- ડિજિટલ યુગની વાતો ભલે થતી પણ આજેય શહેરોમાં લાખો લોકો ગંદી ઝુંપડપટ્ટીઓમાં રહે છે જેમાં નામમાત્રની પણ સુવિધાઓ નથી
- ભારતમાં 6.5 કરોડ લોકો ઝુંપડામાં રહેવા મજબૂર, એક અહેવાલ પ્રમાણે ભારતના શહેરોમાં રહેનારો દર છઠ્ઠો વ્યક્તિ ઝુંપડી અથવા તો પછાત વિસ્તારમાં રહેવા માટે મજબૂર છે. તેના કારણે ઝુંપડપટ્ટીઓની સંખ્યામાં મોટાપાયે વધારો થયો છે : મુંબઈમાં આવેલા ધારાવી વિશ્વની સૌથી મોટી ઝુંપડપટ્ટી છે. અહીંયા ૧૫ લાખ કરતા વધારે લોકો રહે છે. તેવી જ રીતે કોલકાતાની એક તૃતિંયાંશ વસતી ઝુંપડા અથવા તો સ્લમ વિસ્તારમાં રહેવા માટે મજબૂર છે. અહીંયા બસંતી સ્લમ ખૂબ જ મોટો વિસ્તાર છે જ્યોં લાખો લોકો સુવિધાવગરની જિંદગી પસાર કરે છે. ચેન્નઈની 28 ટકા વસતી સ્લમ વિસ્તારોમાં રહે છે : દલ્હીમાં જે.જે. ક્લસ્ટર્સ અને યમુના કિનારે ભલસ્વા જેવા સ્લમ વિસ્તારમાં લોકો અત્યંત દુર્ગંધ મારતા પાણી અને કચરા વચ્ચે રહેવા માટે મજબૂર છે : ભારતના મોટા અને મુખ્ય શહેરોમાં 1 કરોડ કરતા વધારે મકાનોની અછત છે. 2030ના અંત સુધીમાં દેશના મોટા શહેરોમાં 3.5 કરોડ કરતા વધારે મકાનોની અછત સર્જાશે. દેશમાં નફાખોરી, ભ્રષ્ટાચાર, તોતિંગ કરવેરાના કારણે કુલ મકાનોના 53 ટકા મકાનો લક્ઝરી કેટેગરીમાં જ બનાવવામાં આવે છે. તેના પગલે મધ્યમવર્ગ માટે મકાનો બનતા નથી અને ગરીબોને ઝુંપડામાં રહેવા સિવાય કોઈ વિકલ્પ વધતો નથી
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તાજેતરમાં એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલોએ ભારતના વિકાસ, વર્ચ્યુઅલ રિયાલિટી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને આધુનિકતાની પોલ ખોલી કાઢી હતી. આ અહેવાલમાં જણાવાયું છે કે, વિકાસની આંધળી દોટ કરનારા લોકોના કારણે આર્થિક, સામાજિક અને રાજકીય સમસ્યા ઊભી થઈ છે. આ અહેવાલ જણાવે છે કે, વિશ્વની કુલ વસતીના ૪૦ ટકા લોકો પાસે રહેવા યોગ્ય મકાન નથી. તેમાંય ભારતની સ્થિતિ વધારે ખરાબ છે. ભારતમાં અંદાજે ૬.૫ કરોડ કરતા વધારે લોકો ઝુંપડા અને સ્લમ વિસ્તારોમાં રહેવા માટે મજબૂર છે.
