- નેપાળ ચૂંટણી : જેન-ઝી ક્રાંતિ બાદ બદલાયેલા સમીકરણો યુવા સરકારની રચના કરે તેવા સ્પષ્ટ સંકેત
- એક સમયે રેપર તરીકે જાણીતા બાલેન શાહ જે રીતે ગીતો દ્વારા દેશ અને સમાજની સ્થિતિનો વિરોધ કરતા હતા તેના કારણે યુવાનો તેમને ખૂબ જ પસંદ કરે છે. સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા બાલેન શાહ 2022માં અપક્ષ નેતા તરીકે ચૂંટણી લડીને કાઠમંડુના પહેલા અપક્ષ મેયર બનીને ચર્ચામાં આવ્યા હતા : નેપાળમાં 1990માં લોકશાહી અમલમાં આવ્યા બાદ રાજકીય અસ્થિરતા વધી ગઈ છે. છેલ્લાં ત્રણ દાયકામાં 32 વખત સરકાર બદલાઈ ગઈ છે. અનેક વડા પ્રધાનો વત્તા-ઓછા સમયમાં સત્તા ઉપરથી જતા રહ્યા છે અથવા તો તેમને હાંકી કાઢવામાં આવ્યા છે : રાજકારણ અને સરકારી તંત્રમાં ફેલાયેલા પરિવારવાદને પણ જાકારો આપીને યુવાનોને તક આપવાનો મુદ્દો ગાજ્યો હતો. નેપાળમાં આજે પણ અંદાજે 20 થી 25 ટકા વસતી ગરીબી રેખાથી નીચે છે. તેના કારણે યુવાનોમાં શિક્ષણ અને બેરોજગારીનું પ્રમાણ પણ વધારે છે. આ બધાનો નિકાલ લાવવાની યુવાનો દ્વારા હાકલ કરવામાં આવી હતી
નેપાળમાં યોજાયેલા સામાન્ય ચૂંટણીના પરિણામો આવવાની તૈયારી છે. પાંચ માર્ચે યોજાયેલી ચૂંટણી આ વખતે નેપાળ અને તેના પાડોશી દેશો માટે પણ ખૂબ જ મહત્ત્વની સાબિત થાય તેમ છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં થયેલી જેન-ઝી ક્રાંતિ બાદ તત્કાલિન વડા પ્રધાન કે.પી શર્મા ઓલીની સરકારનું પતન થયું હતું. આ આંદોલનનો મુખ્યા આધાર બેરોજગારી અને પરિવારવાદ સામેનો આક્રોશ હતો. બીજી તરફ દેશમાંથી અને રાજકારણમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાની પણ યુવાનોની માગ હતી. તેના પગલે જ યુવાનોએ વ્યાપક આંદોલન કર્યું હતું. તાજેતરમાં યુવાનો દ્વારા વ્યાપક મતદાન કરવામાં આવ્યું છે અને મોટાપાયે મતગણતરી ચાલી રહી છે. હવે નેપાળમાં અને તેના પાડોશી દેશોની નજર એ બાબત ઉપર ટકેલી છે કે સત્તામાં કોણ આવે છે. એક તરફ યુવા ચહેરો ગણાતા પૂર્વ રેપર બાલેન શાહ છે તો બીજી તરફ કે.પી. શર્મા ઓલી ફરીથી સત્તા પોતાને હસ્તગત કરે છે. હાલમાં તો એવું દેખાઈ રહ્યું છે કે, યુવા ક્રાંતિ યુવા નેતાઓને ફળી છે. બાલેન શાહ ઘણી બેઠકો ