Get The App

ફ્રાન્સમાં NR પાર્ટીના જોરદાર દેખાવથી મુસ્લિમોમાં ફફડાટ

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
ફ્રાન્સમાં NR પાર્ટીના જોરદાર દેખાવથી મુસ્લિમોમાં ફફડાટ 1 - image


- નેશનલ રેલી (NR) ખુલ્લેઆમ મુસ્લિમ વિરોધી એજન્ડા ધરાવે છે. નેશનલ એજન્ડામાં જાહેરમાં હિજાબ પર પ્રતિબંધ, સ્કૂલોમાં હિજાબ કે બુરખા પહેરી ના આવવું, નવી મસ્જિદોના નિર્માણ પરથી પ્રતિબંધ,  બહારના દેશોના મુસ્લિમોને ફ્રાન્સમાં પ્રવેશ નહીં, મુસ્લિમોના તહેવારો દરમિયાન ધાર્મિક વિધિના નામે અપાતાં પ્રાણીઓના બલિ પર પ્રતિબંધ વગેરે મુખ્ય મુદ્દા છે. એ જ રીતે જાહેરમાં કોઈ પણ સ્થળે ધાર્મિક ચિહ્નો લગાવવા કે પ્રદર્શન કરવા પર પણ પ્રતિબંધની નેશનલ રેલી તરફેણ કરે છે.  

યુકે અને ઈરાન પછી હવે દુનિયાભરમાં ફ્રાન્સની ચૂંટણીની ચર્ચા છે. ફ્રાન્સમાં કટ્ટરવાદી જમણેરી વિચારધારા ધરાવતી હળાહળ મુસ્લિમ વિરોધી નેશનલ રેલી (એનઆર)ને સ્પષ્ટ બહુમતી મળવાના અણસાર હતા. જો કે રવિવારે થયેલા બીજા તબક્કાના મતદાનના અંતે જાહેર થયેલાં પરિણામોમાં ડાબેરી મોરચા ન્યુ પોપ્યુલર ફ્રંટને સૌથી વધારે બેઠકો મળતાં મુસ્લિમોને રાહત થઈ છે. અલબત્ત આ પરિણામો ફ્રાન્સના પ્રમુખ એમેન્યુએસ મેક્રો માટે રાહતભર્યાં નથી કેમ કે મેક્રોની પાર્ટી રેનેસાં છેક ત્રીજા નંબરે ધકેલાઈ ગઈ છે.

ફ્રાન્સમાં સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીની ૫૭૭ બેઠકોમાંથી ૧૮૨ બેઠકો જીતીને ડાબેરી મોરચો ન્યુ પોપ્યુલર ફ્રાન્ટ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે જ્યારે એમેન્યુએસ મેક્રોની પાર્ટી રેનેસાંને જેનો ભાગ છે એ એનસેમ્બલ મોરચાને ૧૫૯ બેઠકો મળી છે. ૨૦૨૨ની ચૂંટણીમાં મેક્રોની પાર્ટીના મોરચાને ૨૪૫ બેઠકો મળી હતી. એનઆરને ૧૨૫ અને તેના સાથી યુનિયન ઓફ ધ ફાર રાઈટને ૧૭ મળીને ૧૪૨ બેઠકો મળી છે. મેક્રોની પાર્ટી રેનેસાંને બહુમતી ના મળતાં મેક્રોની પાર્ટીના ગેબ્રિયલ એત્તલે વડાપ્રધાનપદેથી રાજીનામું ધરી દીધું છે.

ફ્રાન્સમાં સરકાર રચવા માટે સંપૂર્ણ બહુમતી જરૂરી નથી. ફ્રાન્સમાં ત્રિશંકુ સંસદની સ્થિતીમાં  કોહિબિટેશન સિસ્ટમ હેઠળ બહુમતી વિનાની સરકાર રચાય છે.  કોહેબિટેશન સિસ્ટમ હેઠળ પ્રમુખ અને વડાપ્રધાનની સત્તાઓ વહેંચાઈ જાય છે. આ સિસ્ટમ હેઠળ પ્રમુખ સૌથી વધારે બેઠકો મેળવનારા પક્ષના નેતાને વડાપ્રધાન તરીકે નિમે પછી સ્થાનિક સ્તરે તમામ નીતિવિષયક નિર્ણયો સરકાર લે છે જ્યારે વિદેશ નીતિ, યુરોપીયન યુનિયનને લગતી બાબતો અને સંરક્ષણને લગતી બાબતોની સત્તા પ્રમુખ પાસે હોય છે. ફ્રાન્સમાં ભૂતકાળમાં ત્રણ વાર કોહેબિટેશન સરકાર રચાયેલી છે. 

