Get The App

જાપાનના વડાપ્રધાન ઈશિબાનું રાજીનામુ : સત્તાનો મોહ નહીં નૈતિક જવાબદારી

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
જાપાનના વડાપ્રધાન ઈશિબાનું રાજીનામુ : સત્તાનો મોહ નહીં નૈતિક જવાબદારી 1 - image


- પક્ષના વારંવાર થતા ચૂંટણી પરાજય અને આંતરિક વિરોધ તથા જનતાની નિરાશાને પગલે

- ઈશિબાનો પદ છોડવાનો નિર્ણય અને જાહેરાત એવા સમયે થયા છે જ્યારે જાપાન મોંઘવારી, આર્થિક સંકટ, વૈશ્વિક દબાણ અને બીજી ઘણી આંતરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે : ઓક્ટોબર ૨૦૨૪માં નીચલા સદનમાં, જૂન ૨૦૨૫માં ટોકિયો સ્થાનિક ચૂંટણીમાં અને ત્યારબાદ જુલાઈ ૨૦૨૫માં ઉપરી સદનમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીનો પરાજય થયો છે. સતત ત્રણ ચૂંટણી પરાજયને કારણે પક્ષના નેતૃત્વ સામે સવાલો થવા લાગ્યા હતા  : જાપાનમાં ભૂતકાળમાં ઘણા વડા પ્રધાને તાત્કાલિક રાજીનામા આપી દીધા છે. તેમાં તાજેતરનું સૌથી મોટું નામ છે શિંઝો આબે છે, તેમણે ૨૦૨૦માં પદ છોડયું તે પહેલાં ૨૦૦૭માં પણ આ રીતે પદ છોડી દીધું હતું. તે સિવાય યુકિયો હાતોયામા, નાઓતો કાને, યાસુઓ ફુકુદાએ પણ નિષ્ફળતાની નૈતિક જવાબદારી સ્વીકારીને જાતે જ પદ છોડીને જતા રહ્યા હતા

દુનિયાના ચોથા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર જાપાનમાં છેલ્લાં ઘણા સમયથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતામાં વધુ ઉમેરો થયો છે. ચૂંટણીમાં થઈ રહેલા સતત પરાજય અને પક્ષમાં આંતરિક ધોરણે થઈ રહેલા વિરોધ અને વિદ્રોહને પરિણામે જાપાનમાં વધુ એક રાજકીય ભૂકંપ આવ્યો છે. જાપાનના વડા પ્રધાન શિગેરુ ઈશિબાએ રવિવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને એકાએક જાહેરાત કરી દીધી કે તેઓ સપ્ટેમ્બરના અંત સુધીમાં પદ છોડી દેશે. ઉલ્લેખનીય છે કે, જાપાની પીએમ દ્વારા જારી કરાયેલું આ રાજીનામું માત્ર સત્તા પરિવર્તન કે પદનું પરિવર્તન નથી પણ જાપાનની સંસ્કૃતિની એક છબી છે. જાપાનમાં સત્તાનો મોહ કે પદને ચોંટી રહેવાની ભાવના કરતા તે પદ માટેની નૈતિક જવાબદારી અને જવાબદેહીને વધારે પ્રાથમિકતા આપવામાં આવે છે. ઈશિબાએ સ્પષ્ટ જણાવી દીધું કે જ્યાં સુધી તેમની લિબર ડેમોક્રેટિક પાર્ટી દ્વારા નવા નેતાની જાહેરાત નહીં કરવામાં આવે ત્યાં સુધી જ તેઓ સત્તા ઉપર રહેશે અને ત્યારબાદ સત્તા છોડી દેશે. ગંભીર બાબત એ છે કે, આ નિર્ણય અને જાહેરાત એવા સમયે થયા છે જ્યારે જાપાન મોંઘવારી, આર્થિક  સંકટ, વૈશ્વિક દબાણ અને બીજી ઘણી આંતરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.

