Get The App

જોખમી જુગાર આઈપીએલની સફળતાનો મોટો ઠેકેદાર

Updated: May 9th, 2025

GS TEAM


Google News
Google News
જોખમી જુગાર આઈપીએલની સફળતાનો મોટો ઠેકેદાર 1 - image


- ક્રિકેટનો ઉત્સવ ધીમે-ધીમે પણ ચોક્કસ રીતે યુવાધનને બરબાદી તરફ ધકેલી રહ્યો છે

- સજ્જન, આબરૂદાર અને ખાનદાની લોકોની રમત એટલે ક્રિકેટ. પણ ઇન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ) ટુર્નામેન્ટથી એને કોમર્શિયલ સ્વરૂપ મળ્યું છે. ખેલાડી મશીનનો પૂરજો છે, તેની આવડત અનુસાર રમે એટલે તેના માલિકને કમાણી થવી જોઈએ. બધા રમે એટલે આયોજકને કમાણી જોઈએ અને આ બધા પાછળ સ્પોન્સર તરીકે નાણા ખર્ચનાર પણ ખરો જ.  એક રમત જે ધર્મની જેમ દેશમાં પૂજાય છે તેમાં પૈસાનો દાવ લગાવી રમાડાતી ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ યુવાપેઢીને બરબાદી તરફ ધક્કો મારી રહી છે.

આંતરરાષ્ટ્રીય રીતે કોઇપણ પ્રકારની માન્યતા વગર ઇન્ડિયન પ્રીમિયર લીગ ટી૨૦ ક્રિકેટને વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ ગણવામાં આવે છે. ૧૮ વર્ષથી  ટુર્નામેન્ટ જાણે એક મહોત્સવ હોય એ રીતે ઉજવાય છે. ભારતમાં વિશ્વના ટોચના ખેલાડીઓ રમવા આવે છે અને તેની સાથે દેશના ખૂણેખૂણેથી, ક્યારેય સાંભળ્યું ન હોય એવા ખેલાડીઓને પણ ચાન્સ મળે છે. ક્રિકેટ, ક્રિકેટની રમત અને તેનાથી દેશના યુવાધનને વૈશ્વિક પ્લેટફોર્મ મળે એ રીતે ટુર્નામેન્ટનો વિચાર કરવામાં આવ્યો હતો. ટી૨૦ ક્રિકેટમાં આ રીતે માન્યતા વગર, પ્રોફેશનલ ટુર્નામેન્ટમાં આઈપીએલની સફળતા બાદ ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ, પાકિસ્તાન, દુબઈ અને હવે અમેરિકામાં ટી૨૦ લીગ શરૂ થયા છે. કેટલાક ખેલાડીઓ તો એવા છે કે હવે તે માત્ર પ્રોફેશનલ ટી૨૦ લીગ રમી અઢળક નાણા કમાય છે.

જોકે, શોર્ટ ફોરમેટ, માત્ર ૨૦-૨૦ ઓવરની મેચ અને લગભગ ચાર કલાકમાં ફેંસલો એવી રમતની લોકપ્રિયતાની સાથે એમાં એક મોટું દૂષણ પ્રવેશ કરી રહ્યું છે. આટલા મોટા આયોજન માટે જંગી નાણા જોઈએ, ટીમના માલિકોને ખેલાડીઓને રમવા, શ્રેષ્ઠ પ્રદર્શન માટે તગડા વેતન ચૂકવવા પડે અને તેના માટે સ્પોન્સર જોઈએ. સ્પોન્સર તો જ નાણા રોકે જો ટીમ સારું પ્રદર્શન કરે.

એક હાથ દે, ઓર દૂસરે હાથ સે બટોરની આ સિસ્ટમમાં હવે રીઅલ મની ગેમિંગ ઘુસી ગયું છે. આ ઓનલાઈન ગેમિંગનો એક એવો પ્રકાર છે જેમાં પ્રજા દાવ લગાવે અને ઇનામ કે રોકડ જીતી શકે. એટલે કે એક પ્રકારનો જુગાર, ગેમ્બલિંગ.

