સુતોમુ યામાગુચી : હિરોશિમા, નાગાશાકી વિસ્ફોટમાં બચી જનાર એકમાત્ર વ્યક્તિ
- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાન ઉપર બે પરમાણુ બોમ્બ ફેંક્યા અને ભયાનક નરસંહાર થયો
- હાલમાં વિશ્વ ઉપર ટેરિફ બોમ્બ ફેંકનારા અમેરિકાએ બેજવાબદાર નિર્ણય કરીને આજથી ૮૦ વર્ષ પહેલાં જાપાન ઉપર પરમાણુ બોમ્બ ફેંક્યા હતા અને ભયાનક નરસંહાર કર્યો હતો : આજે નાગાસાકી ઉપર પરમાણુ બોમ્બ પડયાની ૮૦મી વરસીએ લોકો સુતોમુ યામાગુચીને યાદ કરે છે. આ એવી વ્યક્તિ છે જે હિરોશિમા અને નાગાસાકી બંને બોમ્બ બ્લાસ્ટમાં જીવીત બચી હતી : ઈતિહાસમાં એવું જણાવાયું છે કે, અંદાજે ૧૬૫ લોકોએ બંને પરમાણુ વિસ્ફોટનો અનુભવ કર્યો હતો. તેમ છતાં યામાગુચી એકમાત્ર એવી વ્યક્તિ હતા જેમને જાપાન સરકાર દ્વારા અધિકારિક રીતે નિજુ હિબાકુશાની માન્યતા આપવામાં આવી હતી : મહત્ત્વની વાત એવી પણ છે કે, દુનિયામાં અત્યાર સુધીમાં જાપાન જ એવો એકમાત્ર દેશ છે જેના ઉપર પરમાણુ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો
માનવજાતને પળવારમાં ભરખી જનારા પરમાણુ હથિયારો અને પરમાણુ બોમ્બ મુદ્દે વિશ્વમાં ચારેતરફ ભય અને દબાણની સ્થિતિ છે અને મહાસત્તાઓ અન્ય દેશોને આ મુદ્દે દબાવવા કાગારોળ કરી રહી છે ત્યારે ઈતિહાસની એક ઘટનામાં ડોકિયું કરવા કેવું છે. હાલમાં સમગ્ર વિશ્વના દેશો ઉપર ટેરિફ બોમ્બ વરસાવનારા અમેરિકાએ આજથી ૮૦ વર્ષ પહેલાં બેજવાબદાર નિર્ણય કરીને જાપાન ઉપર પરમાણુ બોમ્બ ફેંક્યા હતા. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાનના હિરોશિમા અને નાગાસાકી બે શહેરો ઉપર અમેરિકા દ્વારા અનુક્રમે ૬ ઓગસ્ટ ૧૯૪૫ અને ૯ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ હુમલામાં હિરોશીમામાં ૮૦,૦૦૦ જ્યારે નાગાસાકી શહેરમાં ૪૦,૦૦૦ લોકોના મોત થયા હતા. આ ઘટનાને આજે આઠ દાયકા પસાર થઈ ગયા છે પણ તેની પીડા અને તેના ઉઝરડા આજે પણ જાપાનવાસીઓના મનમાં અને શરીરમાં દેખાય છે.
આ બંને બોમ્બમારા દરમિયાન એક ચમત્કાર પણ થયો હતો. આ એક એવો ચમત્કાર હતો જેને આજે ૮૦ વર્ષે પણ લોકો યાદ કરે છે. આજે નાગાસાકી ઉપર પરમાણુ બોમ્બ પડયાની ૮૦મી વરસીએ લોકો સુતોમુ યામાગુચીને યાદ કરે છે. આ એવી વ્યક્તિ છે જે હિરોશિમા અને નાગાસાકી બંને બોમ્બ બ્લાસ્ટમાં જીવીત બચી હતી. ત્રણ દિવસના અંતરે બંને શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને સુતોમુ આ પરમાણુ બ્લાસ્ટમાં બચી ગયાય તેમને આ હુમલા પછી બંને હુમલામાં બચી ગયેલી એકમાત્ર વ્યક્તિ તરીકે અધિકારિક માન્યતા આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓ ૨૦૧૦ સુધી જીવીત હતા. ૨૦૧૦માં તેમનું ૯૩ વર્ષની ઉંમરે અવસાન થયું હતું.
