Get The App

ભારતમાં ચોમાસાની મુખ્ય બે સાઈકલ વરસાદ લાવતી રહે છે

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
ભારતમાં ચોમાસાની મુખ્ય બે સાઈકલ વરસાદ લાવતી રહે છે 1 - image

- ભારતમાં નૈત્યનું ચોમાસું મુખ્ય ગણાય છે, ત્યારબાદ ઉત્તર-પૂર્વનું ચોમાસું, શીતકાલિન ચોમાસું, અને પ્રી મોન્સુન પણ વરસાદ લાવે છે 

- ભારતમાં હવાની આ દિશા બદલાતી રહે છે. તેના કારણે ભારતમાં બે મુખ્ય વરસાદી સિસ્ટમ એક્ટિવેટ થાય છે અને તે સિવાયની બે પેટા અથવા તો સ્થિતિ આધારિત વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે. ભારતમાં સૌથી પહેલાં સાઉથ વેસ્ટ મોનસુન એટલે કે જેને આપણે નૈત્યનું ચોમાસું કહીએ છીએ તે સક્રિય થાય છે. જૂનથી સપ્ટેમ્બર સુધી આ વરસાદી સિસ્ટમ એક્ટિવ હોય છે. ત્યારબાદ ઉત્તર-પૂર્વ ચોમાસું એક્ટિવ થાય છે. તે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી વરસાદ લાવે છે : આ સિવાય શીતકાલીન ચોમાસું પણ એક્ટિવ થાય છે જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં અસર બતાવે છે. તે સિવાય ભારતમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હોય છે જે માર્ચથી મે મહિના સુધીમાં છુટા છવાયા ઝાપટા સ્વરૂપે વરસાદ પાડે છે. મહત્ત્વની વાત એ છે કે, જાન્યુઆરી-ફેબ્રુઆરી તથા માર્ચથી મે દરમિયાન સખત ઠંડી અને ગરમી હોય છે. તેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતું હોય છે અને વારંવાર પ્રી મોનસુન એક્ટિવિટી થતી હોય છે  :  ભારતમાં જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધી ચાલતી ચોમાસાની તુ જ ભારતની મુખ્ય વરસાદી સિસ્ટમ ગણાય છે.

ભારતમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે નૈત્યનું ચોમાસું કેરલમાં એન્ટ્રી કરીને આગળ વધી રહ્યું છે. એક તરફ ઉત્તર ભારત, મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના રાજ્યો ગરમીમાં શેકાઈ રહ્યા છે ત્યાં દક્ષિણ ભારતમાં ચોમાસાએ માઝા મુકી છે. 

અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામેલો છે. આ ચોમાસું હવે ઉત્તર તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ચોમાસું બે-ત્રણ દિવસમાં મુંબઈ સુધી પહોંચી જવાના વરતારા છે. ગુજરાતમાં પણ ચોમાસું કદાચ વહેલું આવી શકે બાકી હાલમાં તો પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે એકાદ અઠવાડિયું છુટાછવાયા ઝાપટા પડવાની આગાહી હવામાન નિષ્ણાતોએ કરી હતી. આ બધા વચ્ચે રસપ્રદ બાબત એ છે કે, અલગ અલગ વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશ કરતા પવનો ભારતમાં ચોમાસું લાવે છે.

ભારતમાં હકિકતે ચોમાસું માત્ર એક જ તુ નથી. આ એક વૈજ્ઞાાનિક ઘટના છે. આ એવી કુદરતી ઘટના છે જે દેશની સંસ્કૃતિ, સમાજ વ્યવસ્થા અને સૌથી મોટું તો અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી છે. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે, જૂનથી શરૂ કરીને સપ્ટેમ્બર સુધી આવતો વરસાદ ચોમાસું છે. વાસ્તવિકતા તેનાથી કંઈક જુદી છે. 

