- પ્રજાનું આર્થિક સરવૈયું : વિશ્વના ચોથા સૌથી મોટા અર્થતંત્રમાં આર્થિક ભેદભાવ વકર્યો, મોટા વધારે મોટા થયા, નાના વધારે નાના થયા
- કોરોના બાદ સામાન્ય માણસ ઘર ચલાવવા અને ગુજરાન ચલાવવા સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે કોઈપણ નક્કર કારણ વગર શેરબજાર રોકેટ ગતિએ ઉડી રહ્યું હતું. દેશનું અર્થતંત્ર બે વિપરિત દિશાઓમાં વહેંચાઈ ગયું હતું. એક તરફ સંગઠિત અને ધનિક વર્ગ આગળ વધતો હતો, વિકાસ કરતો હતો અને બીજી તરફ અસંગઠિત અને ગરીબ વર્ગ રસાતાળ થઈ રહ્યો હતો : મોટાભાગના કરવેરા નીચલા વર્ગના લોકો પાસેથી, મધ્યમવર્ગ પાસેથી આવે છે. બીજી તરફ ઔદ્યોગિક જૂથો અને સુપરરિચ લોકોને લાખો અને કરોડો રૂપિયાની કર રાહત આપવામાં આવે છે, દેવા માફી આપવામાં આવે છે જ્યારે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, નાના વેપારીઓ મજૂરી કરવાના સ્તરે આવી ગયા છે : ફૂડ ઈન્ફ્લેશન 11 ટકા પહોંચી ગયું છે. હેલ્થકેર અને એજ્યુકેશન સેક્ટરમાં ખર્ચા અધધ થઈ રહ્યા છે. લાઈફસ્ટાઈલ જાળવી રાખવામાં ક્રેડિટ કાર્ડના અધધ ઉપયોગ, અધધ ઈએમઆઈને કારણે મધ્યમવર્ગનો ડેટ ટુ જીડીપીનો દર અંદાજે 2024-25માં 38 ટકા સુધી પહોંચી ગયો હતો. અહેવાલો જણાવે છે કે, મધ્યમવર્ગની સરેરાશ આવકમાં જે વધારો થવો જોઈએ તે છેલ્લાં એક દાયકાથી થયો જ નથી
વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર ગણાતા ભારત દ્વારા આવતીકાલે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. દેશની આવક અને જાવકના સરવૈયા લોકોની સામે મુકવામાં આવેશે. નવા વિચારો, નવા વાયદાના વાજા વગાડવામાં આવશે અને જૂના તથા અધૂરા વાયદા અને કાર્યો ઉપર પડદો ચાલાકીથી પાડી દેવામાં આવશે. લોકોને નવા અને મોટા આંકડાઓથી એવા આંજી દેવામાં આવશે કે સામાજિક અને આર્થિક મુદ્દે જમીની સ્તરે રહેલો તફાવત અને ભેદભાવ તેમને દઝાડે છે તેનો અનુભવ જ નહીં કરી શકે. વાસ્તવિકતા એવી જ છે. વિશ્વના ટોચના અર્થતંત્રની રેસમાં દોડી રહેલા ભારતના વિકાસના આંકડા એટલા ભપકાદાર છે કે તેની કાળી બાજુ રહેલા આર્થિક અસમાનતા અને ભેદભાદવના સાચા આંકડા કોઈ જોઈ શકતું નથી અને સમાજ માટે તે સૌથી વધારે ચિંતાજનક છે.
જાણકારો માને છે કે, એક તરફ વિશ્વમાં ભારતની શાખમાં વધારો થઈ રહ્યો છે અને તેનું નામ મોટું થઈ રહ્યું છે ત્યાં બીજી તરફ ભારતમાં જ આર્થિક સ્તરે ગરીબો અને અમીરો વચ્ચેનો તફાવત અને ભેદભાવ ખૂબ જ મોટા થઈ રહ્યા છે. તેમના વચ્ચેની ખીણ એટલી પહોળી થઈ ગઈ છે કે લોકો તેને ઈચ્છે અથવા ધારી લે તો પણ ટાંપી શકે તેમ નથી. જાણકારો સ્પષ્ટ માને છે કે, માત્ર જીડીપીના આંકડા મોટા થવાથી દેશનો વિકાસ થઈ રહ્યો છે તે માની લેવું કે સ્વીકારી લેવું મુશ્કેલ છે. આ કહેવાતા અને દેખાતા આંકડાઓ પાછળ ભારતમાં સામાજિક અને આર્થિક તફાવત અને અસમાનતા છે જે અત્યંત ચિંતાજનક બાબત છે. વિકાસનું મુલ્યાંકન માત્ર જીડીપીના વિકસિત આંકડાઓથી કરવું ખરેખર તો દેશ સાથે અન્યાય કરવા જેવું છે. આ આંકડા સંપત્તિની વહેંચણી નહીં પણ સરેરાશ આવકના આંકડાની તસવીર રજૂ કરે છે.
