Get The App

SIR-સંચારસાથી એપ : સાઈબર ગુનેગારોના નવા હથિયાર

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
SIR-સંચારસાથી એપ : સાઈબર ગુનેગારોના નવા હથિયાર 1 - image

- સરકાર સ્પષ્ટ માહિતી આપતી નથી અને પ્રજા લાભથી વંચિત થવાના ભયથી સાઈબર અપરાધીઓના છટકામાં ફસાઈ જાય છે

- ટેલિકોમ્યુનિકેશન અધિકારી તરીકે યૂઝરના નામે નકલી સિમ ફરતા થયાનું કહીને દબડાવવામાં આવે છે અને પછી નકલી સંચાર સાથી એપ ડાઉનલોડ કરાવીને તેનો ફોન હેક કરીને ડેટા ચોરી કરી લેવાય છે : એસઆઈઆરના નામે મતદારયાદીમાંથી નામ કમી કરવાનું કહીને આપેલી લિંક ઉપર તમામ પુરાવા અપલોડ કરાવાય છે અને ત્યારબાદ ઓટીપીના નામે વેરિફિકેશન કરીને ડેટા ચોરી કરાય છે અને બેન્ક ખાતા પણ ખાલી કરી દેવાય છે : ગુનેગારો પીએફઆઈ સાથે જોડાણ અથવા તો વોટર આઈડી રદ થવું, તમારા પાર્સલમાં ડ્રગ અથવા તો હથિયારો મળવા કે પછી સંદિગ્ધ વસ્તુઓ મળવી વગેરે બાબતો જણાવે છે અને લોકોને છેતરે છે

દેશમાં એક તરફ કહેવાતી ડિજિટલ ક્રાંતિ થઈ રહી છે. લોકોને વિવિધ એપ્સ અને ફોનના માધ્યમથી કામ કરતા કરી દેવાયા છે. આધાર હોય કે પાનકાર્ડ કે પછી બેન્કિંગ હોય કે શોપિંગ કે પેમેન્ટ બધું જ ધીમે ધીમે ઓનલાઈન અને મોબાઈલની મદદથી થવા માંડયું છે. આ સુધારા વચ્ચે, આ આધુનિક ક્રાંતિ વચ્ચે સાઈબર અપરાધીઓ વધારે સક્રિય અને આક્રમક થયા છે. તાજેતરમાં દેશભરમાં એસઆઈઆર હેઠળ લોકોની નોંધણી કરવામાં આવી રહી છે. તેના માટે તેમના આધારકાર્ડ, વોટરઆઈડી કાર્ડ અને અન્ય આઈડડેન્ટિટી કાર્ડની કોપી મેળવવામાં આવી રહી છે. તેવી જ રીતે સંચાર સાથી એપ જેના કારણે સમગ્ર દેશમાં ડેટાચોરી અને જાસુસીનો વિવાદ થયો છે તેના કારણે પણ લોકો સાથે છેતરપિંડીઓ વધવા લાગી છે. ઉલ્લેખનીય છે કે, લોકો સાથે થઈ રહેલી છેતરપિંડીમાં મોટો સવાલ એ આવે છે કે, સરકાર દ્વારા આ દિશામાં યોગ્ય પગલાં કેમ લેવાતા નથી. એક તરફ સરકારી એજન્સીઓની કામગીરીથી લોકો ભયમાં આવી જાય છે ત્યાં આવી એપ અને મતદારોની નોંધણીના નામે અલગ ભય ઊભો કરાયો છે. સરકાર લોકોને પૂરતી માહિતી આપતી નથી કે સમજ આપતી નથી અને ગુનેગારો દ્વારા લોકોની આ જ ગેરસમજ અને અપૂરતી સમજનો લાભ લેવામાં આવે છે. જેમ સરકારના નિયમોના ધતિંગ કરીને ઈન્ડિગો અને પાઈલટ્સ દ્વારા લોકોને બાનમાં લેવાયા તેવી જ રીતે સંચારસાથી અને એસઆઈઆર સાઈબર ગુનેગારો માટે નવા હથિયાર બની ગયા છે.

