બ્રિટનના પીએમ ભારતના મહેમાન : વેપાર કરારથી ફાયદો થવાના અણસાર

- બ્રિટનના વડા પ્રધાન ભારતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે બંને દેશોના વેપારમાં સુખાકારી જાળવવા આવશે
- ભારત અને બ્રિટન સાથે પ્રોગ્રામ, કામગીરી, ઈનોવેશન, ટેક્નોલોજી, ઈન્વેસ્ટમેન્ટ, ડિફેન્સ અને સિક્યોરિટી, ક્લાઈમેટ ચેન્જ, એનર્જી જેવા મુદ્દે જોડાણ કરવામાં આવશે. તેના કારણે જ બંને દેશો વચ્ચેના કરાર અને વ્યાપારિક સંબંધો વધારે ઘનિષ્ઠ બને તેવી ધારણા છે : બ્રિટનના પીએમ દ્વારા જ્વેલરી, ડાયમન્ડ, લેધર, ટેક્સટાઈલ, ઓટો પાર્ટ્સ, એન્જિન, ફર્નિચર, સ્પોર્ટ્સગુડ્સ, કેમિકલ્સ અને મશીનરી જેવા સેક્ટરમાં કામ કરવામાં આવશે અને તેમાં આવતી 99 ટકા આઈટમ્સ ઉપર ટેરિફ ઘટાડવામાં આવશે. બીજી તરફ ભારતે પણ બ્રિટનની સ્કોચ ઉપર 150 ટકા ટેરિફથી ઘટાડીને 75 ટકા ટેરિફ કરવાની પણ તૈયારી બતાવી છે : વિજય માલ્યા અને નિરવ મોદી જેવા આર્થિક ગુનેગારો અને ભાગેડુઓને પકડીને ભારત મોકલવા અંગે ગહન ચર્ચા થવાની અને આયોજન થવાની ધારણા છે
બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર તેમના પહેલાં ઓફિશિયલ ઈન્ડિયા પ્રવાસે આવી ગયા છે. તેઓ ભારતની આર્થિક રાજધાની મુંબઈ ખાતે આવ્યા છે. અહીંયા તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરવાના છે અને વિવિદ મુદ્દા ઉપર જોડાણ કરવાના છે. તે ઉપરાંત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાને ધ્યાનમાં રાખીને ચર્ચા-વિચારણા પણ કરવાના છે. બંને નેતાઓ દ્વારા પોતાની સ્થાનિક જરૂરીયાતો અને વૈશ્વિક મુદ્દા વિશે પણ ચર્ચા વિચારણા થવાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે, સ્ટાર્મર બ્રિટનના વડા પ્રધાન બન્યા બાદ પહેલી વખત ભારતના પ્રવાસે આવી રહ્યા છે. ગત જુલાઈમાં સત્તા સંભાળ્યા બાદ તેમનો આ પહેલાં અધિકારિક ભારત પ્રવાસ છે જેમાં દ્વિપક્ષીય મંત્રણાઓ અને કરાર થવાના છે. ખાસ કરીને ભારત અને બ્રિટન દ્વારા થોડા સમય પહેલાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગે કરાર કરવામાં આવ્યા બાદ તેમનો આ પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો બની જાય છે. આ કરારને કોમ્પ્રિહેન્સિ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ પણ કહેવામાં આવે છે.
ખાસ વાત એ છે કે, બ્રિટનના પીએમ દ્વારા વિઝન ૨૦૩૫ હેઠળ ભારત-બ્રિટન કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે ભારતીય પીએમ સાથે ચર્ચા કરશે અને આગામી ૧૦ વર્ષનો પ્લાન તૈયાર કરશે. તેના દ્વારા વિવિધ પ્રોગ્રામ, કામગીરી, ઈનોવેશન, ટેક્નોલોજી, ઈન્વેસ્ટમેન્ટ, ડિફેન્સ અને સિક્યોરિટી, ક્લાઈમેટ ચેન્જ, એનર્જી જેવા મુદ્દે જોડાણ કરવામાં આવશે. તેમના આ ભારત પ્રવાસમાં સ્ટાર્મર મુંબઈ ખાતે યોજાનારા છઠ્ઠા ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં પણ ભાગ લેવાના છે. ત્યાં ભારતના પીએમ સાથે પણ તેઓ મુલાકાત કરશે અને બંને આ કાર્યક્રમને સંબોધશે પણ ખરા. ત્યારબાદ બંને દેશોના નેતાઓ જાણીતા ઉદ્યોગજૂથના વડા અને ઉદ્યોગ સાહસિકોની સાથે પણ મુલાકાત કરશે.
