Get The App

માત્ર સમજુતીથી હોર્મુઝ ખુલશે નહીં, મરિન માઈન્સ હટાવતા સમય લાગશે

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
માત્ર સમજુતીથી હોર્મુઝ ખુલશે નહીં, મરિન માઈન્સ હટાવતા સમય લાગશે 1 - image

- હોર્મુઝની ખાડી અને તેની આસપાસ ઈરાને બિછાવેલી મરિન માઈન્સ દૂર કરવામાં ૬ મહિના જેટલો સમય લાગશે અને કરોડો રૂપિયો ખર્ચ થશે

- સી માઈન્સ કે નેવલ માઈન્સ પાણીની અંદર છુપાવેલા વિસ્ફોટકો છે. આ વિસ્ફોટકો જહાજના સંપર્કમાં આવતા જ ફુટે છે અને જહાજ નષ્ટ થઈ જાય છે. તે કોઈપણ હલનચલન વગર મહિનાઓ સુધી પાણીમાં પડયા રહે છે. તે જહાજોના સંપર્કમાં આવતા જ બ્લાસ્ટ થાય છે. નેવલ માઈન્સ સમુદ્રની સપાટી, તળીયે અથવા તો પાણીની અંદર તરતા એવા મોતના દૂત છે: હોર્મુઝમાં માઈન્સ હન્ટિંગ કરવાનું અને તેને શોધીને નષ્ટ કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. હોર્મુઝની ખાડીમાં પાણીનો પ્રવાહ વધારે છે તેથી માઈન્સ હાલતી ડોલતી રહેતી હોય છે. તેના કારણે તેને લોકેટ કરવી મુશ્કેલ બની જાય છે. અહીંયા સમુદ્રની ઉંડાઈ એકસમાન નથી અને તેના કારણે જ આ કામ વધારે કપરું થઈ જાય છે: એકોસ્ટિક અને મેગ્નેટિક સિમ્યુલેશન દ્વારા પણ તેને નષ્ટ કરવામાં આવે છે. જહાજ દરિયામાં જતા નથી પણ સુરક્ષિત જગ્યાએથી એવા સાધનો પાણીમાં છોડવામાં આવે છે જે મોટા જહાજોના એન્જિન જેવો અવાજ કાઢે છે અથવા તો તેના જેવું મેગ્નેટિક ફિલ્ડ ઊભું કરે છે. તેના કારણે મરિન માઈન્સને ભ્રમ ઊભો થાય છે કે, મોટા જહાજ પસાર થઈ રહ્યા છે અને તેને નષ્ટ કરવા માટે માઈન્સ બ્લાસ્ટ થઈ જાય છે

અમેરિકા અને ઈરાન વચ્ચે હાલમાં યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. આમ જોવા જઈએ તો દુનિયા માટે સારા સમાચાર છે. ખાસ કરીને દુનિયાભરમાં ક્રૂડ અને ગેસની જે અછત ઊભી થઈ છે તેમાં રાહત મળે તેમ લાગી રહ્યું છે. જાણકારોના મતે ઈરાન દ્વારા જે શરતો મુકવામાં આવી છે તેના આધારે હોર્મુઝની ખાડી ખોલી દેવામાં આવશે. હવે ભારત સહિત દુનિયાભરના જહાજ સરળતાથી આવનજાવન કરી શકશે તેવું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ એવી પણ વાત છે કે, હોર્મુઝની ખાડીની આસપાસ ઈરાન દ્વારા દરિયામાં નેવલ માઈન્સ અને મરિન માઈન્સ પ્લાન્ટ કરવામાં આવી છે. તેણે થોડોઘણો વિસ્તાર જ ખાલી રાખ્યો છે જ્યાંથી તે ઈચ્છે તેના જહાજ હાલમાં પણ પસાર થઈ રહ્યા છે. બાકી બધા ઉપર પ્રતિબંધ છે.