જાણકારોના મતે જેવી સરકાર દ્વારા કોઈ યોજના જાહેર કરવામાં આવે કે પછી કોઈ ઓનલાઈન કામગીરી કરવામાં આવે તેની સાથે જ સાઈબર ક્રિમિનલ્સ એક્ટિવ થઈ જાય છે. તેઓ સતત સરકારી યોજનાઓ અને જાહેરાતો ઉપર વોચ રાખીને બેઠા હોય છે. સરકાર જાહેર જનતા માટે કોઈપણ ડિજિટલ પગલું ભરે કે કામગીરી કરે અથવા કરાવે ત્યારે તેઓ તેનો ઉપયોગ ગુનાખોરી માટે કરવા લાગી જાય છે. તાજેતરની જ વાત કરીએ તો રાજસ્થાનમાં એસઆઈઆર અભિયાન દરમિયાન સાઈબર ગુનેગારો દ્વારા ઘણા લોકો સાથે છેતરપિંડી કરીને તેમને ડેટા ચોરી લેવામાં આવ્યો છે. તેવી જ રીતે સંચારસાથી એપ થકી પણ લોકો સાથે છેતરપિંડી શરૂ થઈ ગઈ છે. સાઈબર ગુનેગારો સરકારી યોજનાઓનો લાભ લઈને બનાવટી ફોન કરે છે, બનાવટી એપીકે ફાઈલ મોકલે છે અથવા તો અધિકારી બનીને ઓટીપી માગે છે જેના દ્વારા તે સામેની વ્યક્તિનો ડેટા અથવા તો બેન્ક ખાતાની વિગતો મેળવી લે છે. જાણકારોના મતે સરકારી યોજનાઓ હાલમાં સાઈબર ગુનેગારોનું હથિયાર બની ગઈ છે અને સરકાર તેમાં કશું જ કરી શકતી નથી.

ઉલ્લેખનીય છે કે, ડિજિટલ છેતરપિંડી કરવી અથવા તો ગુના કરવા તેનું સામાન્ય લક્ષ્ય ડરાવવા અથવા તો લાભ બતાવીને છેતરવી. તેમાં વિશ્વાસ ઊભો કરવો, તરત કામગીરી કરવા અથવા તો પગલાં લેવા કહેવું જેથી પીડિતને વિચારવાનો સમય જ ન મળે અને તે ઉતાવળે કોઈપણ પગલું ભરી લે જેનો ફાયદો થઈ જાય. હાલમાં જે સંચાર સાથીની નકલી એપીકે ફાઈલ મોકલીને કે પછી એસઆઈઆરમાં ચૂંટણી પંચના અધિકારી અથવા તો બીએલઓના નામે ગુનાખોરી શરૂ કરી દેવાઈ છે.

સંચાર સાથી એપની વાત કરીએ તો વ્યક્તિનો મોબાઈલ ચોરાઈ જાય તો તેને બ્લોક કરવા, આઈએમઈઆઈ નંબરની પુષ્ટી કરવા તથા વ્યક્તિના નામે કેટલા બનાવટી સિમકાર્ડ ફરતા થયા છે તેની જાણ માટે આ એપ બનાવાઈ છે. જો કે લોકો માને છે કે, સરકાર દ્વારા જ આ એપ જાસુસી કરવા બનાવાઈ છે. દરેક ફોનમાં ફરજિયાત નાખવામાં આવશે અને દરેક મોબાઈલની વિગતો મેળવી લેવાશે. સરકાર જાસુસી કરશે ત્યારે કરશે પણ સાઈબર ગુનેગારોએ તો તેના લાભ લેવાનું શરૂ કરી દીધું છે. 

મોટાભાગે ગુનેગારો પોતાને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના અથવા તો સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટિ રજિસ્ટરના અધિકારી તરીકે પ્રસ્તુત કરે છે. તેઓ ધમકાવે છે કે, તમારા નામથી ઘણા બનાવટી અને ગેરકાયદે સિમકાર્ડ ફરતા થયા છે. સંચાર સાથી પોર્ટલ દ્વારા તેને બ્લોક કરવામાં આવ્યા છે. તે ઉપરાંત તમારો મોબાઈલ પણ ચોરીનો હોવાનું બહાર આવ્યું છે. આ બધું જ વેરિફાઈ કરવા માટે તમારા ફોનમાં સંચાર સાથી એપ ડાઈનલોડ કરો. ત્યારબાદ તેઓ નકલી એપની એપીકે ફાઈલ મોકલે છે. વ્યક્તિ દ્વારા નકલી એપ ડાઉનલોડ કરવામાં આવે ત્યારબાદ તેને દબાણ કરીને ઓટીપી શેર કરવા કહેવામાં આવે છે. જેવી નકલી એપમાં ઓટીપી આવે અને વ્યક્તિ તેને જણાવે એટલે તરત જ મોબાઈલ હેક કરી લેવામાં આવે છે.

સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર પ્રક્રિયામાં પણ આવી જ રીતે છેતરવામાં આવે છે. ઈલેક્શન કમિશન દ્વારા મતદાર યાદી સુધારણા માટે અને તેને અપડેટ કરવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે. આ બાબત મતદારો સાથે સીધી રીતે સંકળાયેલી છે તેથી દરેક વ્યક્તિ ગંભીરતાથી જ તેનું કામ કરતી હોય છે. આ દરમિયાન સાઈબર ગુનેગારો એસઆઈઆરના નામે કોઈપણ લિંક ડાઉનલોડ કરી લે છે અથવા તો તરત જ ઓટીપી આપી દે છે. ગુનેગારો ડેટા ચોરી માટે આ કામગીરીનો હાલમાં સૌથી વધારે દૂરુપયોગ કરી રહ્યા છે. તેઓ ચૂંટણી અધિકારી અથવા તો બીએલઓના નામે ફોન કરીને વિગતો માગે છે. ત્યારબાદ ઓટીપી માગે છે અને વ્યક્તિના બેન્ક એકાઉન્ટ, ડેટા અને ફોન હેક કરી લે છે.

ગુનેગારો અહીંયા મોટાભાગે ભયની લાગણીનો ઉપયોગ કરે છે. તેઓ ફોન કરીને મતદારોને ડરાવે છે કે, તમારું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. તેમનું ફોર્મ હાલમાં પેન્ડિંગ રાખવામાં આવ્યું છે અને તેઓ યોગ્ય માહિતી નહીં આપે તો તેમનું નામ રદ કરવામાં આવશે. ત્યારબાદ તેઓ એસઆઈઆર-કરેક્શન નામની નકલી એપીકે ફાઈલ ડાઉનલોડ કરાવે છે. તે ઉપરાંત નકલી સાઈટની લિંક મોકલીને તેની ઉપર ક્લિક કરાવે છે. ઘણા કિસ્સામાં તેઓ બીએલઓ બનીને ભરેલા ફોર્મની પૂનઃચકાસણી કરવાનું કહે છે અને ઓટીપી આપીને વ્યક્તિગત જાણકારીનું વેરિફિકેશન કરાવે છે. તેમાં તેઓ નામ, જન્મતારીખ, આધાર નંબર અને ત્યારબાદ ઓટીપી પણ આપવાનું કહે છે. તેઓ માલવેરની એપીકે મોકલાવીને બધી જ માહિતી લઈ લે છે અને ત્યારબાદ બેન્ક ખાતા ખાલી કરવામાં તેનો ઉપયોગ કરી લે છે. આવી છેતરપિંડીના દરરોજ અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. 

તાજેતરમાં અમદાવાદના એક વૃદ્ધ દંપત્તીને આધાર કાર્ડના નામે છેતરવામાં આવ્યા હતા. તેમના આધાર કાર્ડ આતંકી સંગઠનો સાથે જોડાયેલા હોવાનું કહીને તેમને પાંચ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમની સાથે ૧૫ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. બીજી તરફ ઘણા યુવાનોને વોટ્સએપ અને ટેલીગ્રામ દ્વારા નાણા મંત્રી, વડા પ્રધાન અને ઉદ્યોગપતિઓની તસવીરો ધરાવતા ઈન્વેસ્ટમેન્ટ પ્લાન મોકલીને રોકાણ માટે અને ઝડપી તથા બમણા રિટર્નના નામે છેતરવામાં આવે છે. તે ઉપરાંત નિવૃત્ત લોકોને પેન્શન માટે હયાતીનું સર્ટિફિકેટ ઓનલાઈન ભરાવવાના નામે કે વિગતો અપડેટ કરાવવાના નામે ઓટીપી માગવામાં આવે છે. તેના થકી તેમના ખાતા ખાલી કરી દેવાય છે. થોડા સમય પહેલાં જ ૮૧ વર્ષના એક નિવૃત્ત સરકારી એન્જિનિયરના ખાતામાંથી ૨૬ લાખની ઉઠાંતરી કરવામાં આવી હતી. તે ઉપરાંત થોડા દિવસ પહેલાં જ ૭૯ વર્ષની એક મહિલા સાથે ૩૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ છેતરપિંડી કરનારા લોકો દ્વારા ઈન્ફોસિસના સ્થાપક નાયારણ મૂર્તિના બનાવટી વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના થકી તેઓ મહિલાને નકલી ટ્રેડિંગ સાઈટ ઉપર લઈ ગયા અને ત્યાં ફુલેકુ ફેરવી દીધું. તેવી જ રીતે મુકેશ અંબાણીના નકલી વીડિયો દ્વારા બે લોકો સાથે ૯૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.  

