Get The App

ઈરાન યુદ્ધની ભારતીયોને અસર : ગેસની અછતથી વતન વાપસી સુધી

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાન યુદ્ધની ભારતીયોને અસર : ગેસની અછતથી વતન વાપસી સુધી 1 - image

- અમેરિકા-ઈરાન વચ્ચે 38 દિવસ ચાલેલા યુદ્ધમાં હવે ૧૪ દિવસનો યુદ્ધવિરામ આવ્યો છે પણ તેનાથી ભારત અને ખાડી દેશોમાં વસતા ભારતીયો ઉપર વ્યાપક અસર પડી છે 

- અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા હાલમાં ઈરાન ઉપર કોઈ હુમલા કરવામાં નહીં આવે. તેના વળતરરૂપે હોર્મુઝની ખાડીનો રસ્તો ખોલવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. જહાજોની આવન-જાવન પહેલા જેવી જ સામાન્ય કરી દેવાની વાત કરાઈ છે. આ દિશામાં ઈરાને પણ કેટલીક શરતો મુકી છે. આ તમામ મુદ્દે 10 એપ્રિલે ચર્ચા થવાની છે : ભારતમાં સૌથી પહેલાં તો રાંધણગેસની અછત સર્જાવા લાગી. એલપીજીનો સ્ટોક ઓછો થઈ ગયો અને સપ્લાયમાં મુશ્કેલી થવા લાગી. દિલ્હીમાં રાંધણગેસ 900માં મળતો હતો તેના કાળાબજાર થવા લાગ્યા. તે ચાર ગણી કિંમતે 3600 રૂપિયા સુધી વેચાવા લાગ્યો. કોમર્શિયલ ગેસ પણ 5 થી 6 હજાર સુધી પહોંચી ગયો  : ખાડી દેશોમાં કામ કરતા અંદાજે 90 લાખથી 95 લાખ ભારતીયો અટવાઈ ગયા હતા. તેઓ દર વર્ષે અંદાજે 50 અબજ ડોલરથી વધારે રકમ ભારત મોકલાવે છે. આ પૈસાથી કરોડો ભારતીય પરિવારોનું ગુજરાન ચાલે છે, બાળકોની ફી ભરાય છે, વૃદ્ધોની સારવાર થાય છે અને ઘરના હપતા ભરાય છે, જે ડખે ચડયા. માર્ચમાં જ અંદાજે 2.70 લાખ ભારતીયો વતન પરત ફરી ગયા હતા

અમેરિકા અને ઈરાન વચ્ચે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ યુદ્ધના મંડાણ થયા હતા. અમેરિકા અને ઈઝરાયેલે ભેગા મળીને ઈરાન ઉપર હવાઈ હુમલા કર્યા હતા અને યુદ્ધની શરૂઆત થઈ હતી. તેને ઓપરેશન એપિક ક્યૂરી નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્થિતિ એવી આવી કે ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરી દીધી. તેના કારણે એશિયા અને યુરોપના દેશોનો ક્રૂડ અને ગેસને પુરવઠો ખોરવાઈ ગયો. બીજી તરફ ખાડી દેશો અને યુરોપના દેશોમાં જતા ભારતીય માલસામાન પણ અટવાઈ ગયા. હોર્મુઝની ખાડી બંધ થવાના કારણે દુનિયાભરમાં ક્રૂડ અને ગેસની અછત ઊભી થઈ. હવે ૩૮ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ગઈકાલે અમેરિકા અને ઈરાને યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. ૧૪ દિવસ જેટલા યુદ્ધ વિરામ બાદ દુનિયામાં તેની હકારાત્મક અસર જોવા મળી છે. 

