- અમેરિકાએ ઈરાનના ડિસેલિનેશન પ્લાન્ટ ટાર્ગેટ કર્યા, જવાબમાં ઈરાને બહેરિનના પ્લાન્ટ તોડી પાડયા : ખાડી દેશોમાં પીવાના પાણીની તંગી સર્જાઈ રહી છે
- મધ્યપૂર્વના દેશોમાં રણ પ્રદેશ વધારે છે. આ ઉપરાંત અહીંયા વરસાદનું પ્રમાણ નહીવત છે. આસપાસ વિશાળ રણ અને દરિયા સિવાય કશું જ નથી. તેના કારણે જ સાઉદી, યુએઈ, કુવૈત, બેહરીન, ઓમાન અને ઈરાનને પીવાના ચોખ્ખા પાણી માટે ડિસેલિનેશન પ્લાન્ટ ઉપર જ આધાર રાખવો પડે છે : ખાડી દેશોનું એક જૂથ બનાવવામાં આવેલું છે. તેને જીસીસી એટલે કે ખાડી સહયોગ પરિષદ કહેવાય છે. તેઓ દુનિયાના 40 ટકા ડિસેલિનેશન પાણીનું ઉત્પાદન કરે છે. સમગ્ર વિસ્તારમાં ૪૦૦થી વધારે ડિસેલિનેશન પ્લાન્ટ આવેલા છે. ખાડી દેશોમાં ઘણા દેશોમાં તો પીવાનું સંપૂર્ણ પાણી આ પ્લાન્ટ થકી જ પૂરું પાડવામાં આવે છે : કતાર દ્વારા 100 ટકા પાણી ડિસેલિનેશન દ્વારા જ ઉપયોગમાં લેવાય છે. બીજી તરફ કુવૈતનું 90 ટકા પાણી ડિસેલિનેશન થકી જ મળે છે. બહેરીનમાં પણ આ આંકડો 90 ટકાનો છે. ઓમાન 86 ટકા ડિસેલિનેટેડ પાણીનો વપરાશ કરે છે જ્યારે સાઉદીમાં 70 ટકા પાણી આ પ્રોસેસ દ્વારા આવે છે. બીજી તરફ રિયાધ જેવા શહેર 90 ટકા ડિસેલિનેટેડ પાણી ઉપર આધાર રાખે છે
અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન સામે જે જંગ શરૂ કરાયો છે તે હવે વધારે આકરો થઈ રહ્યો છે. શરૂઆતના તબક્કામાં હથિયારો, મિસાઈલો કે પછી અણુમથકો અને સૈન્ય મથકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા પણ હવે આ દેશો એકબીજાના પાણીના સ્રોતને ટાર્ગેટ કરી રહ્યા છે. અમેરિકા અને ઈરાન દ્વારા એકબીજાના પાણીના ડિસેલિનેશન પ્લાન્ટ તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, બે-ચાર દિવસ પહેલાં અમેરિકાએ ઈરાનના કેશ્મ દ્વિપ ઉપર હુમલો કરીને ત્યાં આવેલા ઈરાનના વોટર પ્લાન્ટ તોડી પાડયા હતા. તેના કારણે ઈરાનના અનેક ગામડાઓમાં પાણીની તંગી શરૂ થઈ ગઈ છે. અંદાજે ૩૦ જેટલા ગામ તો તરસ્યા થઈ ગયા છે અને લોકો હિજરત કરવા લાગ્યા છે.
બીજી તરફ ઈરાને પણ આ જ દિશામાં હિંસા કરવાનું શરૂ કરી દીધું છે. ઈરાને પણ વળતો જવાબ આપવા માટે બેહરીન ખાતે આવેલા વોટર ડિસેલિનેશન પ્લાન્ટને ઉડાવી દીધો છે. ઈરાને હાલમાં અમેરિકાને મદદ કરનારા કે પછી તેનો વોર બેઝ બનનારા ખાડી દેશો ઉપર હુમલો કરવાની સ્ટ્રેટેજી અપનાવેલી છે. તેના જ ભાગ રૂપે તેણે બહેરીન ખાતે હુમલા કરીને વોટર પ્લાન્ટ તોડી પાડયા છે. જાણકારોના મતે આ પ્લાન્ટ બેહરિન માટે લાઈફલાઈન સમાન છે.
