Get The App

સતત સ્માર્ટફોન વાપરનારા વહેલુ ઘડપણ નોતરે છે

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
સતત સ્માર્ટફોન વાપરનારા વહેલુ ઘડપણ નોતરે છે 1 - image

- સ્ક્રીન વ્યસન અને મગજ કુંઠિત થવા વચ્ચે ચિંતાજનક કડી

- મધ્યમ વયના પુખ્તો વિશેના 2024ના એક અભ્યાસમાં જણાવાયું કે છ કલાક કરતા ઓછી ઊંઘ લેનાર વ્યક્તિની સ્મરણશક્તિ, એકાગ્રતા અને  સમજવાની ક્ષમતામાં સતત ઘટાડો થાય છે : બ્રેન ઈમેજિસ અભ્યાસ અનુસાર દરરોજ બ્લ્યુ-લાઈટના ઉપકરણો સામે ચાર કલાકથી વધુ સમય વિતાવવાથી ઊંઘની ગુણવત્તા ખરાબ થાય છે : એકાગ્રતા, તર્ક અને નિર્ણય લેવાની ક્ષમતા માટે જવાબદાર મગજના હિસ્સામાં રહેલા કોર્ટિકલ નબળા પડે છે 

એક અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૪માં ભારતીયોએ એકંદરે ૧,૧૦,૦૦૦ કરોડ કલાકો સ્માર્ટફોન પર વીતાવ્યા, જે પ્રતિવ્યક્તિ રોજના લગભગ પાંચ કલાક થાય. 

એમાંથી લગભગ ૭૦ ટકા સમય સોશિયલ મીડિયા, રમતો અને શોર્ટ વીડિયો પર પસાર થયો. એક તરફ સ્માર્ટફોન  આધુનિક જીવનશૈલીનું કેન્દ્ર બની ગયા છે ત્યારે વિજ્ઞાાનીઓ સતત અત્યાધિક સ્ક્રીન ઉપયોગ સાથે સંકળાયેલી બાયોલોજિકલ રિએક્શન વિશે ચેતવણી આપતા રહ્યા છે જેમાં  ઊંઘ, આંતરડાના આરોગ્ય, સોજા અને મગજ કુંઠિત થવું જેવી સમસ્યા થાય છે.

આ અસરની સૌથી ચિંતાજનક બાબત છે સ્માર્ટફોન, ટેબ્લેટ અને લેપટોપમાંથી નીકળતા વાદળી કિરણો વિશે. અભ્યાસોમાં પુષ્ટી થઈ છે કે રાત્રિના સમયે સ્માર્ટફોનના ઉપયોગ અને ઊંઘની ખરાબ ગુણવત્તા વચ્ચે સીધો સંબંધ છે. સૂતી વખતે લોકો જેટલી વધુ વાર સ્ક્રીન જોયા કરે છે તેટલી ઊંઘ વધુ ખરાબ થાય છે. નિર્દોષ લાગતા સોશિયલ મીડિયાના રીલ્સ હકીકતમાં ગંભીર શારીરિક તણાવ સર્જી શકે.

સંંશોધકોના મતે આ ક્ષતિ સવારે મહેસૂસ થતી થકાનથી ઘણી આગળ વધી શકે. બ્લ્યુ લાઈટના  સંપર્કમાં આવવાથી ડેન્ડ્રિટિક સ્પાઈન્સ તરીકે ઓળખાતી ન્યુરોન્સ પર નાની સંરચનાઓમાં ઘટાડો થાય છે. આ સંરચનાઓ સ્મરણો બનાવવા અને સંગ્રહ કરવામાં સહાય કરે છે. આ સંરચના નબળી પડતા શીખવાની અને યાદ રાખવાની શક્તિમાં પણ ઘટાડો થાય છે.

વિક્ષેપિત સકેર્ડિયન લય હતાશા, મગજ કુંઠિત થવા અને તંત્રિકા સંબંધિત વિકારો સાથે મજબૂત રીતે સંકળાયેલા ઈન્ટરલ્યુકીન-૬ અને ટયુમરનેક્રોસિસ ફેક્ટર-આલ્ફા જેવા સોજાના પરિબળોમાં વધારો કરે છે.

 વિજ્ઞાાનીઓ આ સ્થિતિને ક્રોનિક ઈન્ટરનલ જેટ લેગ તરીકે ઓળખાવે છે જેમાં મગજની કુદરતી ઘડિયાળ સતત વિક્ષેપિત થાય છે.

