- રોમાનિયા જેવા યુરોપના નાના-મોટા દેશો શરાબના સેવન મુદ્દે વિશ્વમાં મોખરે છે પણ ભારતમાં તમામ પ્રકારના નશા બેરોકટોક કરવામાં આવી રહ્યા છે
- વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે દર વર્ષે 76 ટકા ફિલ્મોમાં તમાકુ અને 72 ટકા ફિલ્મોમાં શરાબ અથવા નશાકારક પીણાનું સેવન થતું બતાવાય છે. મહત્ત્વની વાત એ છે કે, 2005માં તેના ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો છતાં કોઈ ફરક પડયો નહોતો: એક સમયે રાજાશાહીમાં નશાખોરી આપણી રોજિંદી જિંદગીનો ભાગ હતો અને આજે આધુનિક માહોલમાં પણ છે. પંજાબ, હરિયાણા અને હવે ધીમે ધીમે ગુજરાતમાં પણ નશાખોરીનું માર્કેટ ખૂબ જ મોટું થઈ રહ્યું છે. પાર્ટી કલ્ચર વધવાની સાથે લોકોમાં એમડી ડ્રગ્સ, ગાંજો, કોકેન અને અન્ય પદાર્થો લેવાનું પ્રમાણ વધી રહ્યું છે: દર વર્ષે દુનિયામાં જેટલા લોકોનાં મોત થાય છે તેમાંથી 26 લાખના મોત માત્ર દારૂ પીવાના કારણે થાય છે. ઉપરાંત 15 થી 29 વર્ષની વચ્ચેના યુવાનોમાં ધુમ્રપાનની આદત ભયાનક રીતે વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આ વયજૂથમાં વ્યસન કરવાનું પ્રમાણ ૨૬ ટકા છે જ્યારે શહેરોમાં તો 68 ટકા જેટલું ઉંચું છે
આપણા દેશમાં નશાખોરીનું પ્રમાણ ભયાનક રીતે વધી રહ્યું છે. ખાસ કરીને ટીનએજર્સ અને યુવાનો સતત સ્મોકિંગ અને પાન-મસાલા તથા ગુટકાના આદી બની રહ્યા છે. તેના કારણે કેન્સર જેવી જીવલેણ બિમારીઓનો ભોગ બની રહ્યા છે. તેઓ માત્ર પોતાના સ્વાસ્થ્ય સાથે જ નહીં પણ જોડે જોડે પરિવારના માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક જીવન સાથે પણ ચેડાં કરી રહ્યા છે. યુવાનોમાં એકબીજાના વાદ લેવા, સાહસ કરવા અને અન્ય કારણોના લીધે ધીમે ધીમે વ્યસન અને નશીલા પદાર્થોનું સેવન કરવાનું પ્રમાણ વધવા લાગ્યું છે. જાણકારો માને છે કે, લોકોમાં વ્યસન કરવાનું પ્રમાણ અત્યારે વધ્યું છે તેવું નથી. આપણા દેશમાં લોકો સદીઓથી વ્યસનોના કુચક્રમાં ફસાયેલા છે. તે આપણી રોજિંદી કામગીરી અને પરંપરાનો ભાગ રહ્યા છે.
ભારતીય પરંપરામાં ખાસ કરીને રાજાશાહી દરમિયાન કે ત્યારબાદ અંગ્રેજોના રાજમાં વાઈન પીવી કે શરાબ પીવો તે પ્રતિષ્ઠા અને ઉચ્ચ સામાજિક દરજ્જાનો ભાગ હતો. હવે આ પ્રકારની નશાખોરી પશ્ચિમી જીવનશૈલી અને આધુનિકીકરણનું પ્રતિક બની રહ્યું છે. ઘણા લોકોએ પાર્ટી કલ્ચરને અપનાવી લીધું છે અને શરાબનું સેવન એક વ્યસનની જેમ વધી રહ્યું છે. ભૂતકાળમાં સામંતવાદી પદ્ધતિમાં નશાકારક પદાર્થોનું સેવન રાજાશાહીનું પ્રતિક ગણાતું હતું અને હવે મૂડીવાદના આ સમયમાં નશાખોરીએ એક બજારનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઘણી વસ્તુઓ અધિકારીક રીતે તો મોટાભાગની બ્લેક માર્કેટમાં વેચાય છે. નશાનો આ વેપાર આજે પણ અટક્યો નથી.
