Get The App

હન્ટા વાઇરસનો ચેપ ધરાવતાં 29 ક્રૂઝ પ્રવાસીઓ બાર દેશોમાં ફેલાઇ ગયા

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
હન્ટા વાઇરસનો ચેપ ધરાવતાં 29 ક્રૂઝ પ્રવાસીઓ બાર દેશોમાં ફેલાઇ ગયા 1 - image

- હન્ટા વાઇરસ ચેપી છે પણ કોરોના જેવી મહામારી સર્જાવાની શક્યતા નથીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા 

- હન્ટા વાઇરસનો ચેપ ધરાવતાં ત્રણ જણાંના મોત થયા છતાં ચેપ ધરાવતાં અન્ય ૨૯ પ્રવાસીઓને અન્ય દેશોમાં જવા દેવાની છૂટ આપવી મોંઘી પડશે? આ વાયરસનો ચેપ ધરાવતી વ્યક્તિના ખાંસવા, છીંકવાથી બીમારી ફેલાઈ શકે છે, હન્ટા વાયરસનો ચેપ લાગ્યો હોય તેમાંથી ૫૦ ટકા લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે પરંતુ આ વાયરસ કોરોના વાયરસની જેમ અથવા સામાન્ય શરદી-ખાંસીની જેમ ફેલાતો નથી 

દુનિયામાં ક્યારે કઇ ચેપી બિમંારી ફાટી નીકળશે તેનું કશું નક્કી હોતું નથી. એપ્રિલ મહિનામાં આર્જેન્ટિનાના ઉશુઆઇયા બંદરેથી એમવી હોન્ડિયસ નામનું ક્રૂઝ જહાજ સહેલગાહે નીકળ્યું ત્યારે  કોઇને અંદાજ નહોતો કે તેમની સાથે પ્રવાસ કરી રહેલાં બે પ્રવાસીઓ હન્ટા વાઇરસનો ચેપ ધરાવે છે અને તેઓની આ સફર આખરી બની રહેવાની છે. આ ક્રૂઝ પર ૧૫૦ પ્રવાસીઓ અને ૨૮ અલગ અલગ દેશોમાંથી આવેલાં ખલાસીઓ તેના પર કામ કરતાં હતા. બે ડચ યાત્રી પતિ અને પત્ની દક્ષિણ અમેરિકામાં પક્ષીનિરીક્ષણ કરવા લેન્ડીફિલ નામના વિસ્તારમાં ગયા હતા જ્યાં તેમને ઉંંદરો દ્વારા આ હન્ટા વાઇરસનો ચેપ લાગ્યો હતો. 

સામાન્ય રીતે હન્ટા વાઇરસ ઉંદરોના મૂત્ર, લાળ અને મળ દ્વારા ફેલાય છે. આ વાઇરસ હવામાં પ્રસરેલો હોય તો તે શ્વાસ મારફતે માણસોના શરીરમાં પણ જઇ શકે છે. 

ઘણીવાર ઉંદર કરડી જવાથી કે તેના દ્વારા દૂષિત ખોરાક ખાવાથી પણ તેનો ચેપ ફેલાય છે. સામાન્ય રીતે આ વાઇરસનો ચેપ માણસમાંથી માણસને લાગતો નથી પણ આર્જેન્ટિના અને ચીલીમાં મળી આવતો એન્ડિસ સ્ટ્રેઇન લોકોમાં પ્રસરતો હોવાનું ભૂતકાળમાં પણ જણાયું છે. ક્રૂઝમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ આ એન્ડિસ વાઇરસનો ચેપ ધરાવતાં હોવાની શંકા છે. ચીલીના વિજ્ઞાાનીઓએ કરેલાં અભ્યાસ અનુસાર જેને ચેપ લાગ્યો હોય તે વ્યક્તિના થૂંક, મૂત્ર અને નાકના લિંટમાં આ વાઇરસ જોવા મળે છે. જ્યારે આ ચેપ ધરાવતી વ્યક્તિ ખૂબ બિમાર હોય ત્યારે તેને ચુંબન કરવાથી, તેની એંઠી સ્ટ્રો દ્વારા પાણી પીવાથી કે તેના ખાંસવા અને છીંકવાથી પણ આ હન્ટા વાઇરસ માણસોમાં ફેલાઇ શકે છે. અન્ય એક અભ્યાસ અનુસાર ઘરના સભ્યો દ્વારા ચેપ લાગવાના જોખમ કરતાં સેક્સ પાર્ટનર દ્વારા તેનો ચેપ લાગવાનું જોખમ દસ ગણું વધારે હોય છે. આમ છતાં આ હન્ટા વાઇરસ કોરોનાની જેમ અથવા સામાન્ય શરદી-ખાંસીની જેમ ફેલાતો નથી. 