ઊંઘનો અભાવ એક સામાન્ય બાબત બની ગઈ છે, ખાસ કરીને યુવાનોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. અભ્યાસો દર્શાવે છે કે લગભગ ૭૨.૭ ટકા ભારતીય વિદ્યાર્થીઓને સ્કૂલ દરમ્યાન આઠ કલાક કરતા ઓછી ઊંઘ મળે છે. મધ્યમ વયના પુખ્તો વિશેના ૨૦૨૪ના એક અભ્યાસમાં જણાવાયું કે છ કલાક કરતા ઓછી ઊંઘ લેનાર વ્યક્તિની સ્મરણશક્તિ, એકાગ્રતા અને  સમજવાની ક્ષમતામાં સતત ઘટાડો થાય છે. 

લેન્સેટ કમિશને ઊંઘની આ સમસ્યાને ડીમેન્શિયા માટે ઊભરતા મુખ્ય પરિબળ તરીકે ગણાવી છે અને ઊંઘની ખરાબ ગુણવત્તાને હાઈપરટેન્શન તેમજ શારીરિક નિષ્ક્રિયતાના વર્ગમાં મૂકી છે.

બ્રેન ઈમેજિસ અભ્યાસ અનુસાર દરરોજ બ્લ્યુ-લાઈટના ઉપકરણો સામે ચાર કલાકથી વધુ સમય વિતાવવાથી ઊંઘની  ગુણવત્તા ખરાબ થાય છે, દિવસ દરમ્યાન કામ કરવામાં પરેશાની થાય છે તેમજ એકાગ્રતા, તર્ક અને નિર્ણય લેવાની ક્ષમતા માટે જવાબદાર મગજના હિસ્સામાં રહેલા કોર્ટિકલ નબળા પડે છે જે મગજના માળખાકીય ફેરફાર તરફ દોરી જઈ શકે.

ચિંતાનો વધુ મહત્વનો વિષય છે પાચન તંત્રમાં રહેલા ગટ માઈક્રોબાયોમ તરીકે ઓળખાતા કરોડો બેક્ટેરિયા જે પ્રતિકાર શક્તિ, મૂડ અને એકંદર સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. ૨૦૨૩માં 'ફ્રન્ટીઅર્સ ઈન માયક્રોબાયોલોજી'માં પ્રકાશિત થયેલા રિસર્ચ અનુસાર મોબાઈલ ફોન વ્યસન અને ગટ માયક્રોબાયોટા વૈવિધ્યતામાં ઘટાડા વચ્ચે મજબૂત સંબંધ છે. માયક્રોબાયલ વૈવિધ્યતામાં ઘટાડો કંગાળ સ્વાસ્થ્ય અને રોગ સામે વધુ અસહાયતાના સંકેત તરીકે વ્યાપકપણે માન્ય છે.

ઊંઘમાં વિક્ષેપથી ડીસ્બાયોસિસ તરીકે ઓળખાતી સમસ્યા સર્જાય છે જેમાં શરીરની જરૂરી યંત્રણાને પ્રભાવિત કરતા ગટ બેક્ટેરિયામાં અસંતુલન થાય છે. એની સીધી અસર તરીકે પાચન તંત્ર અને મગજને જોડતા સંપર્ક નેટવર્કને નુકસાન થાય છે. શરીરનું ૯૦ ટકા સેરોટોનિન ગટમાં ઉત્પન્ન થતું હોવાથી ગટનું નબળુ સ્વાસ્થ્ય માનસિક સુખાકારીને પણ નોંધપાત્ર પ્રમાણમાં પ્રભાવિત કરી શકે છે. એનાથી તણાવ, ચિડયાપણુ, ખરાબ મૂડ અને સહનશક્તિમાં ઘટાડો થાય છે. વિડંબના એ છે કે માનસિક શાંતિ માટે લોકો જે ઉપકરણોનો ઉપયોગ કરે છે તેનાથી જ તેમની માનસિક શાંતિ હણાય છે.

ડોક્ટરો આ બાબતને એક દુષ્ચક્ર તરીકે વર્ણવે છે. નબળી ઊંઘ તણાવ સર્જતા હોર્મોન ઉત્પન્ન કરે છે, તીવ્ર તણાવ ગટનું સ્વાસ્થ્ય બગાડે છે અને ગટની સમસ્યા ઊંઘ બગાડે છે. સ્માર્ટફોન આ ચક્રને વધુ ઈંધણ પૂરુ પાડે છે. સંશોધકો ચેતવણી આપે છે ગટનું ખરાબ સ્વાસ્થ્ય લીકી ગટ તરીકે ઓળખાતી સમસ્યા તરફ દોરી જાય છે જેમાં ખરાબ બેક્ટેરિયાના અવશેષો લોહીના પ્રવાહમાં ભળીને વ્યાપક સોજા સર્જે છે.

એમઆરઆઈ અભ્યાસોથી સતત ડિજિટલ વપરાશની વધુ એક ચિંતાજનક અસર સામે આવી છે. સતત અનેક નોટિફિકેશનો અને એપ્સ જોયા કરવાથી મગજનું જોખમને પ્રતિસાદ આપતુ કેન્દ્ર નબળુ પડે  છે. 

