Get The App

અમેરિકા ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે, તાપમાનનો વર્લ્ડ રેકોર્ડ તોડશે

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
અમેરિકા ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે, તાપમાનનો વર્લ્ડ રેકોર્ડ તોડશે 1 - image


- દુનિયાના બીજા વિસ્તારોમાં પણ અત્યારે ભંયકર ગરમી પડી રહી છે પણ અમેરિકાની ગરમીએ સૌને ચોંકાવી દીધા છે, તેનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ છે

- અમેરિકા ગ્લોબલ વોર્મિંગના કારણે નવા વિષચક્રમાં ફસાઈ ગયું છે તેથી અતિશય ગરમીનો સામનો કરી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે અરિઝોનાનાં જંગલો સહિતનાં જંગલોમાં અચાનક આગ ફાટી નિકળે છે. આ આગ ફેલાય તેથી ગરમી વધે છે. ગરમી વધે એટલે બીજાં નવા જંગલોમાં આગ ફાટી નિકળે ને આસપાસના વિસ્તારોમાં અતિશય ગરમી થાય. ઉનાળો ચાલુ થતાં જ આ સિલસિલો શરૂ થઈ જાય છે ને એક પછી એક જંગલમાં આગ લાગે ને ગરમી વધે એ વિષચક્ર ચાલ્યા જ કરે છે. ઉનાળાની શરૂઆત વખતે ખેતરોમાં સૂકું ઘાસ હોય તેથી ઘણી વાર ખેતરોમાં પણ આગ ફાટી નિકળે છે કે જે હજારો એકરના વિસ્તારોમાં ફેલાઈ જાય છે.

સાઉદી અરેબિયાના મક્કામાં કાળઝાળ ગરમીના કારણે ૧૩૦૦થી વધારે હજયાત્રી મોતને ભેટયાં એ સમાચાર હજુ તાજા છે ત્યાં અત્યારે અમેરિકનો અતિશય ગરમીમાં શેકાઈને પુરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ભારતમાં ગરમીના કારણે મોત થાય એ નવાઈની વાત નથી. આપણે ત્યાં ગરમીની દરેક સીઝનમાં પાંચસો-સાતસો લોકો ઢબી જતાં હોય છે પણ અમેરિકામાં ગરમીના કારણે લોકો મરે એવું સાંભળ્યું નહોતું. આ વખતે ગરમીના કારણે ૧૬૦થી વધુ લોકોનાં મોત થયાં છે તેથી આખા અમેરિકાની ફેં ફાટી ગઈ છે.

અમેરિકામાં પેસેફિક મહાસાગરના કાંઠે એટલે કે પશ્ચિમ તટ પર આવેલાં સ્ટેટ્સમાં સૌથી ખરાબ હાલત છે. આ રાજ્યોમાં ભયંકર ગરમીનું મોજું ફરી વળતાં લોકો ભઠ્ઠીમાં શેકાઈ રહ્યાં લત છે. કેલિફોર્નિયા, અરિઝોના, નેવાડા, ઉટાહ, ન્યુ મેક્સિકો, કોલોરાડો એ રાજ્યોમાં સૌથી ગંભીર હાલત છે. 

આ રાજ્યોમાં તાપમાન ભાગ્યે જ ૪૦ ડીગ્રીને પાર જતું પણ અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં આ સીઝનમા હોય તેના કરતાં ૧૦ ડીગ્રી વધારે તાપમાન છે જ્યારે ઉત્તર કેલિફોર્નિયામાં આવેલા રેડ્ડીંગ શહેરમાં તો સરેરાશ સામાન્ય તાપમાન કરતાં ૧૫ ડીગ્રી વધારે તાપમાન થઈ ગયું છે. રેડ્ડીંગમાં પહેલાં કદી ૩૩ ડીગ્રીથી વધારે તાપમાન નહોતું થતું પણ અત્યારે ૪૮ ડીગ્રીને પાર થઈ ગયું છે. 

