- હસબન્ડ-વાઈફ પૈસેટકે સુખી હોવા છતાં સતત બેચેની, વિવશતા અનુભવે છે : વળી, ઈગો પ્રોબ્લેમ વધ્યો છે અને સહિષ્ણુતા ઘટી છે
- એક વેબસાઈટે કરેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે ભારતના શહેરોની યુવાન પરિણીત સ્ત્રીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ ઊંચુ છે. એનું મુખ્ય કારણ લગ્ન બાદ ઘર ચલાવવાની અને બાળકોના ઉછેરની જવાબદારી નિભાવતી વખતે પડતો સ્ટ્રેસ છે. તેમાંય સાસુ સસરા ત્રાસ આપતા હોય, ઘરમાં વારંવાર કલેશ થતાં હોય તો પતિ-પત્ની બંનેનું દાંપત્ય જીવન ખોરવાઈ જાય છે.
ભારતના યુવાન દંપતિઓ માટે લગ્નજીવન હવે પહેલા જેટલુ આનંદદાયક નથી રહ્યું. ખાસ તો એટલા માટે કે પતિ-પત્ની બંને નોેકરી કરતા પ્રોફેશનલો હોવાથી બંને પોતપોતાની રીતે દાંપત્ય જીવનમાં તાણ (સ્ટ્રેસ) અનુભવે છે. એક દાખલો લઈએ. અજય અને આશા પટેલ બંને અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) ના ગ્રેજ્યુએટ છે. તેઓ બંને જાણે એકબીજા માટે જ સર્જાયા છે. બંનેને મુંબઈની એક મલ્ટીનેશનલ કંપનીમાં સાત આંકડાનો પગાર આપતો જોબ મળી ગયો. અજય અને આશા એકબીજાના પ્રેમમાં તોે હતા જ, ઉપરથી બંને એક જ જ્ઞાાતિના નીકળ્યા. એટલે મા-બાપે બે વરસ પહેલા રાજીખુશીથી એમને પરણાવી દીધા. એમનું લગ્નજીવન કોઈ પરીકથા જેવું સુખમય હોવું જોઈતું હતું. પરંતુ એવું થયું નહીં. લગ્નના એક જ વરસ બાદ અજયને છાતીમાં દુખાવો ઉપડયો અને એને હોસ્પિટલમાં દાખલ કરવો પડયો. ડોક્ટરો જાતજાતના ટેસ્ટ બાદ એવા નિષ્કર્ષ પર આવ્યા કે અજયનું હાર્ટ એકદમ સાબુત હતું. એને હાર્ટનો કોઈ પ્રોબેલ્મ નહોતો. એટલે ડોક્ટરોએ એને મનોચિકિત્સક (સાઈકોલોજીસ્ટ) પાસે મોકલ્યો. મુંબઈના એક સાઈકોથેરાપિસ્ટે પણ અમુક ટેસ્ટ કર્યા બાદ એવું નિદાન કર્યું કે અજય પોેસ્ટનપશલ ડિપ્રેશન (દાંપત્ય જીવનની હતાશા -પીએનડી)થી પીડાઈ રહ્યો છે.
બંને પ્રોફેશનલ છે એટલે એમના લગ્નના ગણતરીના મહિનાઓ બાદ જ મુશ્કેલીની શરૂઆત થઈ ગઈ. બંનેના હાઈ પ્રેશર જોબ હતા. એટલે ઘરની જવાબદારી બંને એકબીજા પર ઢોળવા લાગ્યા. લગ્નના છ મહિના બાદ આશાને એની કંપનીએ એક પ્રતિષ્ઠિત પ્રોજેક્ટની જવાબદારી સોંપી એટલે આશાએ પોતાના પતિ અજયને પોતાનોે પ્રોજેક્ટ પૂરો થાય ત્યાં સુધી ઘરની જવાબદારી ઉપાડવાનું કહી દીધું. અજયે વહેલા ઉઠીને ઓફિસ ઉપરાંત ઘરની અને સામાજિક જવાબદારીઓ પણ નિભાવવી પડતી. બધુ એના એકલાના માથે આવી ગયું હતું. એટલે એને મનમાં ધીરે ધીરે છેતરાયાની લાગણી થવા લાગી. એને લીધે ડિપ્રેશનના બીજ રોપાયા. અજયે પીએનડીની પકડમાંથી છૂટવા પુરુ એક વરસ દવાઓ અને થેરપી લેવી પડી.