ભારતના કરોડો લોકો પાસે રહી શકાય તેવું સુરક્ષિત, સામાન્ય સુવિધાઓ ધરાવતું અને તેમને પરવડે તેવું મકાન જ નથી. આ લોકો કાચા, તુટેલા અને કામચલાઉ મકાનોમાં વસે છે. વિકસિત શહેરોના દેખાતી ચમકધમકની વચ્ચે લાખો લોકો આ શહેરોમાં કાચા મકાનોમાં, ઝુંપડીઓમાં અને પતરાળી બાંધીને કે ફૂટપાથ ઉપર જીવન પસાર કરે છે. આ લોકોની સ્થિતિ તો અત્યંત કફોડી અને દયનીય છે. વિકાસની આંધળી દોડમાં સમાજનો એક એવો વર્ગ પાછળ રહી ગયો છે અથવા તો રાખી દેવામાં આવ્યો છે તેના માથે મજબૂત છત અને ઘરમાં ખાવા માટે બે ટંકનું ભોજન નથી.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્લ્ડ સિટી રિપોર્ટ્સ ૨૦૨૬ નામનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે, ભારતમાં રાજકીય કાવાદાવ, ભ્રષ્ટાચાર, બાબુશાહી અને લાંચીયા વૃત્તિને પગલે રહેઠાણનું મોટું સંકટ સર્જાયું છે. આ સમસ્યા માત્ર શહેરો પૂરતી સિમિત નથી. હવે તે નાના ગામડા સુધી પહોંચી ગઈ છે. તેના કારણે સામાજિક ન્યાય, આર્થિક સમાનતા, પર્યાવરણની સ્થિરતા અને સૌથી મોટી તો માનવીય ગરિમાને વ્યાપક ઠેસ પહોંચી છે. ચિંતાજનક બાબત એ છે કે, મકાનોના સતત વધતા ભાવ, મોંઘવારી, વધતા ભાડા અને મર્યાદિત મકાનોની ઉપલબ્ધતાના કારણે લાખો લોકો ઘરવિહોણા જોવા મળે છે. લોકો પાસે ઘર ન હોવું પણ હવે એક મોટો પડકાર છે.
જાણકારોના મતે શહેરીકરણમાં જે સ્તરે ઝડપ આવી છે તેના પગલે ગામડા તૂટયા છે અને શહેરોમાં લોકોની પાસે રહેવા માટે મકાનો નથી. ભારતમાં શહેરીકરણને લીધે સમસ્યા સર્જાઈ છે. યુએનના અહેવાલ પ્રમાણે ભારત વિશ્વના સૌથી ઝડપી શહેરીકરણ કરનારા અર્થતંત્રમાં સ્થાન ધરાવે છે. યુએનના મતે ૨૦૫૦ સુધીમાં ભારતની લગભગ અડધી વસતી શહેરોમાં જ રહેવા લાગશે. અત્યારની સ્થિતિમાં પણ કરોડો લોકો સારું શિક્ષણ, રોજગાર, સુવિધાઓ, સ્વાસ્થ્ય અને નવી શક્યતાઓની શોધમાં ગામડા છોડીને શહેરોમાં ઠલવાઈ રહ્યા છે. શહેરો પણ વ્યાપક રીતે અને ઝડપથી વિસ્તરી રહ્યા છે. શહેરો મોટા થઈ રહ્યા છે પણ છતાં લોકો માટે રહેવા માટે મકાનો નથી. એક તરફ શહેરોમાં સ્કાયસ્ક્રેપર્સ બની રહ્યા છે પણ બીજી તરફ હજારો લોકો ઝુંપડીઓમાં રહેવા માટે મજબૂર છે.
ભારતમાં અધિકારીક રીતે કરોડો લોકો ઝુંપડામાં રહે છે. એક અહેવાલ પ્રમાણે ભારતના શહેરોમાં રહેનારો દર છઠ્ઠો વ્યક્તિ ઝુંપડી અથવા તો પછાત વિસ્તારમાં રહેવા માટે મજબૂર છે. સરેરાશ જોવા જઈએ તો શહેરોની ૧૭ ટકા વસતી ઝુંપડામાં જ રહે છે. તેના કારણે ઝુંપડપટ્ટીઓની સંખ્યામાં મોટાપાયે વધારો થયો છે. મુંબઈમાં આવેલા ધારાવી વિશ્વની સૌથી મોટી ઝુંપડપટ્ટી છે. અહીંયા ૧૫ લાખ કરતા વધારે લોકો રહે છે. તેવી જ રીતે કોલકાતાની એક તૃતિંયાંશ વસતી ઝુંપડા અથવા તો સ્લમ વિસ્તારમાં રહેવા માટે મજબૂર છે. અહીંયા બસંતી સ્લમ ખૂબ જ મોટો વિસ્તાર છે જ્યોં લાખો લોકો સુવિધાવગરની જિંદગી પસાર કરે છે. ચેન્નઈની ૨૮ ટકા વસતી સ્લમ વિસ્તારોમાં રહે છે. દલ્હીમાં જે.જે. ક્લસ્ટર્સ અને યમુના કિનારે ભલસ્વા જેવા સ્લમ વિસ્તારમાં લોકો અત્યંત દુર્ગંધ મારતા પાણી અને કચરા વચ્ચે રહેવા માટે મજબૂર છે.