ક્રિકેટની રમતની જેમ કાયદાની છટકબારીનો લાભ લેવામાં આવી રહ્યો છે. ગેમ્બલિંગ(જુગાર), બેટિંગ (સટ્ટો) અને ગેમિંગ વચ્ચે ભેદ છે એવી દલીલ છે. ગેમિંગ એટલે દાવ લગાવનાર પોતાની સમજણ અને ભૂતકાળના જ્ઞાનના આધારે ખેલાડીની કુશળતા નક્કી કરી દાવ લગાવે છે. જુગારમાં માત્ર દાવ લગાવવાનો હોય છે - પત્તાની બાજી આવશે કે નહીં, કોઈ ચોક્કસ આંકડો પસંદ કરી વગેરે. બેટિંગ કે સટ્ટો ગેમિંગનો જ એક પ્રકાર છે પરંતુ તેમાં ક્યારેક રમત રમનાર સાથે સેટિંગ ગોઠવાયેલું હોય છે. પહેલા આ બધી પ્રવૃત્તિઓ અડ્ડા ઉપર, મિત્રો સાથે મંડળી જમાવી કે કેસિનોમાં થતી. હવે તેનું ઓનલાઈન સ્વરૂપ આવ્યું છે. પોકર, ક્રિકેટ, રમી, તીનપત્તી, લૂડો જેવી રમતો ઓનલાઈન - વેબસાઈટ ઉપર કે મોબાઈલ એપમાં ઉપલબ્ધ છે. આમાં નોંધણી કરાવી, કેવાય્સી સબમિટ કરી લોકો દાવ લગાવી શકે છે. જીત કે હારની રકમ પળવારમાં ખાતામાં ડેબિટ કે ક્રેડિટ થઇ જાય છે. જીતની રકમ ઉપર, સત્તાવાર ઇન્કમ ટેક્સ પણ લેવામાં આવે છે એટલે કાળા નાણાનું દૂષણ નથી પણ હારજીતમાં લાખો અને કરોડો લોકો બરબાદ ચોક્કસ થઇ રહ્યા છે. કારણ કે આ શેરબજાર, કોમોડિટી કે ગોલ્ડ જેવું ઇન્વેસ્ટમેન્ટ નથી. એમાં કોઈ મિલકત નથી મળતી. મેચ કે રમત પૂરી એની સાથે બાજી પણ સમાપ્ત.

આઈપીએલ આ રીઅલ મની ગેમિંગ કંપનીઓ માટે અત્યારે સોનાની ખાણ છે. પોકરબાજી, માય૧૧સર્કલ, ડ્રીમ૧૧, ઝુપી, જેવી કંપનીઓ દર પાંચ મિનિટે નવા ગ્રાહકોને આકર્ષવા માટે જાહેરખબર કરે છે. માય૧૧સર્કલનો ટુર્નામેન્ટમાં સત્તાવાર સહયોગી સ્પોન્સર છે અને તેના માટે આયોજક ભારતીય ક્રિકેટ બોર્ડને લગભગ રૂ.૩૨૫ કરોડ ચૂકવ્યા છે! મેચ બાદ ખેલાડીને ઈમ્પેક્ટ એવોર્ડ પણ આપે છે. એટલે મેદાનની અંદર અને બહાર બન્ને જગ્યાએ રમતના ચાહકો ઉપર રાજ કરવાનો કીમિયો ખોળી કાઢયો છે.