પીએનડી એક ઝડપથી વિકસતી જતી શહેરી બિમારી હોવાનું સાઈકોલોજીસ્ટો માને છે. પેલા મનોચિકિત્સક કહે છે કે મારા કાઉન્સેલિંગ સેંટરમાં સારવાર માટે આવતા પીએનડીના દર્દીઓની સંખ્યા છેલ્લા પાંચ વરસમાં બમણી થઈ ગઈ છે. મેરેજનું ડાયનેમિક્સ (ચલ પ્રેરક બળ) જ બદલાઈ ગયું છે. હવે બે કારકિર્દી પ્રેમી ભેગા થાય છે. અને પોતપોતાના ભાગની વર્કસ્ટ્રેસ લગ્નમાં લઈ આવે છે. એને લીધે લગ્નજીવનમાં સંઘર્ષ, ડિપ્રેશન અને માનસિક બ્રેકડાઉન સર્જાય છે. પીએનડીના દર્દીઓ ડોક્ટર પાસે જાય ત્યારે એમનામાં હાઈ બ્લડ પ્રેશર, ઉદરશૂળ, અલ્સર, અનિંદ્રા અને અકરાતિયાપણાના લક્ષણો દેખાય છે. એક નવાઈની વાત એ છે કે પીએનડી લગ્નના બે જ વરસમાં દર્દી પર ત્રાટકે છે. લગ્નના શરૂના આનંદ-ઉત્સાહ ઓસરી ગયા બાદ પતિ-પત્ની જીવનની વાસ્તવિકતાઓનો સામનો કરવા લાગે છે ત્યારથી જ કટોકટીના તબક્કાના મંડાણ થઈ જાય છે. આ સમયગાળામાં દંપતિ એવા સંજોગોમાં મૂકાય છે જેનોે સામનો કરવાનું એમને અશક્ય લાગે છે. એમ મુંબઈની એક હોસ્પિટલના સાઈક્રિયાટ્રિસ્ટ કહે છે.
જોકે બીજા તબીબ એવો મત ધરાવે છે કે લગ્ન બાદ સંબંધોમાં પ્રશ્નો ઉભા થવા કોઈ નવી વાત નથી. પીએનડી માત્ર એનું નવું નામ છે. હું તો એને નવો ટ્રેન્ડ કે વ્યાધિ ગણવાને બદલે એડજસ્ટમેન્ટનો પ્રોબ્લેમ કહીશ. પીએનડીએ હજુ સત્તાવાર રીતે તબીબી શબ્દકોશમાં સ્થાન ન મેળવ્યું હોવા છતાં એનો વ્યાપ વધી રહ્યો હોવા વિશે બેમત નથી. સામાન્યપણે ડિપ્રેશનની વ્યાધિ પણ ભારતમાં વધવામાં છે. બેંગલોેરની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સીસના જણાવ્યા મુજબ ભારતમાં દર પંદર વયસ્ક વ્યક્તિમાંથી એક ડિપ્રેશનને લગતી કોઈને કોઈ બિમારીથી પીડાય છે.
આ રોગ પાંખો ફેલાવતો જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટમાં એવી આગાહી કરાઈ છે કે ૨૦૩૦ સુધીમાં ડિપ્રેશન વિશ્વની બીજા ક્રમની સૌથી વધુ વ્યાપક બિમારી તરીકે હૃદયરોગનું સ્થાન લઈ લેશે.