ઈશિબાના રાજીનામાએ ફરી એક વખત જાપાનની જનતા અને રાજકીય ગલીયારાઓમાં ચર્ચા શરૂ કરી દીધી છે કે, અહીંયા કેમ નેતાઓ સત્તાના મોહમાં પડતા નથી અને ખુરશીને વળગી રહેવામાં માનતા નથી. જાપાનમાં આ કંઈ પહેલી વાર થયું છે તેવું પણ નથી. ભૂતકાળમાં ઘણા નેતાઓએ પક્ષના સતત ચૂંટણી પરાજય અને પ્રજાની નિરાશા કે તેમનો વિશ્વાસ ગુમાવવાના કારણે પદ છોડી દીધું છે. આમ જોવા જઈએ તો આવી સ્થિતિ ત્યાંના નેતાઓ માટે તો એક પરંપરા બની ગઈ છે. શિગેરુ ઈશિબાનું રાજીનામું આ પરંપરાનું નવું ઉદાહરણ છે. મૂળ વાત એવી છે કે, ઓક્ટોબર ૨૦૨૪માં નીચલા સદનમાં, જૂન ૨૦૨૫માં ટોકિયો સ્થાનિક ચૂંટણીમાં અને ત્યારબાદ જુલાઈ ૨૦૨૫માં ઉપરી સદનમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીનો પરાજય થયો છે. સતત ત્રણ ચૂંટણી પરાજયને કારણે પક્ષના નેતૃત્વ સામે સવાલો થવા લાગ્યા હતા. તેના કારણે પક્ષની અંદર અસંતોષ વધવા લાગ્યો અને વિરોધ ક્યાંક વિદ્રોહ ન બને અને જનાદેશને માન્ય ગણીને ઈશિબાએ પદ છોડી દીધું.

ઉલ્લેખનીય છે કે, જાપાનમાં ભૂતકાળમાં ઘણા મોટા નેતાઓએ પદ છોડી દીધાના દાખલા છે. અહીંયા આવી મજબૂત પરંપરા ઊભી કરનારા અને જાળવનારા કદાવર નેતાઓ છે. ચૂંટણીમાં પરાજય, સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ, કોઈ મોટા રાજકીય સંકટ દરમિયાન નેતૃત્વમાં ઉણપ કે બીજી કોઈ સમસ્યાને કારણે જાપાનમાં ભૂતકાળમાં ઘણા વડા પ્રધાને તાત્કાલિક રાજીનામા આપી દીધા છે. તેમાં સૌથી તાજેતરનું મોટું નામ છે શિંઝો આબે. જાપાનમાં સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન રહેવાનો રેકોર્ડ  ધરાવનારા આબેએ અચાનક જ સ્વાસ્થ્યના કારણોને લીધે અને પાર્ર્ટીના દબાણને કારણે પદ છોડી દીધું હતું. ખાસ વાત એવી છે કે, તે સમયે પણ તેમની લોકપ્રિયતા તો ખૂબ જ હતી. તેમણે વ્યક્તિગત અને રાજકીય નૈતિકતા સ્વીકારીને પદ છોડી દીધું. તેમની પહેલાં યુકિઓ હાતોયામાએ પણ પદત્યાગ કર્યો હતો. તે સમયે અમેરિકી સૈન્ય છાવણી જાપાનમાંથી ખસેડવાના ચૂંટણીના વાયદાને તેઓ પૂરો કરી શક્યા નહીં. તેના કારણે તેમનો વિરોધ થવા લાગ્યો અને તેમણે રાજીનામું આપી દીધું.

વર્ષ ૨૦૧૧ની વાત કરીએ તો ફુકુશિમા પરમાણુ દુર્ઘટના જાપાનના ઈતિહાસનું સૌથી મોટું સંકટ હતું. તેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં મોડું થવા મુદ્દે જે જનઆક્રોશ ફેલાયો અને રાજકીય વિરોધ શરૂ થયો તેના પગલે તત્કાલિન વડા પ્રધાન નાઓતો કાને રાજીનામુ આપી દીધું હતું. તેમની પહેલાં યાસુઓ ફુકુદાને ૨૦૦૮માં પદ છોડવું પડયું હતું. તે સમયે સંસદમાં સતત વિરોધ અને કામગીરી ખોરંભે ચડવાના કારણે તથા પોતાની નીતિઓ લાગુ ન કરી શકવાના પગલે તેમને ખુરશી છોડવાનો વારો આવ્યો હતો. શિંઝો આબેએ ૨૦૦૭માં પોતાના પહેલા કાર્યકાળમાં પણ પદત્યાગ કર્યો હતો. તે સમયે તેમને સંસદ અને પક્ષનું ખાસ સમર્થન મળ્યું નહોતું તેથી તેઓ માત્ર એક વર્ષ પદ ઉપર રહ્યા હતા. ત્યારબાદ તેમણે રાજીનામુ આપી દીધું હતું.