બ્રિટનના વડા પ્રધાનની સાથે બિઝનેસ, એકેડેમિક્સ, કલ્ચરલ એક્ટિવિટ અને અન્ય સેક્ટર સાથે સંકળાયેલા ૧૦૦થી વધુ બ્રિટિશ પ્રતિનિધઓ પણ ભારતની મુલાકાતે આવવાના છે. તેના કારણે જ બંને દેશો વચ્ચેના કરાર અને વ્યાપારિક સંબંધો વધારે ઘનિષ્ઠ બને તેવી ધારણા છે. મોદી અને સ્ટાર્મર દ્વારા દ્વિપક્ષીય રીતે પ્રાદેશિક, પારંપરિક અને વ્યાપારિક મુદ્દા સહિત ઈઝારયેલ-ગાઝા યુદ્ધ જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ શાંત પાડવાના અને બંધ કરાવવાના જે વિકલ્પો રજૂ કરાયા છે તેના વિશે પણ ચર્ચા કરવામાં આવશે જેથી વૈશ્વિક રીતે બંનેનો પક્ષ વધારે મજબુત બની શકે.
બ્રિટનના પીએમ સ્ટાર્મર ભારત આવે છે ત્યારે બંને દેશોના વેપારમાં વધુમાં વધુ ફાયદો થાય અને બંનેનો વેપાર વિકસે તે માટે કામગીરી કરવામાં આવશે. જુલાઈમાં પીએમ મોદી જ્યારે લંડનના પ્રવાસે ગયા ત્યારે આ અંગે કરાર અને ચર્ચા બંને કરવામાં આવ્યા હતા. મોદીએ તે સમયે જણાવ્યું પણ હતું કે, ભારત અને બ્રિટન દ્વારા ઘણા વર્ષોથી મહેનત કરવામાં આવતી હતી અને પ્રયાસ કરવામાં આવતા હતા તે હવે પૂર્ણ થયા છે. બ્રિટન અને ભારત વચ્ચે ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી તેવા કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ થઈ ગયા હતા. બ્રિટનના પીએમને પણ આશા હતી કે, ત્રણ વર્ષથી જે કરાર માટે મહેનત કરવામાં આવી રહી છે તે ફળીભૂત થઈ રહ્યા છે અને તેના કારણે બંને દેશોનો મોટો ફાયદો થવાનો છે.
બ્રિટિશ સરકાર માને છે કે, એફટીએ દ્વારા દેશના વાર્ષિક જીડીપીમાં ૪.૮ અબજ પાઉન્ડનો ઉછાળો જોવા મળશે. તેવી જ રીતે ભારત જે સામગ્રીઓની બ્રિટનમાં નિકાસ કરે છે તેમાં બમણો ઉછાળો આવશે. સ્ટાર્મર આવે છે જ ટ્રેડ મિશન માટે તેથી તેમનું ફોકસ વેપાર વધારવા ઉપર જ હશે તે સ્વાભાવિક છે. સૂત્રો માને છે કે, ભારત અને બ્રિટન દ્વારા જે એફટીએ કરાયા છે તેના દ્વારા ભવિષ્યમાં ઘણી તકનું સર્જન થશે અને તેના પગલે બંને દેશોના વેપારમાં ૨૦૩૦ સુદીમાં ૧૧૫ અબજ ડોલરનો ઉચાળો જોવા મળશે જેનાથી બંને દેશઓની જીડીપીને મોટો ફાયદો થશે. બંને દેશો ઉદ્યોગોને આગળ લઈ જવા અને વિકસવા માટે પ્રયાસરત છે. તેના માટે ભવિષ્યમાં વધારે વિકલ્પોનું સર્જન કરવામાં આવશે તેવી ખાતરી છે.
જાણકારોના મતે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા સમગ્ર વિશ્વ ઉપર ટેરિફનો કોરડો વિંઝવામાં આવતા વૈશ્વિક સ્તરે અનેક દેશોના વેપારને માઠી અસર થઈ છે. તેના કારણે જ ભારત અને યુકે વચ્ચે એફટીએ કરવામાં આવ્યા. બ્રિટનની સંસદ દ્વારા ભારત અને યુકેના કરાર અંગે અભ્યાસ કરીને અહેવાલ આપવામાં આવશે ત્યારે જ વેપાર શરૂ થશે અને નવા નિયમોને આધિન થશે.
સૂત્રોમાં ગણગણાટ છે કે, બ્રિટનના પીએમ દ્વારા જ્વેલરી, ડાયમન્ડ, લેધર, ટેક્સટાઈલ, ઓટો પાર્ટ્સ, એન્જિન, ફર્નિચર, સ્પોર્ટ્સ ગુડ્સ, કેમિકલ્સ અને મશીનરી જેવા સેક્ટરમાં કામ કરવામાં આવશે અને તેમાં આવતી ૯૯ ટકા આઈટમ્સ ઉપર ટેરિફ ઘટાડવામાં આવશે. બીજી તરફ ભારતે પણ બ્રિટનની સ્કોચ ઉપર ૧૫૦ ટકા ટેરિફથી ઘટાડીને ૭૫ ટકા ટેરિફ કરવાની પણ તૈયારી બતાવી છે.