ભય, ગુના અને અભાવના મનોવિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે 

જાણકારો માને છે કે, ગુનેગારો દ્વારા સામાન્ય માણસની સાઈકોલોજીનો દૂરુપયોગ કવરામાં આવે છે. તેઓ લેટેસ્ટ ઘટનાઓ, સમચારો અને યોજનાઓની માહિતી લેતા હોય છે. તેનો જ ઉપયોગ લોકોને છેતરવા કરે છે. પીએફઆઈ સાથે જોડાણ અથવા તો વોટર આઈડી રદ થવું, તમારા પાર્સલમાં ડ્રગ અથવા તો હથિયારો મળવા કે પછી સંદિગ્ધ વસ્તુઓ મળવી વગેરે બાબતો જણાવે છે અને લોકોને છેતરે છે. તેના દ્વારા લોકોમાં ભય ઊભો થાય છે. એક વખત વ્યક્તિ ગભરાઈ જાય ત્યારબાદ વિચાર્યા વગર આ ગુનેગારોના સકંજામાં આવતી જાય છે અને પૈસા અથવા માહિતી આપી દે છે. બીજી તરફ સરકારી એજન્સીઓ જેમ કે, સીબીઆઈ, ઈડી, ઈન્કમટેક્સ, મુંબઈ પોલિસ, ક્રાઈમ બ્રાન્ચ, એનઆઈએ વગેરેના અધિકારીઓના નામે ફોન કરવામાં આવે છે. તે ઉપરાંત નાણામંત્રી, ગૃહમંત્રી કે વડા પ્રધાનની તસવીરો લગાવીને વિવિધ યોજનાની માહિતી મોકલીને છેતરપિંડી કરવામાં આવે છે. નિર્મલા સીતારામનનો ફોટો લગાવીને ઘણા લોકો સાથે ઈન્વેસ્ટમેન્ટ સ્કીમની લિંક દ્વારા છેતરપિંડી કરાઈ છે. ગુનેગારો મોટાભાગે નવી યોજનાઓ, નવી એપ કે નવી વ્યવસ્થાનો લાભ લેતા હોય છે જેમાં લોકો પાસે પૂરતી માહિતી હોતી નથી અને અટવાઈ જવાનો ભય હોય છે. મોટાભાગે વૃદ્ધોને ટાર્ગેટ કરવામાં આવે છે. તેઓ પેન્શન, આયુષ્માન કાર્ડ, હેલ્થ યોજનાઓ જેવામાં ફસાય છે. તેવી જ રીતે યુવાનોને ટેક્સ રિફંડ અને ટેક્સ બેનિફિટ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમના નામે લિંક મોકલીને છેતરવામાં આવે છે. ઘણા લોકોને ડ્રગ્સ, હથિયારો કે નશીલા પદાર્થોની સ્મગલિંગના નામે વોરંટ મોકલીને ડિજિટલ અરેસ્ટ કરીને છેતરવામાં આવે છે. મૂળ વાત એવી છે કે, સરકાર દ્વારા પૂરતી માહિતી અપાતી નથી, યોગ્ય વ્યવસ્થા કરાતી નથી અને બઘવાયેલી પ્રજા કોઈપણ વાતમાં આવી જાય છે અને છેતરાઈ જાય છે.