Get The App

અમેરિકી નિર્ણયો ટ્રમ્પ નહીં પેન્ટેગોન પ્રેરિત : ચીન ટાર્ગેટ

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકી નિર્ણયો ટ્રમ્પ નહીં પેન્ટેગોન પ્રેરિત : ચીન ટાર્ગેટ 1 - image

- અમેરિકા જે રીતે વેનેઝુએલામાં જઈને ત્યાંના પ્રમુખને પકડીને લઈ આવ્યું અને ક્રુડનો કારોબાર હડપવા માગે છે તે અકલ્પનીય છે

- જાણકારોના મતે તુંડમિજાજી ટ્રમ્પના તુક્કાઓમાં એટલું વજન જ નથી કે દુનિયાની કોઈપણ સરકાર ઉથલાવી શકે અથવા તો કોઈ પ્રમુખનું અપહરણ કરાવી શકે. આ કામગીરી માટે પેન્ટાગોન દ્વારા વ્યાપક રીતે પ્લાનિંગ કરવામાં આવ્યું હશે : ચીન વેનેઝુએલા પાસેથી પોતાની જરૂરિયાતનું 70 ટકા ક્રૂડ ખરીદતું હતું. ચીન વેનેઝુએલા પાસેથી પ્રતિ બેરલે 18 થી 20 ડોલરમાં ક્રૂડ ખરીદતું. ચીનને અધધધ ફાયદો થતો જે અમેરિકાને ખૂંચી રહ્યું છે. : હાલમાં ક્રૂડ કરતા ટેક્નોલોજી અને સેમીકન્ડરક્ટર સેક્ટર ખૂબ જ કિંમતી માનવામાં આવે છે. તેમાં ચીનનો દબદબો છે. તેને ઘટાડવા માટે હાલ પેન્ટાગોને જે દેશોમાં રેર અર્થ મિનરલ્સ વધારે છે તેને પોતાને હસ્તક કરવા અથવા તો પોતાના દબાણમાં રાખવાના પ્રયાસ શરૂ કરી દીધા છે

અમેરિકાએ જે રીતે વેનેઝુએલા ઉપર હુમલો કરીને તેના પ્રમુખ માદુરોને પકડી પાડયા અને તેમને અમેરિકા લાવીને જેલમાં ધકેલી દીધા તે ઘટનાના વૈશ્વિક ધોરણે જેટલા પ્રત્યાઘાત પડવા જોઈએ તે પડયા નથી. દેખીતી રીતે એવું લાગી રહ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રને પણ હવે દુનિયામાં જે થઈ રહ્યું છે તેમાં ખાસ રસ રહ્યો નથી કે પછી હવે તેની પોતાની એવી શાખ કે ધાક રહી નથી. અમેરિકાને વેનેઝુએલામાં હુમલો કરવા માટે લાલ જાજમ પાથરી આપ્યું હોય તે રીતે અમેરિકી સૈનિકો વેનેઝુએલામાં ગયા હતા. તેઓ જઈને હુમલો કરીને અનેક લોકોને મારીને માદુરોને લઈ આવ્યા. 

નવાઈની વાત એ છે કે, માદુરો કોઈ સામાન્ય માણસ કે આતંકી કે કેદી નહોતો. તે ત્યાંનો પ્રમુખ હતો. માદુરો સૈન્ય બેઝમાં સૈન્ય સુરક્ષા વચ્ચે બંકરમાં રહેતો હતો. આ વ્યક્તિને અમેરિકી સૈનિકો આવીને પત્ની સહિત ઉપાડી ગયા અને કોઈ રોકનાર કે ટોકનાર હતું જ નહીં. જાણકારો માને છે કે, આ તમામ ઘટના એક આયોજનબદ્ધ રીતે પાર પાડવામાં આવેલી હતી. તેના માટે દુનિયાભરના દેશોને પહેલેથી જ અમેરિકા દ્વારા સમજાવી દેવામાં આવ્યા હતા અથવા તો શાંત પાડી દેવામાં આવ્યા હતા. 

જાણકારો માને છે કે, આ તમામ કામગીરી માત્ર ટ્રમ્પના આદેશ કે ઈશારે થઈ શકે તેમ નથી. આ કામગીરી માટે પેન્ટાગોન દ્વારા વ્યાપક રીતે પ્લાનિંગ કરવામાં આવ્યું હશે. પેન્ટાગોન અમેરિકાનું એવું પાવર સેન્ટર છે કે, ત્યાં જે આયોજન થાય, ત્યાં જે નિર્ણયો લેવાય અને ત્યાંથી જે કામગીરી થાય તેને જ અમેરિકા માન્ય રાખે છે. જાણકારોના મતે તુંડમિજાજી ટ્રમ્પના તુક્કાઓમાં એટલું વજન જ નથી કે દુનિયાની કોઈપણ સરકાર ઉથલાવી શકે અથવા તો કોઈ પ્રમુખનું અપહરણ કરાવી શકે.