પરિસ્થિતિ એવી છે કે, ભારતીય શહેરોમાં લાખો લોકો ગેરકાયદે ઝુંપડપટ્ટીઓમાં રહે છે. તેમાં પીવાનું ચોખ્ખું પાણી, શૌચાલય, અન્ય સેનિટેશનની સુવિધાઓ, સ્વચ્છતા, ગટર યોજના, સ્વાસ્થ્ય સેવાઓનો વ્યાપક અભાવ હોય છે. અહીયા રહેનારા મોટાભાગના લોકો બીમારી, અભાવ, કુદરતી આપત્તીઓ કે મહામારીઓનો મોટાપાયે શિકાર થતા હોય છે. શહેરી અર્થતંત્રનો મહત્ત્વનો ભાગ હોવા છતાં આ લોકો પાસે પ્રાથમિક સુવિધાઓ હોતી નથી. ભારતમાં સરકારી અધિકારીઓ, બિલ્ડરો અને નેતાઓની મિલિભગને પરિણામે જમીનોના ભાવ આસમાને પહોંચ્યા છે. મોટા શહેરોમાં કરોડોની જમીન લીધા બાદ એફએસઆઈ, ટેક્સ અને અન્ય લક્ઝરીના નામે કરોડો રૂપિયાની કિંમતના ફ્લેટ અને મકાનો વેચવામાં આવી રહ્યા છે. ભ્રષ્ટાચાર અને સુવિધાના ખર્ચા સેટલ કરવા માટે થઈને આ બધું કરાઈ રહ્યું છે. સરકાર દ્વારા ઝુંપડા ખાલી કરાવીને તેમને સરકારી આવાસમાં ગોઠવવામાં આવી રહ્યા છે. આવી આવાસ યોજનાઓ પણ ભ્રષ્ટાચારનું જ મોટું કેન્દ્ર છે. સૌથી પહેલાં તો શહેરથી અત્યંત દૂર આવાસ બનાવવામાં આવે છે. તેમાં પણ સરકારી અધિકારીઓ, નેતાઓ, મંત્રીઓ દ્વાર કથિત રીતે પોતાના મળતીયાઓને ફ્લેટો પધરાવી દેવાય છે. તેમને સસ્તા ભાવે ફ્લેટ આપી દેવાય છે અને લોકો રાહ જોતા રહી જાય છે. આ ફ્લેટો પણ સામાન્ય સુવિધા ધરાવતા હોય છે. તેના ભાડાની આવકના કાળા બજાર શરૂ થઈ જતા હોય છે. તેના પગલે લોકો ફરી નવી ઝુંપડીઓ બાંધી લે છે અને શહેરમાં ક્યાંક સેટલ થઈ જાય છે. તેના પગલે ગંદકી, રોગચાળો વધ્યા કરે છે. લોકો રિબાયા કરે છે.
40 ટકાથી વધુ શહેરી પરિવારો આવકની 30 ટકા રકમ ભાડા પાછળ ખર્ચે છે
મહત્ત્વની વાત એ છે કે, મકાનોની કિંમત અને આવક વચ્ચેની સરેરાશ છે તેમાં મોટો તફાવત આવી રહ્યો છે. તેના કારણે લોકો ઈચ્છે અને મહેનત કરે તો પણ મકાન ખરીદી શકવાની સ્થિતિમાં નથી. જાણકારોના મતે ૨૦૧૦માં મકાનોની કિંમત અને આવકની સરેરાશ ૯.૫ ટકા હતી. ૨૦૨૩માં આ સરેરાશ ૧૧.૭ ટકા થઈ ગઈ છે. તેમાંય મધ્ય અને સાઉથ એશિયામાં તો આ સરેરાશ ૧૬.૮ ટકા પહોંચી ગઈ છે. મુંબઈમાં આવક અને મકાન કિંમતોની સરેરાશ ૧૪.૧ ટકા જ્યારે દિલ્હીમાં ૧૦.૧ ટકા નોંધવામાં આવી છે.