હવામાન ખાતા પ્રમાણે મોનસુનનું કેનવાસ ખૂબ જ વિસ્તૃત છે. ભારતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પાડવાની જવાબદારી અલગ અલગ પવનો અને તેની પેટર્નની હોય છે. કુદરતી રીતે વહેતા પવનોની એક પેટર્ન છે જે દેશના વિવિધ દિશાઓમાં આવેલા પ્રદેશોમાં વરસાદ લાવવા માટે કારણભૂત હોય છે. 

મોનસુન શબ્દની ઉત્પત્તી અરબી ભાષામાંથી થઈ છે. તેમાં મૌસિમ શબ્દ એટલે તુ અથવા મૌસમ થાય છે. 

હવાની દિશામાં છ મહિનામાં થતા ફેરફારને મોનસુનની સાચી પરિભાષા માનવામાં આવે છે. ભારતમાં ચોમાસાને સમજતા પહેલાં એ જાણીએ કે ચોમાસું આવે છે શા માટે. જમીન અને સમુદ્ર સાથે તેનો સીધો સંબંધ છે. ઉનાળા દરમિયાન સૂર્યનો સીધો તાપ ભારતના મેદાની ભાગમાં પડે છે. તેના કારણે ગરમ અને હળવી હવા ધીમે ધીમે ઉપર તરફ ગતિ કરે છે. ત્યાં એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થાય છે. 

બીજી તરફ હિન્દ મહાસાગર અને અરબ સાગરનું પાણી જમીનની સરખામણીએ થોડું મોડું ગરમ થાય છે. તેના કારણે ત્યાં હાઈ પ્રેશર સિસ્ટમ એક્ટિવેટ થાય છે. બીજી તરફ ગરમી અને ઠંડી દરમિયાન હવાની ઝડપ અને દિશા પણ અલગ અલગ હોય છે. વિજ્ઞાાનનો નિયમ છે કે, હવા કાયમ ઉચ્ચ દબાણથી નીચા દબાણ તરફ ગતિ કરે છે. તેના કારણે સમુદ્રની ભેજવાળી ઠંડી હવા ઝડપથી જમીની ભાગ તરફ આગળ વધે છે અને તેના કારણે જ વરસાદ પડે છે.

ભારતમાં હવાની આ દિશા બદલાતી રહે છે. તેના કારણે ભારતમાં બે મુખ્ય વરસાદી સિસ્ટમ એક્ટિવેટ થાય છે અને તે સિવાયની બે પેટા અથવા તો સ્થિતિ આધારિત વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે. ભારતમાં સૌથી પહેલાં સાઉથ વેસ્ટ મોનસુન એટલે કે જેને આપણે નૈત્યનું ચોમાસું કહીએ છીએ તે સક્રિય થાય છે.

 જૂનથી સપ્ટેમ્બર સુધી આ વરસાદી સિસ્ટમ એક્ટિવ હોય છે. ત્યારબાદ ઉત્તર-પૂર્વ ચોમાસું એક્ટિવ થાય છે. તે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી વરસાદ લાવે છે. આ સિવાય શીતકાલીન ચોમાસું પણ એક્ટિવ થાય છે જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં અસર બતાવે છે. તે સિવાય ભારતમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હોય છે જે માર્ચથી મે મહિના સુધીમાં છુટા છવાયા ઝાપટા સ્વરૂપે વરસાદ પાડે છે. 

મહત્ત્વની વાત એ છે કે, જાન્યુઆરી-ફેબ્રુઆરી તથા માર્ચથી મે દરમિયાન સખત ઠંડી અને ગરમી હોય છે. તેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતું હોય છે અને વારંવાર પ્રી મોનસુન એક્ટિવિટી થતી હોય છે. 