ગેમ રમવાના નામે લોકોને સટ્ટો રમવા માટેનો તખતો તૈયાર થઇ ગયો છે. બે વ્યક્તિ કે પાંચ લોકો, પોલીસની ભાષામાં આઈડી બનાવી ક્રિકેટના મેચ ઉપર દાવ લગાવે તો તેની ધરપકડ થઇ શકે છે. કારણ કે તે કાયદાની ભાષામાં જુગાર કે સટ્ટો છે અને ભારતમાં તેના ઉપર પ્રતિબંધ છે. પરંતુ, એ જ વ્યક્તિ માય૧૧સર્કલ કે ડ્રીમ૧૧માં ખેલાડી પસંદ કરી કોણ જીતશે, કોણ સારું રમશે એ પ્રકારનો દાવ લગાવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી શક્ય નથી. વધુને વધુ લોકો આ રીતે રમતા થઇ ગયા છે. ચાની કીટલી ઉપર ગ્લાસ સાફ કરવાવાળાની લઇ સલૂનનો હેરડ્રેસર અને ટેક્સી ડ્રાઈવરથી લઇ કોઈ નોકરી કરતો સામાન્ય માણસ.. ફેન્ટેસી ક્રિકેટ - એટલે કે કાલ્પનિક રીતે ટીમ બનાવી ઇનામ જીતો અને રોજ ત્રણ કરોડ રોકડ કે એક કરોડનું સોનું ઇનામ મળી શકે એવી જાહેરાત થાય છે. સૌરવ ગાંગુલી, શુભમન ગીલ, મોહમ્મદ સિરાજ જેવા ચાહકો જેને આદર્શ માને છે, એવા દિગ્ગજ ખેલાડીઓ   એડવર્ટાઈઝ આ ગેમનું બ્રાન્ડિંગ કરી રહ્યા છે. ચાહકો આટલી મોટી રકમની લાલચમાં ભોળવાય રહ્યા છે. ક્રિકેટ ટુર્નામેન્ટ ન રમાતી હોય ત્યારે પોકર, તીનપત્તી કે અન્ય રમત નશો કરાવવામાં આવી રહ્યો છે.

રોજ એક મેચમાં રમત રમતા લોકોના આંકડા જાણશો તો આંખ પહોળી થઇ જશે! માય૧૧સર્કલની મોબાઈલ એપ પાંચ કરોડથી વધુ મોબાઈલ ઉપર ડાઉનલોડ થયેલી છે. છેલ્લા આંકડા અનુસાર લગભગ ૧.૭ કરોડ લોકો કહેવાતી ફેન્ટેસી ગેમ માટે નોંધાયેલા છે. આઈપીએલ ૨૦૨૫માં દૈનિક ૧૦ લાખ લોકો દાવ લગાવી આ ગેમ રમતા હોવાનો અંદાજ છે. ડ્રીમ૧૧ પણ કમ નથી. અગાઉ ટુર્નામેન્ટના સત્તાવાર સ્પોસર હતા, હવે નથી. પણ તેની પાસે ભારતીય ક્રિકેટના સૌથી મોટા ખેલાડીઓ રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ ઉપરાંત આમીર ખાન અને રણબીર કપૂર બ્રાન્ડ એમ્બેસેડર છે. આ એપ ૧૦ કરોડથી વધુ મોબાઈલમાં ડાઉનલોડ થયેલી છે અને અઢી કરોડ નોંધાયેલા યુઝર દાવ લગાવે છે. આ બંને કંપનીઓ તો માત્ર ઉદાહરણ છે. એક અંદાજ અનુસાર ભારતમાં ૫૨૧ મોબાઈલ ઓનલાઈન ગેમિંગ એપ છે અને વિશ્વમાં તે ૨૦ ટકા હિસ્સો ધરાવે છે!. ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગનું વર્તમાન કદ અત્યારે લગભગ રૂ.૩૧,૦૦૦ કરોડનું છે અને તે એક દાયકામાં વધી રૂ.પ લાખ કરોડ થવા માટેનું 'વિઝન' તૈયાર થયું છે. ભારત સરકાર પણ ગેમિંગને ડિજિટલ ઈકોનોમીનો ભાગ ગણી પ્રોત્સાહન આપે છે!

ઓનલાઈન ગેમિંગ અને તેના જોખમોથી બાળકો, ખેડૂતો બરબાદ થઇ રહ્યા છે. આત્મહત્યા અને નાણા હારી જતા ગુનાખોરી વધી રહી છે. એવી દલીલો સાથે બજેટ સત્ર દરમિયાન સંસદના મુદ્દો ઉઠયો હતો. પંજાબ, હરિયાણા, છતીસગઢ, તમિલનાડુ રાજ્યોના સાંસદોએ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે આ મામલે ઉગ્ર ચર્ચા કરી હતી. જોકે, કેન્દ્ર સરકાર કહે છે ગેમિંગની કાયદેસરતા એ બંધારણની જોગવાઈ અનુસાર રાજ્ય સરકારની સત્તા હેઠળ છે અને રાજ્ય સરકાર જ લોટરીની જેમ તેના ઉપર પ્રતિબંધ, નિયંત્રણ કે નિયમન અંગે કાયદો ઘડી શકે. કેન્દ્ર સરકારે હાથ ધોઈ નાખ્યા છે. તેલંગણ અને આંધ્ર પ્રદ્દેશ બે રાજ્યો એવા છે જેમાં દરેક પ્રકારની ઓનલાઈન ગેમિંગ કે ગેમ્બલિંગ ઉપર પ્રતિબંધ છે. તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં માત્ર ઓનલાઈન ગેમ્બલિંગ ઉપર પ્રતિબંધ છે.