આ હન્ટા વાઇરસ પલ્મોનરી સિન્ડ્રોમ-એચપીએસ- પેદાં કરે છે. જેમાં ફેફસાંમાં પાણી ભરાઇ જાય છે. જેને કારણે માણસને શ્વાસ લેવામાં  ભારે તકલીફ થાય છે. જેમને આ હન્ટા વાઇરસનો ચેપ લાગ્યો હોય તેમાંથી ૫૦ ટકા લોકોના જીવ જોખમમાં આવી જાય છે. 

પહેલી એપ્રિલે આ ક્રૂઝ આર્જેન્ટિનાના ઉશુઆઇયા બંદરેથી રવાના થયું હતું. છ એપ્રિલે એક ૭૦ વર્ષના પ્રવાસીને તાવ આવ્યો અને પાંચ દિવસ બાદ તેનું મૃત્યુ થઇ ગયુ હતું. એ પછી તેની પત્નીનું પણ દક્ષિણ આફ્રિકામાં મૃત્યુ થયું. એ પછી એક બ્રિટિશ પ્રવાસીને પણ તેનો ચેપ લાગ્યો હોવાનું જણાયું.૨૯ એપ્રિલે ક્રૂઝ સેંટ હેલેના ટાપુ પર લાંગર્યું જ્યાં તેના ૨૯ પ્રવાસીઓની સાથે એક લાશ પણ ઉતારવામાં આવી હતી. એ સમયે કોઇને જાણ નહોતી કે હન્ટા વાઇરસ માણસમાંથી માણસમાં ફેલાઇ રહ્યો છે. જેને કારણે આ ૨૯ પ્રવાસીઓ દુનિયાના અલગ અલગ દેશોમાં રવાના થઇ ગયા હતા. હવે આ પ્રવાસીઓ કેનેડા, યુએસ, સેંટ કિટ્સ એન્ડ નેવિસ, યુકે, નેધરલેન્ડ, સ્વિડન, ડેનમાર્ક, જર્મની, સ્વિત્ઝરલેન્ડ , તુર્કી, સિંગાપોર અને ન્યુઝીલેન્ડ પહોંચી ગયા છે. આ દેશોની સરકારો હવે આ પ્રવાસીઓને શોધી તેમને આઇસોલેટ કરવાના પ્રયાસો કરી રહી છે. હાલ આ ક્રૂઝ કેેનેરી ટાપુઓ ભણી જઇ રહ્યું છે. આજન્ટિના , કેપ વર્ડે , સ્પેન અને ઇઝરાયેલ જેવા દેશો આ મામલે સતર્ક બની ગયા છે. 

અગાઉ ૨૦૨૦માં આર્જેન્ટિનાના ચૂબૂત પ્રાંતમાં આ હન્ટા વાઇરસનો ચેપ લાગવાથી ૧૧ જણાંના મોત થયા હતા. એ સમયે સુપરસ્પ્રેડર્સને કારણે તેનો ચેપ વ્યાપકધોરણે ફેલાયો હતો. પણ હવે ટ્રેસિંગ અને આઇસોલેશન દ્વારા તેનો ચેપ વધુ પ્રસરતો અટકાવી શકાય છે. એક સમયે એક વ્યક્તિ દ્વારા કેટલાં જણાંને ચેપ લાગી શકે તેના આધારે  વાઇરસનો આર નંબર નક્કી થાય છે. 