લાદેનને મારવાથી માંડીને, સદામને ઉપાડવા સુધીની કે પછી હાલમાં માદુરોને પકડી લાવવાની કામગીરી પેન્ટાગોનમાં જ તૈયાર કરવામાં આવી છે અને તેના જ ઈશારે બધું પૂરું થયું છે. ખાસ વાત એવી છે કે, આ જે ઘટના બની ત્યારબાદ ટ્રમ્પે કહ્યું કે, અમે હવે વેનેઝુએલાના તેલના કુવાઓ અમેરિકાને હસ્તક કરી લઈશું. જાણકારો માને છે કે, ટ્રમ્પનું આ નિવેદન હકિકતે પેન્ટાગોનના પ્લાનનો જ એક ભાગ છે. 

બીજી એક ઘટનાની વાત કરીએ તો અમેરિકાએ જ તાજેતરમાં એક રશિયાન ક્રૂડ વાહક જહાજને આંતરરાષ્ટ્રીય સરહદમાં આંતરીને પકડી પાડયું છે. અમેરિકાએ આ જહાજ રોકવા માટે પોતાના કારણો આપ્યા છે. બીજી બાજુ રશિયાએ પોતાની રીતે ખુલાસા કર્યા છે છતાં આ ઘટના ગળે ઉતરતી નથી. રશિયા અને અમેરિકા જ્યારે બીજા વિશ્વયુદ્ધ પછીથી એકબીજાની સામ સામે રહ્યા છે. હાલમાં પણ યુદ્ધના મોરચા જેવી સ્થિતિએ આવી જાય છે અને છતાંય આ ક્રૂડ જહાજ મુદ્દે રશિયા ખાસ રસ દાખવી રહ્યું હોય તેમ લાગતું નથી. જાણકારો માને છે કે, અમેરિકાએ જે રીતે અને જ્યાં જહાજ રોકીને પકડી પાડયું છે તે પણ અયોગ્ય છે અને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે છતાં રશિયા શાંત છે. તે જરાય વિરોધ કરતું નથી અથવા તો કરવા માગતું નથી. લોકો કહી કહ્યા છે કે, વેનેઝુએલાના પ્રમુખનું અપહરણ હોય કે પછી રશિયન જહાજની અટકાયત હોય આ બંને ઘટનાઓ અકલ્પનિય રીતે પણ કલ્પના કરી શકાય તેવી નથી. યુએન અને તેની સાથે જોડાયેલા દેશો પણ શાંત છે. 

ઉલ્લેખનીય છે કે, જીયોપોલિટિક્સનો વિચાર કરીએ તો આ ઘટના ખૂબ જ મોટી અને રોચક છે. અમેરિકાની સરકાર દ્વારા ભૂતકાળમાં પણ વેનેઝુએલા ઉપર હુમલા કરાયા છે. ત્યાંની ક્રૂડ કંપનીઓમાં રોકાણ કરાયું છે અને તેલના કુવા પડાવી લેવા પ્રયાસ કરાયો છે છતાં અમેરિકા ત્યાંથી ભાગી પણ નીકળ્યું હતું. હાલના પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો આ તેલના કુવા ફરીથી પોતાના હસ્તક કરવાનો વિચાર શા માટે આવ્યો.

જાણકારો માને છેક ે, અમેરિકા અને રશિયા અંદરખાને એક થઈ ગયા છે. તેઓ કોઈપણ ભોગ ચીનને પાડી દેવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ચીન દ્વારા છેલ્લાં ૨૫ વર્ષમાં જે અદ્વિતિય વિકાસ સાધવામાં આવ્યો છે તેના કારણે આગામી સમયમાં ચીન વિશ્વની સૌથી મોટી મહાસત્તા બની જાય તેમ છે. રશિયા અને અમેરિકાને આ બાબત કોઈપણ સંજોગોમાં પરવડે તેમ નથી. રશિયાએ તેના કારણે જ અંદરખાને ચુપ્પી સાધીને પોતાનું જહાજ પકડાવા દીધું છે અને તેનો જોઈએ તેવા પ્રમાણમાં વિરોધ પણ કર્યો નથી. તેણે અમેરિકા સામે પગલાં લેવાની પણ કોઈ જાહેરાત કરી નથી. 

ચીન દ્વારા છેલ્લાં અઢી દાયકામાં ઉદ્યોગ, ખનીજો, ટેક્નોલોજી, ક્રૂડ અને રેર અર્થ મિનરલ્સ સેક્ટરમાં જે કામ કરવામાં આવ્યું છે તેના કારણે તેનો અદ્વિતિય વિકાસ થયો છે. હાલમાં દુનિયાભરના દેશોમાં ચીની વસ્તુઓની ડિમાન્ડ છે. 

