Get The App

'તરંગી' ટ્રમ્પના ટેરિફ ડોલરનું 'ઇન્દ્રાસન' ડોલાવી રહ્યા છે

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
'તરંગી' ટ્રમ્પના ટેરિફ ડોલરનું 'ઇન્દ્રાસન' ડોલાવી રહ્યા છે 1 - image


- અમેરિકાના આર્થિક, રાજકીય અને લશ્કરી આધિપત્યની લડાઈ ચરમસીમાએ 

- વિશ્વની નાણા વ્યવસ્થા ઉપર અમેરિકન ડોલરની બેશુમાર સત્તા સામે પડકાર ઉભા થઇ રહ્યા છે. અમેરિકાના આંતરિક પરિબળો અને દુનિયાના બદલાઈ રહેલા ફલકના કારણે ડોલરના પતનની ઘડીઓ ગણાઇ રહી છે. આવી આગાહીઓ પાંચ-છ દાયકા અગાઉ પણ થયેલી પરંતુ, આ વખતે સ્થિતિ અલગ છે. અમેરિકા યુવાન નથી અને અમેરિકા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અવ્વલ પણ નથી. ટેરિફ વોર, સતત વધી રહેલું આંતરિક દેવું ડોલરનું શાસન ડોલાવી રહ્યા છે. ટ્રમ્પની સામ, દામ, દંડની નીતિ મિત્રો કરતા દુશ્મનો વધારે ઉભા કરી રહી છે. બ્રિકસ રાષ્ટ્રસમુહનો વિસ્તાર કદાચ ડોલરના પતનનું પ્રથમ પગથીયું બને અને તેના કારણે ટ્રમ્પ વધારે ગિન્નાયા છે. આ ઉપરાંત, અમેરિકાને ફરી મહાન બનાવવા તેમણે શરૂ કરેલી ટેરિફ વોર પગ ઉપર કુહાડા સમાન પુરવાર થઇ શકે!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ૧૪ દેશના વડાને પત્ર લખી તા.૧ ઓગસ્ટની નવી મુદ્દતથી વધારાના ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. 

આ જાહેરાતમાં બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાના સૌથી મોટા, મહત્વના સાથીદાર જાપાન અને દક્ષિણ કોરિયાને પણ બાકાત રાખ્યા નથી. બંને દેશો સાથે અમેરિકા વર્ષે ૩૫૦-૪૦૦ અબજ ડોલરનો વ્યાપાર (આયાત અને નિકાસ) કરે છે. 

બંને દેશ સાથે સરેરાશ ૬૦ અબજ ડોલરની ખાધ (અમેરિકાની નિકાસ કરતા આયાત વધારે) વોશિંગ્ટનને છે. રવિવારે ટ્રમ્પે ફરી એકવાર બ્રિકસ દેશોને ચેતવણી આપી હતી કે અમેરિકાના આર્થિક હિત વિરુદ્ધ કોઈ વ્યાપાર કરશે કે નવી નીતિ કાઢશે તો એ દેશો ઉપર અમેરિકા ૧૦ ટકા ટેરિફ લાદશે. છ મહિના અગાઉ બ્રિકસ દેશોનો સમુહ ડોલરની વિરુદ્ધ (એટલે કે નવી કરન્સી વિષે કામગીરી કરશે) તો ૧૦૦ ટકા ટેરિફ લાદવા ધમકી ઉચ્ચારી હતી. ટ્રમ્પના તરંગી વિચારો વિશ્વની અર્થવ્યવસ્થાને ડામાડોળ કરી રહ્યા છે. 

જોકે, ટ્રમ્પની લડાઈનો ઉદ્દેશ કઈક અલગ છે પણ તેમની રણનીતિ ધારણા કરતા ઉલ્ટા પરિણામ આપે એવી ચર્ચા વિશ્વભરના અર્થશાીઓ, નાણા બજાર અને એક્સપર્ટ કરી રહ્યા છે. 

