For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સરકારે ક્રિપ્ટો કરન્સીનું સપનું ધૂળધાણી કરી નાંખ્યું

Updated: Mar 9th, 2023

Article Content Image

મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ક્રિપ્ટો કરન્સીને લાવીને સરકારે એક પ્રકારનો પ્રતિબંધ લગાવી દીધો છે, આડા વ્યવહારો કરનારા ફસાઈ જશે

અર્થશાસ્ત્રના નિષ્ણાતોના મતે, કેન્દ્ર સરકારે આડકતરી રીતે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકી દીધો છે. ક્રિપ્ટોકરન્સી ઉપરાંત નોન-ફંગિબલ ટોકન્સ (એનએફટી) અને ડીસેન્ટ્રલાઈઝ્ડ ફાઇનાન્સ પણ વીડીએ જ ગણાય પણ વધારે વ્યાપ ક્રિપ્ટોકરન્સીનો છે. વીડીએને લગતા તમામ વ્યવહારોને મની લોન્ડરિંગ એક્ટનો ભંગ ગણવામાં આવશે તેથી સૌથી વધારે અસર ક્રિપ્ટો કરન્સીને થશે.

ભારત સહિત દુનિયાભરના દેશોમાં ક્રિપ્ટોકરન્સી પગપેસારો કરી ચૂકી છે. યુવાનોમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીને ઝડપથી ધનિક થવાની લાલચ વધતી જાય છે ત્યારે ભારત સરકારે એક મોટો નિર્ણય લઈને તમામ ક્રિપ્ટોકરન્સી સહિતની તમામ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (વીડીએ)ને પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ના દાયરામાં લાવવાનું જાહેરનામું બહાર પાડયું છે. 

મોદી સરકારે ૭ સપ્ટેમ્બરે હોળીના દિવસે ચૂપચાપ આ જાહેરનામું બહાર પાડીને ક્રિપ્ટોકરન્સીને લગતી તમામ સેવાઓને પીએમએલએ હેઠળ લાવી દીધી છે. અર્થશાસ્ત્રના નિષ્ણાતોના મતે, કેન્દ્ર સરકારે આડકતરી રીતે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ જ મૂકી દીધો છે કેમ કે વીડીએને લગતા તમામ વ્યવહારોને મની લોન્ડરિંગ એક્ટનો ભંગ ગણવામાં આવશે.

ક્રિપ્ટોકરન્સી ઉપરાંત નોન-ફંગિબલ ટોકન્સ (એનએફટી) અને ડીસેન્ટ્રલાઈઝ્ડ ફાયનાન્સ પણ વીડીએ જ ગણાય પણ વધારે વ્યાપ ક્રિપ્ટોકરન્સીનો છે. ઓનલાઈન ગેમ્સમાં અપાતા ટોકન્સ કે બીજી પ્રોડક્ટ્સ પણ વીએડી છે. એ રીતે ડિજિટલ આર્ટ, ટેક્સ્ટસ ફોટો, મૂવી, મ્યુઝિક કે બીજી કોઈ પણ બ્લોકચેઈન એસેટ વીડીએ જ ગણાય. એ રીતે જોઈએ તો આ જાહેરનામાનો વ્યાપ બહુ મોટો છે પણ સૌથી વધારે નાણાંકીય વ્યવહારો ક્રિપ્ટોકરન્સીમાં થાય છે તેથી સૌથી વધારે અસર ક્રિપ્ટોકરન્સીને થશે. 

આ જાહેરનામામાં સૌથી મહત્વની જોગવાઈ એ છે કે, વીડીએ અને ફિયાટ કરન્સી વચ્ચે થતા વ્યવહારોને પીએમએલએ હેઠળ આવરી લેવાયા છે. અંગ્રેજીમાં ફિયાટનો અર્થ સત્તાવાર માન્યતા પ્રાપ્ત એવો થાય છે. 

