે કે, આ કોઈ સેના નથી. આ એક હથિયારબંધ જુથ છે. તેઓ શિયા સમુદાયનું એક હિઝબુલ્લાહ નામનું સામાજિક સંગઠન છે. તેઓ હોસ્પિટલો ચલાવે છે, સ્કૂલો ચલાવે છે અને શહેરની નગરપાલિકાઓમાં પણ દખલ દઈને લોકોના કામ કરાવે છે. લેબેનોનની સંસદમાં પણ હિઝબુલ્લાહના સાંસદો છે : વર્ષ 2000માં હિઝબુલ્લાહએ પોતાની પહેલી જીત મેળવી હતી. 22 વર્ષથી લેબનોનમાં કબજો જમાવીને રહેલા ઈઝરાયેલી સેનાના જવાનોને તેમણે ભગાડયા હતા. ત્યારબાદ ૨૦૦૬માં પણ લેબનોન અને ઈઝરાયેલ વચ્ચે જંગ થયો હતો. તેમાં પણ ૩૪ દિવસ સુધી સંઘર્ષ ચાલ્યો છતાં ઈઝરાયેલ ત્યારે પણ હિઝબુલ્લાહને હરાવ્યું શક્યું નહોતું : હિઝબુલ્લાહ પાસે અંદાજે 50,000 જેટલા સક્રિય લડવૈયાઓ છે. આ ઉપરાંત તેઓ 30,000થી 50,000 જેટલા રિઝર્વ સૈનિકો પણ રાખે છે જેથી જરૂર પડયે તેમને પણ મેદાનમાં ઉતારી શકાય. તેમાં પણ સૈનિકોના વિવિધ ભાગ પાડવામાં આવે છે. હિઝબુલ્લાહ સંગઠનમાં સૌથી ભયાનક અને ખતરનાક રિઝવાન ફોર્સ કહેવાય છે. હિઝબુલ્લાહ પાસે અંદાજે બે લાખ જેટલા રોકેટ અને મિસાઈલો હતા. યુદ્ધ દરમિયાન તેની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે

ઈઝરાયેલ પાસે દુનિયાની સૌથી આધુનિક સેનાઓમાંથી એક છે અને અત્યાધુનિક શસ્ત્રોનો ભંડાર છે. અમેરિકા સાથે જોડાઈને તે દુનિયાના કોઈપણ દેશ સામે જંગ કરી શકે છે અને હાલમાં પણ ઈરાન સામે જંગે ચડેલું જ છે. તેમના હવાઈ હુમલાને કોઈ અટકાવી શકે તેમ નથી. આટલી મજબૂત અને આધુનિક સેના અને ટેક્નોલોજી હોવા છતાં ઈઝરાયેલ કેટલાય વર્ષોથી લેબનોનો અને તેની આસપાસના પ્રદેશોમાં રહેલા હિઝબુલ્લાહ સંગઠનને હરાવી શક્યું નથી. આ સંગઠનના લડવૈયાઓ વારંવાર ઈઝરાયેલને કનડે છે અને યુદ્ધ કરીને નાશ પામવા આવે છે અને ફરી પાછા રાખમાંથી ઊભા થાય છે. મહત્ત્વની વાત એ છે કે, ઈઝરાયેલ તેમને આતંકીઓ ગણાવે છે પણ લેબેનોનમાં તો તેઓ એક સંગઠિત, હથિયારધારી, રાજકીય અને સામાજિક તાકાત ધરાવતું સંગઠન છે જેને નષ્ય કરવું અત્યંત મુશ્કેલ અને કદાચ અશક્ય કહી શકાય તેવું કામ છે.

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલે ૧૯૮૨માં લેબેનોન ઉપર હુમલો કર્યો હતો. તે વખતે કેટલાક શિયા નેતાઓએ ઈઝરાયેલનો વિરોધ કરવા અને જવાબ આપવા એક સંગઠન બનાવ્યું હતું. તે સમયે આ સંગઠન વધારે ટકી શક્યું નહોતું. ત્યારબાદ ઈરાને આગળ આવીને લેબેનોનને મદદ કરી. ઈરાનના ૧૫૦૦ જેટલા ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ્સ કોપ્સને લેબેનોન મોકલવામાં આવ્યા. ત્યાં તેમણે આ શિયા લડવૈયાઓને તૈયાર કરીને હિઝબુલ્લાહ સંગઠનને મજબૂત રીતે ઊભું કર્યું. શરૂઆતના સમયે તેઓ વિખરાયેલા અને વિસ્થાપિત હતા પણ હાલના સમયમાં તેઓ અત્યંત શક્તિશાળી સંગઠન ગણાય છે અને ખાસ કરીને તેમની સંતાઈને હુમલા કરવાની ગેરિલા પદ્ધતિ માટે દુનિયાભરમાં જાણીતા છે. 