સુતોમુ યામાગુચી તે સમયે ૨૯ વર્ષના હતા અને તેઓ મિત્સૂબિશી હેવી ઈન્ડસ્ટ્રીઝમાં એન્જિનિયર તરીકે કામ કરતા હતા. જે દિવસે હિરોશિમા ઉપર પરમાણુ બોમ્બ નાખવામાં આવ્યો તે સમયે તેઓ હિરોશિમા છોડવાની તૈયારીઓ કરતા હતા. તેઓ એક બિઝનેસ ટ્રીપ ઉપર હિરોશિમા આવ્યા હતા. તેઓ અહીંયા ત્રણ મહિના માટે આવ્યા હતા અને ૬ ઓગસ્ટ ૧૯૪૫ તેમની બિઝનેસ ટ્રીપનો છેલ્લો દિવસ હતો. તેમણે તે દરમિયાન એક નવા ઓઈલ ટેન્કરના પ્રોજેક્ટ ઉપર કામ કર્યું હતું. તેઓ પોતાના ઘરે પરત જવા માટે ઉત્સુક હતા.
અહેવાલો પ્રમાણે ૬ ઓગસ્ટે સવારે તેઓ પોતાના ઘરે જવાની તૈયારી કરતા હતા ત્યારે અચાનક આકાશમાં પરિવર્તન દેખાયું. યામાગુચીએ ઉપર જોયું તો અમેરિકાનું બી-૨૯ બોમ્બાર્ડ વિમાન આકાશમાં ઉડી રહ્યું હતું. તેણે અચાનક એક વસ્તુ છોડી જે પેરાશૂટની મદદથી નીચે આવતી દેખાઈ. આકાશમાં તેજનો એક મોટો લિસોટો દેખાયો. ત્યારબાદ મેગ્નેશિયમની ચમક જેવી વિશાળ વીજળી થઈ હોય તેવું તેમને દેખાયું. પોતાને બચાવવા માટે તેઓ એક ખીણમાં કુદી ગયા. બ્લાસ્ટની અસર એટલી મોટી હતી કે, જમીન ઉપર ખેંચાઈ ગઈ અને તેઓ પણ ફંગોળાઈ ગયા. આ ઝાટકાના લીધે તેઓ ખીણની બાજુમાં આવેલા બટાકાના ખેતરમાં જઈને પટકાયા.
સુતોમુ જ્યારે ભાનમાં આવ્યા ત્યારે આસપાસ અંધારું હતું. વિસ્ફોટના કારણે ધોળા દિવસે અંધારું છવાઈ ગયું હતું. તેમનો ચહેરો અને હાથ બળી ગયા હતા. તેમના બંને કાનના પડદા ફાટી ગયા હતા. ઉપર આકાશમાં મશરૂમના આકારનું મોટું ધુમાડાનું વાદળ દેખાતું હતું અને તેમાંથી રાખ વરસતી હતી. યામાગુચી સ્તબ્ધ બનીને આ બધું જોઈ રહ્યા હતા. થોડા સમય પછી તેઓ સહેજ સભાન બન્યા અને પોતાની આસપાસ બધું જોવા અને તપાસવા લાગ્યા. તેઓ મિત્સુબિશીના શિપયાર્ડના અવશેષો શોધીને તેની તરફ આગળ વધવા લાગ્યા. અહીંયા ચમત્કારિક રીતે તેમને અકીરા ઈવાનગા અને કિનિયોશી સાતો નામના તેમના બે સાથી કર્મચારીઓ મળ્યા. આ ત્રણેય લોકો આ બ્લાસ્ટમાં બચી ગયા હતા. ત્રણેય ભેગા થઈને એક બંકરમાં ગયા અને રાત્રે ત્યાં રોકાયા. બીજા દિવસે સવારે તેઓ રેલવે સેવા ચાલુ હોવાનું જાણીને ટ્રેનમાં ગયા અને પોતાના શહેર પરત ફરી ગયા.