ઉલ્લેખનીય છે કે, મોટા શહેરોમાં અને ખાસ કરીને ભારતના પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી રાજ્યોના યુવાનો મોટાપાયે નશાના ભરડામાં આવી ગયા છે. પંજાબ, હરિયાણા અને હવે ધીમે ધીમે ગુજરાતમાં પણ નશાખોરીનું માર્કેટ ખૂબ જ મોટું થઈ રહ્યું છે. પાર્ટી કલ્ચર વધવાની સાથે લોકોમાં એમડી ડ્રગ્સ, ગાંજો, કોકેન અને અન્ય પદાર્થો લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. યુવાનો આ નશાના ભરડામાં આવી રહ્યા છે અને બેફામ રીતે તેમના સુધી મોતનો સામાન પહોંચી રહ્યો છે. તંત્ર મુક દર્શક બનીને અથવા તો ભ્રષ્ટાચારને કારણે લાચાર બનીને નશાના આ વેપલાને જોઈ રહ્યા છે.
આજે પણ પંજાબમાં, જમ્મુ-કાશ્મીરના સરહદી ગામડાઓમાં ડ્રોન દ્વારા અને ઘુસણખોરો દ્વારા ડ્રગ્સ, કોકેન, હેરોઈન, એમડી ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થો લાવવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત આધુનિક ડ્રગ માફીયાઓ હવે મકાનો, એપાર્ટમેન્ટમાં ઘરમાં આધુનિક રીતે ગાંજાના છોડ ઉગાડી રહ્યા છે. ઘરમાં જ અફિણની ખેતી કરી રહ્યા છે.
જાણકારો માને છે કે, નશાખારો, નશાનો વેપાર અથવા તો આવા વ્યસનો અને ખોટી બાબતોની લત લાગવી તે ત્રણ દ્રષ્ટિકોણને આધિન હોય છે. લોકો માને છે કે, હાલના સમયમાં નશાનું સેવન એક ચલણ છે. ઘણી જગ્યાઓએ સિગારેટ પીવી, સિગાર પીવી કે મોંઘી મોંઘી શરાબનું સેવન કરવું તે પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે. કિશોરો અને ઘણા યુવાનો પોતાને પરિપક્વ અને સક્ષમ બતાવવા માટે પણ આવા પદાર્થો અને દારૂનું સેવન કરવા લાગ્યા છે. બીજી તરફ જોઈએ તો, ઘણા લોકો તો માત્ર મિત્રો અને સાથીઓના દબાણના કારણે નશો શરૂ કરે છે અને ધીમે ધીમે તેના વ્યસની બની જાય છે. ઘણા લોકો કહેવાતા મનોદબાણમાં આવીને કે પછી ઘરની કોઈ વ્યક્તિને નશો કરતી જોઈને પોતે નશો કરવા લાગે છે. આ પ્રમાણે લોકોમાં નશાની આદત વધતી જાય છે. ત્રીજી બાબત એવી છે કે, રાજકીય અને મૂડીવાદના રૂપે પણ નશાનું સેવન શરૂ થાય છે. આ દ્રષ્ટિકોણથી વિચારીએ તો લોકો દ્વારા જે નશો કરવામાં આવે છે તે પદાર્થોના કાયદેસરના વેચાણથી જે ટેક્સ વસુલાય છે તેના પગલે રાજ્ય અને દેશને મોટી આવક થાય છે. આવી આવકમાંથી જ સમાજના વિકાસલક્ષી કાર્યો થતા હોય છે. બીજી તરફ તેના સેવનથી લોકોની શક્તિ ઓછી થાય છે, માનવબળ ઓછું થાય છે અને ઉત્પાદકતાને અસર થાય છે. તો પછી સવાલ એ થાય કે, લોકો નશો કરતા શા માટે હોય છે. ખરેખર નશો કરવાથી ફાયદો થાય છે કે નુકસાન થાય છે.
ઉલ્લેખનીય છે કે, એક ચર્ચા એવી ચાલી છે કે, ઘણા દેશો અને રાજ્યોમાં યુવાનો અને આગામી પેઢીને બરબાદ કરવા માટે આંતરરાષ્ટ્રીય ષડયંત્ર કરવામાં આવતું હોય છે. તેના પગલે ત્યાંની યુવાપેઢીને નશાના રવાડે ચડાવી દેવાય છે. જાણકારો માને છે કે, એક વખત કોઈ દેશ બરબાદ થઈ ગયો પછી તે ફરીથી ઊભો થઈને કે આગળ વધીને જે-તે દેશને બદનામ કરવા માટે નશાકારક પદાર્થોના બજારને વિકસવામાં મદદ કરે તે શક્ય નથી. એક વખત રાજકીય કિન્નાખોરી પૂરી થઈ જાય ત્યારબાદ તો જે-તે પીડિત દેશની પ્રજા પોતે જ નશાના રવાડે ચડેલી હોય છે અને તેને કાબુ કરવા ઘણા મુશ્કેલ થઈ જાય છે. આ સંજોગોમાં વિશ્વાસ રાખીને વિદેશોને દેશનું એક્સેસ આપવું જોખમી બને છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના થોડા સમય પહેલાં જ આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે, દર વર્ષે દુનિયામાં જેટલા લોકોનાં મોત થાય છે તેમાંથી પાંચ ટકા લોકોનાં મોત દારૂ પીવાના કારણે થાય છે. આ આંકડો ૨૬ લાખ જેટલો છે. બીજી તરફ એવું પણ જણાવાયું છે કે, ૧૫થી ૨૯ વર્ષની વચ્ચેના યુવાનોમાં ધુમ્રપાનની આદત ભયાનક રીતે વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આ વયજૂથમાં વ્યસન કરવાનું પ્રમાણ ૨૬ ટકા છે જ્યારે શહેરોમાં તો ૬૮ ટકા જેટલું ઉંચું છે. બીજી તરફ થોડા સમય પહેલાં આવેલા ટોરેન્ટો યુનિવર્સિટીના એક અભ્યાસ જણાવ્યું કે, ભારતમાં ૧૮ વર્ષની ઉંમરે ધુમ્રપાન કરનારા પુરુષોની સંખ્યામાં ૩૬ ટકાનો વધારો થયો છે. અહેવાલમાં જણાવાયું છે કે, આ નશાકારક પદાર્થોના સેવનથી વ્યક્તિગત સ્વાસ્થ્યને વ્યાપક નુકસાન થાય છે. બીજી તરફ દર વર્ષે લાખો લોકોના આ વ્યસનને કાણે મોત થાય છે. તે ઉપરાંત દુર્ઘટનાઓ અને હિંસા ફેલાવા પાછળ પણ નશાની કુટેવ જ જવાબદાર હોય છે. જો ખરેખર ધ્યાન રાખવામાં આવે તો તેને અટકાવી શકાય તેમ છે.
જાણકારો માને છે કે, નશાખોરી અટકાવવા કે પછી લોકોને વ્યસનના વિષચક્રમાં ફસાવતા અટકાવવા માટે વિચાર કરવાની અને પગલાં લેવાની જરૂર છે. વાસ્તવિકતા એવી છે કે, આ કિસ્સામાં પરિવાર અને અનૌપચારિક જૂથના નિયંત્રણનો અભાવ છે, નશાકારક પદાર્થો સરળતાથી ઉપલબ્ધ છે, મિત્રોની નશાખોરીમાં બહુ જ મોટી ભૂમિકા હોય છે, એકલતા, તણાવ, વૈચારિક અસ્થિરતા, અસુરક્ષા, અલગ પડી જવાનો ભય અથવા તો અલગ પડી જવાની પીડા, ભય, નિષ્ફળતા, સંકુચિતતા, અપરાધિક પ્રવૃત્તિ અને ખોટી સામાજિક છબી ઊભી કરવાના વામણા પ્રયાસો જેવી અનેક બાબતો લાગુ પડે છે. તેના પગલે લોકોમાં નશાખોરીનું પ્રમાણ વધ્યું છે.
ચિંતાજનક : લોકોને નશો કરાવવા પ્રોત્સાહન આપતી ગતિવિધિઓમાં પણ વધારો થયો છે
જાણકારો માને છે કે, સૌથી ચિંતાજનક બાબત એ છે કે, લોકોને અને ખાસ કરીને યુવાનોને નશાખોરી કરવા કે અન્ય વ્યસનો કરવા પ્રોત્સાહન આપતી ગતિવિધિઓ અને કામગીરીઓમાં મોટાપાયે વધારો થયો છે. તેના માટે પણ આપણે જ જવાબદાર છીએ. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે દર વર્ષે ૭૬ ટકા ફિલ્મોમાં તમાકુ અને ૭૨ ટકા ફિલ્મોમાં શરાબ અથવા નશાકારક પીણાનું સેવન થતું બતાવાય છે. મહત્ત્વની વાત એ છે કે, ૨૦૦૫માં તેના ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો છતાં કોઈ ફરક પડયો નહોતો. ૨૦૦૯માં આ નિયમ ઉપર અભિવ્યક્તિની આઝાદીના અધિકારને આગળ ધરવામાં આવ્યો હતો. તેની સામે નિયમ નબળો પડી ગયો અને ફરીથી તમાકુ અને દારૂનું સેવન થતું બતાવવાની શરૂઆત થઈ ગઈ. હવે માત્ર ખૂણામાં નાનકડી નોંધ મુકાય છે કે, આ પદાર્થોનું સેવન જીવલેણ છે. તેવી જ રીતે ૨૦૦૮માં જાહેર સ્થળો ઉપર ધુમ્રપાન કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો છતાં તેનું આજદિન સુધી કોઈ પાલન કરતું નથી અને કોઈ કરાવતું પણ નથી. તેવી જ રીતે ૨૦૦૪માં નિયમ લવાયો હતો કે, સ્કૂલોથી અંદાજે ૩૦૦ મીટર સુધીના અંતરે કોઈપણ પ્રકારે ગુટખા કે તમાકુનું વેચાણ કે સેવન થઈ શકશે નહીં. તેમ છતાં આ બધું છેડચોક ચાલે જ છે. આંતરરાષ્ટ્રીય અહેવાલ જણાવે છે કે, નશાખોરીની બાબતમાં ભારત બીજા ક્રમે આવે છે. ભારતમાં નશાખોરી અંગે આવેલા એક સરકારી અહેવાલમાં જણાવાયું હતું કે, ભારતમાં ૧૬ કરોડ લોકો શરાબનું સેવન કરે છે. ભારતમાં પ્રતિ વ્યક્તિ શરાબનું પ્રમાણ હાલમાં ૩.૩ લિટર છે. ભારતમાં ૧૦ વર્ષથી માંડીને ૭૮ વર્ષ સુધીના લોકો શરાબનું સેવન કરતા હોવાનું સામે આવ્યું છે. તેમાંય ૬ કરોડ લોકો તો શરાબના સેવનના કારણે થતી સમસ્યાઓ સામે ઝઝુમતા હોવાની વિગત સામે આવી હતી. ભારતમાં દેશી અને વિલાયતી શરાબ પીવાનું પ્રમાણે ૩૦-૩૦ ટકા છે. પૂર્વોત્તર રાજ્યોમાં સૌથી વધારે ઘરે બનાવેલી રાઈસ બિયર પીવાનું ચલણ છે.
બિહારમાં ૩૦ ટકાથી વધારે લોકો ગેરકાયદે બનતી દેશી શરાબનું સેવન કરતા હોય છે. સરકારી આંકડા કહે છે કે, અરુણાચલમાં ૧૫.૬ ટકા મહિલાઓ શરાબ પીવે છે. પંજાબમાં ૬ ટકા, પશ્ચિમ બંગાળમાં ૩.૯ ટકા અને મહારાષ્ટ્રમાં ૩.૮ ટકા બાળકો શરાબનું સેવન કરે છે. આ લોકો ૧૪ વર્ષની નાની ઉંમર ધરાવતા હોય છે. એક અહેવાલ જણાવે છે કે, ભારતમાં શરાબનું માર્કેટ ૬૦ અબજ ડોલરનું છે.