એપ્રિલ અને મે મહિનામાં આવી એક્ટિવિટી વધારે થતી હોય છે. તેના કારણે વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડતા હોય છે. તેમ છતાં આ પ્રી મોનસુન શાવરને વરસાદ જ ગણવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં આ વરસાદને સારો માનવામાં આવે છે. વૈજ્ઞાાનિક રીતે તેને માવઠું કહેવાય છે. તેમ છતાં પશ્ચિમ બંગાળ અને આસમમાં તેને કાલ બૈસાખી કહે છે. તેમાં પડતો વરસાદ ખેતી માટે સારો ગણાય છે. 

બીજી તરફ કર્ણાટક અને કેરળમાં માવઠાને મોંગો શાવર કહે છે. ત્યાં કેરી પાકવામાં પ્રી મોનસુન મદદ કરે છે. તેવી જ રીતે કર્ણાટકમાં તેને કોફીના પાકમાં મદદ મળતી હોવાથી તેને કોફી બ્લોસમ પણ કહે છે. આ વરસાદ બાદ કોફીના પાકમાં ફુલો ખીલવા લાગે છે. 

તેવી જ રીતે જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ તો ડિસેમ્બરથી માર્ચ વચ્ચે ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યો અને હિમાલય પર્વતીય રાજ્યોમાં આ વરસાદ અને બરફવર્ષા થતી હોય છે. તેને ચોમાસા સાથે સીધો કોઈ સંબંધ નથી છતાં તેને પવનોના આધારે પડતા વરસાદી તફાવતનો એક ભાગ ગણાય છે. 

ભૂમધ્ય સાગરમાં સર્જાયેલા પવનો જેટ સ્ટ્રીમ દ્વારા ભારત સુધી આવે છે. આ વરસાદ ઘઉંના પાક માટે લાભકારક હોય છે તેવું માનવામાં આવે છે. આ વરસાદી સિસ્ટમને અલ નીનો અને લા નીનો અસર કરનારા બે મોટા પરિબળો છે. 

લા નીનોના કારણે અતિશય વરસાદ થાય છે જ્યારે અલ નીનોના કારણે વરસાદમાં ઘટ આવે છે. આ વખતે અલ નીનોની અસર વ્યાપક રીતે થવાની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. 

નૈત્યનું ચોમાસું ભારતની લાઈફલાઈન ગણાય છે, 80 ટકા વરસાદ પડે છે

ભારતમાં જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધી ચાલતી ચોમાસાની તુ જ ભારતની મુખ્ય વરસાદી સિસ્ટમ ગણાય છે. તેને દક્ષિણ-પશ્ચિમ કે પછી નૈત્યનું ચોમાસું કહેવામાં આવે છે. ભારતમાં પડતા કુલ વરસાદનો ૮૦ ટકા જેટલો વરસાદ આ સમયગાળા દરમિયાન પડે છે. દેશની ખેતી અને નદીઓના પાણી આ સિસ્ટમ ઉપર આધાર રાખે છે.

 મે મહિનાના અંત સુધીમાં ભયાનક ગરમીને પગલે ઉત્તર ભારતમાં લોઅર પ્રેશર સિસ્ટમ સક્રિય થાય છે. ત્યારે ભૂમધ્ય રેખાથી આવનારા પવનો ભારત તરફ ખેંચાય છે. આ પવનો દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ભારતમાં પ્રવેશ કરે છે તેથી તેને નૈત્યનું ચોમાસું કહેવામાં આવે છે. ભારતનો પેનિન્સુલર આકાર હોવાથી આ ચોમાસું આગળ જતા બે ભાગમાં વહેંચાય છે. તેમાં પહેલી અરબ સાગરની શાખાનો ભાગ પડે છે. જૂનના શરૂઆતના સમયમાં આ ચોમાસું કેરલમાં પહોંચી જાય છે. ત્યાંથી તે ઝડપથી પશ્ચિમી ઘાટના પવર્તોને ટકરાઈને મુંબઈ, ગોવા અને સમગ્ર કોંકણ વિસ્તારમાં વરસાદ પાડે છે. ત્યારબાદ તે પશ્ચિમ ઘાટને પસાર કરે મધ્ય ભારત તરફ આગળ વધે છે. તેની એક પેટા શાખા ગુજરાત, રાજસ્થાન ઉપર વરસાદ લાવીને હિમાલય તરફ આગળ વધે છે જ્યારે મુખ્ય પવનો મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ તરફ આગળ વધે છે. અવલ્લી પર્વતમાળા નડતી હોવાથી આ વરસાદી સિસ્ટમ રાજસ્થાનમાં વધારે વરસતી નથી અને આગળ વધી જાય છે. તેના કારણે રાજસ્થાનનો એક મોટો ભૂભાગ કોરો જ રહી જાય છે. 

