Get The App

વંદેમાતરમ્ : 150 વર્ષે પણ રાજરમત અટકી નથી

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
વંદેમાતરમ્ : 150 વર્ષે પણ રાજરમત અટકી નથી 1 - image

- બંકિમ બાબુ પ્રજામાં જુસ્સો લાવવા માગતા હતા અને રાજકારણીઓ ગીતના નામે ગુસ્સે થઈને સંસદનો સમય બગાડે છે

- મોદીએ જણાવ્યું કે, કોંગ્રેસે મુસ્લિમ લીગ સામે ઘૂંટણીયે પડતા વંદે માતરમ ગીતનું પણ વિભાજન કર્યુ. આ ફક્ત તુષ્ટીકરણ માટે કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરવાનો નિર્ણય લેતા મુસ્લિમ લીગ સમક્ષ શરણાગતિ સ્વીકારી : પ્રિયંકાએ જણાવ્યું કે, બંગાળમાં ચૂંટણી આવી રહી છે અને તેના કારણે ભાજપ અને મોદીને વંદે માતરમ્ ગીતનો વિવાદ ઊભો કરવો છે. આપણા વડાપ્રધાન બંગાળની ચૂંટણી માટે પૂર્વભૂમિકા તૈયાર કરવા માંગે છે એટલે આ વિવાદ છેડી રહ્યા છે : સંસદમાં કોઈપણ પ્રકારની ચર્ચા ચાલે પણ ભાજપ અને સંઘ પોતાની રોજિંદી કામગીરીમાં વંદેમાતરમનો સ્વીકાર કરી શકે તેમ જ નથી અને તેમણે ક્યારેય વંદે માતરમનો સ્વીકાર કર્યો પણ નહોતો

વંદેમાતરમ્ ગીતને ૧૫૦ વર્ષ પૂરા થવાની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં કદાચ પ્રજાની લાગણી જોડાયેલી હશે પણ નેતા અને રાજકારણીઓ તો માત્ર તેમની રાજરમતના ભાગરૂપે આ દેખાડો કરતા હોય તેમ લાગી રહ્યું છે. બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાન દ્વારા ૧૯૭૫માં વંદેમાતરમ્ ગીતની રચના કરવામાં આવી હતી. તે સમયે આ ગીતને નવલકથાના ભાગરૂપે અને ત્યારબાદ સ્વતંત્ર ગીત રૂપે લોકોએ સ્વીકાર્યું હતું અને બિરદાવ્યું હતું. ખાસ કરીને સ્વતંત્રતા માટે સંઘર્ષ કરી રહેલા લોકો દ્વારા રાષ્ટ્ર ચેતનાની ક્રાંતિ ફેલાવવા અને લોકોમાં સ્વદેશ અને માતૃભૂમી માટે જુસ્સો જગાવવા આ ગીતનો ઉપયોગ કરવામાં આવતો હતો. તે સમયે પણ રાજકીય અને ધાર્મિક વાંધા પાડીને આ ગીત ઉપર રાજકારણ અને સમાજકારણ રમવામાં આવ્યું હતું. તત્કાલિન નેતાઓ દ્વારા પોતપોતાની રીતે અર્થઘટન કરીને સમર્થન આપવામાં આવતું હતું અથવા તો વિરોધ કરવામાં આવતો હતો. 

આ ઐતિહાસિક ગીતને કે જે એક સમયે રાષ્ટ્ર ચેતના અને રાષ્ટ્ર ક્રાંતિને પ્રજ્વલિત રાખવામાં મોટી ભૂમિકા ભજવતું હતું તેના ઉપર આજે પણ રાજકારણ રમાઈ રહ્યું છે. રાજકારણીઓ દ્વારા આજે ૧૫૦ વર્ષે પણ આ ગીત યોગ્ય છે કે નહીં અથવા તો તેની સાથે કોણે છેડછાડ કરી તેવા મુદ્દે સંસદની કામગીરીના બહુમુલ્ય કલાકો વેડફી રહ્યા હતા. ખરેખર ગીતનું સન્માન કરવું હોય તો તેનું ગાન કરવું જોઈએ પણ દેશના વિકાસની અને જનતાના લાભની યોજનાઓ બનાવવા કે અન્ય વહિવટી કામ કરવાના સ્થાને રાજકારણીઓ દ્વારા સંસદના બહુમુલ્ય ૧૦ કલાક આરોપ-પ્રત્યારોપમાં વેડફવામાં આવ્યા. રાષ્ટ્રગાનનો ૧૫૦ વર્ષ પૂરા થયા છે તો કદાચ તેની સંસદમાં ઉજવણી કરવામાં આવે અથવા તો તેનું સમુહ ગાન કરવામાં આવે તેવી પ્રથા પાડવાના બદલે તેના ઉપર ચર્ચા કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનું અને રાજકીય રોટલા શેકવાનું કામ કરવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સંસદમાં ચર્ચા દરમિયાન વડા પ્રધાને આરોપ મુક્યો હતો કે, તત્કાલિન પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને આ રાષ્ટ્રગાન સાથે છેડછાડ કરવા મુદ્દે દોષિત ઠેરવવાનો પ્રયાસ કરાયો હતો. બીજી તરફ કોંગ્રેસ પણ આઝાદી સમયે આ રાષ્ટ્રગાનને સંઘ દ્વારા કોંગ્રેસી ગીત કહેવામાં આવતું હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ દરમિયાન વિનાયક દામોદર સાવરકર અને આરએસએસ પણ રાષ્ટ્રગાન વિશે શું માનતા હતા અને કોંગ્રેસે શું કર્યું હતું તેની ઉગ્ર ચર્ચાઓ થઈ હતી.