રાજકોટમાં એક મેરેજ કાઉન્સેલિંગ સેંટર 'રિલેશન્સ' ના સ્થાપક કહે છે કે ભારતના શહેરોમાં ડિપ્રેશન જે પ્રમાણમાં વધી રહ્યું છે એ જ પ્રમાણમાં પીએનડીના કેસ વધી રહ્યા છે. પીએનડીનો ફેલાવો વધારવામાં આધુનિક જીવનની સ્ટ્રેસ સૌથી મહત્ત્વનું કારણ બની રહે છે. આજનું વર્ક કલ્ચર એટલો બધો સમય માગી લે છે કે પરિણીત યુગલો પાસે એકબીજાની નજીક આવવાનો સમય જ નથી. તબીબનો અનુભવ એમ કહે છે કે ૨૫ વર્ષ અને એથી વધુ વયની હાઈ ઈન્કમ ગુ્રપની વ્યક્તિઓ લગ્ન બાદ ડિપ્રેશનનો સૌથી વધુ ભોગ બને છે. હાઈ ઈન્કમ ગુ્રપના લોકોને જોબમાં વધુ સ્ટ્રેસ રહે છે અને આ સ્ટ્રેસ એમના લગ્નજીવનમાં પ્રવેશતા ડિપ્રેશન આવે છે.
સ્ટ્રેસની જેમ એકલતા પણ પીએનડી નોતરે છે. ૨૪ વરસની મુંબઈની ડબલ ગ્રેજ્યુએટ યુવતી શ્રધ્ધાના લગ્ન ૨૭ વરસના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મુકેશ સાથે થયા. આવું સરસ ઠેકાણું મળવાથી શ્રધ્ધા બહુ ખુશ હતી. એની પાસે પૈસો હતો, સુખમય જિંદગી હતી અને હાથ પર ઘણો ફાજલ સમય હતો. પરંતુ સુખસાહેબીભરી જિંદગીનો આનંદ અલ્પજીવી નીવડયો. એટલા માટે કે મુકેશ એક મોટી ફર્મમાં કંપની સેક્રેટરી હોવાથી બહુ જ બિઝી રહેતો. એ શ્રધ્ધાને સમય નહોતો આપી શકતો. સવારે ૯ વાગે ઘરેથી નીકળીને મુકેશ રાત્રે ૧૦ વાગે થાક્યાપાક્યો ઘરે પાછો ફરતો. આ એનો નિત્યક્રમ બની ગયો હતો. શ્રધ્ધાને સાસરિયામાં કંપની આપનારું કોઈ નહોતું. એ આવડા મોટા ઘરમાં આખો દિવસ એકલી રહીને કંટાળતી.
શરૂમાં નિરાશ થઈ શ્રધ્ધા કલાકો સુધી આંસુ સારતી. પછી એ કૌચલામાં ભરાઈ ગઈ અને એણે બોેલવાનું બંધ કરી દીધું. મુકેશે લગ્નના સાત જ મહિના બાદ પોતાની પત્ની શ્રધ્ધાને સાઈક્રિયાટ્રીસ્ટ પાસે લઈ જવી પડી, જ્યાં શ્રધ્ધા પીએનડીથી પીડાતી હોવાનું નિદાન થયું.
એક વેબસાઈટે કરેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે ભારતના શહેરોની યુવાન પરિણીત સ્ત્રીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ ઊંચુ છે. એનું મુખ્ય કારણ લગ્ન બાદ ઘર ચલાવવાની અને બાળકોના ઉછેરની જવાબદારી નિભાવતી વખતે પડતો સ્ટ્રેસ છે. તેમાંય સાસુ સસરા ત્રાસ આપતા હોય, ઘરમાં વારંવાર કલેશ થતાં હોય તો પતિ-પત્ની બંનેનું દાંપત્ય જીવન ખોરવાઈ જાય છે.
એક અનુભવી ડોક્ટરના જણાવ્યા પ્રમાણે પીએનડીની બિમારી સ્ત્રી-પુરુષમાં કોઈ ભેદ કરતી નથી. છેલ્લા ત્રણ વરસમાં મેં મારા સેંટરમાં કાઉન્સેલિંગ માટે આવતા પીએનડીના પેશન્ટોમાં પાંચ ગણો વધારો જોયો છે. મારા ૯૦ ટકા દર્દીઓ આઈટી અને કોલ સેંટરમાં કામ કરે છે જ્યાં કામનું દબાણ ખૂબ રહે છે.
એમણે પોતાના દર્દીઓમાં એવા ઘણા દાખલા જોયા છે જેમાં પતિ-પત્ની બંને આઈટી પ્રોફેશનલ હોય અને જુદી જુદી કંપનીમાં નોકરી કરતા હોય.