આ તમામ ચિંતાનજક શોધો છતાં સંશોધકો જણાવે છે કે આ નુકસાન ભરપાઈ ન થઈ શકે તેવું નથી. 

અભ્યાસો સૂચવે છે કે પ્રોબાયોટિક્સ, સ્વસ્થ આહાર, ઊંઘની સારી આદતો અને સ્ક્રીનનો ઓછો ઉપયોગ ગટ સંતુલન અને મગજની ઘટતી શક્તિને સુધારી શકે છે. 

આખરે વિજ્ઞાાનીઓના તર્ક મુજબ સ્માર્ટફોન પોતે કોઈ શત્રુ નથી, પણ તેનો અનિયંત્રિત ઉપયોગ ખરાબ છે. માનવ શરીર સતત ઉત્તેજના અને અંતહિન એલર્ટ માટે સર્જાયું નથી. અત્યાધિક સ્ક્રીન સમય અને ગટની સમસ્યા, સોજા અને મગજની ક્ષતિને જોડતા પુરાવા સતત વધતા જાય છે ત્યારે નિષ્ણાંતોએ લોકોને સ્વસ્થ દિનચર્યા અપનાવવાની  હાકલ કરી છે. 

ક્યારેક સૌથી ઉત્તમ ઉપાય છે ફોનને બાજુમાં મુકીને શરીરને કુદરતી આરામ આપવો.

ડિજિટલ સમસ્યાથી બચવા માટેની સરળ આદતો

- બેડરૂમમાં કોઈપણ ઉપકરણ ન રાખવું:  આ એક જ નિયમ આપોઆપ સ્વસ્થ ઊંઘ સુનિશ્ચિત કરી શકે છે. રિસર્ચ અનુસાર આ એક જ આદત વ્યક્તિ પર સૌથી વધુ પ્રભાવ પાડી શકે છે.

- સવારના કુદરતી પ્રકાશનો સંપર્ક: જાગ્યા પછીની પંદર મિનિટમાં ચાલવું, પંદર મિનિટ બહાર ગાળવી, પછી ભલે વાદળીયું હવામાન હોય.  સવારનો કુદરતી પ્રકાશ શરીરની કુદરતી ઘડિયાળને રિસેટ કરે છે જેના કારણે આગલી રાતના સ્ક્રીન સંપર્કથી થયેલા વિક્ષેપમાં થોડો ઘટાડો થાય છે.

- ફોન-મુક્ત વોક: કુદરતી વાતાવરણમાં માત્ર દસ મિનિટ ડિજિટલ વિક્ષેપ વિના ચાલવાથી લોહીમાં ફરતા તણાવ સર્જતા માર્કરમાં ઘટાડો થાય છે અને મૂડ સુધરે છે.

- ડિજિટલ ડીટોક્સ: નિયમિત ૨૪ કલાકનો સમય સ્ક્રીન રહિત ગાળવાથી ચેતા તંત્ર પરનો બોજ હળવો થાય છે. ગટ માયક્રોબાયોમ વિશેના સંશોધનમાં જણાયું છે કે તણાવ મુક્ત ટૂંકા સત્રો પણ સારી અસર કરી શકે.

- આહાર સમર્થન: દહીં, કાંજી, ઈડલી, અથાણા જેવા આથો આવેલો ખોરાક લાભદાયી ગટ બેક્ટેરિયાને પોષણ આપે છે માયક્રોબાયલ વૈવિધ્યતામાં વધારો કરે છે.

ડિજિટલ આદત અને વ્યસન-ઓબેસિટી વચ્ચે સામ્યતા

નિષ્ણાંતોએ આ સ્થિતિનું વર્ણન કરવા એક નવું જ વાક્ય પણ શોધી કાઢ્યું છે. ડો. જોન લા પુમા તેને  ડિજિટલ ઓબેસિટી તરીકે વર્ણવે છે જેમાં વધુ પડતા ઉત્તેજિત કરનારા ડિજિટલ વાતાવરણમાં અત્યાધિક સમય વિતાવવાથી થતા શારીરિક અને માનસિક નુકસાન જેવી સ્થિતિ સામેલ હોય છે. વિજ્ઞાાનીઓ આ પ્રક્રિયાને વ્યસન સાથે સરખાવે છે. ફોન પરના પ્રત્યેક નોટિફિકેશનથી મગજમાં ડોપામાઈન હોર્મોનનો સ્રાવ થાય છે જેનાથી મગજ ઉત્તેજિત થાય છે. સમય જતા ડોપામાઈન રિસેપ્ટરો પ્રતિસાદ નથી આપતા જેના પરિણામે વ્યક્તિઓ સંતોષ મેળવવા સ્ક્રીન સામે વધુ સમય પસાર કરવા પ્રેરાય છે.