આ સિસ્ટમ હેઠળ નેશનલ પોપ્યુલર ફ્રન્ટના નેતા વડાપ્રધાન બનશે. ડાબેરી મોરચાએ પહેલાંથી કોઈને નેતા જાહેર નહોતા કર્યા તેથી હવે કોણ વડાપ્રધાન બનશે તેના પર સૌની નજર છે પણ વધારે ચર્ચા નેશનલ રેલી (એનઆર)ના જબરદસ્ત દેખાવની છે. 

નેશનલ રેલી ૧૯૭૩થી ચૂંટણી લડે છે પણ ૨૦૧૭ની ચૂંટણી લગી ૧૯૮૬ને બાદ કરતાં કદી બે આંકડે પણ નહોતી પહોંચી. ૧૯૮૬માં પાર્ટીને ૩૫ બેઠકો મળી એ સિવાય નેશનલ રેલીનો શ્રેષ્ઠ દેખાવ ૨૦૧૭ની ચૂંટણીમાં મળેલી મળેલી ૮ બેઠકો હતી. ૨૦૨૨ની ચૂંટણીમાં નેશનલ રેલીએ જબરદસ્ત દેખાવ કરીને ૮૯ બેઠકો જીતી અને આ વખતે ૧૪૨ બેઠકો જીતીને મેક્રોની પાર્ટીની લગભગ લગોલગ આવી ગઈ છે.

પહેલા રાઉન્ડમાં આવેલાં પરિણામોના આધારે તો નેશનલ રેલી ૨૮૯ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવશે એવી આગાહી કરાતી હતી પણ નેશનલ રેલીને રોકવા માટે મેક્રોની પાર્ટીએ ડાબેરીઓ સાથે હાથ મિલાવી લેતાં સ્પષ્ટ બહુમતી ના મળી પણ ત્રીજા નંબરે આવીને નિર્ણાયક પરિબળ બની ગઈ છે. મેક્રોની પાર્ટી અને ડાબેરીઓ હાથ મિલાવી શકે તેમ નથી એ જોતાં ડાબેરીઓએ સરકાર રચવા નેશનલ પાર્ટીની મદદ લઈ શકે છે.  નેશનલ રેલી સરકારનો ભાગ ના બને તો પણ તેની વધી રહેલી લોકપ્રિયતા ફ્રાન્સમાં પ્રજા ધીરે ધીરે મુસ્લિમ વિરોધી આક્રમક વલણ અપનાવી રહી હોવાનો સંકેત તો આપે જ છે. નેશનલ રેલી ખુલ્લેઆમ મુસ્લિમ વિરોધી એજન્ડા ધરાવે છે. નેશનલ એજન્ડામાં જાહેરમાં હિજાબ પર પ્રતિબંધ, સ્કૂલોમાં હિજાબ કે બુરખા પહેરી ના આવવું, નવી મસ્જિદોના નિર્માણ પરથી પ્રતિબંધ, બહારના દેશોના મુસ્લિમોને ફ્રાન્સમાં પ્રવેશ નહીં, મુસ્લિમોના તહેવારો દરમિયાન ધાર્મિક વિધિના નામે અપાતાં પ્રાણીઓના બલિ પર પ્રતિબંધ વગેરે મુખ્ય મુદ્દા છે. એ જ રીતે જાહેરમાં કોઈ પણ સ્થળે ધાર્મિક ચિહ્નો લગાવવા કે પ્રદર્શન કરવા પર પણ પ્રતિબંધની નેશનલ રેલી તરફેણ કરે છે.  