હાલમાં યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. આમ જોવા જઈએ તો દુનિયા માટે સારા સમાચાર છે. ખાસ કરીને દુનિયાભરમાં ક્રૂડ અને ગેસની જે અછત ઊભી થઈ છે તેમાં રાહત મળે તેમ લાગી રહ્યું છે. જાણકારોના મતે આ યુદ્ધના કારણે ખાડી દેશોમાં વસતા ભારતીયો અને ભારતના પોતાના નાગરિકો ઉપર તેની વ્યાપક રીતે નકારાત્મક અસર પડી છે. ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત વચ્ચે અનેક લોકોના બજેટ ખોરવાયા. ઘર ચલાવવાનું, નાના વેપાર રોજગાર ચલાવવાનું ભારે પડવા લાગ્યું, ઘણા શહેરો અને શહેરી વિસ્તારોમાં રહેતા શ્રમજીવીઓને ગેસના બાટલાની અછતને પગલે વતન તરફ વાપસી કરવી પડી. તેવી જ રીતે ખાડી દેશોમાં રહેનારા એનઆરઆઈ ભારતીયો, ત્યાં વસતા શ્રમજીવી ભારતીયોને પણ વતન પાછા આવવું પડયું. ઘણા દેશોમાં તો લોકોને વતન વાપસી કરવાનો અવસર ન મળ્યો અને બીજી તરફ ત્યાં ધંધા રોજગાર પણ બંધ થઈ ગયા જેના કારણે સ્થિતિ વધારે કફોડી થઈ હતી.

મહત્ત્વની વાત એ છે કે, અમેરિકા અને ઈરાન દ્વારા ૧૪ દિવસનો યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા હાલમાં ઈરાન ઉપર કોઈ હુમલા કરવામાં નહીં આવે. તેના વળતરરૂપે હોર્મુઝની ખાડીનો રસ્તો ખોલવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. જહાજોની આવન-જાવન પહેલા જેવી જ સામાન્ય કરી દેવાની વાત કરાઈ છે. આ દિશામાં ઈરાને પણ કેટલીક શરતો મુકી છે. આ તમામ મુદ્દે ૧૦ એપ્રિલે ચર્ચા થવાની છે. કથિત રીતે પાકિસ્તાન દ્વારા મધ્યસ્થી કરવામાં આવી છે અને ઈસ્લામાબાદ ખાતે બેઠક થવાની છે. બેઠકમાં શું નક્કી થશે તે તો આવનારો સમય જણાવે છે પણ ૩૮ દિવસ જે પસાર થયા છે તે ભારત સહિત દુનિયાભરના અનેક દેશો માટે ખૂબ જ કપરા સાબિત થયા હતા. 

છેલ્લાં ૩૮ દિવસના લેખાજોખા જોવામાં આવે તો અમેરિકા અને ઈઝરાયેલા દ્વારા ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ઈરાન ઉપર હુમલો કરવામાં આવ્યો અને યુદ્ધ શરૂ થયું. ત્યારબાદ ઈરાને વળતા જવાબ આપવાની સાથે સાથે રણનીતિક હુમલા પણ શરૂ કરી દીધા. તેણે સૌથી પહેલાં જ હોર્મુઝની ખાડી બંધ કરી દીધી. જે રસ્તે દુનિયાનું ૩૦ ટકા ક્રૂડ અને ગેસ આવનજાવન કરતા હતા તે દરિયાઈમાર્ગ જ બંધ કરી દીધો. તેના પગલે હજારો જહાજો ત્યાં અટવાઈ ગયા અને લાખો બેરલ ક્રૂડ ફસાઈ ગયું. તેના કારણે ક્રૂડની કિંમતો ૭૨ ડોલર પ્રતિ બેરલથી સીધી જ ૧૧૪ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ. 

ક્રૂડ મોંધુ થવાના કારણે અનેક દેશોમાં મોંધવારી અધધ રીતે વધી ગઈ. ભારતમાં તો ક્રૂડની અછતના વાવડ ફેલાયા હતા પણ સ્થિતિ કાબુમાં આવી ગઈ હતી. બીજી તરફ બાંગ્લાદેશ, પાકિસ્તાન, ફિલિપાઈન્સ, વિયેતનામ, અમેરિકા, યુરોપના કેટલાક દેશોમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો હતો.

 આ ઉપરાંત પશ્ચિમના ઘણા દેશો દ્વારા પેટ્રોલનું રેશનિંગના આધારે વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. ભારતમાં પણ ઘણી મુશ્કેલીઓ આવી હતી. 

ભારતમાં સૌથી પહેલાં તો રાંધણગેસની અછત સર્જાવા લાગી. એલપીજીનો સ્ટોક ઓછો થઈ ગયો અને સપ્લાયમાં મુશ્કેલી થવા લાગી. દિલ્હીમાં રાંધણગેસ ૯૦૦માં મળતો હતો તેના કાળાબજાર થવા લાગ્યા. તે ચાર ગણી કિંમતે ૩૬૦૦ રૂપિયા સુધી વેચાવા લાગ્યો. 