ઉલ્લેખનીય છે કે, હવે પંદર દિવસ માટે યુદ્ધ વિરામ થયો છે ત્યારે આ રૂટ ખોલવો જોઈએ અને ખુલી જશે તેવી આશા છે. વાત એવી છે કે, યુદ્ધ દરમિયાન ઈરાને હોર્મુઝની ખાડીમાં નેવલ માઈન્સ અને મરિન માઈન્સ પ્લાન્ટ કર્યા હતા. 

આ માઈન્સ એટલી મોટી સંખ્યામાં હતા કે તેની સાથે કોઈપણ જહાજ ટકરાય તો વ્યાપક નુકસાન થાય તેમ છે. ઈરાને થોડી જગ્યામાંથી નીકળવા કોડ અને શરતો રાખ્યા છે. હવે જ્યારે યુદ્ધ વિરામ થયો છે અને વેપાર શરૂ થવાની આશા છે ત્યારે આ સૌથી મોટા ખતરાનો ઉકેલ લાવવો પડશે. નેવલ માઈન્સ કેવી રીતે દૂર કરવા તેના ઉપર કામ કરવું પડશે. 

ખરેખર ઈરાને એટલા માઈન્સ બિછાવ્યા છે કે, તેનાથી વેપાર જગતને વ્યાપક નુકસાન થાય તે પણ વિચારવા યોગ્ય બાબત છે. જો ખરેખર આ માઈન્સ દૂર કરવાની આવે તો તેમાં ઘણો સમય લાગી શકે તેમ છે. તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ થશે.

ઉલ્લેખનીય છે કે, સી માઈન્સ કે નેવલ માઈન્સ પાણીની અંદર છુપાવેલા વિસ્ફોટકો છે. આ વિસ્ફોટકો જહાજના સંપર્કમાં આવતા જ ફુટે છે અને જહાજ નષ્ટ થઈ જાય છે. તે કોઈપણ હલનચલન વગર મહિનાઓ સુધી પાણીમાં પડયા રહે છે. તે જહાજોના સંપર્કમાં આવતા જ બ્લાસ્ટ થાય છે. નેવલ માઈન્સ સમુદ્રની સપાટી, તળીયે અથવા તો પાણીની અંદર તરતા એવા મોતના દૂત છે જે મોટા જહાજો અને સબમરીનો માટે તાંડવ સર્જી શકે છે. આમ જોવા જઈએ તો બીજા વિશ્વયુદ્ધમાં નેવલ માઈન્સનો સૌથી વધારે, અસરકારક અને રણનીતિક હથિયાર તરીકે ઉપયોગ થયો હતો. ઓપરેશન સ્ટાર્વેશન તેનું ઉત્તમ ઉદાહરણ હતું. અમેરિકાએ પેસિફિક મહાસાગરમાં ૧૨,૦૦૦ નેવલ સુરંગો ફેલાવી દીધી. તેના દ્વારા અમેરિકાએ જાપાનના ૬૫૦થી વધારે જહાજો નષ્ટ કરી નાખ્યા. જાપાનની નેવીને અને વેપારને વ્યાપક નુકાસન પહોંચાડયું.

જાણકારોના મતે વિવિધ દેશો દ્વારા માઈનલેયર જહાજ દ્વારા નેવલ માઈન્સ લગાવવાનું કામ થાય છે. આ જહાજ માઈન્સ લગાવવા માટે જ ખાસ કરીને ડિઝાઈન કરવામાં આવ્યા હોય છે. આવા જહાજ રેલિંગ દ્વારા માઈન્સને પાણીમાં નાખતા રહે છે. સામાન્ય દેખાતી સ્પીડબોટ્સ અથવા તો વ્યાપારી જહાજ દ્વારા પણ આવી માઈન્સને પાણીમાં નાખી દેવામાં આવતી હોય છે. તે ઉપરાંત સબમરીનો દ્વારા ગુપ્ત રીતે માઈન્સ પાણીમાં ગોઠવવામાં આવે છે. 