સુતોમુ યામાગાચીએ એક ડોક્યુમેન્ટ્રીમાં જણાવ્યું હતું કે, ૮ ઓગસ્ટે જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો પહેલાં તેમણે એક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લીધી. ત્યારબાદ તેઓ ઘરે ગયા. તેમને એટલી ગંભીર ઈજા થઈ હતી કે, તેમનો પોતાનો પરિવાર તેમને ઓળખી શકતો નહોતો. તેમના શરીરે થયેલી પાટાપીંડી જોઈને તેમની માતા ગભરાઈ ગઈ હતી. તેમના શરીરમાં ખૂબ જ નબળાઈ આવી ગઈ હતી. આવી સ્થિતિમાં પણ ૯ ઓગસ્ટના દિવસે યામાગુચી પોતાની ઓફિસમાં કામ કરવા માટે ગયા હતા. તેઓ મિત્સુબિશીના નાગાસાકીના કાર્યાલય ખાતે કામ કરવા પહોંચ્યા હતા. અહીંયા એક મિટિંગનું આયોજન થયું હતું. તેમાં કંપનીના ડાયરેક્ટર દ્વારા તેમને હિરોશિમા ઘટના વિશે પૂછવામાં આવ્યું હતું.
યામાગુચીએ હિરોશિમાની ઘટના વિશે બધું જ જણાવવાની શરૂઆત કરી દીધી. તેઓ પોતાનો અનુભવ કહેતા હતા કે કેવી રીતે એક બોમ્બ પડયો અને સમગ્ર શહેર બરબાદ થઈ હતું. તેઓ બધું જ જણાવતા હતા ત્યાં ફરી બહાર કોલાહલ થયો. તેમણે જોયું તો આકાશમાં પ્રકાશનો એક તેજ લિસોટો દેખાયો. ત્યારબાદ એક મોટો શોકવેવ આવ્યો અને યામાગુચી ત્યાં જ પડી ગયા. આ વિસ્ફોટમાં તેમની ઓફિસની બિલ્ડિંગને પણ વ્યાપક નુકસાન થયું. મોટાભાગનો હિસ્સો કાટમાળમાં ફેરવાઈ ગયો. ઓફિસમાં તેઓ પછડાયા હતા ત્યાં પણ કાચ અને કાટમાળ વિખરાઈ ગયો.
થોડા સમય બાદ તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મને એમ લાગતું હતું કે, મોતનું એ તાંડવ એ મશરૂમનું વાદળ જાણે કે મારો પીછો કરતું હોય તેમ આવ્યું હતું. તેમણે પોતાના મૃત્યુના એક વર્ષ પહેલાં પત્રકારો સાથે પણ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારા ઉપર થયેલું બેવડું રેડિયેશન અને બે પરમાણુ બોમ્બની ઘટનામાં બચી જવું ખૂબ જ મોટી બાબત છે. સરકારી ચોપડે તેની નોંધ લેવામાં આવી છે. આગામી પેઢીને પરમાણુ બોમ્બના ભયાનક ઈતિહાસ અને તેની અસરો જાણવા મળશે ત્યારે મારા નામની ચોક્કસ ચર્ચા થશે. મારું શરીર અને તેનું રેડિયેશન આ બાબતની ચાડી ખાતું હતું. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૦માં ૯૩ વર્ષની ઉંમરે પેટના કેન્સરના કારણે યામાગુચીનું અવસાન થયું હતું.
ઉલ્લેખનીય છે કે, ઈતિહાસમાં એવું જણાવાયું છે કે, અંદાજે ૧૬૫ લોકોએ બંને પરમાણુ વિસ્ફોટનો અનુભવ કર્યો હતો. તેમ છતાં યામાગુચી એકમાત્ર એવી વ્યક્તિ હતા જેમને જાપાન સરકાર દ્વારા અધિકારિક રીતે નિજુ હિબાકુશાની માન્યતા આપવામાં આવી હતી. આ ખિતાબનો અર્થ થાય છે, બંને પરમાણુ બોમ્બ વિસ્ફોટનો ભોગ બનેલી વ્યકતિ. મહત્ત્વની વાત એવી પણ છે કે, દુનિયામાં અત્યાર સુધીમાં જાપાન જ એવો એકમાત્ર દેશ છે જેના ઉપર પરમાણુ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. તે સમયે અમેરિકી અખબારોએ દાવો કર્યો હતો કે, હિરોશિમામાં ૧,૪૦,૦૦૦ જ્યારે નાગાસાકીમાં ૭૦,૦૦૦ લોકોનાં મોત થયા હતા.
