- વર્ષ 2025માં સેનિટેશન અને અન્ય કારણોસર 3.78 લાખ કિશોરીઓ સહિત કુલ 8.5 લાખ વિદ્યાર્થીઓએ સ્કુલ છોડી દીધી
- સુપ્રીમ કોર્ટની સતત ટકોર છતાં સરકારી શાળાઓમાં શૌચાલયોની તો અછત છે જ પણ સાથે સાથે કિશોરીઓ માટે માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતાની જરૂરીયાતો પણ પૂરી થતી નથી. સેનેટરી પેડના વેન્ડિંગ મશિન, તેના ડિસ્પોઝલ માટેની વ્યવસ્થા નથી. સરકાર અને તંત્ર આ વ્યવસ્થા આપવામાં સાવ નિષ્ફળ ગઈ છે : સરકાર દ્વારા વર્ષ 2020માં નવી શિક્ષણનીતિ લાગુ કરવામાં આવી હતી. એનઈપી 2020 લાગુ થયાને પાંચ વર્ષ થયા છતાં તેના નક્કર પરિણામો મળી રહ્યા નથી. શાળાઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં શૌચાલયોની વ્યવસ્થા નથી, છોકરીઓ માટે સેનેટરી પેડ્સ અને પિરિયડ્સ દરમિયાન યોગ્ય સુવિધાઓ મળતી નથી. તેના કારણે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનું શાળા છોડવાનું પ્રમાણ વધી રહ્યું છે : ભારતમાં ગ્રામ્ય જ નહીં શહેરી વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ છે. શહેરી વિસ્તારમાં આવેલી સ્કુલોમાં પણ જ્યારે શૌચાલય અને સેનિટેશનની વ્યવસ્થાની વાત આવે ત્યારે તેમાં યોગ્ય ગુણવત્તા સચવાતી નથી. ઘણા જિલ્લાઓમાં શાળાઓમાં એક જ રૂમ હોય છે, એક જ શૌચાલય હોય છે તેનો ઉપયોગ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ અને શિક્ષકો દ્વારા કરવામાં આવતો હોય છે
સુપ્રીમ કોર્ટ દ્વારા છેલ્લાં કેટલાક સમયથી ભારતની તમામ સ્કુલોમાં સેનિટેશન અને સ્વાસ્થ્ય સુવિધાઓ વિશે સરકારને અને સંસ્થાઓને ચેતવણી આપવામાં આવી રહી છે. ભારતની કમનસીબી છે કે, એક તરફ સર્વ શિક્ષા અભિયાન હેઠળ બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવાની મહેનત કરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ અનેક સરકારી અને ખાનગી સ્કુલોમાં બાળકોને પાયાગત અને માળખાગત સુવિધાઓ પણ મળતી નહીં હોવાની સ્થિતિ સામે આવેલી છે. દેશમાં સરકારી સ્કુલ હોય કે ખાનગી સ્કુલ બાળકોને યોગય શિક્ષણ મળે તે માટે ભાર મુકવામાં આવે છે. બાળકોનો વ્યાપક વિકાસ થાય તેવી સંસ્કૃતિનું વાતાવરણ મળી રહે તેના ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે. અહીંયા તમામ પ્રકારના ભેદભાવથી બાળકોને દૂર રાખીને સારા અને સશક્ત નાગરિક બનાવવાની જવાબદારી સ્કુલોને આપવામાં આવે છે. આ સંજોગોમાં સ્કુલ અને શૈક્ષણિક સંકુલોમાં બાળકો માટે તમામ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. ભારતની સ્થિતિ તેનાથી તદ્દન જુદી છે. દેશમાં ઘણી સ્કુલો અને શૈક્ષણિક સંસ્થાઓ છે જેમાં સંસાધનોનો અભાવ છે અને વિદ્યાર્થીઓને પાયાગત સુવિધાઓ પણ મળતી નથી. વ્યવસ્થા અને સંસાધનોની બાબતમાં જો ખાનગી સ્કુલો અને સંસ્થાઓ દ્વારા ચુક કરવામાં આવે તો તેમની સામે પગલાં લેવાય છે. આ જ નિયમો અને કડકાઈ સરકારી સ્કુલો સાથે પણ કરવામાં આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦માં નવી શિક્ષણનીતિ લાગુ કરવામાં આવી હતી. એનઈપી ૨૦૨૦ લાગુ થયાને પાંચ વર્ષ થયા છતાં તેના નક્કર પરિણામો મળી રહ્યા નથી. નવી શિક્ષણ નીતિ દ્વારા સ્કુલો, સંસ્થાઓ, શિક્ષકો, શિક્ષણ સાથે જોડાયેલા અધિકારીઓ, સમુદાયોને સશક્ત બનાવવા માટે તથા સંશાધનોથી પરિપૂર્ણ કરવા માટેની સંસ્કૃતિ વિકસિત કરવાનો આશય હતો. આ આશય સંપૂર્ણ રીતે પૂરો થતો હોય તેમ લાગી રહ્યું નથી. શાળાઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં શૌચાલયોની વ્યવસ્થા નથી, છોકરીઓ માટે સેનેટરી પેડ્સ અને પિરિયડ્સ દરમિયાન યોગ્ય સુવિધાઓ મળતી નથી. તેના કારણે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનું શાળા છોડવાનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને વિદ્યાર્થીનીઓ મોટા પ્રમાણમાં શાળા છોડીને જઈ રહી છે.