તેમની ઉપર હુમલા થવા તે સમગ્ર વિસ્તાર માટે જોખમી સાબિત થાય તેમ છે. જો આ રીતે વોટર પ્લાન્ટ થતા રહેશે કે તેના ઉપર સાઈબર એટેક કરીને પુરવઠો ખોરવવામાં આવશે કે પછી કેમિકલ એટેક કરીને તેને ઝેરી બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો ખાડી દેશોમાં વ્યાપક પાણી સંકટ ઊભું થશે. ખાડી દેશોમાં પાણીના આ પ્લાન્ટ ખરાબ થવા તે માત્ર આર્થિકનુકસાન કે યુદ્ધનું પરિણામ નહીં હોય પણ અહીંયા વસતા કરોડો લોકો માટે જીવનનું સંકટ આવી જશે. ખાડી દેશોમાં ચોખ્ખા પાણીનો પુરવઠો અટકવો એટલે જીવન અટકી જવા જેવી સ્થિતિ છે.
મહત્ત્વની વાત એ છે કે, મધ્યપૂર્વના દેશોમાં રણ પ્રદેશ વધારે છે. આ ઉપરાંત અહીંયા વરસાદનું પ્રમાણ નહીવત છે. આસપાસ વિશાળ રણ અને દરિયા સિવાય કશું જ નથી. તેના કારણે જ સાઉદી, યુએઈ, કુવૈત, બેહરીન, ઓમાન અને ઈરાનને પીવાના ચોખ્ખા પાણી માટે ડિસેલિનેશન પ્લાન્ટ ઉપર જ આધાર રાખવો પડે છે. સમુદ્રના ખારા પાણીને પ્રોસેસ કરીને તેને પીવા યોગ્ય બનાવવા માટે આ પ્લાન્ટ નાખવામાં આવે છે. વાસ્તવિકતા એ છે કે, આ માટે પણ ખાડી દેશોનું એક જૂથ બનાવવામાં આવેલું છે. તેને જીસીસી એટલે કે ખાડી સહયોગ પરિષદ કહેવાય છે. તેઓ દુનિયાના ૪૦ ટકા ડિસેલિનેશન પાણીનું ઉત્પાદન કરે છે. સમગ્ર વિસ્તારમાં ૪૦૦થી વધારે ડિસેલિનેશન પ્લાન્ટ આવેલા છે. ખાડી દેશોમાં ઘણા દેશોમાં તો પીવાનું સંપૂર્ણ પાણી આ પ્લાન્ટ થકી જ પૂરું પાડવામાં આવે છે.
ખાડી દેશોની સ્થિતિ ઉપર નજર કરીએ તો કતાર દ્વારા ૧૦૦ ટકા પાણી ડિસેલિનેશન દ્વારા જ ઉપયોગમાં લેવાય છે. બીજી તરફ કુવૈતનું ૯૦ ટકા પાણી ડિસેલિનેશન થકી જ મળે છે. બહેરીનમાં પણ આ આંકડો ૯૦ ટકાનો છે. ઓમાન ૮૬ ટકા ડિસેલિનેટેડ પાણીનો વપરાશ કરે છે જ્યારે સાઉદીમાં ૭૦ ટકા પાણી આ પ્રોસેસ દ્વારા આવે છે. બીજી તરફ રિયાધ જેવા શહેર ૯૦ ટકા ડિસેલિનેટેડ પાણી ઉપર આધાર રાખે છે.
યુએઈમાં ૪૨ ટકા પાણી અને તેમાંય દુબઈ અને અબુધાબીમાં પણ વ્યાપક પ્રમાણમાં ડિસેલિનેશન વોટરનો જ ઉપયોગ કરવામાં આવે છે. ખાડી દેશોમાં ભયાનક ગરમી પડે છે, પાણીના કુદરતી સ્રોત નહીવત છે. વધતી વસતી, પ્રવાસન અને ઉદ્યોગોને કારણે પાણીની જરૂર વધારે પડે છે. તેના પગલે અંડરગ્રાઉન્ડ સ્રોત પણ ઝડપથી ખાલી થઈ રહ્યા છે. આ સંજોગોમાં તેમણે ડિસેલિનેશન પ્રોસેસ ઉપર આધાર રાખવો પડે તેમ છે.