જાણકારો માને છે કે, જાપાનના ઈતિહાસમાં જે રીતે વડા પ્રધાનો દ્વારા રાજીનામા અપાયા છે તેમાં ઘણા સંકેત રહેલા છે. ખાસ કરીને જાપાનમાં કોઈ વડા પ્રધાનનું પદ પોતાની શક્તિ અને પૈસાના જોરે નહીં પણ જનતાના વિશ્વાસ અને રાજકીય સ્થિરતાના આધારે મેળવે છે. જે સમયે પક્ષના નેતાઓ અને જનતાનો વિશ્વાસ ડગમગવા લાગે છે ત્યારબાદ સ્થિતિ પલટાય છે અને જે-તે વ્યક્તિને વડા પ્રધાન પદ ઉપર રહેવું મુશ્કેલ થતું જાય છે. તેના કારણે જ નેતાઓ નૈતિક જવાબદારી સ્વીકારીને જાતે જ પદ છોડીને જતા રહે છે. તેથી જ ત્યાં વડા પ્રધાનનનું રાજીનામું આપવું તે રાજકીય ઘટના કે પરંપરા નહીં પણ વ્યક્તિગત નૈતિક જવાબદારી માનવામાં આવે છે.

વર્તમાન ઘટનાની વાત કરીએ તો, ૬૮ વર્ષિય શિગેરુ ઈશિબા ઓક્ટોબર ૨૦૨૪માં વડા પ્રધાન બન્યા હતા. શરૂઆતમાં તેમની છાપ એવી હતી કે તેઓ કદાવર નેતા છે અને પક્ષને વધારે મજબૂત બનાવીને આગળ વધારશે. બેન્કિંગ સેક્ટરમાંથી રાજકારણમાં આવેલા ઈશિબા ૧૯૮૬થી સંસદમાં સક્રિય છે. તેમણે આ પહેલાં સંરક્ષણ મંત્રી અને કૃષિ મંત્રી તરીકે કામગીરી સંભાળેલી જ હતી. તેના કારણે જ તેમને પક્ષમાં ઈન્ટેલેક્ચ્યુઅલ અને કદાવર નેતા માનવામાં આવતા હતા. સ્થિતિ એવી થઈ કે તેઓ વડા પ્રધાન બન્યા બાદ ઘણા પરિવર્તન આવવા લાગ્યા અને તેમની મુશ્કેલીઓમાં વધારો થવા લાગ્યો. ઓક્ટોબર ૨૦૨૪માં નીચલા ગૃહમાં તેમના પક્ષે બહુમત ગુમાવી દીધો. તાજેતરમાં જુલાઈ ૨૦૨૫માં ઉપલા સદનમાં પણ તેમને પરાજયનો સ્વાદ ચાખવાનો આવ્યો હતો. તેની પહેલાં જૂન મહિનામાં ટોકિયો ખાતે સ્થાનિક ચૂંટણી યોજાઈ હતી તેમાં લિબરલ ડેમેક્રેટિક પાર્ટીનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. એક જ વર્ર્ષમાં તેમના નેતૃત્વમાં પક્ષને ત્રણ મોટા પરાજય મળતા પક્ષ આંતરિક રીતે હચમચી ગયો હતો.

જાણકારો માને છે કે, ઈશિબાના રાજીનામાની મથામણ છેલ્લાં ઘણા સમયથી ચાલતી હતી. શરૂઆતમાં તો તેમણે રાજીનામુ આપવાની ના પાડી દીધી હતી. તેઓ માનતા હતા કે, વર્તમાન સમયમાં આર્થિક દબાણ, મોંઘવારી, અમેરિકી તંત્ર સાથે વેપારની સમજૂતીઓ અને બીજા ઘણા મુદ્દે કામ કરવાનું હતું. જાપાનમાં સ્થિરતા આવે અને અર્થતંત્ર પણ સ્થિર થાય તે વધારે જરૂરી હતું. તેઓ આ સ્થિરતા લાવવા પ્રયાસ કરતા હતા. બીજી તરફ તેમના જ પક્ષમાં વિરોધ અને વિદ્રોહ શરૂ થઈ ગયો હતો. કૃષિ મંત્રી શિંજિરો કોઈજુમી અને પૂર્વ પીએમ યોશિહિદે સુગાએ તેમને સમજાવ્યા અને પદ છોડવા માટે રાજી કર્યા હોવાની વાત ચાલી રહી છે.