તેઓ માત્ર શનિ-રવિ જ ભેગા થતા હોય. બાકીના દિવસોએ તેઓ ફોન પર અથવા નેટ પર ચેટીંગ કરીને એકબીજા સાથે વાતચીત કરી લે છે. એને કારણે ખાસ કરીને પત્ની લાગણીનો શૂન્યાવકાશ અનુભવે છે. એટલા માટે કે એણે આવા દાંપત્યજીવનની કદી સપનેય કલ્પના કરી નથી હોતી. લગ્ન જીવનના નિયમો ખરેખર બદલાઈ રહ્યા છે. એક સાઈક્રિયાટ્રિસ્ટ કહે છે તેમ યુવાન પ્રોફેશનલો આજે ઘરને બદલે ઓફિસમાં સામાજિક અને માનસિક ટેકો શોધે છે. એને કારણે પતિ-પત્ની વચ્ચે સમાધાન અને લાગણીના બંધનનો કોઈ અવકાશ નથી રહેતો.
પીએનડી માત્ર મોટા શહેરો પુરતી સીમિત માનસિક બીમારી નથી. ચંડીગઢમાં હેલ્થ ક્લિનીક ચલાવવાનો અનુભવ લઈ ચૂકેલા ડૉ.અજય પાસે માથુ દુખવાની, એસિડીટી, ચામડીના રોગો અને સુસ્તી રહ્યા કરતી હોવાની ફરિયાદ લઈ ઘણી નવપરિણીતાઓ આવતી. એમની તમામ શારીરિક વ્યાધિઓના મૂળમાં માનસિક તકલીફો હતી. આ સ્ત્રીઓ ચિંતા અને ડિપ્રેશનથી ઘેરાયેલી હતી. આવા દર્દીઓ વધવા માંડતા આ તબીબે - બે વરસ પહેલા ચંડીગઢનું પહેલું મેરેજ કાઉન્સેલિંગ શરૂ કર્યું. આજે તેઓ ધીકતી પ્રેક્ટીસ ધરાવે છે.
આજના ઘણાં યુવાન દંપતિઓને ઈગો (અહમ) પ્રોબ્લેમ પણ સતાવે છે. આ ઈગો એમને દાંપત્યજીવનમાં નાના-નાના સમાધાનો કરતા રોકે છે અને નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. બીજું, શહેરી સમાજમાં સહિષ્ણુતા પણ ઝડપથી ઓછી થતી જાય છે. એટલે જ આજના યુવાન દંપતિઓ કોઈપણ ક્ષુલ્લક કારણસર હતાશ (ડિપ્રેશ) થઈ જાય છે.
મુંબઈના એક જાણીતા સાઈક્રિયાટ્રિસ્ટ પાસે એક યુવાન ઈન્ટીરિયર ડિઝાઈનર મહિલા સપના શાહનો કેસ આવ્યો હતો. લગ્નના ચાર જ મહિના બાદ સપના ડિપ્રેશનમાં આવી ગઈ હતી. શા માટે? એટલા માટે કે સાસરામાં એને પોતાનો મનપસંદ ડ્રેસ પહેરવાની છૂટ નહોતી. એણે આખો દિવસ સાડી જ પહેરી રાખવી પડતી અને રોજ સવારે ઘરના બધા સભ્યો માટે નાસ્તો બનાવવો પડતો. 'છોકરીઓ પાસેથી એવી અપેક્ષા રખાય છે કે તેઓ લગ્ન બાદ રાતોરાત બદલાઈ જાય. આજની સ્ત્રીઓ એ કરી નથી શકતી. તેઓ સંબંધોના સમીકરણમાં આવતા આકસ્મિક બદલાવ માટે તૈયાર નથી હોતી.' એમ મુંબઈના સાઈક્રિયાટ્રિસ્ટ કહે છે.
વળી, વધુને વધુ મહિલાઓ આર્થિક દ્રષ્ટિએ સ્વાવલંબી બનતી જતી હોવાથી લગ્ન બાદ બંનેમાંથી કોઈ પક્ષ નમતું જોખવા તૈયાર નથી થતો. એટલે ઘણા યુવાન દંપતિઓ માટે લગ્નના સાત ફેરા દુખ અને ડિપ્રેશન તરફ દોરી જતા પગલાં બની રહેતા હોય તો એમાં નવાઈ નથી.


