એર ડિફેન્સ સિસ્ટમ : જમીનથી માંડીને અંતરિક્ષ સુધીનું ભારતનું સુરક્ષાકવચ
- ગમે ત્યારે હવાઈ હુમલો કરે તેવા ચીન અને પાકિસ્તાન વચ્ચે હોવાના કારણે ભારત આત્મરક્ષણ માટે સજ્જ
- વિશ્વમાં એડવાન્સ એર ડિફેન્સ ધરાવતા દેશોમાં અમેરિકા, રશિયા, ચીન, ઈઝરાયેલ બાદ વિશ્વમાં પાંચમા ક્રમે ભારતનો સમાવેશ મલ્ટિલેયર્ડ અને એડવાન્સ રડાર નેટવર્ક સિસ્ટમ ધરાવતી એસ-400, આકાશ, બરાક-8 અને બીએમડી જેવું અભેદ્ય સુરક્ષાકવચ માત્ર 3 કિ.મીથી માંડીને 150 કિ.મીથી વધુ ઉંચાઈએ સુધી થતા તમામ હવાઈ હુમલા નષ્ટ કરવામાં આ સિસ્ટમ સક્ષમ
ભારતે ઘરમાં ઘુસીને આતંકવાદીઓનો સફાયો કર્યા બાદ પાકિસ્તાન બઘવાઈ ગયું છે. તેને જરાય અણસાર નહોતો કે ભારત આવી રીતે પણ પ્રહાર કરી શકે છે. તેને અંદાજ હતો કે, ભારત ફરીથી સર્જિકલ સ્ટ્રાઈક કરશે અથવા તો એર સ્ટ્રાઈક કરશે અને તેના માટે તેણે તૈયારીઓ પણ કરી હતી.
ભારત અડધી રાત્રે મિસાઈલ એટેક કરીને કેસરિયા કરશે તેવો અણસાર પાકિસ્તાનની ઉંઘતી સરકાર અને સેના તથા આતંકી આકાઓનો નહોતો. ભારતે હુમલા કર્યા બાદ આ બધા હવે સ્વબચાવની વાતો કરવા લાગ્યા છે. તેમણે ઉન્માદમાં આવીને ભારતના કેટલાક શહેરો ઉપર રાત્રે મિસાઈલ એટેક કરવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ ભારતે તેમની જે હાલત કરી છે તે હવે કહેવાય એવી નથી કે સહેવાય એવી નથી. પાકિસ્તાને ગુરુવાર રાત્રે ભારતના પંદર જેટલા શહેરોને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો અને તેમાં પણ ઉંધા માથે પછડાયું. ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના તમામ પ્રયાસો નિષ્ફળ બનાવી દીધા. તેના બદલામાં ભારતે લાહોર, કરાચી અને રાવલપિંડી સુધી કહેર વર્તાવી દીધો. ઉલ્લેખનીય છે કે, ભારતની એર ડિફેન્સ સિસ્ટમ દુનિયાની સૌથી એડવાન્સ અને મજબૂત એર ડિફેન્સ સિસ્ટમમાંથી એક છે. આ મલ્ટિલેયર્ડ સિસ્ટમ છે. તેના કારણે જ તે તમામ પ્રકારના હવાઈ હમલાઓથી દેશનું રક્ષણ કરે છે. બેલેસ્ટિક મિસાઈલ, ક્રૂઝ મિસાઈલ, ફાઈટર પ્લેન એટેક, ડ્રોન એટેક, હેલિકોપ્ટર જેવા તમામ હવાઈ હુમલા સામે રક્ષણ આપવા માટે સક્ષમ છે. ભારત કે જેની પાસે ગમે ત્યારે આડોડાઈ અને અડપલા કરે તેવા પાકિસ્તાન અને ચીન જેવા પાડોશીઓ હોય ત્યારે આવી સિસ્ટમ ડેવલપ કરવી અને સુરક્ષા માટે સજ્જ રાખવી જરૂરી છે.
ભારતની એર ડિફેન્સ સિસ્ટમમાં એસ-૪૦૦, આકાશ, બરાક-૮, બીએમડી જેવી અત્યાધુનિક સિસ્ટમનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ મલ્ટિલેયર્ડ અને એડવાન્સ રડાર નેટવર્ક ધરાવે છે જે પાકિસ્તાન દ્વારા દાગવામાં આવેલી તમામ મિસાઈલને હવામાં જ અને દૂરથી જ નષ્ટ કરવામાં સક્ષમ છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે હથિયારોની બાબતમાં જાણકારો માને છે કે, વિશ્વમાં ટોચની એર ડિફેન્સ સિસ્ટમ ધરાવતા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. અમેરિકા, રશિયા, ચીન, ઈઝરાયેલ બાદ ભારત પાંચમા ક્રમાંકે આવે છે. તેના કારણે જ ભારત ચીન અને પાકિસ્તાન જેવા બદમાશ પાડોશીઓ સામે ઝિંક ઝીલી શકે છે.
ભારતની એર ડિફેન્સ સિસ્ટમ ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ આવે છે. તેનામાં પૃથ્વી એર ડિફેન્સનો સમાવેશ થાય છે. તે ૮૦ કિ.મી ઉંચાઈ સુધી આવતી તમામ બેલિસ્ટિક મિસાઈલને હવામાં જ નષ્ટ કરી શકે છે. તેની રેન્જ ૨૦૦૦ કિ.મી સુધીની છે. તેવી જ રીતે એડવાન્સ એર ડિફેનસ્ છે જે ૩૦ કિ.મીની ઉંચાઈ સુધી અને ૨૦૦ કિ.મીની રેન્જમાં આવતી તમામ મિસાઈલ, ડ્રોન, પ્લેન બધું જ તોડી પાડવા માટે સક્ષમ છે. તેવી જ રીતે પ્રક્ષેપાસ્ત્ર ડિફેન્સ વ્હીકલ છે જે તેનું એડવાન્સ વર્ઝન છે. તે અંતરિક્ષમાં એટલે કે ૧૫૦ કિ.મી ઉપર સુધી આવતા કોઈપણ લક્ષ્યને નષ્ટ કરી શકે છે. તેની બીજી ખાસિયત એ છે કે, તેની રેન્જ ૫૦૦૦ કિ.મી. સુધીની છે. તે પાકિસ્તાનની શાહીન અને ઘોરી મિસાઈલ રોકવામાં પણ સક્ષમ છે.
ભારત પાસે રહેલી એસ-૪૦૦ ટ્રાયમ્ફ સૌથી શક્તિશાળી એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ છે. રશિયા પાસેથી ખરીદેલી આ સિસ્ટમ અત્યંત શક્તિશાળી છે. તેની રેન્જ ૪૦૦ કિ.મી સુધીની છે. તે બેલાસ્ટિક મિસાઈલ્સ, ક્રૂઝ મિસાઈલ્સ, ફાઈટર પ્લેન, ડ્રોન વગેરેને નષ્ટ કરી શકે છે. ખાસ વાત એવી છે કે, એસ-૪૦૦ની રેન્જ ૬૦૦ કિ.મી સુધીની છે. તેથી તે સરહદે જ લાંબા અંતરના ટાર્ગેટને નષ્ટ કરી દે છે. તે એક સાથે ૩૬ જેટલા ટાર્ગેટને નિશાને લઈ લક્ષ્ય પાર પાડી શકે છે. બીજી મોટી વાત એ છે કે, પાકિસ્તાન પાસે રહેલા એફ-૧૬ ફાઈટર પ્લેન અને તેની મિસાઈલ્સને પણ આ સિસ્ટમ ન્યુટ્રલાઈઝ કરવા સક્ષમ છે.
