For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સંયુક્ત રાષ્ટ્રનો ક્લાયમેટ ચેન્જનો રિપોર્ટ અંતિમ વૉર્નિંગ સમાન

Updated: Aug 11th, 2021

સંયુક્ત રાષ્ટ્રનો ક્લાયમેટ ચેન્જનો રિપોર્ટ અંતિમ વૉર્નિંગ સમાન


- IPCCના ક્લાયમેટ ચેન્જના રિપોર્ટ બાદ દુનિયાભરના પર્યાવરણશાસ્ત્રીઓ ઘેરી ચિંતામાં

- વૈજ્ઞાાનિકોએ ચેતવણી આપી છે કે હવે જો તાપમાનમાં માત્ર બે ડિગ્રીનો પણ વધારો થશે તો એ પછી તાપમાન આપોઆપ વધવા લાગશે, મતલબ કે એ પછી ગાડીમાં બ્રેક ફેઇલ થઇ જાય એવો ઘાટ સર્જાશે અને તાપમાન વધતું જ રહેશે અને એ પછી ગમે તેવા પ્રયત્નો એ વધારાને નાથી નહીં શકે 

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા ક્લાયમેટ ચેન્જના રિપોર્ટ બાદ દુનિયાભરના નેતાઓ અને પર્યાવરણ કાર્યકર્તાઓ ઘેરી ચિંતામાં છે. આ રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્રની ઇન્ટરગવર્ન્મેન્ટલ પેનલ ફોર ક્લાયમેટ ચેન્જ (IPCC)  દ્વારા આપવામાં આવ્યો છે. IPCCના રિપોર્ટનો દુનિયાભરના દેશો આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતાં.

IPCC સાથે જોડાયેલા વૈજ્ઞાાનિકો ક્લાયમેટ ચેન્જની વર્તમાન અસરો અને એના કારણે ભવિષ્યમાં ઊભા થનારા જોખમની સમીક્ષા કરે છે. વિશ્વ મોસમ વિજ્ઞાાન સંગઠન અને સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમે સંયુક્ત રીતે ૧૯૮૮માં IPCC ની રચના કરી હતી. આઇપીસીસીનો રિપોર્ટ સરળ ભાષામાં રજૂ કરવામાં આવે છે જેથી કરીને સામાન્ય લોકો પણ એ સમજી શકે. 

રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે આવતા દોઢ દાયકામાં જ ધરતીનું સરેરાશ તાપમાન ૧.૫ ડિગ્રી સેલ્સિયસ કરતા વધી જશે. રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તાપમાનમાં થઇ રહેલો વધારો માનવસર્જિત જ છે અને એના કારણે દુનિયાના જુદાં જુદાં ભાગોમાં સંકટ ઊભા થઇ રહ્યાં છે.

દુનિયાભરના પર્યાવરણશાસ્ત્રીઓએ કાગારોળ મચાવી છે કે આ ખરેખર ઇમર્જન્સી છે અને હવે ગ્લોબલ વૉર્મિંગને નાથવા પગલા ન લેવામાં આવ્યાં તો મોડું થઇ જશે. સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેશે રિપોર્ટને માનવજાત માટે કોડ રેડ એટલે કે ખતરાની ઘંટડી ગણાવ્યો છે.  ક્લાઇમેટ ચેન્જ આજે સમગ્ર ધરતી માટે મોટો ખતરો બની ગયો છે.

લાંબા સમયથી પૃથ્વીના પર્યાવરણમાં થઇ રહેલા ફેરફારને લઇને મોટી મોટી ચિંતાઓ વ્યક્ત થતી રહી છે અને ધરતીને બચાવવા માટે વિશ્વ પર્યાવરણ સંમેલનોમાં મોટી મોટી જાહેરાતો થતી રહી છે. પરંતુ આ સમસ્યાના સમાધાન માટે કોઇ નક્કર સમાધાન સધાઇ શક્યું નથી એટલા માટે સમસ્યા ઘટવાના બદલે સતત વધી રહી છે.

આજે દુનિયાભરના દેશો પર્યાવરણમાં થઇ રહેલાં વિનાશક ફેરફારોની ચિંતા વ્યક્ત તો કરી રહ્યાં છે પરંતુ આ દેશો એ વાતે સહમત નથી થઇ શક્યાં કે શરૂઆત ક્યાંથી કરવી અને કેવી રીતે કરવી. કાર્બન ઉત્સર્જન કેવી રીતે ઘટાડવું એનો ઉકેલ મળ્યો નથી. પરિણામે પરિસ્થિતિ એટલી હદે સ્ફોટક બની ગઇ છે કે ઉદ્યોગોથી લઇને ઘરોમાં વપરાતા બળતણના ઉપયોગથી ઉત્સર્જિત થતો ધુમાડો હવાને ઝેરી બનાવી રહ્યો છે. 

મોસમ વિજ્ઞાાનીઓએ ચેતવણી આપી છે કે વર્તમાન સદીમાં સૌથી મોટું જોખમ વધી રહેલા તાપમાનનું જ છે. એટલા માટે આગામી કેટલાંક દાયકામાં ધરતીનું તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડવાનો ભારેખમ પડકાર દુનિયા સામે ઊભો છે.