આ કારણે કોઈ પણ સરકારના આદેશથી તેની મધ્યસ્થ બેંક દ્વારા સત્તાવાર રીતે બહાર પડાતા ચલણી નાણાંને ફિયાટ કરન્સી કહે છે.

ભારત સરકારના આદેશથી રીઝર્વ બેંક રૂપિયાની નોટો બહાર પાડે છે ને યુએસ ફેડરલ અમેરિકન સરકારના આદેશથી ડોલરની નોટો બહાર પાડે છે. બ્રિટનમાં પાઉન્ડ કે સાઉદી અરેબિયામાં રીયાલ એ જ રીતે બહાર પડે છે. જે તે દેશના સત્તાવાર ચલણે અર્થશાસ્ત્રની ભાષામાં ફિયાટ કરન્સી કહેવાય.

કેન્દ્ર સરકારે બહાર પાડેલા જાહેરનામાનો અર્થ એ થાય કે, ભારતીય રૂપિયા કે બીજું કોઈ ચલણ આપીને ક્રિપ્ટોકરન્સી ખરીદો તો પણ મની લોન્ડરિંગના કેસમાં ફિટ થઈ જાઓ. ક્રિપ્ટોકરન્સીમાં યુવાઓનો રસ વધતો જાય છે તેથી નવાં નવાં ક્રિપ્ટો એક્સચેન્જ ખૂલતાં જાય છે.

ક્રિપ્ટો એક્સચેન્જ રૂપિયા કે બીજા કોઈ ચલણના બદલામાં જ ક્રિપ્ટો કરન્સી ઈસ્યૂ કરે એ કહેવાની જરૂર નથી. એ રીતે ક્રિપ્ટો ખરીદો એટલે મની લોન્ડરિંગનો કેસ થઈ જાય. ભારત સરકારના જાહેરનામામાં સાફ શબ્દોમાં કહેવાયું છે કે વીડીએ બહાર પાડવા કે વેચવા સહિતની વીડીએને સંબંધિત કોઈ પણ સેવા પૂરી પાડનાર સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ થશે. 

વીડીએના એક સ્વરૂપ અને બીજા સ્વરૂપ વચ્ચેના સોદાને પણ પીએમએલએ આવરી લેવાયા છે. બિટકોઈનના બદલામાં બીજી કોઈ ક્રિપ્ટોકરન્સી અપાય તો મની લોન્ડરિંગનો કેસ થાય. આ સિવાય વીડીએની ટ્રાન્સફર, વીડીએને સાચવવા કે તેના પર નિયંત્રણ માટેની કોઈ પણ વ્યવસ્થા ગોઠવવાની સેવા વગેરે  પણ મની લોન્ડરિંગ કહેવાશે. કહેવાતાં ક્રિપ્ટો એક્સચેન્જ આ બધી સેવાઓ આપે છે તેથી આડકતરી રીતે ક્રિપ્ટો એક્સચેન્જ પણ મની લોન્ડિંરગ કાયદાના દાયરામાં આવી ગયાં છે. 

આ જાહેરનામા દ્વારા ક્રિપ્ટોના સોદા કરનારા ફરતે બરાબરનો ગાળિયો કસી દેવાયો છે. નાણાં મંત્રાલયના આ જાહેરનામા પાછળ દેખીતી રીતે જ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા છે કેમ કે રીઝર્વ બેંક લાંબા સમયથી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધની તરફેણમાં છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તો ૬ એપ્રિલ, ૨૦૧૮ના રોજ પરિપત્ર બહાર પાડીને તમામ વર્ચ્યુઅલ કરન્સી પર પ્રતિબંધ પણ મૂકી દીધેલો. તમામ વર્ચ્યુઅલ કરન્સીને ગેરકાયદેસર જાહેર કરીને તેના સોદા કરનારી બેંકો પર પ્રતિબંધની જાહેરાત કરાયેલી. ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (આઈએએનએઆઈ)એ આ પ્રતિબંધને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 

સુપ્રીમ કોર્ટે એ અરજીને માન્ય રાખીને વર્ચ્યુઅલ કરન્સી પરના પ્રતિબંધ અને તેના સોદા કરતી બેંકો પરના પ્રતિબંધને પણ ગેરબંધારણીય ગણાવેલો. સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે પ્રતિબંધ હટી ગયો.