- ઘણા દેશોમાં નેતાઓ ખુરશી છોડી શકતા નથી પણ જાપાન અલગ છે 

ઉલ્લેખનીય છે કે, જાપાન એવા ગણતરીના દેશોમાં સ્થાન ધરાવે છે જેમાં નેતા ચૂંટણી હારી જાય અથવા તો જનતાનો વિશ્વાસ ઓછો થાય તો પદ છોડી દે છે. બીજી તરફ દુનિયામાં એવા પણ લોકશાહી દેશો છે જ્યાં નેતાઓ આજીવન ખુરશી સાથે જોડાયેલા રહેવામાં માને છે. જીવનના અંતિમ શ્વાસ સુધી તેમને સત્તાનો મોહ છુટતો નથી. અમેરિકાના જ વાત કરીએ તો ૨૦૨૦માં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હાર્યા તો તેઓ હાર સ્વીકારવા તૈયાર નહોતા અને સત્તા છોડવામાં ઘણો સમય લાગ્યો અને ઘણી હિંસક પરિસ્થિતિઓનું નિર્માણ પણ થયું હતું. બીજી તરફ એશિયા અને આફ્રિકામાં પણ એવા ઘણા દેશો છે જેમાં નેતાઓ સત્તા અને પદને ચોંટી રહેવાને જ કર્તવ્ય માને છે. 

જનતાને વિશ્વાસ હોય કે ન હોય, પૈસા અને પાવરના જોરે તેઓ સત્તાથી વિમુખ થવા માગતા નથી. યુરોપમાં પણ એવા ઘણા દેશો છે જ્યાં નૈતિક જવાબદારી કે જનતાની લાગણીને કોઈ માન આપતું નથી. તેમના માટે પાવર અને પૈસો જ મહત્ત્વનો છે. આ બધા સામે જાપાન એટલે મજબૂત દેશ ગણાય છે, કારણ કે જનતાનો વિશ્વાસ જતો રહે પછી પદ છોડી દેવું તે નૈતિક લોકશાહીનો એક ભાગ છે. પક્ષો અને જનતા નવા નેતાને પસંદ કરીને તાકીદે પરિવર્તન શરૂ કરે છે. નૈતિક રાજીનામાના કારણે નવા નેતૃત્વ માટે જગ્યા ઊભી થાય છે અનેનુપાર્ટી તથા પ્રજા ઝડપથી કામ કરે છે. સૌથી મોટી વાત એ છે કે, લોકશાહીનો પાયો રહેલી જનતાને પ્રાધાન્ય અપાય છે. અહીંયા જનાદેશને સ્પષ્ટ રીતે સ્વીકારવામાં આવે છે અને તેનું માન જાળવવામાં આવે છે.

- હવે નવા નેતૃત્વ અને યુવા નેતૃત્વ તરફ જાપાન અગ્રેસર હોવાનો મત

હાલમાં જાપાનના નવા વડા પ્રધાન તરીકે ૬૪ વર્ષના એનાએ તાકાઈચીનું નામ બોલાય છે. તેમની પસંદગી થશે તો તેઓ જાપાનના પહેલાં મહિલા વડા પ્રધાન બનશે. તેઓ પાર્ટીના અનુભવી નેતા છે. તેમની પાસે આંતરિક સુરક્ષા અને આંતરિક બાબતો તથા ગૃહ ખાતાનો મોટો અનુભવ છે. તેવી જ રીતે ૬૪ વર્ષના યોશિમાસા હયાશીનું નામ પણ ચર્ચામાં છે. ઈશિબાના જ કાર્યકાળમાં જાપાનના મુખ્ય કેબિનેટ સચિવ તરીકે કામ કરે છે. પદ ઉપર રહેલા નેતાના ગયા બાદ કામ કરવાની આવડતની વાત આવે તો હયાશીની ચર્ચા થાય છે. આ વખતે તેઓ પીએમ પદની રેસમાં ગણાઈ રહ્યા છે. તેવી જ રીતે ૬૮ વર્ષના યોશિહિકો નોડાનું નામ પણ આગળ આવ્યું છે. તેમણે એક વખત વડા પ્રધાન તરીકે સેવાઓ આપેલી છે. 

તેમણે પબ્લિક ડેટ ઓછું કરાવવા માટે કન્ઝમ્પ્શન ટેક્સ બમણો કરાવવાનું સાહસિક પગલું લીધું હતું. તે સમયે તેમની ખ્યાતી ખૂબ જ વધી ગઈ હતી. હાલમાં પણ તેમનું નામ ચર્ચામાં છે. આ ત્રણેય વરિષ્ઠ નેતાઓ વચ્ચે ૪૪ વર્ષના યુવાન નેતા શિંજિરો કોઈજુમીનું નામ પણ પ્રથમ હરોળમાં ગણાય છે. તેઓ રાજકીય વંશના ઉત્તરાધિકારી છે તથા તેમને યુવા નેતા તરીકે જોવામાં આવી રહ્યા છે.

Tags :