લોકસભામાં વંદે માતરમના ૧૫૦ વર્ષ નિમિત્તે ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રગાનનના ટુકડા કરવા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે મુસ્લિમ લીગ સામે ઘૂંટણીયે પડતા વંદે માતરમ ગીતનું પણ વિભાજન કર્યુ. આ ફક્ત તુષ્ટીકરણ માટે કરવામાં આવ્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે, વંદે માતરમની સાથે-સાથે મુસ્લિમ લીગનું રાજકારણ પણ તેજ થઈ રહ્યું હતું. ૧૫ ઓક્ટોબર ૧૯૩૭માં લખનઉમાં વંદેમાતરમના વિરોધનો નારો બુલંદ થઈ ગયો હતો. કોંગ્રેસના તે સમયના તત્કાલીન પ્રમુખ પંડિત નેહરુને આ વિરોધમાં તેમનું આસન ડોલતું દેખાયુ. તેમણે વંદે માતરમ ગીતની જ તપાસ શરૂ કરાવી. પાંચ દિવસ બાદ નેહરુએ ઝીણાને ચિઠ્ઠી લખી અને જણાવ્યું હતું કે મારા મતે આનંદમઠના બેકગ્રાઉન્ડથી મુસ્લિમ ભડકશે. 

ત્યારબાદ ૨૬ ઓક્ટોબરે કોંગ્રેસની બેઠકમાં વંદે માતરમની સમીક્ષા કરવામાં આવી. તેના પછી કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરવાનો નિર્ણય લેતા મુસ્લિમ લીગ સમક્ષ શરણાગતિ સ્વીકારી. 

બીજી તરફ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ભાજપ ચૂંટણી માટે આયોજનો કરે છે, અમે દેશ માટે આયોજન કરીએ છીએ. જો તમને નેહરુની નીતિઓથી વાંધો હોય તો એક વખત નેહરુની ભૂલોનું લિસ્ટ બનાવી લો અને પછી અમને આપી દો. તમે કહો તો ૪૦ કલાક આપણે તેના પર ચર્ચા કરીશું, પરંતુ પછી દેશના જે મહત્ત્વના મુદ્દા છે એવા મોંઘવારી, ગરીબી, બેકારી, ખેડૂતોના યોગ્ય ભાવ, મજૂરોને યોગ્ય વળતર, યુવાનોને રોજગારી જેવા મુદ્દે ચર્ચા કરો. પ્રિયંકાએ વધુમાં જણાવ્યું કે, બંગાળમાં ચૂંટણી આવી રહી છે અને તેના કારણે ભાજપ અને મોદીને વંદે માતરમ્ ગીતનો વિવાદ ઊભો કરવો છે. આપણાં વડાપ્રધાન બંગાળની ચૂંટણી માટે પૂર્વભૂમિકા તૈયાર કરવા માંગે છે એટલે આ વિવાદ છેડી રહ્યા છે. 

બીજું કારણ એ છે કે જેમણે દેશને આઝાદી અપાવવામાં બલિદાનો આપ્યા તેમને આરોપી બનાવીને તેમનું અપમાન કરવા માગે છે. તેના દ્વારા દેશની જનતાનું ધ્યાન મુખ્ય મુદ્દાઓ પરથી ભટકાવવા ઈચ્છે છે.