પર્યાવરણને બચાવવા માટે સંમેલનો અને શિખર બેઠકો તો વર્ષોથી યોજાય છે પરંતુ શક્તિશાળી રાષ્ટ્રો પોતાના સ્વાર્થોને લઇને ધરતીને બચાવવાના કોઇ પ્રયાસમાં સહકાર આપતાં નથી. શ્રીમંત રાષ્ટ્રો પર્યાવરણની પરિસ્થિતિ કથળવાના દોષનો ટોપલો ગરીબ રાષ્ટ્રોના માથે ઓઢાડી દે છે. દુનિયાના અર્ધાથી પણ વધારે દેશોમાં આજે બળતણ તરીકે કોલસો કે લાકડાનો ઉપયોગ થાય છે.

વાહનો અને કારખાનાઓથી થતા પ્રદૂષણને નાથવાનો કોઇ નક્કર પ્લાન નથી. હવામાન સંસ્થાઓ અને સંશોધકોના અહેવાલો નજર સામે છે, દુનિયાના તમામ દેશોની સરકારોએ એ રિપોર્ટો પર તાત્કાલિક ધોરણે કામ કરવાની જરૂર છે નહીંતર પૃથ્વીનું હવામાન એવું બેલગામ બની જશે જેને દુનિયાની કોઇ તાકાત રોકી નહીં શકે.

વિકાસની વિવિધ પરિયોજનાઓ અંતર્ગત જે રીતે જંગલોનો સફાયો કરવામાં આવ્યો અને વૃક્ષો કાપવામાં આવ્યાં એના કારણે પરિસ્થિતિ ભયાવહ બની ગઇ છે.

કુદરતના આ અસંતુલનના કારણે ચોમાસાને તો અસર પહોંચી, સાથે સાથે જમીનના ધોવાણ અને નદીઓ દ્વારા ભૂક્ષરણની પ્રવૃત્તિ પણ વધી. પૂર અને દુષ્કાળ પ્રાચીન સમયથી માનવજીવન માટે સમસ્યા સર્જતા આવ્યાં છે. એક રીતે જોતાં પૂર કે દુષ્કાળ માત્ર કુદરતી આફત જ નથી, પરંતુ પ્રકૃતિ તરફથી આપણને મળતી ચેતવણી પણ છે.

સવાલ એ છે કે આજે માનવી ભણેલો ગણેલો તો બની ગયો છે પરંતુ તે કુદરતના સંકેતો સમજવા જેટલો હોંશિયાર રહ્યો છે ખરો? કઠણાઇ એ છે કે આજે આપણે વધારે શિક્ષિત તો બન્યાં છીએ પરંતુ પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડીને જીવવાનું ભૂલી ગયાં છીએ. હવામાનની આગાહીના વિકસિત તંત્ર છતાં પૂર કે દુષ્કાળનું સચોટ પૂર્વાનુમાન થઇ શકતું નથી.  

ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રની સપાટી વધી રહી છે એ તો જાણીતી વાત છે પરંતુ વૈજ્ઞાાનિકોએ જે અંદાજ માંડયો હતો એથીયે વધારે ઝડપે દુનિયાભરના સમુદ્રોની સપાટી વધી રહી છે. એવી ધારણા હતી કે આ સદીના મધ્યભાગ સુધીમાં સમુદ્રના વધતા જળસ્તરના કારણે ભારતને પણ અસર થશે અને ભારતના દરિયા કિનારાના કેટલાંક પ્રદેશો જળગરકાવ થઇ જશે.

જોકે એવી ધરપત પણ હતી કે સમુદ્રોની વધી રહેલી જળસપાટીની અસર ભારતને એટલી નહીં થાય જેટલી બીજા કેટલાંક દેશોને થશે. પરંતુ નાસાના રિપોર્ટ પ્રમાણે સમુદ્રોની વધી રહેલી સપાટીના પરિણામે ભારતના પણ નીચાણમાં રહેલાં અનેક પ્રદેશો પાણીમાં ડૂબી જવાનું જોખમ ઊભું થયું છે.

અનુમાન પ્રમાણે ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રોની વધી રહેલી જળસપાટીનું ભારત ઉપર પણ મોટું જોખમ રહેલું છે. અમેરિકી અવકાશ સંસ્થા નાસાના શટલ રડાર ટોપોગ્રાફી મિશન દ્વારા થયેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે વર્ષ ૨૦૫૦ સુધી દરિયાની સપાટી એટલી વધી શકે છે કે ભારતના મુંબઇ, નવી મુંબઇ અને કોલકાતા જેવા મહાનગરો કાયમ માટે જળમગ્ન થઇ શકે છે.

પશ્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરળ જ નહીં પરંતુ ગુજરાતના પણ કેટલાંક દરિયાકાંઠાના પ્રદેશો દરિયાની વધી રહેલી જળસપાટીનો ભોગ બની શકે છે. એવી આશંકા વ્યક્ત થઇ રહી છે કે જો આમ બન્યું તો એકલા ભારતના જ સાડા ત્રણ કરોડ લોકો વિસ્થાપિત થઇ શકે છે.