નેશનલ રેલી ફ્રાન્સની પોતાની આગવી ઓળખ જાળવી રાખવા માટે ઝુંબેશ ચલાવે છે. પાર્ટીનું માનવું છે કે, ફ્રાન્સે બહારનાં લોકોને ફ્રાન્સમાં પ્રવેશ ના આપવો જોઈએ ને તેમાં પણ મુસ્લિમોને તો ઘૂસવા જ ના દેવા જોઈએ કેમ કે મુસ્લિમોના કારણે ફ્રાન્સની ઓળખ ભૂંસાઈ રહી છે. ફ્રાન્સની ૬.૭૦ કરોડની વસતીમાં લગભગ ૮ ટકા મુસ્લિમો છે. આ મુસ્લિમોના કારણે ફ્રાન્સમાં ઈસ્લામ હાવી થઈ રહ્યો છે અને આતંકવાદી હુમલા વધી રહ્યા છે તેથી હવે પછી બીજા કોઈ મુસલમાનોને ફ્રાન્સમાં એન્ટ્રી જ ના મળવી જોઈએ એવો નેશનલ રેલીનો સ્પષ્ટ એજન્ડા છે. 

ફ્રાન્સમાં અત્યારે ભલે નેશનલ રેલીને બહુમતી ના મળી પણ પાર્ટી ધીરે ધીરે મજબૂત થઈ રહી છે એ જોતાં ભવિષ્યમાં સત્તામાં આવશે જ. અત્યારે મુસ્લિમો તરફ આક્રમક વલણ નહીં ધરાવતો ડાબેરી મોરચો સત્તામાં આવ્યો તેથી મુસ્લિમોને થોડી રાહત છે પણ ભવિષ્યમાં નેશનલ રેલી સત્તામાં આવશે એ શક્યતાના કારણે ફ્રાન્સના મુસ્લિમો ફફડેલા છે. 

મેક્રોની પાર્ટી રેનેસાં પણ જમણેરી વિચારધારા ધરાવે છે. નેશનલ રેલીને મળી રહેલી સફળતાના કારણે રેનેસાં પણ મુસ્લિમો તરફના વલણમાં વધારે આક્રમક બનશે એવો ભય પણ મુસ્લિમોને સતાવી રહ્યો છે. ફ્રાન્સમાં મુસ્લિમ વિરોધી આક્રમકતા પ્રબળ બની રહી છે તેથી મુસ્લિમો માટે ટકવું મુશ્કેલ બની જશે એવો ભય સતાવી રહ્યો છે. 

રાજકીય વિશ્લેષકોના મતે, આ ભય ખોટો પણ નથી કેમ કે નેશનલ રેલીએ ફ્રાન્સ માટે મુસ્લિમો ખતરારૂપ છે એવું સ્થાપિત કરવામાં સફળતા મેળવી છે. નેશનલ રેલી તરફ લોકો આકર્ષાયાં તેનાં મૂળ ૨૦૦૬ની ચાર્લી એબ્દો ઘટનામાં છે. ફ્રાન્સના ચાર્લી એબ્દો મેગેઝિનમાં મોહમ્મદ પયગંબર સાહેબના કાર્ટૂન છપાયાં તેની સામે મુસ્લિમ કટ્ટરવાદીઓએ આકરી પ્રતિક્રિયા આપી હતી.

ચાર્લી એબ્દોની ઓફિસ પર બોમ્બ ફેંકાયા હતા. ૨૦૧૫માં તો બે કટ્ટરવાદીએ ચાર્લી એબ્દોના પેરિસના હેડક્વાર્ટરમાં ઘૂસીને ૧૨ લોકોને ઠાર માર્યા હતા. એ પછી પણ આ પ્રકારની ઘટનાઓ બનતી રહી છે. આ ઘટનાઓનો લાભ નેશનલ રેલીને મળ્યો છે. મુસ્લિમો માટે ફ્રાન્સની અભિવ્યક્તિની આઝાદી અને કલ્ચર કરતાં ઘર્મ મોટો છે એવું સ્થાપિત કરવામાં નેશનલ રેલી સફળ થઈ છે.

ફ્રાન્સમાં કોઈને 50 ટકા મત ના મળે તો બીજા રાઉન્ડની ચૂંટણી

ફ્રાન્સની ચૂંટણીની પધ્ધતિ થોડી વિચિત્ર છે. ભારતની જેમ ફ્રાન્સમાં પણ સંસદમાં આપણી લોકસભાની જેમ નેશનલ એસેમ્બલી અને રાજ્યસભાની જેમ સેનેટ એમ બે ગૃહ છે. સેનેટ ઉપલું ગૃહ અને નેશનલ એસેમ્બલી નીચલું ગૃહ મનાય છે પણ વધારે પાવરફુલ નેશનલ એસેમ્બલી છે કેમ કે વડાપ્રધાન અને સરકારની પસંદગી નેશનલ એસેમ્બલીનાં પરિણામોના આધારે થાય છે. નેશનસ એસેમ્બલી કાયદા પણ બનાવે છે પણ આ કાયદાને ફગાવી દેવાની સત્તા સેનેટ પાસે હોય છે તેથી સેનેટની પોતાની પણ તાકાત છે. 