ઈતિહાસની વાત કરીએ તો સૌથી પહેલાં એ જાણવું જોઈએ કે, વીર વિનાયક દામોદર સાવરકરને વંદેમાતરમ્ પ્રત્યે ખૂબ જ લાગણી હતી. તેમણે આ ગીતને ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો એક શક્તિશાળી અવાજ અને ક્રાંતિકારી મંત્ર ગણાવ્યો હતો. સાવરકરે લંડનમાં ઈન્ડિયા હાઉસને વંદેમાતરમનું મંદિર બનાવી દીધું હતું. તેમાં સવાર સાંજ પ્રાર્થના થતી અને અભિવાદન પણ કરાતું હતું. તેમણે આ ગીતને સ્વતંત્રતા આંદોલનમાં એકતા અને દેશભક્તિના પ્રતિક સમાન ગણાવ્યું હતું. સાવરકરે ૧૯૦૮માં ભારતના વિદ્રોહી સૈનિકોના સન્માન માટે વંદેમાતરમ ગાન સાથે એક મોટા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. દરેક માટે આ નારાના બેજ બનાવડાવ્યા હતા. તેઓ પોતાના ક્રાંતિકારી લેખ અને ગીતોમાં પણ તેનો ઉલ્લેખ કરતા હતા. તેમણે પોતાના પુસ્તક ભારતનો ૧૮૫૬નો સ્વનાધીનતાનો સંગ્રામ નામના પુસ્તકના અંતમાં વંદેમાતરમનો ઉદઘોષ કર્યો છે. તેના કારણે અંગ્રેજોએ આ સૂત્ર અને પુસ્તક ઉપર પ્રતિબંધની જાહેરાત કરી પણ તેઓ ફાવ્યા નહીં. દેશ અને વિદેશમાં તે બંનેનું ચલણ ખૂબ જ વધી ગયું.

જાણકારોના મતે વંદેમાતરમને ભારત માતા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરનારું એક રાષ્ટ્ર ગીત માન્યું હતું. તેમણે પોતાના જાણીતા ગ્રંથ હિંદુત્વ - હુ ઈઝ એ હિંદુ (૧૯૨૩)માં સ્પષ્ટરૂપે જણાવ્યું હતું કે, વંદે માતરમ્ ગીતને હિંદુઓએ એક રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારી લીધું હતું. તેમણે તે સમયે મુસ્લિમ નેતાઓનો પણ વિરોધ કર્યો હતો જેઓ વંદે માતરમ સામે વાંધો ઊઠાવતા હતા. સાવરકર આ ગીતને રાષ્ટ્રભક્તિનું પ્રતિક માનતા હતા. તેઓ આ ગીતને ધાર્મિક રીતે જોવાની કે સ્વીકારવાની વૃત્તિને રાષ્ટ્રવિરોધી માનતા હતા. ૧૯૩૦માં મુસ્લિમ લીગના જ નેતાઓ દ્વારા આ ગીતનો બહિષ્કાર કરવાની તરફેણ કરવામાં આવી હતી. સાવરકરે તેમની પણ આકરી ટીકા કરી હતી.