દેશના આઠ મોટા શહેરોમાં નવા પ્રોજેક્ટ્સ ખૂબ જ વધી રહ્યા છે પણ લોકોને પરવડે તેવા નથી. અહીંયા અફોર્ડેબલ હાઉસિંગનો કોન્સેપ્ટ ભુંસાઈ રહ્યો છે. એક સમયે અફોર્ડેબલ હાઉસિંગની સંખ્યા ૨૦૧૮ સુધી ૫૨ ટકા હતી જે ૨૦૨૫માં માત્ર ૧૭ ટકા રહી ગઈ છે. મોટાભાગના ડેવલપર્સ લક્ઝુરિયસ સુવિધાઓને પ્રાધાન્ય આપવા લાગ્યા છે.
વૈશ્વિક સ્તરે ઘર વિહોણા લોકોની સરેરાશ કાઢવામાં આવે તો ચીનમાં દર ૧૦૦૦૦ વ્યક્તિએ ૨૧ લોકો બેઘર છે. ભારતમાં આ આંકડો ૧૩ છે જ્યારે વિકસિત, મહાસત્તા અને જગતજમાદાર ગણાતા અમેરિકામા ૨૦ લોકો બેઘર છે. બ્રાઝિલમાં આ આંકડો ૧૧ જેટલો છે.
દેશના મુખ્ય અને મોટા શહેરોમાં 1 કરોડથી વધારે મકાનોની અછત
ભારતના શહેરોમાં મકાનોની મોટી અછત છે. બિલ્ડરો નફાખોરી અને કાળી કમાણી કરવા મોંઘાદાટ મકાનો બનાવે છે. સામાન્ય લોકો, ગરીબો કે મધ્યમવર્ગ માટે પોસાય તેવા ઘર બનાવાતા જ નથી. સરકારી અધિકારીઓ, નેતાઓની લાંચ અને વહેવારો તથા બિલ્ડરોની નફાખોરી અને બેફામ રીતે ઉઘરાવાતા કરવેરા કાઢવામાં આવે તો હાલમાં સરેરાશ ૭૫ લાખમાં વેચાતું મકાન લોકોને ૨૫ થી ૩૦ લાખની કિંમત સુધી મળી જાય તેમ છે. તાજેતરનો જ અર્બન હાઉસિંગ ડેફિસિટનો અહેવાલ જણાવે છે કે, ભારતના મોટા અને મુખ્ય શહેરોમાં ૧ કરોડ કરતા વધારે મકાનોની અછત છે. આ દાયકાના અંત સુધીમાં એટલે કે ૨૦૩૦ના અંત સુધીમાં દેશના મોટા શહેરોમાં ૩.૫ કરોડ કરતા વધારે મકાનોની અછત સર્જાશે. દેશમાં ખાનગી સેક્ટરમાં જે સ્થિતિ છે તેના પગલે નવા પ્રોજેક્ટના અફોર્ડેબલ મકાનો બનતા જ નથી. ૨૦૨૧માં આવા મકાનોની ભાગીદારી કુલ ઈન્ફ્રાપ્રોજેક્ટ્સમાં ૨૬ ટકા હતી જે હાલમાં ૧૦ ટકા ઉપર આવી ગઈ છે. દેશમાં નફાખોરી, ભ્રષ્ટાચાર, તોતિંગ કરવેરાના કારણે કુલ મકાનોના ૫૩ ટકા મકાનો લક્ઝરી કેટેગરીમાં જ બનાવવામાં આવે છે. તેના પગલે મધ્યમવર્ગ માટે મકાનો બનતા નથી અને ગરીબોને ઝુંપડામાં રહેવા સિવાય કોઈ વિકલ્પ વધતો નથી.