ઉલ્લેખનીય છે કે, ખાડી દેશો માટે પાણી માત્ર જીવન જરૂરિયાતની વસ્તુ કે માળખાગત સુવિધા નથી પણ તેમના અસ્તિત્વનો જ એક ભાગ છે. જાણકારો સ્પષ્ટ માને છે કે, આ યુદ્ધમાં જો ક્રૂડના પ્લાન્ટ અને કુવાને ટાર્ગેટ કરવાના બદલે પાણીના સ્રોતને ટાર્ગેટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે તો તે વધારે ચિંતાજનક અને ભયાનક બની શકે તેમ છે. ઈરાન ઈન્ટરનેશનલના એક અહેવાલમાં જણાવાયું હતું કે, ૨૦૦૮માં લીક થયેલા કેટલાક અમેરિકી દસ્તાવેજોમાં આ બાબતોનો ઉલ્લેખ હતો. તેમાં તે સમયે પણ જણાવાયું હતું કે, જો સાઉદીના જુબૈલ ખાતે આવેલા ડિસેલિનેશન પ્લાન્ટને નષ્ટ કરી દેવામાં આવે તો રિયાધ શહેર એક જ અઠવાડિયામાં ખાલી કરવું પડે. અહીંયાનું ૯૦ ટકા પાણી આ પ્લાન્ટમાંથી આવે છે. સાઉદીની રાજધાની જ ખાલી કરવાનો વારો આવી જાય.
ચિંતાજનક બાબત એવી પણ છે કે, હાલમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના ભણકારા ગત વર્ષથી શરૂ થયા હતા. તે સમયે કતારના વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ થશે અને ઈરાનના પરમાણુ ઠેકાણાઓ ઉપર હુમલા થશે તો સમુદ્રનું પાણી સંક્રમિત થઈ જશે. જો દરિયાનું પાણી સંક્રમિત થશે તો કતાર, યુએઈ, કુવૈત જેવા દેશોમાં ભયાનક સંકટ ઊભું થશે. કતાર જેવા દેશ માટે તો આ સ્થિતિમાં માત્ર ૩ દિવસનું જ પાણી વધશે. ત્યારબાદ કતાર દ્વારા પાણીના સંગ્રહ માટે ૧૫ જેટલા મોટા ભંડાર બનાવાયા છે છતાં આ સંકટ લાંબું ખેંચી શકાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે, ખારા પાણીના ખનીજ ઘટકોને અલગ કરીને તેને પીવા યોગ્ય અને ઉપયોગ કરવા યોગ્ય બનાવવાની પ્રક્રિયાને ડિસેલિનેશન કહેવાય છે. દરિયાઈ વિસ્તારોમાં જ્યાં પાણીના કુદરતી સ્રોત ઓછા હોય ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ વ્યાપક રીતે કરવામાં આવે છે. ઘરમાં જે સામાન્ય પાણીના ફિલ્ટરેશન પ્લાન્ટ દ્વારા ચોખ્ખું પાણી મળે છે તેવી જ રીતે વ્યાપક જથ્થામાં આ પાણી મળે છે.
ડિસિલેશન બે રીતે કરવામં આવતું હોય છે. એક તો ખારા પાણીને ઉકાળીને તેની વરાળને ઠંડી પાડવામાં આવે અને તે પાણીનો ઉપયોગ કરવામાં આવે. બીજી રિવર્સ ઓસ્મોસિસ એટલે કે આરઓ પદ્ધતિ છે. તેમાં એક વિશાળ મેમ્બ્રેનમાંથી સોલ્વંટને પસાર કરવામાં આવે છે. તેમાં હેવી કન્સ્ટ્રેશન ધરાવતા વિસતારમાંથી લોઅર કન્સ્ટ્રેશન ધરાવતા વિસ્તારમાં તેને પસાર કરવામાં આવે છે. આ દરમિયાન મેમબ્રેનમાં મીઠું અને અન્ય અશુદ્ધિઓ રહી જાય છે જ્યારે સ્વચ્છ પાણી બહાર આવે છે.
વિશ્વભરમાં નજર કરીએ તો દુનિયામાં કુલ પીવાના પાણીમાંથી ૧ ટકા પાણી ડિસેલિનેશન પ્રોસેસ દ્વારા આવે છે. આ પ્રક્રિયા મીડલ ઈસ્ટ અને ઉત્તરી આફ્રિકામાં જાણીતી અને ચલણમાં છે. બીજી તરફ નાના નાના દ્વિપ રાષ્ટ્રો અને કેટલાક વિકાસશિલ દેશોમાં પણ પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાય છે. ચિંતાજનક બાબત એટલી જ છે કે આ ડિસેલિનેશન પ્રોસેસ પછી જે પાણી અને અશુદ્ધિઓ વધે છે તેનો નિકાલ ખૂબ જ કપરી બાબત હોય છે. મોટાભાગે તેને દરિયામાં વહાવી દેવાય છે અને દરિયાની ઈકોલોજીને તેનાથી વધારે નુકસાન થાય છે.'
ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ એકબીજાને દબાવવા મરણિયા થયા છે
જિયો પોલિટિક્સના જાણકારો માને છે કે, અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન એકબીજાને દબાવવા માટે મરણિયા થયા છે. અમેરિકા દ્વારા કેશ્મ દ્વીપ ઉપર આવેલા ડિસેલિનેશન પ્લાન્ટને તોડી પાડવામાં આવ્યા. તેના કારણે ઈરાનના ૩૦ ગામડા પીણી વિહોણા થઈ ગયા. માનવતા સામેનો આ ભયંકર ગુનો છે. કોઈ દેશને દબાવવા માટે ત્યાંના લોકો પાસેથી જીવનજરૂરિયાતની વસ્તુ છીનવી લેવી તે ક્યાંનું યુદ્ધ થયું. ઈરાન અને અન્ય કેટલાક દેશો અને માનવતાવાદી સંગઠનો દ્વારા તેની આકરી નિંદા કરાઈ હતી. પાછળથી ઈરાને પણ અમેરિકાનો જ રસ્તો લીધો. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ્સ દ્વારા બહેરીન ખાતે અમેરિકી મિલિટરી બેઝ અલ-જફીર ઉપર મિસાઈલ મારો કરવામાં આવ્યો હતો. ઈરાને આરોપ મુક્યો હતો કે, અમેરિકાએ કેશ્મ દ્વિપ ઉપર જે કર્યું તેનો બદલો લેવા માટે મિસાઈલમારો કરવામાં આવ્યો છે. તેમાં બહેરીન ખાતે આવેલા પાણીના ડિસેલિનેશન પ્લાન્ટ બરબાદ થઈ ગયા છે. તેના કારણે પાણીની તંગી શરૂ થઈ ગઈ છે. ઈરાનનો દાવો છે કે, અમે ગણતરી પૂર્વકનો જ હુમલો કર્યો હતો. હકિકતે બેહરીનમાં ઘણા સામાન્ય લોકોના મોત થયા છે અને પ્લાન્ટને વ્યાપક નુકસાન થયું છે. હકિકત એ છે કે, અમેરિકા હોય કે ઈરાન તેઓ હવે ક્રૂડ, ન્યૂક્લિયર કે અન્ય બાબત છોડીને પાણીના પ્લાન્ટ અને સ્ટોરેજ તરફ ફંટાઈ ગયા છે. બંને દેશો આ રીતે હુમલા કરતા રહેશે તો ખાડી દેશોમાં વ્યાપક પ્રમાણમાં પાણીની તંગી સર્જાશે. હવે અમેરિકા ઈરાનના પાણીના પ્લાન્ટને નિશાન બનાવશે અને તેના જવાબમાં ઈરાન દ્વારા સાઉદીના જુબૈલ કે રલ અલ ખૈર જેવા પ્લાન્ટને ટાર્ગેટ કરવામાં આવશે તો સ્થિતિ અત્યંત ગંભીર થઈ જશે. અહીંયા લાખો ક્યૂબિક મીટર પાણીનું ડિસેલિનેશન થાય છે. જાણકારો માને છે કે, અમેરિકા પાસે લાંબી રેન્જના હથિયારો છે તો તે ગમે ત્યાંથી ઈરાન ઉપર હુમલો કરે છે પણ ઈરાનની સ્ટ્રેટેજી અલગ છે.
તેણે અમેરિકાના સાથી રહેલા ખાડી દેશોને પોતાના ટાર્ગેટ ઉપર રાખ્યા છે. ઈરાનના હુમલામાં કોઈપણ ખાડી દેશનો મોટો ડિસેલિનેશન પ્લાન્ટ તૂટી ગયો તો લાખો લોકો ઉપર પીવાના પાણીનું સંકટ આવી જશે. લાખો લોકોને પલાયન કરવા સિવાય કોઈ વિકલ્પ વધશે નહીં. આ જળ સંકટ સમગ્ર મધ્યપૂર્વના દેશોને વેરવિખેર કરી નાખશે.