આ ઉપરાંત આગામી સમયમાં એક દાયકા દરમિયાન બીજા ૪૦ ટકાનો ઘટાડો કરવાની પણ રજૂઆત કરેલી છે. આ ઉપરાંત બ્રિટનથી આવતી ગાડીઓ ઉપર હાલમાં ૧૦૦ ટકા ટેરિફ છે જે આગામી સમયમાં ક્વોટા પ્રમાણે ૧૦ ટકા કરવાની પણ તૈયારી બતાવાઈ છે.
જાણકારોના મતે, બંને દેશો વચ્ચે ટ્રેડ ઉપરાંત ઘણા મુદ્દે ચર્ચા થશે, જેમાં ટેક્નોલોજીકલ કોઓપરેશન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફિનટેક અને સાઈબર સિક્યોરિટી જેવા મુદ્દાનો સમાવેશ કરવામાં આવશે. થોડા વખત પહેલાં જ યુકેના એઆઈ સેક્ટરના મિનિટસ્ટરે પણ સંકેત આપ્યા હતા કે, યુકેના પીએમ સ્ટાર્મરના ભારત પ્રવાસ દરમિયાન આ સેક્ટરમાં સંયુક્ત રીતે કામ કરવા અંગે વિચારણા કરાશે અને નવા જોડાણો પણ કરવામાં આવશે. ભારત અને યુકે આ દિશામાં રિસર્ચ ઉપર તથા ખાસ કરીને આ ટેક્નોલોજીનો લોકો સૌથી વધારે અને સરળતાથી લાભ લઈ શકે તે દિશામાં કામ કરી રહ્યા છે. ભારત અને યુકેના સંબંધોમાં ક્યાંક કંઈક અટકતું હશે અથવા તો વિલંબ થયો હશે તો તેના વિશે પણ વાત કરવામાં આવશે. સૌથી મોટી વાત એ છે કે, વિજય માલ્યા અને નિરવ મોદી જેવા આર્થિક ગુનેગારો અને ભાગેડુઓને પકડીને ભારત મોકલવા અંગે ગહન ચર્ચા થવાની અને આયોજન થવાની ધારણા છે. ભારતીય પ્રોફેશનલ્સને બ્રિટનમાં સરળતાથી પ્રવેશ મળે, સારી ઈમિગ્રેશન પોલિસીનો લાભ મળે તે માટે પણ ચર્ચા કરાશે. આ સિવાય યુકેમાં જે ખાલિસ્તાની સમર્થકો દ્વારા ભારતીયોને કનડવામાં આવે છે તે મુદ્દે પણ ગંભીર પગલા લેવાની ભારતની માગણી ઉપર ચર્ચા કરવામાં આવે તેમ છે. એકંદરે બંને નેતાઓ દ્વારા વેપાર સહિત તમામ મોટા મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
ભારત અને યુકે વચ્ચે આ વર્ષે 44 અબજ યુરોનો વેપાર થઈ ગયો છે
ભારત અને યુકે વચ્ચે વેપાર વધારવા અને ટેરિફમાં એકબીજાને સગવડ કરી આપવાની વાત મહત્ત્વની છે. આ દરમિયાન બંનેના વેપાર ઉપર નજર કરીએ તો તે આંકડો મોટો છે.