વૈશ્વિક ચલણના રાજા તરીકે ડોલરનો અંતની સૌથી પહેલી આગાહી ૧૯૬૮માં વિલિયમ રિકેનબેકરે પોતાના પુસ્તક 'ડેથ ઓફ ધ ડોલર'માં કરી હતી. સતાવન વર્ષ પછી એમની આગાહી સાચી નથી ઠરી પણ મુદ્દો ફરી ચોક્કસપણે ચર્ચામાં આવ્યો છે. 

ડોલરના અંત માટે દલીલ છે કે અમેરિકાની ખાધ સતત વધી રહી છે, અમેરિકા સતત કરન્સી પ્રિન્ટ કરી રહ્યું છે અમેરિકન આર્થિક વૃદ્ધિ કરતા દેવું વધી રહ્યું હોવાથી એક તબક્કે દેવાનો બોજ વહન કરવો અશક્ય બનશે અને તેના કારણે અમેરિકા નાદાર થઇ જશે. રિકેનબેકરે પુસ્તક લખ્યું એ દાયકામાં જ ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ વેલેરી જિસ્કા દે'સ્તાએ (જ્યારે નાણા મંત્રી હતા ત્યારે) ડોલરની બેશૂમાર સત્તા (એગ્ઝૉર્બિટન્ટ પ્રીવેલેજ) ચિંતા વ્યક્ત કરી હતી. પણ તેમની દલીલ ડોલરનું આધિપત્ય ખતમ કરવા માટે વિશ્વએ ઉકેલ શોધવો જોઈએ, એટલું જ મજબૂત ચલણ ઉભું કરવું જોઈએ એમ હતો. 

વિશ્વમાં વ્યાપાર, કોમોડિટીઝના ભાવ, ઇન્વોઇસ અને નાણાકીય સોદા માટે ડોલરનું આધિપત્ય છે. અને આ અધિપત્ય અત્યારે ખતમ થવાની શરૂઆત થઇ છે. 

નાણા બજાર અને વિશ્વના દેશોની ફોરેકસ અનામતમાં ડોલર હજી પણ એક મોટો હિસ્સો ધરાવે છે એટલે ટૂંકા કે મધ્યમ ગાળામાં હજી ચિંતાનો વિષય નથી પરંતુ, બદલાઈ રહેલા વિશ્વના આર્થિક ફલક અને ખાસ કરીને ચીનની આર્થિક મહાસત્તા તરીકે ઉભરી રહેલી સ્થિતિથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. જોકે, જાન્યુઆરીમાં ફરી સત્તા ઉપર આવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના આર્થિક સામ્રાજ્યને સામ, દામ અને દંડની નીતિ સાથે આગળ વધી રહ્યા છે. પણ આ નીતિ ડોલરની વિશ્વસનીયતા વધારવાના બદલે ઘટાડી રહી છે. વિશ્વભરની સરકાર અને સેન્ટ્રલ બેંકોને ડોલર જોખમી લાગે એવા પગલાં ભરી રહ્યા છે.  

જાન્યુઆરીમાં અમેરિકાની બજેટની ખાધ (સરકારની આવક કરતા ખર્ચ વચ્ચેનો તફાવત) કુલ જીડીપીના ૬.૨ ટકા હતો. બીજી તરફ, જાહેર દેવું એટલે એક અમેરિકન સરકારનું દેવું જીડીપી જેટલું જ હતું! અમેરિકા ઉપર અત્યારે ૩૭ ટ્રીલીયન ડોલરનું દેવું છે. હવે અમેરિકન સરકારે બીગ બ્યુટીફૂલ એક્ટ હેઠળ ટેક્સમાં ફેરફારો અને ખર્ચમાં વધારો કરવા સાથેનો પ્લાન પસાર કર્યો છે તેનાથી બજેટની ખાધ આગામી દાયકામાં ૩.૪ ટ્રીલીયન વધવાની અમેરિકન કોંગ્રેસની બજેટ ઓફિસની આગાહી છે. અમેરિકાના જાહેર દેવાનું સ્તર જીડીપીના ૧૪૦ ટકા થશે એવો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનો અંદાજ છે. આ સ્તર બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી વધારે હશે!

જોકે, વિશ્વયુદ્ધ પછી અમેરિકાના આર્થિક વિકાસના કારણે દેવું ઘટી શક્યું અત્યારે તે સ્થિતિ અલગ છે. એ સમયે અમેરિકા યુવાન હતું.