માત્ર અમેરિકા અને ચીનની રાઈવલરી ઉપર નજર કરીએ તો તેમાં પણ મોટો તફાવત આવી ગયો છે. આજથી અઢી દાયકા પહેલાં જોઈએ તો ૨૦૦૦ની સાલમાં અમેરિકા દ્વારા ૨ ટ્રિલિયન ડોલરનો બિઝનેસ કરવામાં આવતો હતો. તે વખતે ચીન દ્વારા માત્ર ૪૭૪ અબજ ડોલરનો વૈશ્વિક બિઝનેસ કરવામાં આવતો હતો. તેની સામે હવે ૨૦૨૪ના આંકડા જણાવે છે કે, અમેરિકા દ્વારા કુલ ૫.૩ ટ્રિલિયન ડોલરનો બિઝનેસ કરવામાં આવે છે જ્યારે ચીન દ્વારા ૬.૨ ટ્રિલિયન ડોલરનો બિઝનેસ કરવામાં આવે છે. આ પચ્ચીસ વર્ષમાં અમેરિકાનો ટ્રેડ ગ્રોથ માત્ર ૧૬૭ ટકા થયા છે જ્યારે ચીનનો ગ્રોથ ૧૨૦૦ ટકા થયો છે. તે સિવાય બંને દેશોની આયાત નિકાસમાં પણ વ્યાપક પરિવર્તન જોવા મળ્યું છે. ૨૦૦૦ની સાલમાં અમેરિકા દ્વારા ૧૨૧૮ અબજ ડોલરની વસ્તુઓની આયાત કરવામાં આવતી હતી. તેની સામે તે ૭૮૨ અબજ ડોલરની વસ્તુઓની જ નિકાસ કરતું હતું. તેવી જ રીતે ચીન ૨૨૫ અબજ ડોલરની વસ્તુઓની આયાત કરતું હતું અને ૨૪૯ અબજ ડોલરની વસ્તુઓની નિકાસ કરતું હતું. આજે અમેરિકા ૩૨૬૭ અબજ ડોલરની વસ્તુઓની આયાત કરે છે અને ૨૦૬૫ અબજ ડોલરની વસ્તુઓની નિકાસ કરે છે. તેની સામે ચીન ૨૫૮૭ અબજ ડોલરની વસ્તુઓની આયાત કરે છે અને ૩૫૭૫ અબજ ડોલરની વસ્તુઓની નિકાસ કરે છે. ચીને વેપારની બાબતમાં મોટાભાગની દુનિયા સર કરી લીધી છે.

સમજવા જેવી વાત એ છે કે, ચીનનું આટલું મોટું કદ કેમ વધી ગયું. ચીન દ્વારા ચુપચાપ પોતાના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. બીજી તરફ અમેરિકા જેની ઉપર પ્રતિબંધો મુકતું હતું તેની સાથે ચીન સસ્તામાં વેપાર કરતું હતું. વેનેઝુએલાની સ્થિતિ પણ તેવી જ હતી. અમેરિકાએ વેનેઝુએલાના ક્રૂડ ઉપર પ્રતિબંધ મુકેલો હતો. તેના કારણે વેનેઝુએલા પાસે ક્રૂડ ખરીદનારા ગણતરીના દેશો વધ્યા હતા જેમાં ચીન સૌથી મોટો દેશ હતો. જાણકારોના મતે ચીન વેનેઝુએલા પાસેથી પોતાની જરૂરિયાતનું ૭૦ ટકા ક્રૂડ ખરીદતું હતું. તેનો સૌથી મોટો ફાયદો એ હતો કે તે ડિસ્કાઉન્ટેડ પ્રાઈઝમાં ખરીદતું હતું. તેને પ્રતિ બેરલ ૨૦ થી ૨૫ ડોલર જ ચુકવવાના આવતા હતા. ત્યારબાદ તો તે ૧૦ થી ૧૮ ડોલરની વચ્ચે પ્રતિ બેરલ ક્રૂડ ખરીદતું હતું.  ચીને વર્ષો સુધી સસ્તું ક્રૂડ ખરીદ્યું જેની સામે રશિયા અને અમેરિકા બંનેને વાંધો હતો. રશિયા અને અમેરિકા દ્વારા જે ક્રૂડ અને અન્ય ઊર્જા સંસાધનો વેચવામાં આવે છે તેની કિંમત વધારે હોય છે. તેની સામે ચીન આવા દેશો પાસેથી સસ્તામાં ખરીદી કરીને પોતાની જરુરિયાતો પૂરી કરી લેતું હતું. તેનાથી અમેરિકા અને રશિયાના અર્થતંત્રને અસર પડતી હતી. સાઉથ એશિયાના દેશોમાં ચીન અને ભારત સૌથી મોટા ખરીદદાર દેશો છે. તેમાંથી ચીન જો જાતે વ્યવસ્થા કરી લે તો દર વર્ષે રશિયા અને અમેરિકાને ૧.૫ થી ૨ અબજ ડોલરથી વધુનો આર્થિક ફટકો પડતો હતો. હાલમાં પણ જો વેનેઝુએલાના તેલના કુવા અમેરિકા ચલાવવા લાગે તો તેને આ જ રકમનો ફાયદો થવા લાગે તેમ છે. બીજી તરફ રશિયા પણ પડદા પાછળ રહીને પોતાનો બદલો લઈ શકે તેમ હતું તેથી આ પ્લાન લાગુ કરાયો.