નેશનલ એસેમ્બલીમાં ૫૭૭ બેઠકો છે તેથી સ્પષ્ટ બહુમતી માટે ૨૮૯ બેઠકો જોઈએ. નેશનલ એસેમ્બલીની ચૂંટણી આપણી લોકસભાની ચૂંટણીની જેમ જ યોજાય છે પણ  જેને સૌથી વધારે મત મળે તેને વિજેતા જાહેર નથી કરાતા. તેના બદલે જેને ૫૦ ટકાથી વધારે મત મળે તેને જ વિજેતા જાહેર કરાય છે. પહેલા રાઉન્ડમાં જે બેઠકો પર કોઈ ઉમેદવારને ૫૦ ટકાથી વધારે મત મળ્યા હોય તેનાં પરિણામ જાહેર થાય છે અને બાકીની બેઠકો માટે બીજા તબક્કાની ચૂંટણી થાય છે. બીજા તબક્કાની ચૂંટણીમાં સૌથી વધારે મત મેળવનારા બે ઉમેદવારો ઉપરાંત કુલ મતદાનના ૧૨.૫ ટકા મત મેળવનારા ઉમેદવારો મેદાનમાં હોય છે. બીજા તબક્કામાં જેને સૌથી વધારે મત મળે તેને વિજેતા જાહેર કરાય છે. આ પધ્ધતિથી ૩૦ જૂને પહેલા તબક્કાની ને ૭ જુલાઈએ બીજા તબક્કાની ચૂંટણી યોજાઈ હતી.

NRનો પ્રમુખ બાર્ડેલ્લા 29 વર્ષનો, મરીયન યુરોપનાં પ્રમુખ બની શકે

નેશનલ પાર્ટીના પ્રમુખ તરીકે માત્ર ૨૯ વર્ષનો જોર્ડન બાર્ડેલ્લા છે પણ પાર્ટીનો ચહેરો મરીયન લે પેન છે, મરીયનના પિતા જીન-મેરી આર્મીમાં ઓફિસર હતા. તેમણે ૧૯૬૦ના દાયકામાં ફ્રાન્સમાં બહારથી આવતાં લોકો સામે ફ્રાન્સની ઓળખ જાળવવા નેશનલ પાર્ટી તરીકે પક્ષની સ્થાપન કરી હતી.  જીન-મેરી સામે અલ્જીરિયામાં આઝાદી માટે લડતાં લોકો પર અત્યાચાર કરવાના આક્ષેપો થયા હતા. ૨૦૦૫માં જીન-મેરીને મુસ્લિમો સામે આક્રમક ભાષામાં બોલવા બદલ દોષિત ઠેરવીને સજા પણ કરાઈ હતી. હિટલરના સમર્થનમાં બોલવા બદલ પણ તેમને સજા થઈ હતી. જીન-મેરીએ પાર્ટી સ્થાપી પણ મરીયને પાર્ટીને મજબૂત બનાવી છે. મુસ્લિમો સામે આક્રમક ભાષામાં બોલતાં મરીયન માત્ર ફ્રાન્સમાં જ નહીં પણ આખા યુરોપમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ ઈચ્છે છે. યુરોપીયન પાર્લામેન્ટની ચૂંટણીમાં મરીયન જીત્યાં પછી તેમણે યુરોપમાં કટ્ટરવાદી જમણેરી વિચારધારા ધરાવતા પક્ષોનો મોરચો બનાવ્યો છે તેથી ભવિષ્યમાં યુરોપીયન યુનિયનનાં પ્રમુખ બની શકે છે. મરીયન યુરોપીયન યુનિયનમાં પ્રમુખ બને તો આખા યુરોપમાં મુસ્લિમો પર તવાઈ આવશે એવો ડર સેવાય છે.

News-Focus

Google NewsGoogle News