 ઉત્પાદન ક્ષેત્રે ટેકનોલોજી અને નાણાના જોરે એ દુનિયાને મહાત કરવા સક્ષમ હતું. અત્યારે સ્થિતિ અલગ છે. ચીન વિશ્વનું ઉત્પાદન કેન્દ્ર છે. 

અમેરિકા પાસે ટેકનોલોજી છે પણ તે ઉત્પાદન ક્ષેત્ર સાથે જોડાયેલી નહીં પણ સાયબર, ઇન્ફર્મેશન ક્ષેત્રની છે. પહેલા યુરોપ અને અમેરિકા પછી જાપાન, અત્યારે ચીન  અને ભવિષ્યમાં એશિયાના ઉભરતા અર્થતંત્રમાં તાઈવાન, વિયેતનામ, ભારત જેવા દેશો ઉત્પાદન ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છે. અમેરિકન હવે વપરાશકરનો દેશ બન્યો છે. 

અમેરિકન સોશિયલ સિક્યુરીટી સિસ્ટમ અને લેબર કાયદાના કારણે સસ્તું ઉત્પાદન શક્ય નથી. અમેરિકન પ્રજા હવે ૫૦ કે ૭૦ના દાયકા જેટલી મહેનત કરી શકે એમ પણ નથી. 

જે ચર્ચા ચાલી રહી છે તેના પરિબળ અને તેની અસર પણ સમજવી જોઈએ. ડોલરના પતન માટે મુખ્ય બે પરિબળો જવાબદાર બની શકે. 

એક, એવી ઘટનાઓ બને જેના કારણે અમેરિકન અર્થતંત્ર અસ્થિર થાય અને તેના કારણે ડોલરની સ્થિરતા અને જોખમમાં શ્રેષ્ઠ ચલણ તરીકેની વિશ્વનીયતા ઘટે. બીજું અમેરિકા સિવાયના દેશમાંથી કોઈ એક દેશ ઉપર વિશ્વાસ વધે અને તેના ચલણ તરફ દુનિયા દોટ લગાવે. અત્યારે ઉપલબ્ધ આંકડા અનુસાર, ફોરેકસ અનામતમાં ડોલરનો વૈશ્વિક હિસ્સો ૬૦ ટકા જેટલો છે. ઇનવોઈસ એટલે કે વૈશ્વિક વ્યાપારમાં ડોલરમાં થતા સોદા લગભગ ૭૦ ટકા છે. બીજા ક્રમે યુરો, પછી બ્રિટીશ પાઉન્ડ, જાપાનીઝ યેન અને ચીનનો યુઆન આવે છે. બીજી તરફ, ડોલરના કારણે અમેરિકા દુનિયા ઉપર આર્થિક,, રાજકીય, લશ્કરી અને રાજદ્વારી જોહુકમી ચલાવે છે. ડોલરનું પતન થાય તો આ જોહુકમી બંધ થાય. 

દુનિયાની આર્થિક, નાણાબજારના મોટી ઉથલપાથલ આવી જાય. આ ઉપરાંત, અમેરિકાની નાણાકીય એસેટ (બોન્ડ, શેરબજાર)નું અવમૂલ્યન થાય અને બીજી બજારમાં નાણા ઠલવાતા જોવા મળે. 

ટ્રમ્પ સત્તા ઉપર આવ્યા પછી દર અઠવાડિયે એક વખત ટેરિફ સંબંધિત એક જાહેરાત કરી રહ્યા છે. કોઈ દેશ ઉપર ૨૫ ટકા તો ચીન સાથે ઉગ્ર ચર્ચામાં ૧૪૫ ટકા સુધી પહોચ્યા હતા! ટ્રમ્પ જે ટેરિફ વધારી રહ્યા છે તે આયાત ઉપર છે. 

અમેરિકા આયાત કરે અને એ ચીજનો દેશમાં પ્રજા અને ઉદ્યોગો ઉપયોગ કરે. જેટલા ટેરિફ વધારે એટલી અમેરિકામાં મોંઘવારી વધારે. અત્યારે પણ અમેરિકામાં મોંઘવારી વધેલી છે અને ફેડરલ રિઝર્વ વ્યાજના દર ઘટાડી રહી નથી. 