નવા અભ્યાસમાં ધ્યાનમાં આવ્યું છે કે અગાઉ જે અનુમાન કરવામાં આવ્યાં હતાં એના કરતા વધું ઝડપે સમુદ્રોનું જળસ્તર વધી રહ્યું છે. નવા અનુમાન પ્રમાણે સમુદ્રોની વધી રહેલી સપાટીના કારણે દુનિયાભરમાં ઓછામાં ઓછા ૩૦ કરોડ લોકો અસરગ્રસ્ત બની શકે છે. એકલા બાંગ્લાદેશમાં નવ કરોડ લોકો આનો ભોગ બનવાનો અંદાજ છે.

સમુદ્રોની સપાટી કેટલી હદે વધી રહી છે એનો અંદાજ મેળવવો હોય તો વીસમી સદીમાં જળસ્તરમાં ૧૧થી ૧૬ સેન્ટીમીટરનો વધારો થયો હતો જ્યારે ચાલુ સદીમાં આ આંકડો ૫૦ સેન્ટીમીટરે પહોંચી શકે છે.

વૈજ્ઞાાનિકોને એવો ડર સતાવી રહ્યો છે કે કાર્બન ઉત્સર્જનનો હાલના દરે વધારો ચાલુ રહ્યો તો આ સદીના અંત સુધીમાં જળસ્તર બે મીટર જેટલું વધી શકે છે. 

ધરતીના વધી રહેલા તાપમાનના કારણે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધૂ્રવ પર પથરાયેલો બરફ પીગળી રહ્યો છે. યૂ.એન.ના એક રિપોર્ટ અનુસાર છેલ્લા એક દાયકામાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાં પથરાયેલી બરફની ચાદરમાં દર વર્ષે ૪૦૦ અબજ ટનનો ઘટાડો થયો છે.

આટલી મોટી માત્રામાં બરફ પીગળવાના કારણે મહાસાગરોની સપાટી દર વર્ષે આશરે ૧.૨ મિલીમીટર વધી છે. આ સમયગાળા દરમિયાન પહાડોમાં રહેલા ગ્લેશિયર પણ વધી રહેલા તાપમાનના કારણે પીગળ્યાં છે અને ગ્લેશિયરોનો પણ વાર્ષિક સરેરાશ ૨૮૦ અબજ ટન બરફ પીગળ્યો છે જેના કારણે સમુદ્રોની સપાટીમાં ૦.૭૭ મિલીમીટરનો વધારો થયો છે.

ખરી સમસ્યા એ વાતે છે કે જો દુનિયાના તમામ દેશો પણ ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં કમી લાવવાના પોતાના વાયદા પૂરા કરી દે તો પણ દુનિયાનું તાપમાન ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના સ્તરથી ઓછામાં ઓછું ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી જશે. વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે આટલા ઊંચા તાપમાનના વધારાની પર્યાવરણ પર અત્યંત ખરાબ અસરો થશે.

જર્મન પર્યાવરણશાસ્ત્રી યોહાન રોકસ્ટ્રોમના દાવા અનુસાર તો તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થશે તો તાપમાન આપોઆપ વધવા લાગશે. મતલબ કે એ પછી ગાડીમાં બ્રેક ફેઇલ થઇ જાય એવો ઘાટ સર્જાશે અને તાપમાન વધતું જ રહેશે અને એ પછી ગમે તેવા પ્રયત્નો એ વધારાને નાથી નહીં શકે. 

છેલ્લા થોડા દાયકાથી દુનિયાના કોઇક ને કોઇક ખૂણે અણધારી કુદરતી હોનારત ત્રાટકતી જ હોય છે. એ તો સર્વવિદિત હકીકત છે કે ઔદ્યોગિકરણ અને વિકાસનો માર કુદરતને પડયો છે. ગ્રીનહાઉસ ગેસોનું સતત થતું ઉત્સર્જન પર્યાવરણનું બેલેન્સ બગાડી રહ્યું છે.

ગ્લોબલ વૉર્મિંગના પ્રતાપે ધરતી એટલી ગરમ થઇ રહી છે કે ઘ્રુવો ઉપર જામેલો બરફ પીગળી રહ્યો છે અને સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે. આના કારણે દરિયા કાંઠે વસેલા શહેરોનું ડૂબી જવાનું જોખમ વધી રહ્યું છે.

સુનામી જેવી આફતો પણ પહેલા કરતા વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે. ગ્લેશિયરો પીગળી રહ્યાં છે જેના કારણે કેટલાંય દેશો પૂરની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. બેફામ કપાતા જંગલોના કારણે પર્યાવરણનું સંતુલન ભયજનક રીતે ખોરવાઇ ચૂક્યું છે અને સૂકાં ભઠ્ઠ થઇ રહેલાં જંગલો આગોની જ્વાળાઓમાં ભસ્મીભૂત થઇ રહ્યાં છે. દુનિયાનો કોઇ દેશ આ કુદરતી આફતોનો માર સહેવામાંથી બાકાત રહી શક્યો નથી.

Gujarat