શરૂઆતમાં હન્ટા વાઇરસનો આર નંબર ૨.૧૨ આસપાસ જણાયો હતો પણ બાદમાં વાઇરસના પ્રસારને નિયંત્રણમાં લેવામાં આવતાં તે આર નંબર ઘટીને એકથી ઓછો થઇ ગયો  હતો. જો કે, આ હન્ટા વાઇરસના ચેપનો કોઇ અક્સીર ઇલાજ મળ્યો ન હોઇ તેનો ચેપ ન લાગે તેવી સાવચેતી રાખવી જરૂરી છે. તેની કોઇ રસી શોધાઇ નથી.  સામાન્ય રીતે હન્ટા વાઇરસનો ચેપ લાગેલી વ્યક્તિમાં ચેપના લક્ષણોનો ઇલાજ ઓક્સિજન થેરપી અથવા વેન્ટિલેશન મશીન દ્વારા કરવામાં આવે છે. શરૂઆતમાં તેના લક્ષણો ફલુ જેવા હોય છે. તાવ આવવો, શરીર તુટવું  અને નબળાઇ વરતાય છે પછી અચાનક દર્દીની હાલત કથળવા માંડે છે. વાઇરસને કારણે રક્તનલિકાઓ નબળી પડી જાય છે જેને કારણે ફેફસાંમાં તરલ પ્રવાહી જમા થાય છે. દર્દીને એવું લાગવા માંડે છે કે તે હવામાં હોવા છતાં ડૂબી રહ્યો છે. આ સમયે ઇસીએમઓ મશીન દ્વારા દર્દીનો જીવ બચાવવામાં આવે છે. ઇસીએમઓ મશીન ફેફસાં અને હ્ય્દયનું કામ બહારથી કરી આપે છે. ચીલી અને આર્જેન્ટિનામાં જ્યાં હન્ટા વાઇરસનો ચેપ લાગવો સામાન્ય છે ત્યાં હન્ટા વાઇરસના લક્ષણ કોઇ વ્યક્તિમાં દેખાય કે તેને તરત ઇસીએમઓ મશીનની સુવિધા ધરાવતાં આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરી દેવામાં આવે છે. 

જો કે, વિશ્વ આરોગ્ય સંસ્થા-હૂ- આ સમસ્યાને હાલ એક જાહેર ઘટના તરીકે નિહાળી રહી છે. સંસ્થાના અધિકારીઓના મતે આ કોઇ મહામારી નથી. 

જાણકારોના જણાવ્યા અનુસાર બહું ગાઢ સંપર્ક ન હોય તો તેનો ચેપ ઝડપથી ફેલાતો પણ નથી. પણ આ કિસ્સામાં ક્રૂઝ શિપ જેવા બંધ સ્થાનમાં તે ફેલાઇ જતાં હાલ તો તેના પ્રવાસી દર્દીઓ જે દેશોમાં પહોંચી ગયા છે ત્યાં ચિંતાનો માહોલ સર્જાયો હોય તે સમજી શકાય તેવી બાબત છે. 

બંગલાદેશમાં ઓરી અછબડાંનો રોગચાળો ફેલાતાં 336ના મોત : ચોવીસ કલાકમાં બાર બાળકોના મોત 

ઢાકાઃ બંગલાદેશમાં હાલ ઓરી અછબળાંનો રોગચાળો ફાટી નીકળ્યો છે. 

ગુરૂવારે સવારે આઠ વાગ્યે પુરાં થયેલાં ચોવીસ કલાકમાં બાર બાળકોના ઓરી અછબળાને કારણે મોત નીપજ્યા હતા. ઓરીઅછબળાં એટલે કે મિસલ્સને કારણે ગયા મહિને સો કરતાં વધારે જણાંના મોત થતાં બંગલાદેશમાં ઇમરજન્સી રસી ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. બંગલાદેશમાં ઓરીઅછબડાંનો  ચેપ વ્યાપક હોઇ નવ મહિનાના બાળકને પણ તેની રસી આપી દેવામાં આવે છે. જો કે, આ વખતે જેમનેઓરીના ચેપમાં જેટલાં બાળકો મૃત્યુ પામ્યા તેમાંથી ત્રીજા ભાગના બાળકોની ઉંમર નવ મહિનાથી ઓછી હતી. સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ મહિનામાં ઓરીની રસી આપવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવે છે પણ આ વખતે રસીની અછતને કારણે આ ઝૂંબેશ હાથ ધરી શકાઇ નહોતી.બંગલાદેશના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ-ડીજીએચએસ-ના જણાવ્યા અનુસાર ઓરી અછબડાંને કારણે ૩૦૦થી વધારે લોકોના મોત નોંધાયા છે.ડીજીએચએસના ડેટા અનુસાર પંદર માર્ચથી નવા ૧૨૩૮ ઓરીના કેસ નોંધાતાં કુલ શંકાસ્પદ કેસોની સંખ્યા ૪૫,૪૯૮ થઇ છે. 

જ્યારે ચેપ ધરાવતાં દર્દીઓની સંખ્યા વધીને ૬૨૦૮ થઇ છે. પંદરમી માર્ચથી ૩૧,૯૧૨ ઓરીના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી ૨૮,૨૩૮ સાજા થઇ ગયા હતા.