પંજાબ, કાશ્મીર અને અન્ય ઉત્તરી સરહદી વિસ્તારો કે જ્યાં ચીન અને પાકિસ્તાન બંનેનો ખતરો છે ત્યાં આ એડવાન્સ સિસ્ટમ તહેનાત કરવામાં આવી છે.તેવી જ રીતે ડીઆરડીઓ દ્વારા વિકસાવામાં આવેલી આકાશ નામની એર ડિફેન્સ સિસ્ટમ પણ ખૂબ જ સચોટ છે. આ સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ ૨૫ કિ.મીથી ૪૫ કિ.મીની ઉંચાઈએ આવતી કોઈપણ મિસાઈલ, ક્રૂઝ મિસાઈલ, ડ્રોન, બેલાસ્ટિક મિસાઈલ અને ફાઈટર પ્લેનને તોડી પાડવા કારગર સાબિત થાય છે.
આકાશ પાસે એડવાન્સ નેવિગેશન અને ્રટ્રેેકિંગ સિસ્ટમ છે. તે ૬૪ જેટલા ટાર્ગેટને ટ્રેક કરી શકે છે અને એક સાથે ૧૨ ટાર્ગેટને ડિસ્ટ્રોય કરી શકે છે. તેવી જ રીતે બરાક-૮ એર ડિફેન્સ સિસ્ટમ પણ ખૂબ જ અસરકારક સિસ્ટમ છે. તેને ભારત અને ઈઝરાયેલ દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવી છે. તે ૧૦૦ કિ.મીની રેન્જમાં ફાઈટર પ્લેન, હેલિકોપ્ટર, ડ્રોન, ક્રૂઝ મિસાઈલ, બેલાસ્ટિક મિસાઈલને નષ્ટ કરી શકે છે. ખાસ કરીને આર્મી અને નેવી માટે આ સિસ્ટમ વધારે ઉપયોગી સાબિત થાય તેમ છે.
ભારત દ્વારા આ ઉપરાંત સ્વદેશી રીતે પણ એર ડિફેન્સ સિસ્ટમનું નેટવર્ક ઊભું કરાયેલું છે. ભારત દ્વારા વિકસાવવામાં આવેલી સમર જમીનથઈ હવામાં મારણ કરનારી સિસ્ટમ છે. તે ૧૨થી ૪૦ કિ.મી.ની રેન્જમાં હેલિકોપ્ટર અને ફાઈટર પ્લેનને નષ્ટ કરવામાં સક્ષમ છે. તેવી જ રીતે કરસમ સિસ્ટમ છે જે એડવાન્સ અને ક્વિક રિસ્પોન્સ સિસ્ટમ છે. તે ૩ કિ.મીથી માંડીને ૩૦ કિ.મીની રેન્જમાં આવતા તમામ લક્ષ્યને નષ્ટ કરી શકે છે.
ભારત પાસે ઈન્ફ્રારેડ હોમિંગ મિસાઈલ સિસ્ટમ પણ છે. આ ઓછી રેન્જની એર ડિફેન્સ સિસ્ટમ છે. તે ઈન્ફ્રારેડ હોમિંગ મિસાઈલની સાથે સાથે વિમાન, ડ્રોન અને હેલિકોપ્ટરને નષ્ટ કરી શકે છે. ભારતે તેને વધારે મજબૂત અને એડવાન્સ બનાવી દીધી છે. તેવી જ રીતે એક્સ રડાર અને સ્વાતિ રડાર જેવી રડાર સિસ્ટમ છે જે ૩૦૦ કિ.મીની રેન્જમાં તમામ ટાર્ગેટ ટ્રેેક કરી શકે છે અને સ્ટીલ્થ વિમાનોને પણ ટ્રેક કરી લે છે. તે ઉપરાંત રાજેન્દ્ર, અર્જુન, ઈન્/સ્-૨૦૮૦ ગ્રીન પાઈન રડાર જેવી સિસ્ટમ શરૂઆતના અને એલિમેન્ટ્રી લેવલના ટાર્ગેટને ટ્રેક કરીને વોર્નિંગ આપી દે છે.