વર્ષ ૨૦૦૦માં હિઝબુલ્લાહએ પોતાની પહેલી જીત મેળવી હતી. ૨૨ વર્ષથી લેબનોનમાં કબજો જમાવીને રહેલા ઈઝરાયેલી સેનાના જવાનોને તેમણે ભગાડયા હતા. ત્યારબાદ ૨૦૦૬માં પણ લેબનોન અને ઈઝરાયેલ વચ્ચે જંગ થયો હતો. તેમાં પણ ૩૪ દિવસ સુધી સંઘર્ષ ચાલ્યો છતાં ઈઝરાયેલ ત્યારે પણ હિઝબુલ્લાહને હરાવ્યું શક્યું નહોતું.

ઉલ્લેખનીય છે કે, ૨૭ નવેમ્બર ૨૦૨૪ના રોજ ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ જાહેર થયો હતો. તાજેતરમાં ૧-૨ માર્ચ ૨૦૨૬ના રોજ મોડી રાત્રે હિઝબુલ્લાહ સંગઠને ઉત્તરી ઈઝરાયેલ ઉપર રોકેટમારો કર્યો હતો. ત્યારબાદ ફરી યુદ્ધની શરૂઆત થઈ હતી. ૨ માર્ચથી ૨૧ માર્ચ સુધીમાં હિઝબુલ્લાહએ ૭૭૯ એટેક કર્યા હતા. તેણે દરરોજ સરેરાશ ૪૦ રોકેટ, મિસાઈલ અને ડ્રોન દ્વારા હુમલા કર્યા હતા. તેનાથી અકળાયેલી લેબેનોન સરકારે હિઝબુલ્લાહના સશસ્ત્ર વિંગ ઉપર પ્રતિબંધ મુક્યો છે પણ આ સંગઠનને કોઈ ફરક પડતો નથી. તેઓ ઈઝરાયેલ સામે બાંયો ચડાવીને લડી રહ્યા છે.

હિઝબુલ્લાહ વિશે સમજવા જેવી વાત એ છે કે, આ કોઈ સેના નથી. આ એક હથિયારબંધ જુથ છે. તેઓ શિયા સમુદાયનું એક હિઝબુલ્લાહ નામનું સામાજિક સંગઠન છે. તેઓ હોસ્પિટલો ચલાવે છે, સ્કૂલો ચલાવે છે અને શહેરની નગરપાલિકાઓમાં પણ દખલ દઈને લોકોના કામ કરાવે છે. લેબેનોનની સંસદમાં પણ હિઝબુલ્લાહના સાંસદો છે. લેબેનોનમાં જ્યારે પણ કોઈ શિયા પરિવાર મુશ્કેલીમાં હોય છે તો સરકાર પહેલાં આ જૂથ મદદ કરવા પહોંચી જાય છે. તેના કારણે જ સમાજમાં તેમની ઉંડી છાપ છે અને જોડાણ છે. 

 ૧૯૮૨ની લડાઈ અને અન્યાયથી શરૂ થયેલો આ સંઘર્ષ ઈરાનની મદદ, સીરિયા જંગની શીખ અને લેબેનોનના લોકોની જરૂરિયાતે તેને બળ પૂરું પાડયું છે. ઈઝરાયેલ અત્યાર સુધી અનેક વખત તેને નબળું પાડવામાં સફળ થયું છે પણ ક્યારેય તેનો અંત કરીને યુદ્ધ જીતી શક્યું નથી. 