વર્ષ ૨૦૨૫માં બંને દેશો વચ્ચે ૪૪.૧ અબજ યુરોનો વેપાર થઈ ગયો છે. યુકેના ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડના અહેવાલ પ્રમાણે આ આંકડો ૨૦૨૫ના પહેલા ક્વાર્ટરનો છે. ભારત દ્વારા યુકેને અંદાજે ૨૫.૫ અબજ યુરોની કિંમતના માલ-સામાનની નિકાસ કરવામાં આવે છે જ્યારે ૧૭.૧ અબજ યુરોની કિંમતના માલ-સામાનની ભારત દ્વારા આયાત કરવામાં આવે છે. બંને દેશોએ જ્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો છે ત્યારે વેપારમાં મોટી વૃદ્ધિ થવાના અણસાર છે. ભારત હાલના સમયે બ્રિટનને સૌથી વધારે કપડાંનું વેચાણ કરે છે. સાડીઓ, કુર્તા, જિન્સ જેવા કપડાં મોટી સંખ્યામાં બ્રિટનના બજારોમાં જાય છે. ૨૦૨૪-૨૫માં ટેક્સટાઈલ એક્સપોર્ટ જ ૩.૫ અબજ ડોલરથી વધારેની કિંમતનું હતું. આ સેક્ટરમાં એસએમઈ ૭૭ ટકા જેટલું યોગદાન આપે છે. આ સિવાય ભારતને ફાર્મસી ઓફ ધ વર્લ્ડ કહેવાય છે. અહીંયાથી જેનરિક દવાઓ, વેક્સિન અને મેડિકલ ઈક્વિપમેન્ટ્સ પણ યુકે મોકલવામાં આવે છે. ૨૦૨૪માં ૨.૧ અબજ યુરોનો માલસામાન મોકલાયો હતો. આ સિવાય ભારતીય બજારોમાંથી ૨૦૨૪-૨૫માં ૧.૨ અબજ યુરોની કિંમતની જ્વેલરી અને કિમતી સ્ટોનની લંડન ખાતે નિકાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારતમાંથી ચોખા, લોટ, લેધર પ્રોડક્ટ અને ક્રાફ્ટ તથા જૂતાની પણ સૌથી વધારે નિકાસ કરવામાં આવે છે. વસ્તુઓ ઉપરાંત સર્વિસ સેક્ટરની વાત આવે તો, ભારતની આઈટી સેવાઓ બ્રિટનને ખૂબ જ પસંદ છે. ભારતના આઈટી સેક્ટર અને બીપીઓ દ્વારા બ્રિટનને ઘણી સેવાઓ પૂરી પાડવામાં આવતી હોવાનો પણ અહેવાલ છે. ભારત દ્વારા પણ યુકે પાસેથી પંપ, કોમ્પ્રેસર, કમ્પ્યૂટર, ઈલેક્ટ્રોનિક પાર્ટ્સ વગેરે આયાત કરવામાં આવે છે.
આ ઉપરાંત કિમતી ધાતુઓ, હીરા, જ્વેલરી, સોનું અને ચાંદી પણ ખરીદવામાં આવે છે. ગાડીઓ, એરક્રાફ્ટના પાર્ટ, ઓપ્ટિકલ અને મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ, હેલ્થકેર પ્રોડક્ટ પણ બ્રિટનથી આયાત કરવામાં આવે છે. અન્ય કેટલાક ફાઈનાન્સિયલ સેક્ટર અને એજ્યુકેશન મુદ્દે પણ ભારતને યુકેનો આધાર લેવો પડે છે.
કીર સ્ટાર્મરનો ભારત પ્રવાસ દ્વિપક્ષીય સંબંધોના નવા યુગ જેવો રહેશે
જાણકારોના મતે બ્રિટન સરકાર દ્વારા કેટલીક જાહેરાતો કરાઈ હતી અને તેનો બ્રિટને આભાર માન્યો હતો. તેમાંય સ્ટાર્મરનો ભારત પ્રવાસ પણ નવા ભવિષ્ય માટે લોન્ચપેડ ગણવામાં આવી રહ્યો છે. સ્ટાર્મરની સાથે ૧૨૫ લોકોનું પ્રતિનિધિમંડળ રહેશે. તેમાં બ્રિટનના નેતાઓ, ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો, કલાકારો અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. તેમનો આશય શક્ય એટલું ઝડપથી બંને દેશો વચ્ચે થયેલી એફટીએની બેઠકને આખરી સ્વરૂપ આપવામાં આવે તેમ છે.
બંને દેશો જુલાઈમાં સાઈન થયેલા એફટીએફ બિલને તેઓ ઝડપથી લાગુ કરવા માગે છે જેથી પૈસાની તકલીફ ન પડે. બંને દેશો વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી આ વિવાદ ચાલી રહ્યો છે. હવે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
કીર સ્ટાર્મરનો ભારત પ્રવાસ ખૂબ જ મહત્વનો છે. ભારત દ્વારા આ બેઠક બાદ ૯૦ ટકા બ્રિટિશ સામાનો ઉપરથી ટેરફિ દૂર કરવામાં આવશે. બીજી તરફ ભારત દ્વારા ૯૨ ટકા સામાન ઉપર ટેરિફ ઓછો કરી દેવામાં આવશે. પ્રોફેશનલ્સની મોબિલિટીને સરળ કરવામાં આવશે. ટેરિફ હટાવીને વેપારમાં વધારો થશે તેવી ધારણા છે. લોકોને યોગ્ય રોજગારની પણ પ્રાપ્તિ થશે. બ્રિટિશ ફિલ્મ એક્ટર્સ અને એક્ટ્રેસને પણ નેશનલ થિયેટરના નવા પ્રોડક્શન માટે લવાશે.