જાણકારોના મતે ભારત જેવા વિકાશશીલ દેશમાં સરકારી સ્કુલોમાં ભયાનક સ્થિતિ છે. અહીંયા શૌચાલયોની તો અછત છે જ પણ સાથે સાથે કિશોરીઓ માટે માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતાની જરૂરીયાતો પણ પૂરી થતી નથી. સેનેટરી પેડના વેન્ડિંગ મશિન, તેના ડિસ્પોઝલ માટેની વ્યવસ્થા અને સ્વચ્છતા માટેની વ્યવસ્થા કરવાની વાતો થઈ રહી છે, પોસ્ટરોમાં વર્ણનો થઈ રહ્યા છે પણ વાસ્તવિકતામાં વ્યવસ્થા થતી જ નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવાયું છે કે, કિશોરીઓને માસિકધર્મ દરમિયાન યોગ્ય વ્યવસ્થા, અને સ્વચ્છતાની વ્યવસ્થા મળે તે તેમનો મૌલિક અધિકાર છે પણ સરકાર અને તંત્ર આ વ્યવસ્થા આપવામાં સાવ નિષ્ફળ ગઈ છે.
મહત્ત્વની વાત એ છે કે, સમાજસેવી સંસ્થાઓ દ્વારા તથા વિવિધ કંપનીઓ અને સંસ્થાઓની સેવાભાવી પ્રવૃત્તિઓ હેઠળ સરકારી સ્કુલોમાં કે ખાનગી સ્કુલોમાં સેનેટરી પેડના વેન્ડિંગ મશિન્સ મુકવામાં આવે છે. શરૂઆતના તબક્કામાં આ મશિનો યોગ્ય રીતે ચાલતા હોય છે પણ તેમાં એક વખત સ્ટોક પૂરો થાય કે પછી મશિન ખરાબ થવા લાગે ત્યારબાદ તેની તરફ ધ્યાન રાખનાર કોઈ હોતું નથી. ત્યારબાદ મશિનો ધૂળ ખાય છે અને કિશોરીઓને મદદ મળતી નથી. આ ઘણા કિસ્સામાં શૌચાયલો હોય છે પણ તેના ઉપર તાળાબંદી કરવામાં આવેલી હોય છે જેના કારણે યુવતિઓને અને કિશોરીઓને ખુલ્લામાં જવા મજબૂર થવું પડે છે. આ દરમિયાન તેમના સ્વાસ્થ્યને સૌથી વધારે નુકસાન થાય છે. આ ઉપરાંત સામાજિક કુપ્રથાઓનો પણ વધારો થાય છે અને કિશોરીઓને ભોગવવાનું આવે છે.