 હવે ફરી પ્રતિબંધ મૂકવો હોય તો સંસદમાં કાયદો પસાર કરવો પડે પણ મોદી સરકારને વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જમાં ભારતીયો દ્વારા કરાતા સોદાની કમાણીમાં રસ છે તેથી સંપૂર્ણપણ પ્રતિંબધ નથી મૂકાયો પણ આડકતરી રીતે ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ જ મૂકી દેવાયો છે. 

મની લોન્ડરિંગનો કેસ થાય એટલે છૂટવું અઘરું જ થઈ જતું હોય છે. પીએમએલ હેઠળ જેમની સામે કેસ થયેલા છે તેમની દશા કે અવદશા આપણે જોઈએ જ છીએ. ક્રિપ્ટો એક્સચેન્જ પણ પીએમએલના દાયરામાં આવશે તેથી તેમની હાલત પણ એવી જ થશે. 

ભારતમાં ક્રિપ્ટો એક્સચેન્જ પર તવાઈ તો પહેલાં જ શરૂ થઈ ગઈ છે. ગયા વરસે ઓગસ્ટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ સપાટો બોલાવીને ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વઝીરએક્સના બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દીધેલું. વઝીરએક્સના ખાતામાં લગભગ ૬૫ કરોડ રૂપિયા છે. ઝનમાઈ લેબ્સ નામની કંપનીના ડિરેક્ટરે યુએસએની કેટલીક કંપનીઓ સાથે મળીને વઝીરએક્સ ખરીદવા માટે કરાર કરેલા. 

આ કરાર દ્વારા મની લોન્ડરિંગનો ખેલ કરાતો હોવાનું ધ્યાનમાં આવતાં ઈડી એકશનમાં આવી ગયેલી. વઝીરએક્સ ઉપરાંત કોઈનસ્વિચ, ઈ-નગેટ્સ વગેરે ક્રિપ્ટો એક્સચેન્જ સામે પણ ઈડીની તપાસ ચાલી જ રહી છે. આ બધાં ક્રિપ્ટો એક્સચેન્જ અને ભવિષ્યમાં ગરબડ કરનારાં એક્સચેન્જ સામે કડક રીતે કામ કરવા માટે ઈડીને વધારે અધિકારો અપાયા છે.  ક્રિપ્ટોના સોદાના નામે હવાલાનો કારોબાર જોરદાર ફૂલ્યોફાલ્યો છે. ઈડીને મળેલા અધિકારોને કારણે આ કારોબાર કરનારાંને પણ કાબૂમાં લઈ શકાશે.

મોદી સરકારનો નિર્ણય સારો છે. ક્રિપ્ટો કરન્સીને કારણે દેશમાં  સમાંતર અર્થતંત્ર ઉભું થાય ને ક્રિપ્ટો કરન્સીનો ફેલાવો સત્તાવાર ચલણથી વધી જાય તો દેશ પતી જાય એ જોતાં તેના પર અંકુશ જરૂરી છે.

 ક્રિપ્ટોના કારણે દેશની સુરક્ષા, સલામતી, એકતા ને અખંડિતતા સામે ખતરો ઉભો થાય છે. આતંકવાદીઓથી માંડીને ડ્રગ્સનો ધંધો કરનારા સુધીના બધા ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરીને આર્થિક વ્યવહારો કરે છે તેથી તેના પર અંકુશ અનિવાર્ય છે. 