ઉત્તર કેલિફોર્નિયામાં આવેલી ડેથ વેલી દુનિયામાં સૌથી ગરમ પ્રદેશ મનાય છે. ૧૦ જુલાઈ, ૧૯૧૩ના રોજ ડેથ વેલીમાં ૫૬.૭ ડીગ્રી તાપમાન નોંધાયું હતું કે જે રહેણાંક વિસ્તારમાં અત્યાર સુધીમાં નોધાયેલું સૌથી ઉંચું તાપમાન છે પણ આ વખતે આ વર્લ્ડ રેકોર્ડ પણ તૂટી જશે એવી આગાહી થઈ રહી છે. રવિવારે ડેથ વેલી નેશનલ પાર્કમાં ૫૩.૩ ડીગ્રી સેલ્સિયસ તાપમાન હતું એ જોતાં બરાબર ૧૧૧ વર્ષ પછી ૧૦ જુલાઈએ જ ૫૬.૭ ડીગ્રીનો વર્લ્ડ રેકોર્ડ તૂટી જાય તો નવાઈ નહીં. 

ડેથ વેલીમાં સતત વધી રહેલા તાપમાનના કારણે આસપાસમાં વિસ્તારોમાં હીટ વેવ ડોમ રચાઈ રહ્યો હોવાની ચેતવણી હવામાનશાસ્ત્રીઓએ આપી છે. આ  હીટ વેવની અસર લગભગ ૩.૬૦ કરોડ લોકોને થશે. અમેરિકાની વસતી ૩૫ કરોડની આસપાસ છે એ જોતાં લગભગ ૧૦ ટકા વસતી હીટ વેવનો ભોગ બનશે તેથી લોકોને હમણાં ઘરની બહાર નહીં નિકળવા કહી દેવાયું છે. ગરમીમાં સન સ્ટ્રોક ના લાગે ને ડીહાયડ્રેશન ના થાય એ માટેનાં પગલાં લેવા પણ લોકોને ચેતવણી અપાઈ છે. લોકોને બને ત્યાં સુધી પોતાનાં એર કન્ડિશન્ડ વાહનો કે મકાનોમાંથી બહાર નહીં નિકળવા સલાહ અપાઈ રહી છે. એવી ચેતવણી પણ અપાઈ રહી છે કે, હજુ ગરમીનો કાળો કેર વધશે તેથી સતર્ક રહેવું. નહિંતર ગરમી તમારો ભોગ લઈ લેશે. 

દુનિયાના બીજા વિસ્તારોમાં પણ અત્યારે ભંયકર ગરમી પડી રહી છે પણ અમેરિકાની ગરમીએ સૌને ચોંકાવી દીધા છે. અમેરિકામાં ગરમી વધી રહી છે તેનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ છે એ કહેવાની જરૂર નથી. અમેરિકા દુનિયામાં સૌથી વધારે વાહનો ધરાવતો ને સૌથી વધારે પેટ્રોલીયમ પ્રોડક્ટ્ વાપરતો દેશ છે. તેના કારણે જંગી પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ પેદા થાય છે. તાપમાન વધી રહ્યું છે તેનું કારણ આ કાર્બન ડાયોક્સાઈડ છે એ મુદ્દે હવામાનશાસ્ત્રીઓ એકમત છે. 

અમેરિકામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટાડવા માટે ચેતવણીએ અપાય છે પણ કશું થતું નથી. તેના કારણે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે. અમેરિકા આ ગ્લોબલ વોર્મિંગના કારણે નવા વિષચક્રમાં ફસાઈ ગયંા છે તેથી અતિશય ગરમીનો સામનો કરી રહ્યું છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે અરિઝોનાનાં જંગલો સહિતનાં જંગલોમાં અચાનક આગ ફાટી નિકળે છે. આ આગ ફેલાય ને તેના કારણે ગરમી વધે છે. આ ગરમી વધે એટલે બીજાં નવા જંગલોમાં આગ ફાટી નિકળે ને તેની આસપાસના વિસ્તારોમાં અતિશય ગરમી થાય. ઉનાળો ચાલુ થતાં જ આ સિલસિલો શરૂ થઈ જાય છે ને એક પછી એક જંગલમાં આગ લાગે ને ગરમી વધે એ વિષચક્ર ચાલ્યા જ કરે છે. 

ઉનાળાની શરૂઆત વખતે ખેતરોમાં સૂકું ઘાસ હોય તેથી ઘણી વાર ખેતરોમાં પણ આગ ફાટી નિકળે છે કે જે હજારો એકરના વિસ્તારોમાં ફેલાઈ જાય છે. અમેરિકામાં ગ્રામીણ વિસ્તારોમાં શહેરોની જેમ તરત જ ફાયર બ્રિગેડ આવી જાય ને આગને કાબૂમાં લઈ લે એવું નથી હોતું તેથી દિવસોના દિવસો લગી આગ ફેલાયા જ કરે છે. અરિઝોનાનાં જંગલોમાં આગ લાગે ત્યારે તેને બૂઝાવવામાં તો મહિનાઓ નિકળી જાય છે. 

કેલિફોર્નિયામાં અત્યારે પણ સાન્તા બાર્બરા કાઉન્ટીમાં સરોવરના કાંઠે આગ ફાટી નિકળી જ છે. આ આગ પાસેનાં જંગલોમાં ફેલાયેલી છે ને કાબૂમાં આવતી જ નથી તેથી તેના કારણે પ્રચંડ ગરમી પેદા થઈ રહી છે. આ આગે ઘણાં ગામોમાં ઘરો અને ખેતરોને પણ લપેટમાં લઈ લીધાં છે. લગભગ ૭૦ ચોરસ કિલોમીટરનો વિસ્તાર તો અત્યારે જ રાખ થઈ ગયો છે. 

અમેરિકાને વિકાસના નામે તોતિંગ ઈમારતો બનાવી. વાહનો ખડકી દીધાં ને બેફાન કાર્બન પ્રોડક્શન કર્યું તેની કિંમત હવે ચૂકવી રહ્યું છે. અમેરિકા હજુ નહીં જાગે તો સ્થિતી વધારે ખરાબ થશે.

મક્કામાં પણ ગરમીએ કાળો કેર વર્તાવ્યો, 1300 હજયાત્રીનાં મોત

સાઉદીના મક્કામાં આ વખતે પડેલી કાળઝાળ ગરમીએ હજયાત્રીઓની હાલત બગાડી નાંખી. સત્તાવાર રીતે અપાયેલા આંકડા પ્રમાણે ૧૪ જૂનથી ૧૯ જૂન ૨૦૨૪ના છ દિવસમાં જ મક્કામાં હજ યાત્રા પર ગયેલા ઓછામાં ઓછા ૧,૩૦૧ લોકો અતિશય ગરમીને કારણે મોતને ભેટયા.  આત્યંતિક ગરમીને કારણે હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશન થઈ જતાં આ શ્રદ્ધાળુઓનાં મોત થયાં. ભારતના પણ ૯૮ શ્રધ્ધાળુ આ દરમિયાન મોતને ભેટયાં હતા. આ સિવાય હજારો લોકો હીટ સ્ચ્રોક અને ડીહાઈડ્રેશનના કારણે બિમાર પડી ગયાં ને એ હાલત થઈ ગઈ કે હજયાત્રીઓ માટે બનાવેલા મેડિકલ કેમ્પોમાં બેડ ખૂટી પડતાં તેમને શહેરી વિસ્તારની હોસ્પિટલોમાં લઈ જવા પડયા. હીટ સ્ટ્રોક સહિતના દરરોજ બેથી અઢી હજાર કેસ નોંધાતા હતા. ૧૬ જૂને હીટ સ્ટ્રોક જેવી ગરમી સંબંધિત બિમારીના ૨,૭૬૪ કેસ નોંધાયા હતા