છેલ્લાં 85 વર્ષથી પેન્ટાગોન દ્વારા સમગ્ર વિશ્વની ગતિવિધિ કાબુ કરાય છે

અમેરિકાના કામ કરવાની પદ્ધતિ જોઈએ તો ખ્યાલ આવી જશે કે અહીંયાના પ્રમુખો કરતા તેના પેન્ટાગોનના અધિકારીઓ વધારે ચતુર, ચાલાક, ભેજાબાજ અને ઘાતકી છે. તેઓ જે આયોજનો કરે છે તેને જ પોતાના દેશના પ્રમુખ દ્વારા વ્યક્ત કરાવીને પાર પાડવામાં આવે છે. જાણકારોના મતે છેલ્લાં ૮૫ વર્ષથી અમેરિકાનું આ પેન્ટાગોન અમેરિકાનું પાવર સેન્ટર બનેલું છે. તેના દ્વારા જ વિશ્વની ગતિવિધિ કાબુ કરવામાં આવે છે અને નક્કી કરવામાં આવે છે. ૧૧ સપ્ટેમ્બર ૧૯૪૧ના રોજ પેન્ટાગોન બનાવવાની શરૂઆત થઈ. ૧૫ જાન્યુઆરી ૧૯૪૩ના રોજ ૧૧૦૦ એકર જમીન ઉપર આ અમેરિકી પાવર સેન્ટર બની ગયું. ૧૯૪૨થી ૧૯૪૭ સુધી તો પેન્ટાગોન અમેરિકાના યુદ્ધનું એપિસેન્ટર રહ્યું હતું. પેન્ટાગોનમાંથી જ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી અમેરિકી સેનાઓને કાબુ કરવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ અહીંયા ૩૩,૦૦૦ લોકો રહેતા હતા અને કામ કરતા હતા. આજની તારીખે પણ અહીંયા મોટી સંખ્યામાં લોકો કામ કરે છે. એક અંદાજ પ્રમાણે ૨૩,૦૦૦થી વધારે સૈન્ય અધિકારીઓ અને સિવિલ અધિકારીઓ આ બિલ્ડિંગમાં ફરજ બજાવે છે. આમ જોવા જઈએ તો આ એક નાનકડા નગર જેવું છે. અમેરિકાનું સમગ્ર સૈન્ય, વાયુસેના, નેવી, ટેક્નોલોજી, સરકારી નિર્ણયો બધું જ અહીંયાથી કાબુ કરવામાં આવે છે. અમેરિકન સંરક્ષણ ક્ષેત્રનું આ એપિસેન્ટર છે. આ જ પેન્ટાગોન દ્વારા ચીનને પછાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. દેખીતી રીતે અમેરિકા જો વેનેઝુએલાનું ક્રૂડ લઈ પણ લે તો તેને પાંચ કરોડ બેરલની આસપાસ ક્રૂડ મળે તેમ છે. તેના દ્વારા અમેરિકાને ૨.૫ અબજ ડોલરનો ફાયદો થાય તેવો છે. તેમાંય જો ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો તેમાં પણ ફાયદો ઘટી જાય તેવો છે. તેની સામે ચીન ઉપર કાબુ આવી જાય અને તેના પ્રોજેક્ટ અટકી જાય તેવી છે. 

હાલમાં ક્રૂડ કરતા ટેક્નોલોજી અને સેમીકન્ડરક્ટર સેક્ટર ખૂબ જ કિમતી માનવામાં આવે છે. તેમાં ચીનનો દબદબો છે. તેને ઘટાડવા માટે હાલ પેન્ટાગોને જે દેશોમાં રેર અર્થ મિનરલ્સ વધારે છે તેને પોતાને હસ્તક કરવા અથવા તો પોતાના દબાણમાં રાખવાના પ્રયાસ શરૂ કરી દીધા છે.