-ક્રિપ્ટો એક્સચેન્જ હવે ઈડીની મહેરબાની પર

ક્રિપ્ટોકરન્સી સહિતની વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (વીડીએ)ને પીએમએલએ હેઠળ આવરી લેવાના નિર્ણયથી આ માર્કેટ ખતમ થઈ જશે એવું આર્થિક નિષ્ણાતો માને છે. આ પહેલાં નિર્મલા સીતારામને ગયા વરસના બજેટમાં ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન્સથી થતી આવક પર ૩૦ ટકા કર લાદવાની જાહેરાત કરી હતી. એ પછી વીડીએ ટ્રાન્સફર માટે ૧ ટકા ટીડીએસ કાપવાનો નિયમ પણ  લવાયો. હવે આ ત્રીજો મહત્વનો નિર્ણય લેવાયો છે. 

રીઝર્વ બેંક ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધની તરફેણમાં છે પણ આ નિર્ણયો પરથી સ્પષ્ટ છે કે, મોદી સરકાર ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા નથી માગતી પણ સામે ક્રિપ્ટોકરન્સી સહિતની વીડીએ માટે કોઈ નિયમન તંત્ર પણ નથી બનાવતી. 

ભારતમાં ફિઝિકલ કરન્સી માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા છે કે જે ચલણી નોટો અંગેના નિયમો નક્કી કરે છે. સામાન્ય ગ્રાહકો બેંકોના માધ્યમથી નાણાંકીય વ્યવહારો કરે છે. 

આ વ્યવહારોમાં ગેરકાયદેસર કશુંક થાય તો તરત એજન્સીઓને જાણ થાય.  સંપૂર્ણ રીતે બ્લેક મનીનો ઉપયોગ કરીને ભાગ્યે જ કોઈ નાણાંકીય થઈ શકે તેથી આ તંત્ર કામ કરે છે. 

ડિજિટલ કરન્સી માટે એવું કોઈ તંત્ર જ નથી. તેના કારણે વીડીએ ટ્રાન્ઝેક્શન્સ અંગેના કોઈ નિયમો જ નથી. આ સંજોગોમાં પીએમએલએનો ભંગ થાય છે કે નહીં એ જોવાની જેની જવાબદારી છે એ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) પાસે સંપૂર્ણ સત્તા રહેશે. ઈડી જે અર્થઘટન કરશે એ માન્ય ગણાશે. 

વીડીએમાં કામ કરતી કંપનીઓએ સીધી ઈડી સાથે જ લમણાઝીંક કરવાની રહેશે.

- ભારતમાં વીડીએની વ્યાખ્યા સ્પષ્ટ નહીં

ભારતમાં વર્ચ્યુઅલ ડિજિટ એસેટ (વીડીએ) કોને કહેવાય તેની સ્પષ્ટ વ્યાખ્યા નથી. ઈન્કમટેક્સ એક્ટ પ્રમાણે, ક્રિપ્ટાગ્રાફિક માધ્યમો દ્વારા ડિજિટલ સ્વરૂપમાં પેદા કરાતી કોઈ પણ માહિતી, કોડ, નંબર, ટોકન વગેરે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ કહેવાય. એનએફટી પણ વીડીએ જ છે. 

ઈન્કમટેક્સ એક્ટ ૧૯૬૧ની સેક્શન ૨ના ક્લોઝ ૪૭એ હેઠળ કરાયેલી વીડીઓની આ વ્યાખ્યા બહુ વ્યાપક છે. આ વ્યાખ્યા હેઠળ ડિજિટલી ચાલતી કોઈ પણ પ્રવૃત્તિને વીડીએ હેઠળ આવરી લઈ શકાય. 

ક્રિપ્ટો કરન્સી બિઝનેસ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે, આ વ્યાખ્યાને વધારે સ્પષ્ટ કરવી જોઈએ અને વીડીએને લગતા નિયમો પણ બનાવવા જોઈએ પણ સરકારે એ દિશામાં કોઈ પગલું ઉઠાવ્યું નથી.


Gujarat