તાજેતરની વાત કરીએ તો ઈઝરાયેલનો પોતાનો જ દાવો છે કે, હિઝબુલ્લાહ પાસે અંદાજે ૫૦,૦૦૦ જેટલા સક્રિય લડવૈયાઓ છે. આ ઉપરાંત તેઓ ૩૦,૦૦૦થી ૫૦,૦૦૦ જેટલા રિઝર્વ સૈનિકો પણ રાખે છે જેથી જરૂર પડયે તેમને પણ મેદાનમાં ઉતારી શકાય. તેમાં પણ સૈનિકોના વિવિધ ભાગ પાડવામાં આવે છે. હિઝબુલ્લાહ સંગઠનમાં સૌથી ભયાનક અને ખતરનાક રિઝવાન ફોર્સ કહેવાય છે. હિઝબુલ્લાહ તેને એલીટ સ્પેશિયલ ફોર્સ ગણાવે છે. તેમાં અંદાજે ૫,૦૦૦ જેટલા સ્પેશિયલ લડવૈયા છે. તેમાંથી ૩,૦૦૦ લડવૈયા અને બાકીના ૨૦૦૦ તેમના સપોર્ટ સ્ટાફ જેવા છે. તેમની પાસે એન્ટી ટેન્ક મિસાઈલ્સ છે. આ ઉપરાંત તેઓ ટાર્ગેટ ધ્વસ્ત કરીને કોઈપણ દેશમાં અને ખાસ કરીને ઈઝરાયેલમાં ઘુસીને હુમલા કરવામાં પણ એક્સપર્ટ છે. તેમને તેના માટે જ ચોક્કસ તાલિમ આપવામાં આવે છે. 

જાણકારોના મતે તાજેતરમાં શરૂ થયેલા યુદ્ધ પહેલાં હિઝબુલ્લાહ પાસે અંદાજે બે લાખ જેટલા રોકેટ અને મિસાઈલો હતા. યુદ્ધ દરમિયાન તેની સંખ્યામાં ઘટાડો થયો છે તેમ છતાં હાલમાં પણ હિઝબુલ્લાહ પાસે ૫૦,૦૦૦ની આસપાસ આ હથિયારો વધ્યા હશે. આજે પણ આ સંગઠન દરરોજ ડઝનો રોકેટ અને મિસાઈલ છોડીને ઈઝરાયેલને હંફાવી રહ્યું છે. આ સિવાય તેમની પાસે શોર્ટ રેન્જના કત્યુશા અને ગ્રાડ રોકેટ છે. તેની સંખ્યા પણ હજારોમાં છે. આ રોકેટ લેબેનોનમાં જ બનાવવામાં આવે છે. બીજી તરફ ૧૫૦ કિલોમીટર સુધીની રેન્જ ધરાવતી મિસાઈલો છે. તે ઉપરાંત કોર્નેટ જેવી એન્ટિ ટેન્ક રશિયન મિસાઈલો છે. તે ઈઝરાયેલની મર્કાવા ટેન્કોને નષ્ટ કરી નાખે છે. તે ઉપરાંત ૧૦૦૦ જેટલા વન વે એટેક ડ્રોન છે. આ ડ્રોન એક વખત લોન્ચ થયા પછી ટાર્ગેટ ઉપર જઈને જ અટકે છે. તેમની પાસે હથિયારોની કોઈ અછત નથી. 

બીજી તરફ ઈરાન પાસેથી તેમને આર્થિક ભંડોળ મળતું રહે છે. તે ઉપરાંત ઈરાન તરફથી હથિયારોની તસ્કરી, સિક્રેટ ફંડિગ ચેનલ દ્વારા પૈસા અને આઈઆરજીસી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. 

ઈરાન આ સંગઠનને વર્ષે ૧૦૦ કરોડ ડોલર જેટલું ભંડોળ આપે છે અથવા તો તેટલા રકમ સુધીની મદદ કરે છે. 

ખાસ વાતે છે કે, હિઝબુલ્લાહના લડવૈયાઓ નાની નાની ટોળકી બનાવીને કામ કરે છે. તેઓ જાણીને જ આધુનિક ટેક્નોલોજીના વાયરલેસ અને અન્ય રેડિયો ઉપકરણોનો ઉપયોગ કરતા નથી જેથી ઈઝરાયેલની સેના તેમને ટ્રેક ન કરી શકે. તેઓ એવી રીતે નેટવર્ક બનાવે છે કે, કદાચ કમાન્ડરનું મોત પણ થઈ જાય તો બાકીની સેના લડતી રહે છે. તેઓ માને છે કે, માત્ર માથુ કપાવાથી શરીર મરતું નથી. તેઓ પોતાની રીતે કામ કરતા રહે છે. હિઝબુલ્લાહએ લિટાની નદીના ઉત્તરમાં અને બેકા ઘાટીમાં એક વિશાળ સુરંગ નેટવર્ક બનાવેલું છે. ઈઝરાયેલના એક અહેવાલ પ્રમાણે તેઓ ખૂબ જ ગુપ્ત નેટવર્ક ધરાવે છે. તેમના આ સુરંગ ઈઝરાયેલના હવાઈ હુમલાથી પણ સુરક્ષિત છે. તેમાં હથિયારો, મિસાઈલ્સ, કમાન્ડ સેન્ટર અને બીજું બધું જ રાખવામાં આવેલું છે.