મોતનો આંકડો જે હોય તે પણ તત્કાલિન પેઢીને ભયાનક નુકસાન અને પીડામાં મુકાવું પડયું હતું.
જાપાનની સૈન્ય શક્તિ નષ્ટ કરવા બંને શહેરો પર અમેરિકાએ બોમ્બ ફેંક્યો
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાને જે રીતે અમેરિકાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો તેનો પાઠ ભણાવવા માટે અમેરિકાએ જઘન્ય રસ્તો અપનાવ્યો હતો. અમેરિકાએ ત્રણ દિવસમાં બે પરમાણુ બોમ્બ જાપાન ઉપર નાખ્યા અને જોત જોતામાં બીજું વિશ્વ યુદ્ધ સમાપ્ત થઈ ગયું. જાપાનની સાથે સાથે સમગ્ર યુદ્ધ જ આટોપાઈ ગયું હતું. જાપાની સેનાએ અઠવાડિયામાં જ મિત્ર દેશો સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી. કહેવાય છે કે, ૬ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ સવારે ૮:૧૫ કલાકે અમેરિકાના બી૨૯ બોમ્બર વિમાને લિટલ બોય નામનો પરમાણુ બોમ્બ છોડયો જેમાં ૨૦ હજાર ટન ટીએનટીથી વધારે વિસ્ફોટ ક્ષમતા હતા. લોકો ઓફિસોમાં અને બાળકો સ્કુલ, કોલેજોમાં જીવતા ભુંજાઈ ગયા હતા. ત્રણ દિવસ પછી નાગાસાકી ઉપર સવારે ૧૧ વાગ્યા ફેટ મેન નામનો પરમાણુ બોમ્બ નાખ્યો અને તેમાં ૪૦ હજાર લોકોનાં મોત થયા. બોમ્બ ખીણમાં પડયો હોવાથી શહેરમાં ખાસ નુકસાન દેખીતી રીતે થયું નથી.
બોમ્બ ખીણમાં પડવાથી તે શહેરમાં લાંબા અંતર સુધી ફેલાયો નહીં તે જાપાનનું સદનસીબ હતું. જાપાને તે સમયે અમેરિકા ઉપર હુમલા કરી કરીને તણાવ વધારી દીધો હતો.
અમેરિકાએ ચેતવણી આપી હતી કે, જાપાન શાંતિ જાળવે અને સમર્પણ કરે નહીંતર તેના શહેરોને નષ્ટ કરી દેવાશે. જાપાને વાત માની નહીં અને આડોડાઈ કરતું રહ્યું. અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકીની પસંદગી પરમાણુ બોમ્બ નાખવા માટે કરી લીધી. અમેરિકાને યુદ્ધમાં સોવિયેત સંઘ કરતા આગળ વધવું હતું અને જાપાનનને દબાવીને અમેરિકા શક્તિપ્રદર્શન કરવા માગતું હતું. આ બંને શહેરોની એટલા માટે પણ પસંદગી કરવામાં આવી કારણ કે અહીંયા તેમના સૈન્ય ઉત્પાદનની મહત્ત્વનવા સાધનો પડયા હતા. હિરોશીમા શહેરમાં ઘણી સરકારી કચેરીઓ, હેડક્વાર્ટર અને બિઝનેસ સેન્ટર અને સૈન્ય હેડક્વાર્ટર તથા સૈન્ય સપ્લાયના જૂદા જુદા મોટા સેન્ટર હતા.
જાપાન ઉપર બેવોડો હુમલો કરવા અમેરિકાએ અહીંયા પરમાણુ બોમ્બ ફેંક્યા. તેના દ્વારા જાપાનની કમર ભાગી ગઈ. આ હુમલા બાદ બીજું વિશ્વ યુદ્ધ તો પૂરું થઈ ગયું પણ માનવતા ઉપર પરમાણુ હમલાનો કાયમી કાળો ડાઘ છોડતું ગયું.