બીજી તરફ કરેલમાંથી વહેંચાયેલું ચોમાસું બંગાળની ખાડી થઈને બાંગ્લાદેશ અને મ્યાંમાર થઈને ભારતના ઉત્તર પૂર્વના રાજ્યોમાં પહોંચે છે. અહીંયા ગારો, ખાસી અને જયંતિયા પર્વતોની રચના એવી છે કે, આ પવન અટકી જાય છે અને આસમ, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડમાં ભારે વરસાદ આવે છે. ત્યારબાદ આ પવનો પશ્ચિમ તરફ આગળ વધે છે અને હિમાલય સાથે ટકરાઈને દિલ્હી અને પંજાબ તરફ આગળ જાય છે. આ દરમિયાન તેમાં ભેજ ઘટી ગયો હોય છે પણ જુલાઈના અંતમાં કે ઓગસ્ટમાં પશ્ચિમી ઘાટ તરફથી આગળ વધેલી સિસ્ટમ પણ આની સાથે જોડાય છે અને બંને ભેગા થઈને ઉત્તર ભારતમાં વરસાદ લાવે છે. 

ઉત્તર-પૂર્વનો વરસાદ એટલે કે પાછા ફરતા મૌસમી પવનો પણ વરસાદ લાવે છે

ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન આ સિસ્ટમ એક્ટિવેટ થાય છે. તેના કારણે ભારતના કુલ વરસાદમાંથી ૧૫ ટકા જેવો વરસાદ પડે છે. સપ્ટેમ્બર પૂરો થવા આવે ત્યાં સુધીમાં સૂર્યના કિરણો ભૂમધ્ય રેખા તરફ ઢળવા લાગે છે. તેના કારણે ઉત્તર ભારત ઠંડુ થવા લાગે છે અને ત્યાં હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય થાય છે. બીજી તરફ હિન્દ મહાસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે. તેના કારણે આ હાઈ પ્રેશર સિસ્ટમના પવનો જમીનથી દરિયા તરફ ગતિ કરવા લાગે છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમના ભાગ તથા મધ્ય ભાગને છોડીને આગળ વધે છે અને ઓક્ટોબર આવતા સુધીમાં દક્ષિણ તરફ જવા લાગે છે. આ પવનો જમીનથી દરિયા તરફ ગતિ કરતા હોવાથી તેમાં ખાસ ભેજ હોતો નથી તેથી વધારે વરસાદ પડતો નથી. ઉત્તર ભારતમાં તેના કારણે વાતાવરણ શુષ્ક થવા લાગે છે અને ઠંડી વધવા લાગે છે. આ પવનો બંગાળની ખાડી ઉપરથી પસાર થઈને તેમાંથી ભેજ ખેંચીને આગળ વધે છે અને તમિલાનાડુ, આંધ્ર પ્રદેશ, પુડ્ડુચેરી જેવા રાજ્યોમાં મુશળધાર વરસાદ લાવે છે. દક્ષિણના રાજ્યોમાં મોટાભાગે આ સમયગાળામાં જ સૌથી વધારે વરસાદ થતો હોય છે. દક્ષિણ ભારતમાં આ ચોમાસાને ચેન્નઈ ફ્લડ તરીકે પણ ઓળખવામાં આવે છે.