ક્રિકેટ રમત નહીં, જંગી બિઝનેસ છે એટલે દૂષણ તો આવવના જ

કોઇપણ બિઝનેસનો મુખ્ય ઉદ્દેશ નફો રળવાનો છે. અત્યારે બિઝનેસના કોર્પોરેટ સ્વરૂપના કારણે આ નફો રળવા સુધી સીમિત નથી હવે શેરહોલ્ડર અને સ્ટેકહોલ્ડરને પણ ફાયદો (એટલે કમાણી) કરાવી આપવાનો હોય છે. આઈપીએલના મેચનું જીવંત પ્રસારણ કરવા માટેના પાંચ વર્ષના હક્કનું લેટેસ્ટ મૂલ્ય છે ૪૮,૩૯૦ કરોડ એટલે કે એક વર્ષના રૂ.૯,૬૭૮ કરોડ. નવેમ્બર ૨૦૨૪માં ૧૮૨ ખેલાડીઓની હરરાજી થઇ હતી અને ટીમોએ કુલ રૂ.૬૩૯ કરોડ ખર્ચી તેમને ખરીદ્યા હતા. ૨૦૨૨માં આવી હરરાજી માટે રૂ.૫૫૧ કરોડનો ખર્ચ થયેલો. આ ઉપરાંત, પ્રવાસ, હોટેલ, સ્ટેડિયમ જેવા અન્ય ખર્ચ અલગ. આ ખર્ચનું વળતર મેળવવા માટે વિવિધ બ્રાન્ડ અને સેવાની કંપનીઓમાં સ્પોન્સરશીપ લેવાની. આ સ્પોન્સરશીપની રકમ ટીમ કમાય અને આયોજક તરીકે ક્રિકેટ બોર્ડ પણ. રોકાણ સામે વળતર જોઈએ છે એટલે પછી પાન મસાલા, ઓનલાઈન ગેમિંગ સહિતની જાહેરખબર આવે. આ ઉત્પાદકો પણ મોટી રકમ ચુકવે એટલે પોતાની કમાણી, પોતાના શેર અને સ્ટેકહોલ્ડર માટે નફો શોધે... આ એક વિષચક્ર છે અને તેમાં બાળક, યુવાધનનો ભોગ લેવાઈ રહ્યો છે.

11 વર્ષના કિશોરથી લઇ યુવાધનોના આપઘાત, પણ ગેમ ઈઝ ઓન

ઓનલાઈન ગેમના રવાડે ચડેલા અને રૂ.૪૦,૦૦૦ હારી ગયેલા છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા કિશોરે ત્રણ વર્ષ પહેલા આપઘાત કરેલો. આ એકલદોકલ ઘટના નથી. કર્ણાટકમાં ત્રણ વર્ષમાં ૧૮, તમિલનાડુમાં ૪૮ લોકોને ઓનલાઈન ગેમિંગની લત ભરખી ગઈ છે. 

કેન્દ્ર સરકાર પાસે કેટલા લોકો રમે છે, કેટલા લોકોએ નુકસાની કરી અને કેટલા લોકોએ આત્મહત્યા .. એવા કોઈ આંકડા ઉપલબ્ધ નથી. નથી આવી કોઈ સિસ્ટમ જેમાં રાજ્ય સરકારને પણ જાણ હોય. વિશ્વમાં સૌથી વધુ મોબાઈલ ડેટાનો વપરાશ કરી, સૌથી સસ્તા ઇન્ટરનેટ ડેટાના ભાવથી લોકો માહિતી, જ્ઞાન અને ગમ્મતના બદલે જુગારની લતે ચડી રહ્યા છે અને તે રોકનાર કોઈ નથી કારણ કે ક્રિકેટની ગેમ એક ઉત્સવ ગણવામાં આવે છે.

Tags :