કોમર્શિયલ ગેસ પણ ૫થી ૬ હજાર સુધી પહોંચી ગયો. બેંગ્લોર, પુણે, ચેન્નઈ જેવા વિસ્તારોમાં તો ગેસ ૭૦૦૦ થી ૯૦૦૦ સુધી વેચાવા લાગ્યો હતો. સરકારે તાકીદે પગલા ભર્યા. બ્લેકમાર્કેટ ઉપર લગામ લાગવવા તજવીજ હાથ ધરી. જો કે એલપીજી માટે લાઈનો લાગવા માંડી હતી. 

સરકારે તાકીદે એસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ કરવા પડયો. હોટેલ અને રેસ્ટોરાંના વ્યવસાઈઓ ફસાઈ ગયા. જેમની પાસે ગેસનો સ્ટોક હતો તેમણે કામ ચાલુ રાખ્યું બાકી રોજનું કામ કરતા લોકોએ કામ બંધ કરી દીધા. ઘણા રેસ્ટોરાંના મેન્યુ નાના થઈ ગયા હતા. ઈન્ડક્શન ચુલાઓની ખરીદીમાં એકાએક ૩૦ ટકા જેવો અધધ ઉછાળો જોવા મળ્યો હતો.

ભારતમાં પેટ્રોલ અને ડીઝલની પણ અછત સર્જાયાની અફવા ફેલાવા લાગી હતી. તેના કારણે ગુજરાતમાં ત્રણ ત્રણ દિવસો સુધી પેટ્રોલપંપો ઉપર હજારો લોકોની લાઈનો લાગી હતી. ભારતે કોઈપણ રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ કાબુ કરી લીધા હતા. તેમ છતાં ખાનગી કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં પાંચથી દસ રૂપિયા સુધીનો વધારો ઝિંકવામાં આવ્યો હતો. બીજી તરફ એરલાઈન્સ કંપનીઓ દ્વારા ટિકિટના ભાવ વધારાયા હતા. એર ઈન્ડિયાએ ડોમેસ્ટિક ફ્લાઈટ ઉપર અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઉપર ૨૯૯ થી ૮૯૯ સુધીનો વધારો ઝિંકી દીધો છે.

ભારતમાં ખેતી અને ખાદ્ય પદાર્થો ઉપર પણ તેની વ્યાપક અસર જોવા મળી હતી. ભારતમાં ૪૦ ટકા યુરિયા અને ફોસ્ફેટ ધરાવતા ખાતર ખાડી દેશોમાંથી આવે છે. હોર્મુઝની ખાડી બંધ થતા તેનો સપ્લાય અટકી ગયો. તેના પગલે ભારતના ત્રણ મોટા યુરિયા પ્લાન્ટે પોતાની કામગીરી ધીમી પાડવી પડી. તેના કારણે ખેતરોમાં ખાતરોની અછત સર્જાવા લાગી. બીજી તરફ ઈરાનથી ૨૩ ટકા સફરજન અને ૩૯ ટકા બદામ આવતી હતી તે પણ અટકી ગયા. આ સિવાય ખાડી દેશોમાં મોકલવામાં આવતા કેળા કન્ટેનરોમાં જ ફસાઈ રહ્યા અને સડી ગયા. તે ઉપરાંત કોલકાતા અને કોચીમાં ચાનો જથ્થો ગોડાઉનોમાં પડયો રહ્યો છે. રૂપિયો પણ નબળો પડયો જેના કારણે જે દાળ વિદેશથી આયાત કરવામાં આવે છે તે ૧૫ ટકા મોંઘી થઈ ગઈ.  

સૌથી મોટી અસર ગણીએ તો ખાડી દેશોમાં કામ કરતા અંદાજે ૯૦ લાખથી ૯૫ લાખ ભારતીયો અટવાઈ ગયા હતા. તેઓ દર વર્ષે અંદાજે ૫૦ અબજ ડોલરથી વધારે રકમ ભારત મોકાલવે છે. 

આ પૈસાથી કરોડો ભારતીય પરિવારોનું ગુજરાન ચાલે છે, બાળકોની ફી ભરાય છે, વૃદ્ધોની સારવાર થાય છે અને ઘરના હપતા ભરાય છે, જે ડખે ચડયા. માર્ચમાં જ અંદાજે ૨.૭૦ લાખ ભારતીયો વતન પરત ફરી ગયા હતા. 