કમનસીબી એ છે કે, બેટી બચાઓ અને બેટી પઢાઓના બણગા ફુંકનારી સરકાર શાળાઓમાં દીકરીઓને વ્યવસ્થા પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે. તેનાથી પણ વધારે મોટો કમનસીબી એ છે કે, સુપ્રીમ કોર્ટ અને અન્ય અદાલતો દ્વારા સરકારો અને તંત્રને આવી વ્યવસ્થાઓ યોગ્ય કરવા માટે ટકોર કરવી પડે છે. મોટા મોટા અધિકારીઓ, શિક્ષણ શાસ્ત્રીઓ અને બાબુઓ દ્વારા શિક્ષણ વ્યવસ્થાની જે વાતો કરવામાં આવે છે અમલીકરણ દરમિયાન સિદ્ધ થતી નથી. ચિંતાજનક બાબત એ છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા અવાનવાર ટકોર કરવામાં આવે છે કે, સ્કુલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે અલગ અલગ શૌચાલય બનાવવામાં આવવા જોઈએ. તેમ છતાં આ દિશામાં કામ થતું નથી. જે સ્કુલો દ્વારા કામ કરવામાં આવે છે તેમાં પણ થોડા વર્ષોમાં વ્યવસ્થા પડી ભાંગે છે. ખાસ કરીને માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ આપતી સ્કુલોમાં આ વ્યવસ્થા કરવાની વારંવાર તાકીદ આપવામાં આવે છે. તેમ છતાં પાયાગત ધોરણે જોઈએ તો અમલીકરણ ખૂબ જ નબળું છે.
જાણકારોના મતે ભારતમાં ગ્રામ્ય જ નહીં શહેરી વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ છે. શહેરી વિસ્તારમાં આવેલી સ્કુલોમાં પણ જ્યારે શૌચાલય અને સેનિટેશનની વ્યવસ્થાની વાત આવે ત્યારે તેમાં યોગ્ય ગુણવત્તા સચવાતી નથી. અહીંયા શૌચલયો, પીવાના પાણીની વ્યવસ્થા કે પછી યુવતીઓ માટે માસિકધર્મ દરમિયાન સ્વચ્છતાની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં હોતી નથી. ગામડાઓમાં પણ આવી જ સ્થિતિ છે. અહીંયા પણ મહિલાઓ સાથે મોટા પ્રમાણમાં અન્યાય કરવામાં આવે છે. તે ઉપરાંત ઘણા જિલ્લાઓમાં શાળાઓમાં એક જ રૂમ હોય છે, એક જ શૌચાલય હોય છે તેનો ઉપયોગ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ અને શિક્ષકો દ્વારા કરવામાં આવતો હોય છે. તે ઉપરાંત બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડ્સની જે વાતો કરવામાં આવે છે તેના વિતરણની કોઈ વ્યવસ્થા જ કરવામાં આવતી નથી. પેડ્સ આપવાની અને તેને ડિસ્પોઝ કરવાની કોઈ વ્યવસ્થા, માળખું કે આયોજન જ જોવા મળતા નથી.
સુપ્રીમ કોર્ટ દ્વારા અને અન્ય અદાલતો દ્વારા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો તથા સ્કુલો અને શૈક્ષણિક સંસ્થાઓને મહિલાઓના અને કિશોરીઓના સ્વાસ્થ્ય માટે વારંવાર ચેતવણી આપવામાં આવે છે પણ તેનું અમલીકરણ થતું નથી. આ અંગે જાગ્રતી અભિયાન ચલાવવાની ટકોર કરવામાં આવી છે છતાં તેન વિશે કાર્યક્રમો કરવામાં આવતા નથી. માત્ર કહેવાતા જિલ્લાઓમાં અને રાજકીય લાભ લેવા માટે અને કાગળ ઉપરની કામગીરીઓ બતાવવા માટે આવી વ્યવસ્થા કરવામાં આવે છે પછી તેના તરફ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. આ ઉપરાંત ગામડાઓમાં પણ જાતીગત રાજકારણ, રાજકીય જૂથબાજી અને બીજી ઘણી બાબતો અસર કરે છે. અહીંયા છોકરીઓમાં અને કિશોરીઓમાં આ અંગે જાગ્રતી આપવામાં આવતી નથી. તેનું પરિણામ એ આવે છે કે, માતાઓ અને મોટી ઉંમરની મહિલાઓ દ્વારા સ્વાસ્થ્ય માટે હાનિકારક અને બિનપારંપરિક માર્ગદર્શન આપવમાં આવે છે જે વધારે જોખમ ઊભું કરે છે. નેશનલ એજ્યુકેશન પોલિસી દ્વારા જો યોગ્ય રીતે આ બાબતનું અમલીકરણ નહીં કરવામાં આવે તો કિશોરીઓ દ્વારા શાળા છોડવાનું પ્રમાણ હજી વધી જસે. જાણકારો માને છે કે, ઘણા અંતરિયાળ અને નાના ગામડા છે જ્યાં કિશોરીઓને તેમના ઘરથી ઘણા દૂર સુધી પ્રવાસ કરીને જવું પડે છે ત્યારે અભ્યાસ કરવા મળે છે.