જાણકારોના મતે સબમરીનો ટોર્પિડો ટયૂબ દ્વારા દુશ્મનના દરિયામાં ઘુસીને ત્યાં નેવલ માઈન્સ ફેલાવી આવે છે. અત્યંત ગુપ્ત રીતે આવી કામગીરી પૂરી થઈ જાય છે. ઘણા કિસ્સામાં પ્લેન અને હેલિકોપ્ટરની મદદથી પણ દરિયામાં માઈન્સ ફેલાવવવામાં આવે છે. માઈન્સને પેરાશૂટની મદદથી દરિયા ઉપર ઉતારવામાં આવે છે. આ સિવાય છીછરા પાણીમાં તરવૈયાઓને ઉતારીને પણ માઈન્સ લગાવવાનું કામ કરવામાં આવે છે.

નેવલ માઈન્સ કે મરિન માઈન્સની વાત કરીએ તો સામાન્ય રીતે તે ત્રણ પ્રકારના હોય છે. તેમાં પહેલા પ્રકારના માઈન્સને કોન્ટેક્ટ માઈન્સ કહેવાય છે. જે પરંપરાગત રીતે બનતા માઈન્સ છે. તે જહાજ સાથે ટકરાય છે અને બ્લાસ્ટ થઈ જાય છે. બીજા હોય છે મેગ્નેટિક માઈન્સ. આ માઈન્સ એવા છે જે જહાજ સાથે જોડાયેલા લોખંડથી આકર્ષાય છે અને જહાજની નીચે ચોંટતાની સાથે જ વિસ્ફોટ થાય છે. ત્રીજા પ્રકારના હોય છે એકોસ્ટિક માઈન્સ જે અત્યાધુનિક માઈન્સ છે. તે એન્જિનનો અવાજ અથવા તો પ્રોપેલરનો અવાજ સાંભળીને એક્ટિવ થઈ જાય છે અને જહાજ તેની આસપાસ આવતા જ તે બ્લાસ્ટ થાય છે અને જહાજને વ્યાપક નુકસાન કરે છે.

આ તમામ માઈન્સને દૂર કરવા ખૂબ જ કપરું કામ છે. હોર્મુઝમાં માઈન્સ હન્ટિંગ કરવાનું અને તેને શોધીને નષ્ટ કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. 

હોર્મુઝની ખાડીમાં પાણીનો પ્રવાહ વધારે છે તેથી માઈન્સ હાલતી ડોલતી રહેતી હોય છે. તેના કારણે તેને લોકેટ કરવી મુશ્કેલ બની જાય છે. અહીંયા સમુદ્રની ઉંડાઈ એકસમાન નથી અને તેના કારણે જ આ કામ વધારે કપરું થઈ જાય છે. નીચે રહેલા ખડકો, જહાજોના કાટમાળ, ઘાસ અને સમુદ્રની વનસ્પતીઓની વચ્ચે પડેલી માઈન્સ શોધવી મુશ્કેલ અને અઘરી થઈ જાય છે. તેથી જ આ કામમાં સમય લાગે તેમ છે.

જાણકારો માને છે કે, હોર્મુઝની ખાડીમાં ઈરાને મોટી સંખ્યામાં નેવલ માઈન્સ બિછાવેલી છે. તેને સંપૂર્ણ રીતે દૂર કરવામાં અને સાફ કરવામાં અંદાજે ઓછામાં ઓછો છ મહિનાનો સમય લાગે તેમ છે. જો વધારે કામ જટિલ હશે તો ૧ વર્ષ પણ લાગે તેમ છે. 

જાણકારો માને છે કે, જ્યારે માઈન્સ પ્લાન્ટ કરવાની હોય છે ત્યારે ઓછી રકમમાં કામ પૂરું થઈ જાય છે પણ જ્યારે આ માઈન્સને સુરક્ષિત રીતે બહાર કાઢવાની હોય છે કે નિષ્ક્રિય કરીને બહાર લાવવાની હોય છે ત્યારે તેમાં લાખો ડોલરનો ખર્ચ થતો હોય છે. જ્યાં સુધી સમગ્ર ખાડી અને દરિયાનો રસ્તો સાફ નહીં થાય ત્યાં સુધી કોઈ વીમા કંપની જહાજોને ઓપરેશન માટે પરવાનગી આપશે નહીં કે તેની જવાબદારી પણ લેશે નહીં.