વાસ્તવિકતા એવી છે કે, દેશની સંપત્તી અને આવકમાં જેટલો મોટો વધારો થઈ રહ્યો છે તેની વહેંચણી મુઠ્ઠીભર લોકો અને અતિ ધનાઢય વર્ગ તરફ જઈ રહ્યો છે. બીજી તરફ મધ્યમવર્ગ અને તેનાથી નીચેના વર્ગો આજે પણ અસમાનતાનું ઝેર પીને જીવી રહ્યા છે. તેઓ ગુણવત્તાસભર જીવનના સપના જોતા જોતાં સંઘર્ષમય જીવન પસાર કરી રહ્યા છે. આ આંકડાઓ માત્ર આર્થિક આંકડા નથી પણ સમાજના સર્વાંંગિ વિકાસના દાવા સામે ઊભા થયેલા એવા સવાલો છે જે આપણી લોકશાહીના પાયાનો ભાગ છે. તેનો નક્કર ઉકેલ નહીં મળે તો પ્રજાના વાસ્તવિક આર્થિક સરવૈયા ઉપર કોઈની નજર ગઈ જ નથી તે સ્પષ્ટ થાય છે.
દેશની સામાજિક અને આર્થિક અસમાનતા ગણો કે ભેદભાવ ગણો કે પછી કમનસીબી ગણો, આ બધું જ કોરોના મહામારી દરમિયાન અને ત્યારબાદ જોવા મળ્યું. લાખો મધ્યમવર્ગ અને નિમ્નમધ્યમવર્ગના પરિવારોની જમાપૂંજી, મરણમૂડી અને બીજું બધું જીવ બચાવવા અને બેરોજગારીનો ભાર ઓછો કરવામાં ખર્ચાઈ ગઈ. કરોડો લોકો જે પગભર થયા હતા અને પરિવાર સાથે સારા ભવિષ્યની કલ્પના કરી રહ્યા હતા તેમનું વર્તમાન પણ વેરાન થઈ ગયું. આ બધા જ ફરી મજૂરી કરવા અને બે ટંકનું ભોજન મેળવવા મજબુર થઈ ગયા. નાના વેપારીઓના ધંધારોજગાર બંધ થઈ ગયા, લાખો લોકોની નોકરીઓ જતી રહી.
પ્રવાસી મજૂરોની ભયાનક, પીડાદાયક સ્થિતિ આપણે જોઈ જ હતી. તેણે સમાજના સમાનતાના અને માનવતાના કહેવાતા પાયાને હચમાચાવી નાખ્યા હતા. લાખો લોકો પાયમાલ થઈ ગયા, કંગાળ થઈ ગયા અને ફરી શુન્ય ઉપર આવી ગયા.
સિક્કાની બીજી બાજુ નજર કરીએ તો દ્રશ્ય સાવ જુદુ અને અલગ જ છે. દેશના ટોચના ઉદ્યોગપતિઓ અને ધનકુબેરોની સંપત્તીમાં આ જ સમયગાળમાં અકલ્પનીય વધારો થયો હતો. સામાન્ય માણસ ઘર ચલાવવા અને ગુજરાન ચલાવવા સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે કોઈપણ નક્કર કારણ વગર શેરબજાર રોકેટ ગતિએ ઉડી રહ્યું હતું. અર્થશાીઓ પણ બજારની આ સ્થિતિને પચાવી શકતા નહોતા અને તેને વિષમ સુધારો ગણાવતા હતા. આ એવી પરિસ્થિતિ હતી જેમાં દેશનું અર્થતંત્ર બે વિપરિત દિશાઓમાં વહેંચાઈ ગયું હતું. એક તરફ સંગઠિત અને ધનિક વર્ગ આગળ વધતો હતો, વિકાસ કરતો હતો અને બીજી તરફ અસંગઠિત અને ગરીબ વર્ગ રસાતાળ થઈ રહ્યો હતો. આ તફાવત કોઈ કાળે ભેગો થાય તેમ નહોતો અને હાલની તારીખમાં પણ નથી.