ટેરિફ સદીના સૌથી ઊંચા સ્તરે હોય ત્યારે સંભવિત મોંઘવારીના કારણે વ્યાજ દર ઘટે પણ કેવી રીતે? એટલે જ જાન્યુઆરીથી અત્યારસુધીમાં અમેરિકન ડોલર ૧૦ ટકા ઘટયો છે, છેલ્લા ૫૦ વર્ષમાં કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં નોંધાયેલો આ સૌથી મોટો ઘટાડો છે. બીજી તરફ, અમેરિકન બોન્ડના યીલ્ડ વધી રહ્યા છે. યીલ્ડમાં વૃદ્ધિ બોન્ડ ઉપરની અવિશ્વસનીયતા દર્શાવે છે. ત્રીજું, અમેરિકન શેરબજાર વધી રહ્યા છે અને ત્યાં વિદેશી ફંડ્સનું મોટું વેચાણ નથી. પણ સોનાના ભાવ છ મહિનામાં ૨૫ ટકા વધ્યા છે. ડોલરના જોખમ વચ્ચે, ડોલરના ભાવ ઘટી રહ્યા છે ત્યારે સોનામાં ખરીદી થઇ રહી છે. બજારની આ સ્થિતિના લીધે અત્યારે દુનિયામાં ડોલરના પતનની ચિંતા વધી છે. પરિબળો છે પણ પતન છે કે નહીં તે ખબર નથી!

બ્રિકસ સમુહના વિસ્તારથી ડોનાલ્ડ ટ્રમ્પ ધ્રુજી રહ્યા છે

યુરોપીયન સેન્ટ્રલ બેંકના ૨૦૨૩ના એક અભ્યાસ પ્રમાણે વિશ્વના વ્યાપારમાં ડોલર અને યુરોમાં ચલણ બનાવવાનો હિસ્સો ૮૮ ટકા જેટલો છે. ચીનના યુઆનનો હિસ્સો માત્ર બે ટકા જેટલો છે. 

બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા (બ્રિકસ દેશોના સમુહ)માં ૨૦૨૪માં સાઉદી અરબ, યુનાઈટેડ આરબ અમિરાત, ઈજીપ્ત, ઇથોપિયા અને ઈરાન જોડાયા હતા. બે દિવસ પહેલા તેમાં ઇન્ડોનેશિયા પણ જોડાયું. આ બધા દેશો એકત્ર થઇ વિશ્વની કુલ અર્થવ્યવસ્થામાં ૪૦ ટકા હિસ્સો ધરાવે છે. આટલા મોટા સમુહના દેશો એકબીજા સાથે વ્યાપાર કરવા માટે એક નવું ચલણ બનાવે કે પછી બે દેશો ડોલરના બદલે એકબીજાના ચલણમાં વ્યાપાર કરવા સહમત થાય તો ડોલરને મોટો ફટકો પડી શકે એમ છે. યુક્રેન ઉપર રશિયાએ ચઢાઈ કરી પછી અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયાને ઇન્ટરનેશનલ પેમેન્ટ સિસ્ટમમાંથી હાંકી કાઢયું છે, જે દેશો રશિયા સાથે વ્યાપાર કરે છે તેના ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવી રહ્યા છે. પરંતુ, ચીન અને ભારતના સહારે રશિયા વિશ્વમાં રૂપિયા કે યુઆનના સહારે ચોક્કસ દેશોને કોલસો અને ક્રૂડ ઓઈલ વેચી રહ્યું છે. ચીને યુએઈ અને સાઉદી અરબ સાથે પણ પરસ્પર ચલણમાં વ્યાપાર કરવાની જાહેરાત કરી છે. ભારત, રશિયા અને ઈરાન રુબલ, યુઆન અને દીરહામમાં વ્યાપાર કરી રહ્યા છે.

આ સ્થિતિમાં ડોલર માટે એક મોટો પડકાર ઉભો થઇ શકે એમ છે અને એટલે ટ્રમ્પને તેની ચિંતા સતાવી રહી છે.

Tags :