અહીંયા નોંધનીય બાબત એ છે કે, પાકિસ્તાન પાસે શાહીન, ઘોરી, અબ્દાલી અને બાબર જેવી મિસાઈલ્સ છે. તેમાં બેલાસ્ટિક અને ક્રૂઝ બંને પ્રકારની મિસાઈલ્સ છે. તેમની રેન્જ ૪૦૦ કિ.મીથી ૨૭૫૦ કિ.મી સુધીની છે. તેમાંથી કેટલીક પરમાણુ હથિયાર લઈ જવા માટે પણ સક્ષમ છે. ભારતનું એર ડિફેન્સ સિસ્ટમ આ તમામ મિસાઈલ્સને ટ્રેક કરવામાં અને તોડી પાડવામાં સક્ષમ છે. પાકિસ્તાન મલ્ટીપલ ઈન્ડિપેન્ડંટલી ટાર્ગેેટેબલ રી એન્ટ્રી વ્હીકલ અને હાઈપરસોનિક મિસાઈલ્સનો ઉપયોગ કરે તો જ જોખમ થાય તેમ છે.
હાલમાં પાકિસ્તાન તે કરી શકે તેમ નથી. પાકિસ્તાન એક સાથે વિવિધ સ્થાનેથી માત્ર મિસાઈલમારો ચલાવે તો ભારતીય સિસ્ટમ તેને ટ્રેક કરીને હવામાં જ નષ્ટ કરી શકે છે.
મનોહર પારિકરે એસ-400 સિસ્ટમમાં બચાવ્યા 49,000 કરોડ રૂપિયા
ભારતની એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમની વાત કરીએ તો તેની ખરીદી રશિયા પાસેથી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૫-૧૬માં ભારત દ્વારા ડિફેન્સ મુદ્દે ભાર મુકાવાની શરૂઆત થતાં તત્કાલિન સંરક્ષણ મંત્રી મનોહર પારિકર દ્વારા રશિયા સાથે આ સિસ્ટમ માટે પ્રારંભિક ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત દુનિયાની અન્ય એર ડિફેન્સ સિસ્ટમ સાથે તેની તુલના કરવામાં આવી હતી.
આ દરમિયાન પારિકરે અભ્યાસ કર્યો કે ઓછી અને મિડિયમ રેન્જની ડિફેન્સ સિસ્ટમની આપણે જરૂર નથી. તેના કારણે ભારત ઉપર કારણ વગરને આર્થિક બોજો વધી જશે. તેના માટે તેમણે એરફોર્સ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી અને વિચારણા કરી. તેના પગલે તમામ લોકો સહમત થયા કે આપણે ઓછી અને મધ્યમ રેન્જની સિસ્ટમ ઓછી લેવી છે જ્યારે લાંબા અંતરની સિસ્ટમ વધારે લેવી છે. ત્યારબાદ આ કામગીરી હાથ ધરાઈ. ૨૦૧૬માં મોદી અને પુતિન વચ્ચે આ ડિલ માટે ઔપચારિક કરાર થયા હતા. ત્યારબાદ ૨૦૧૮માં ફાઈનલ કરાર કરવામાં આવ્યા હતા. તે પહેલાં ૨૦૧૭માં મોનહર પારિકરનું અવસાન થઈ ગયું હતું. તેમની કોઠાસુઝ અને આયોજનને પગલે આ ડીલ સુધરતા ભારતીય નાગરિકોના પરસેવાની કમાણીના ૪૯,૦૦૦ કરોડ રૂપિયા બચ્ચા હતા. તેમણે પંદર વર્ષમાં કુલ પાંચ સિસ્ટમ વિકાસવવાની ડીલ કરી હતી જે ૨૦૨૭ સુધીમાં બધું જ સેટઅપ થઈ જશે. પાકિસ્તાન સામે આજે આપણો હાથ ઉપર છે ત્યારે પારિકરના યોગદાનને પણ યાદ કરવું જ રહ્યું.