જાણકારો માને છે કે, એક તરફ સામાન્ય માણસને પોતાનું ઘર ચલાવવામાં પણ મુશ્કેલી પડતી હોય, તેની થાળીમાં દાળ-શાક પણ પિરસાતા ન હોય અને બીજી તરફ દેશમાં મોંઘી ગાડીઓ, લક્ઝુરિયસ ગુડ્સનું વેચાણ વધતું હોય તો સ્વાભાવિક રીતે જ સમજી શકાય છે કે, સમાજનું સંતુલન ખરાબ થઈ ગયું છે. સામાજિક અને આર્થિક રીતે મોટાપાયે અસંતુલન સર્જાયું છે. કરવેરાની જે ખોટી ખોટી બાંગો પોકારવામાં આવી રહી છે તેનાથી સ્થિતિ તદ્દન જુદી છે. દેશની નીતિઓ અને કરમાળખાના કારણે જ આ અસંતુલન સર્જાયું છે. છેલ્લાં કેટલાક દાયકામાં ઉદારીકરણના નામે પૂંજીવાદ અપનાવાયો હતો તેણે સમાજનું અને અર્થતંત્રનું સંતુલન ખોરવી કાઢયું છે.
સરકારી માન્યતા એવી હતી કે, ધનાઢય લોકોને મજબૂત બનાવીશું અને મોટા નિગમો અને કંપનીઓના માળખાને સમૃદ્ધ કરીશું તથા તેમને કરમાળખામાં છુટછાટ આપીશું તો તેઓ વધુ રોકાણ કરશે અને તેનો લાભ નીચેના સ્તરે આવીને રોજગાર અને પગાર સ્વરૂપે સામાન્ય લોકો સુધી પહોંચશે. તેના દ્વારા લોકોનો વિકાસ પણ થશે. તેની સામે વાસ્તવિકતા એ થઈ કે, જે ફાયદો થયો તે સંપત્તીની સંગ્રહખોરીની જેમ ઉપરના સ્તરે જ અટકી ગયો અને કહેવાતા ટીપા નીચેના વર્ગ ઉપર પડયા. ધનિકો અને કંપનીઓ દ્વારા ફાયદા અને નફાનો ઉપયોગ રોજગાર સર્જનના બદલે આર્થિક બજારોમાં સટ્ટાબાજી અને ખાનગી સંપત્તીના રોકાણમાં થવા લાગ્યો જેના કારણે સામાન્ય માણસનો વિકાસ રૃંધાઈ ગયો.
ઉલ્લેખનીય છે કે, સરકારી નીતિઓ અને કરમાળખા પણ એવા ગોઠવવામાં આવ્યો છે કે, નાના માણસો પીસાતા જાય છે અને ધનિકો આનંદ કરતા જાય છે. મોટાભાગના કરવેરા નીચલા વર્ગના લોકો પાસેથી, મધ્યમવર્ગ પાસેથી આવે છે. બીજી તરફ ઔદ્યોગિક જૂથો અને સુપરરિચ લોકોને લાખો અને કરોડો રૂપિયાની કર રાહત આપવામાં આવે છે, દેવા માફી આપવામાં આવે છે. આ તમામ માફી અને ધુપ્પલોને પ્રોત્સાહનના નામે અર્થવ્યવસ્થામાં સંતાડી દેવામાં આવે છે. આ તમામનો ભાર સામાન્ય માણસ ઉપર જ પડે છે. બીજી તરફ જ્યારે વૃદ્ધોને પેન્શન આપવાની વાત આવે, ખેડૂતોની દેવામાફીની વાત આવે અથવા તો ગરીબોને રાશન આપવાનો મુદ્દો આવે ત્યારે તેને રાજકીય રેવડી નામ આપીને અપમાન કરવામાં આવે છે. દેશમાં ઊભા કરાયેલા આ બેવડા વલણ અર્થતંત્રમાં અને સમાજમાં મોટાપાયે અસંતુલન ઊભું કરે છે. માત્ર પાસબુકો, બેન્કના ખાતા સુધી જ આ તફાવત અને ભેદભાવ અટકી જતો નથી. તે ધીમે ધીમે સમાજની વિચારધારામાં પ્રવેશ કરે છે અને સમાન અવસરોને પણ ખતમ કરી નાખે છે. તેના લીધે નાનો વર્ગ ક્યારેય ઉપર આવી શકતો નથી.