હેડગેવાર, ગોલવલકર કે પછી સુદર્શન કોઈ સરસંઘસંચાલકે તેને સ્વીકાર્યું નહીં

ઈતિહાસકારો નોંધે છે કે, સંઘના બીજા સરસંઘસંચાલક એમ.એસ. ગોલવલકરે પોતાના પુસ્તક બંચ ઓફ થોટ્સમાં વંદેમાતરમ્ મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે, વંદે માતરમ્ દેશમાં પવિત્ર રાષ્ટ્રીય મંત્ર બની ગયું છે છતાં તેના કેટલાક છંદમાં દેવી દુર્ગાની વાત કરવામાં આવી છે અને તેના મુદ્દે દેશમાં ઘણા લોકોએ ધાર્મિક મુદ્દે વિરોધ કર્યો છે. તેના કારણે જ સંઘ રાષ્ટ્રીય એકતાને મહત્ત્વ આપીને વંદેમાતરમને સન્માન આપે છે પણ સ્વીકાર તો જન-ગણ-મનનો કરે છે. બીજી તરફ તેમની પહેલાના સંઘના સંસ્થાપક હેડગેવાર દ્વારા પણ વંદે માતરમનો સ્વીકાર કરાયો નહોતો. તેમણે પણ નોંધ્યું હતું કે, વંદે માતરમ રાષ્ટ્રભક્તિ જન્માવવા માટે અને લોકોને જોડવા માટે આ એક શસક્ત માધ્યમ છે. તેમ છતાં સંઘની દૈનિક શાખાઓમાં વંદે માતરમને સ્થાન આપવામાં આવ્યું નહોતું. તેવી જ રીતે આઝાદ ભારતમાં પણ કરવામાં આવ્યું હતું. ૨૦૦૬માં વંદે માતરમ મુદ્દે વિવાદ સર્જાયો હતો. તે વખતે પણ સંઘના તત્કાલિન પ્રમુખ અને વડા કે.એસ. સુદર્શને જણાવ્યું હતું કે. અમે વંદેમાતરમનું સન્માન કરીએ છીએ પણ રાષ્ટ્રગાનનું અમારા માટે વિશેષ સ્થાન છે. અમે તેને વધારે મહત્ત્વ આપીએ છીએ. ઉલ્લેખનીય છે કે, સંઘે અધિકારિક રીતે વંદેમાતરમના પહેલા બે પદને જ રાષ્ટ્ર ગીત તરીકે સ્વીકાર્યા હતા પણ તેને શાખામાં સ્થાન આપ્યું નહોતું. ઉલ્લેખનીય છે કે, ૧૯૫૦માં ભારત સરકારની એક સમિતીની ભલામણ ઉપર નિર્ણય કરવામાં આવ્યો હતો કે, વંદેમાતરમના પહેલા બે છંદને જ સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે પણ સંઘને રાષ્ટ્રગીત ગાવાની જરૂર જણાઈ ત્યારે પહેલાં બે છંદનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગીતના બાકીના ફકરાનો ઉપયોગ જ કરવામાં આવ્યો નહોતો. મહત્ત્વની વાત એ છે કે, હાલમાં ભલે સંસદમાં કોઈપણ પ્રકારની ચર્ચા ચાલે પણ ભાજપ અને સંઘ પોતાની રોજિંદી કામગીરીમાં વંદેમાતરમનો સ્વીકાર કરી શકે તેમ જ નથી અને તેમણે ક્યારેય વંદે માતરમનો સ્વીકાર કર્યો પણ નહોતો.   

આઝાદી પહેલાં સંઘે શરૂઆતમાં વંદેમાતરમથી અંતર જાળવ્યું હતું

ભાજપ અને કોંગ્રેસના એકબીજા સામેના આરોપ-પ્રત્યારોપ વચ્ચે એ જાણવું જોઈએ કે ભાજપના મૂળમાં રહેલી સંસ્થા આરએસએસ દ્વારા વંદેમાતરમનો સ્વીકાર કરવામાં આવ્યો નહોતો. શરૂઆતના વર્ષોમાં સંઘને વંદેમાતરમ ગીત અંગે થોડી શંકાઓ હતી અને તેથી જ તેનાથી અંતર જાળવ્યું હતું. ૧૯૨૫માં સંઘની સ્થાપના દરમિયાન તેની દૈનિક પ્રાર્થના અને કામગીરીમાં વંદે માતરમનો સ્વીકાર કરાયો નહોતો. તે સમયે સંઘના નેતાઓ અને કાર્યકરો વંદેમાતરમને કોંગ્રેસી ગીત માનતા હતા. સંઘની કામગીરી અને વિચારો કોંગ્રેસથી અલગ હતા અને તેથી જ તેમના મનમાં આ ગીત અંગે સંકોચ હતો. જાણકારો નોંધે છે કે, ભારતને સ્વતંત્રતા મળી ત્યારબાદ સંઘ અને તેની સાથે જોડાયેલા રાજકીય પક્ષો દ્વારા વંદેમાતરમના મહત્ત્વનો સ્વીકાર કરાયો પણ સંઘની શાખાઓમાં તો તેને મહત્ત્વનું સ્થાન અપાયું જ નહોતું. 

કહેવાય છે કે, સંઘે વંદેમાતરમનો સીધે સીધો અસ્વીકાર કર્યો નહોતો પણ સાથે સાથે તેને સ્વીકાર્યું પણ નહોતું. આરએસએસ દ્વારા રવીન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત જન-ગણ-મનને રાષ્ટ્રગાન તરીકે સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું કારણ કે તેની શબ્દો અને અર્થ બિનસાંપ્રદાયિક હતા અને તેનાથી પ્રજામાં કોઈ વિવાદ થાય તેવો નહોતો. બીજી તરફ સંઘના નેતાઓએ વંદેમાતરમને સન્માન આપ્યું પણ જન-ગણ-મનને સર્વોચ્ચ સન્માન આપતા શાખાઓમાં તેનું ગાન શરૂ કરી દીધું હતું.