આ સંજોગોમાં જો તેમના સ્વાસ્થ્ય માટે પણ પૂરતી વ્યવસ્થા નહીં મળે અને તેમને શૌચાયલ અને સેનિટેશનની વ્યવસ્થા નહીં મળે તો તેમના પરિવારો દ્વારા તેમને શાળા છોડાવી દેવામાં આવશે અથવા તે પોતે અભ્યાસ છોડી દેશે.
પાંચ વર્ષમાં 66 લાખ વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડયો, ગુજરાતમાં 341 ટકા પ્રમાણ
સરકારની નિરસતા અને રાજકીય આડોડાઈને પગલે શાળાકિય શિક્ષણમાં મોટી અસર જોવા મળી રહી છે. દેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં અંદાજે ૩૦ લાખ કરતા વધારે બાળકો અને ખાસ કરીને કિશોરો દ્વારા અભ્યાસ અધુરો છોડી દેવામાં આવ્યો હોવાના આંકડા સામે આવ્યા છે. ડિસેમ્બરમાં જ આવેલા અહેવાલે જણાવ્યું હતંા કે, છેલ્લાં પાંચ વર્ષમાં ૬૬ લાખ કિશોરો દ્વારા શાળા છોડવામાં આવી હતી. તેમાં ૩૦ લાખ જેટલી કિશોરીઓનો પણ સમાવેશ થાય છે.
ડિસેમ્બર મહિનામાં સંસદમાં જ સરકાર દ્વારા આ આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. તેમાંય શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ની વાત કરવામાં આવે તો દેશમાં ૮.૫ લાખ કિશોરો દ્વારા અભ્યાસ અધુરો છોડવામાં આવ્યો હતો. તેમાં અડધી સંખ્યા એટલે કે અંદાજે ૩.૭૮ લાખ કિશોરીઓનો સમાવેશ થતો હતો. ઉલ્લેખનીય છે કે, દેશમાં જ્યાં કિશોરો દ્વારા અભ્યાસ અધૂરો છોડવામાં આવ્યો છે કે પડતો મુકવામાં આવ્યો છે, તેમાં ગુજરાત સૌથી મોખરે હતું. ગુજરાતમાં ગત વર્ષે ૨.૫૦ લાખ કિશોરો દ્વારા અભ્યાસ અધૂરો છોડવામાં આવ્યો હતો. જાણકારોના મતે ગુજરાતમાં કિશોરો દ્વારા અભ્યાસ છોડવાનું પ્રમાણ ૩૪૧ ટકા વધી ગયું છે. આ વિદ્યાર્થીઓમાંથી ૧.૧૦ લાખ જેટલી કિશોરીઓ હતી.
ગુજરાત બાદ આસામમાં પણ ૧.૫૦ લાખ કિશોરો દ્વારા અધવચ્ચેથી શાળા છોડવામાં આવી હતી. તેમાં ૫૮ હજાર છોકરીઓનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં પણ ૫૭ હજાર કિશોરીઓની સાથે કુલ ૧ લાખ કિશોરો દ્વારા અભ્યાસ અધવચ્ચે છોડી દેવામાં આવ્યો હતો. જાણકારોના મતે માઈગ્રેશન, નબળું સામાજિક-આર્થિક સ્તર, ઘરેલુ જવાબદારીઓ, બાળ મજૂરી અને ખાસ કરીને કિશોરાવસ્થામાં થતી શારીરિક સમસ્યાઓમાં યોગ્ય વાતાવરણ અને વ્યવસ્થા ન મળવાના કારણે કિશોરીઓ દ્વારા શાળા છોડી દેવામાં આવે છે. સેનેટરી પેડના ઉપયોગનું અયોગ્ય માર્ગદર્શન અથવા તો નહીવત માર્ગદર્શન, પારંપરિક પદ્ધતિઓની મુશ્કેલીઓ, શૌચાલયનો અભાવ અને શિક્ષકો દ્વારા યોગ્ય વાતાવરણ અને માર્ગદર્શન પૂરું પાડવામાં ન આવતું હોવાથી કિશોરીઓ આ ઉંમરમાં વધારે મુંઝવણમાં મુકાય છે. તેઓ ધીમે ધીમે શાળાએ આવવાનું જ છોડી દે છે.