બીજી તરફ લાખો લોકો હજી પણ વતન પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. કેરળ ઉપર તેની સૌથી વધારે અસર જોવા મળી છે. રાજ્યની ઈકોનોમીનો મોટો ભાગ ખાડી દેશોમાં વસતા ભારતીયો તરફથી આવતો હતો. તેની રેમિટન્સમાં મોટો તફાવત આવી ગયો. બીજા રાજ્યોમાં પણ વસતા મૂળ શ્રમજીવી પરિવારો ઉપર તેની અસર જોવા મળી છે.

અમેરિકા-ઈરાનનો યુદ્ધ વિરામ કેટલો ટકે છે તેના ઉપર દુનિયાની નજર 

મહત્ત્વની વાત એ છે કે, તાજેતરમાં જ ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર થયું છે. ઈરાને જાહેરાત કરી છે કે, તમામ જહાજો હોર્મુઝની ખાડીના રસ્તે અવરજવર કરી શકે છે. તેના માટે તાત્કાલિક સમન્વય કાર્યક્રમ શરૂ કરાયો છે. 

જાણકારો માને છે કે, રસ્તો સંપૂર્ણ રીતે ખોલાયો નથી. તેમ છતાં જે કામગીરી કરાઈ છે તેનાથી દુનિયાને ઘણી રાહત મળે તેમ છે. એક વખત ટેન્કરો આ રસ્તે આવવા-જવા લાગે એટલે સપ્લાય ચેઈન ફરી જોડાઈ શકે છે. કદાચ આ યુદ્ધ વિરામ દરમિયાન ચર્ચા થાય અને તેમાં કોઈ હકારાત્મક નિર્ણય લેવાય અને યુદ્ધ પૂરું જાહેર કરાય તો પણ બજાર ઉપર તેની અસર દેખાતા મહિનાઓ લાગશે.

 ક્રૂડ બજારને જ સામાન્ય થતા ઘણા મહિના લાગશે. બંદરો ઉપર રહેલા ટેન્કરોથી ભરેલા જહાજો અને ખાદ્ય પદાર્થોના કન્ટેનરોથી ભરેલા જહાજોની અવરજવર શરૂ કરાવવી પડશે. વીમા કંપનીઓએ ફરીથી વીમા કવચ આપવા પડશે. તેના દ્વારા શિપિંગ કોસ્ટ ઘટશે. 

એલપીજીનો સપ્લાય પણ સામાન્ય થવામાં ઘણો વખત લાગશે. તે સિવાય ક્રૂડની કિંમતો ઘટશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ અને સપ્લાય કાબુમાં આવશે. ક્રૂડની કિંમતો ૮૦ ડોલર સુધી આવી જાય તેવું દેખાઈ રહ્યું છે. યુદ્ધ બંધ કરવાની જાહેરાત હજી થઈ નથી. તેવી જ રીતે ખાડી દેશોમાં રહેતા ભારતીયોને પણ કામ મળતું થઈ જશે કે નોકરીઓ ફરતી ચાલુ થઈ જશે તો રાહત થશે. 

બીજી તરફ ચિંતા એવી પણ છે કે, યુદ્ધ વિરામ વહેલો પુરો થઈ જશે. ઈઝરાયેલ હુમલા કર્યા વગર રહી શકશે નહીં અને ઈરાનની શરતો અમેરિકાને આકરી પડશે. ઈરાન ઈચ્છે છે કે, તેને નુકસાનનું આર્થિક વળતર આપવામાં આવે. તે ઉપરાંત યૂરેનિયમ રાખવાની મંજૂરી આપવામાં આવે. અમેરિકા અને ઈઝરાયેલ સરળતાથી આ બધી શરતો માને તેમ લાગતું નથી. 

હોર્મુઝની ખાડી હાલ ખુલી છે તે ભારત અને એશિયાના અન્ય દેશો માટે સારા જ સમાચાર છે. એલપીજીની અછત ઓછી થશે અને ક્રૂડના ભાવ કાબુમાં આવતા પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘટે તેવી શક્યતા જોવાઈ રહી છે. એક વાત સ્પષ્ટ છે કે, છેલ્લાં ૩૮ દિવસમાં ભારત સહિત દુનિયાભરના દેશોનો જે મુશ્કેલી પડી તે કોઈ વળતરથી ચુકતે થાય તેમ નથી.