દેશના 65 ટકા લોકોની કમાણી રોજિંદી જરૂરિયાતોમાં જ પૂરી થઈ જાય છે
વિકાસના પોસ્ટરો બતાવતી સરકાર હકિકતે સાચા આંકડા અને તસવીર રજૂ કરતી નથી. ઉત્સાહઘેલી પ્રજા આ આંકડા જોવા પણ માગતી નથી અને કદાચ સમજવા પણ માગતી નથી. છેલ્લાં પાંચ વર્ષમાં ભારતીય બજારની જે સ્થિતિ છે તે સામાન્ય માણસને ધરતીમાં સમાવી રહી છે. ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતો મીડલક્લાસ ધીમે ધીમે અસ્તાચળ તરફ આગળ વધી રહ્યો હોવાના દાવા થઈ રહ્યા છે. અતિશય દેવા, ઈએમઆઈ, જરૂરિયાતો પૂરી કરવાના દબાણ અને મોજશોખ માટે કોઈપણ ભોગે વ્યવસ્થા કરવાની મજબૂરી જેવા કારણે મીડલ ક્લાસને કંગાળ કરી રહ્યો છે. બીજી તરફ દેશની સ્થિતિને વ્યક્ત કરતા આંકડા જણાવે છે કે, હાલમાં મોંઘવારી, અટકેલું બજાર, દેવામાં વધારો, આવકમાં ઘટાડો, વ્યાજદરોમાં ઘટાડો અને બીજા ઘણા કારણોને પગલે મધ્યમવર્ગની આવક ઘટી છે. આ ઉપરાંત સ્થિતિ એવી આવી ગઈ છે કે, દેશના ૬૫ ટકા લોકો હાલમાં પોતાની આવક થકી રોજિંદી જરૂરીયાતો જ પૂરી કરી શકે છે. તેઓ ઘર ચલાવવું, ઘરના ભાડા ભરવા, ઈએમઆઈ ભરવા, દૂધ-શાક લાવવા, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા ખર્ચમાંથી જ બહાર આવી શકતા નથી. આ ઉપરાંત ટેક્સનું ભારણ વધ્યું છે અને ઓટોમેશનના પગલે નોકરીઓની પણ અછત ઊભી થઈ રહી છે. કોસ્ટ ઓફ લિવિંગ વધી ગઈ છે, બીજી તરફ ફૂડ ઈન્ફ્લેશન ૧૧ ટકા પહોંચી ગયું છે. હેલ્થકેર અને એજ્યુકેશન સેક્ટરમાં ખર્ચા અધધ થઈ રહ્યા છે. લાઈફસ્ટાઈલ જાળવી રાખવામાં ક્રેડિટ કાર્ડના અધધ ઉપયોગ, અધધ ઈએમઆઈને કારણે મધ્યમવર્ગનો ડેટ ટુ જીડીપીનો દર અંદાજે ૨૦૨૪-૨૫માં ૩૮ ટકા સુધી પહોંચી ગયો હતો. અહેવાલો જણાવે છે કે, મધ્યમવર્ગની સરેરાશ આવકમાં જે વધારો થવો જોઈએ તે છેલ્લાં એક દાયકાથી થયો જ નથી. તેમાંય છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે ૧ ટકા જેવો વધારો થયો છે. મોંઘવારીની સરખામણીમાં ૨૦૧૬ સુધી મધ્યમવર્ગની આવક પણ વધતી હતી. લગભગ બધું સમાંતર રીતે ચાલતું હતું પણ હવે સ્થિતિ સાવ તળીયે આવી ગઈ છે. નોકરીઓ ઘટવા લાગી છે.
વ્હાઈટ કોલર જોબની વાત કરીએ તો ૨૦૨૦ પહેલાં આ નોકરીઓ દર છ વર્ષે બમણી થતી હતી. કોરોનાકાળ બાદ તેનું સ્તર પણ તળીયે આવી ગયું છે. તે છેલ્લાં પાંચ વર્ષમાં ૩ ટકા વધી છે. તેનો સીધો અર્થ એ છે કે, નોકરીના જે અવસરો છ વર્ષે બમણા થતા હતા તે હવે ૨૪ વર્ષે થશે.