લાકડા અને ફાઈબર ગ્લાસના વિશેષ જહાજ દ્વારા માઈન્સ દૂર કરાય છે 

મરિન માઈન્સ દૂર કરવા માટે વિશેષ તકેદારી રાખવામાં આવે છે. માઈન્સવીપર જાહાજો દ્વારા તેને દૂર કરવાનું કામ કરવામાં આવે છે. આ ખાસ રીતે બનાવાયેલા જહાજ હોય છે જેમાં લોખંડનો ઉપયોગ થયો હોતો નથી. 

આ લાકડા અને ફાઈબરગ્લાસ દ્વારા બનાવાયેલા વિશેષ જહાજ હોય છે જેનાથી મેગ્નેટિક માઈન્સ સુધી સરળતાથી પહોંચી શકાય છે. આ જહાજની પાછળના ભાગમાં વિશેષ તાર અથવા તો જાળ લગાવવામાં આવે છે. આ જહાજો દરિયામાંથી પસાર થાય છે ત્યારે માઈન્સ સાથે બંધાયેલા તાર અથવા તો સાંકળો કપાઈ જાય છે અને માઈન્સ ઉપર સપાટીએ આવી જાય છે. ત્યારબાદ તેને ગોળી મારીને નષ્ટ કરાય છે અથવા તો ડિફ્યૂઝ કરીને કિનારે લઈ આવવામાં આવે છે. એકોસ્ટિક અને મેગ્નેટિક સિમ્યુલેશન દ્વારા પણ તેને નષ્ટ કરવામાં આવે છે. જહાજ દરિયામાં જતા નથી પણ સુરક્ષિત જગ્યાએથી એવા સાધનો પાણીમાં છોડવામાં આવે છે જે મોટા જહાજોના એન્જિન જેવો અવાજ કાઢે છે અથવા તો તેના જેવું મેગ્નેટિક ફિલ્ડ ઊભું કરે છે. તેના કારણે મરિન માઈન્સને ભ્રમ ઊભો થાય છે કે, મોટા જહાજ પસાર થઈ રહ્યા છે અને તેને નષ્ટ કરવા માટે માઈન્સ બ્લાસ્ટ થઈ જાય છે. આ રીતે માઈન્સ પણ ફુટી જાય છે અને કોઈ નુકસાન પણ થતું નથી. મહત્ત્વની વાત એ છે કે, આજકાલ અંડરવોટર રોબોટ્સ અને ડ્રોન્સ પણ ખૂબ જ ચલણમાં છે. 

આ નાના રોબટ્સ, ડ્રોન્સ અને રોબોટિક સબમરીનો હોય છે. તેમાં સોનાર લગાવેલા હોય છે જે માઈન્સ શોધે છે અને તેની નજીક જઈને તેના ઉપર નાના વિસ્ફોટકો લગાવી દે છે. ત્યારબાદ તેને રિમોટ દ્વારા બ્લાસ્ટ કરીને માઈન્સ નષ્ટ કરવામાં આવે છે. આ રીતે માણસો માટે જોખમ ઊભું કર્યા વગર ટેક્નોલોજીની મદદથી માઈન્સ નષ્ટ કરવામાં આવે છે. 

બીજી એક નવાઈની વાત એ છે કે, અમેરિકન નેવી અને રશિયન નેવી, ચીનના નેવી તથા કેટલાક દેશોના નેવી દ્વારા ડોલ્ફિન અને સી લાયન્સને ટ્રેનિંગ આપવામાં આવે છે. આ દરિયાઈ પ્રાણીઓ સોનારને અનુભવી શકે છે અને તેના વેવ્ઝ સાંભળી શકે છે. આ જાનવરો દરિયામાં નીચે જઈને જ્યાં પણ માઈન્સ છે ત્યાં જઈને તેની પાસે માર્કર લગાવી દે છે. ત્યારબાદ મરજીવાઓ નીચે ઉતરે છે અને માઈન્સ શોધી કાઢે છે. આ રીતે પણ માઈન્સ શોધીને તેને નિષ્ક્રિય કરવામાં આવે છે.