આ લોકોની બીજી ટેકનિક એવી છે જે ઈઝરાયેલને વધારે પરેશાન કરે છે. તેઓ પોતાની મિસાઈલ, હથિયારો અને સામગ્રી બેકા ઘાટી, બેરુતના શિયા વિસ્તારોમાં સામાન્ય લોકોની વચ્ચે અને ગામડાઓમાં છુપાવીને રાખે છે. ઈઝરાયેલ તેને નષ્ટ કરવા જાય તો સામાન્ય લોકોના જીવ જાય અને સમગ્ર દુનિયામાં ઈઝરાયેલ સામે રોષ ફાટી નીકળે. 

આ લડવૈયાઓ હવે ડ્રોનનો પણ ઉપયોગ કરવા માંડયા છે. તાજેતરના યુદ્ધમાં તેમણે ડ્રોનનો ઉપયોગ ૨૬ ટકા જેટલો કર્યો છે. આ પહેલાં ૨૦૨૪ના યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ માત્ર ૭ ટકા જેટલો હતો. આ ડ્રોન સસ્તા હોવા ઉપરાંત ઈઝાયેલના આર્યન ડોમને થકવી નાખે છે. ઈઝરાયેલની સિસ્ટમ થાકે ત્યારબાદ પણ તેઓ હુમલા કરે છે અને ઈઝરાયેલને નુકસાન પહોંચાડે છે. તેઓ જાતે પણ કેટલાક રોકેટ અને ડ્રોન બનાવે છે. તેના કારણે ઘણી વખત તેમને બહારના હથિયારોની જરૂર પડતી નથી.

ઈઝરાયેલની સેનાને અધૂરી જીત મળે છે તેની પાછળ ઘણા કારણ જવાબદાર 

ઈઝરાયેલની સેના આઈડીએફ દુનિયાની શ્રેષ્ઠ સેનાઓમાં સ્થાન ધરાવે છે છતાં જ્યારે તે હિઝબુલ્લાહ સામે ઉતરે છે ત્યારે તેને સંપૂર્ણ જીત મળતી નથી. તેને અધૂરી જીત સાથે જ યુદ્ધ છોડવું પડે છે. તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. 

સૌથી પહેલું કે સાઉથ લેબેનોનના પર્વતો અને ખીણમાં ઈઝરાયેલી ટેન્કો અને મોટા હથિયારો જઈ શકતા નથી અથવા તો ફસાઈ જાય છે. હિઝબુલ્લાહના લડવૈયાઓ ત્યાં જ જન્મ્યા છે અને ત્યાં જ તેમનું જીવન પસાર થયું છે તેથી તેઓ તમામ વિસ્તારોને સારી રીતે જાણે છે અને તેનો ઉપયોગ કરે છે. મોટી વાત એ છે કે, હિઝબુલ્લાહ ક્યારેય ઈઝરાયેલી સેના સાથે સામસામેનું યુદ્ધ કરતા નથી. તેઓ ગેરિલા યુદ્ધ પદ્ધતિ માટે જાણીતા છે. તેઓ સંતાઈને ઈઝરાયેલની સેનાને ફસાવે છે અને હુમલા કરીને મુશ્કેલીમાં મુકે છે. ઈઝરાયેલની સેના દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં હસન નસરલ્લાહ સહિત અનેક કમાન્ડરોને મારવામાં આવ્યા છે છતાં હિઝબુલ્લાહ સંગઠનને કોઈ ફરક પડયો નથી.

 તેની પાસે કમાન્ડરોની અછત થઈ છે પણ સંગઠન તૂટયું નથી. તેમની પાસે હથિયારોનો મોટો સ્ટોક છે અને બફર સ્ટોક પણ છે. 

ગત યુદ્ધમાં ઈઝરાયેલે હિઝબુલ્લાહના ૫૦ ટકા હથિયારો નષ્ટ કરી દીધાના દાવો કર્યો હતો છતાં આ સંગઠન આજની તારીખે યુદ્ધ કરી કરી રહ્યું છે. તેઓ પોતાના હથિયારો બનાવે છે અને બીજી તરફ સીરિયા અને અન્ય સમુદ્રી રસ્તે હથિયારોની તસ્કરી કરીને લાવે છે. તેમની પાસે હથિયાર ક્યારેય ખાલી થાય તેમ નથી.