સામાન્ય રીતે હજયાત્રા દરમિયાન મક્કામાં તાપમાન ૪૫ ડીગ્રી સેલ્સિયસથી વધારે નથી રહેતું પણ આ વખતે આ છ દિવસ દરમિયાન સળંગ તાપમાન ૫૦ ડીગ્રી કરતાં વધારે હતું.. મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તો ૫૧.૮ ડીગ્રી સેલ્સિયસનો નવે રેકોર્ડ નોંધાઈ ગયો. સાઉદી અરેબિયાને મોડર્ન બનાવવા માટે અત્યારે ધડાધડ બાંધકામો થઈ રહ્યાં છે અને સ્કાયસ્ક્રેપર્સ ધરાવતાં નવાં શહેરો બની રહ્યાં છે. પેટ્રોલ સહિતના ફ્યુઅલનો પણ જોરદાર ધુમાડો થઈ રહ્યો છે એટલે ગ્લોબલ વોર્મિંગ વધી ગયું તેની કિંમત હજયાત્રીઓએ પોતાના જીવ આપીને ચૂકવી.

અમેરિકાની ડેથ વેલી સૌથી ગરમ, 1913માં તાપમાન 56.7 ડીગ્રી થઈ ગયેલું

અમેરિકામાં અત્યારે ડેથ વેલીમાં ગરમીનો સૌથી જબરદસ્ત પ્રકોપ છે અને તાપમાન ૫૨ ડીગ્રી સેલ્સિયસને પાર થઈ ગયું છે. ડેથ વેલી નેશનલ પાર્કમાં તો પ્રવાસી અતિશય ગરમીના કારણે મોતને ભેટયા છે તેથી નેશનલ પાર્કમાં પણ કોઈ જતું નથી. 

લગભગ ૩૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયલી ડેથ વેલી પૂર્વ કેલિફોર્નિયામાં આવેલા રણ પ્રદેશનો ખીણ પ્રદેશ છે. ડેથ વેલીને ઉનાળામાં પૃથ્વી પરનો સૌથી ગરમ પ્રદેશ માનવામાં આવે છે તેથી ડેથ વેલીમાં તાપમાન ઉંચું જાય એ નવાઈની વાત નથી. ૧૦ જુલાઈ, ૧૯૧૩ ના રોજ  ડેથ વેલીમાં ફર્નેસ ક્રીક ખાતે રેકોર્ડ બ્રેક ૧૩૪ ડીગ્રી ફેરનહીટ એટલે કે ૫૬.૭ ડીગ્રી સેલ્યિયસ તાપમાન નોંધ્યું હતું. 

ડેથ વેલીમાં એ પછી પણ તાપમાન વધ્યું છે પણ આ હવે તકલીફ એ છે કે, આ તાપમાન લાંબા ગાળા સુધી રહે છે. તેના કારણે ગરમ પવનો પાસેના વિસ્તારો પર ફરી વળે છે અને  નજીકના વિસ્તારો પણ ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા હોય એવો અનુભવ કરી રહ્યા છે. કેલિફોર્નિયા અને નેવાડા બે સ્ટેટ તેની નજીક હોવાથી બંને સ્ટેટનાં લોકોની હાલત બગડી ગઈ છે. 

ડેથ વેલી મૂળ અમેરિકન એટલે કે રેડ ઈન્ડિયન્સના ટિમ્બિશા આદિવાસીઓનો વિસ્તાર છે. કેલિફોર્નિયામાં સોનાની ખાણો આવેલી છે એવી માન્યતાના કારણે યુરોપીયન-અમેરિકન સાહસિકોની ટીમ ૧૮૪૯-૧૮૫૦ના શિયાળામાં કેલિફોર્નિયા જવા નિકળેલી. સોનાના ભંડારો શોધવા માટેનો ટૂંકો રસ્તો શોધતી વખતે આ ટીમ ખોવાઈ જતાં આ વિસ્તારને ડેથ વેલી નામ અપાયું અને લોકો તેનાથી દૂર ભાગવા માંડયા.

News-Focus

Google NewsGoogle News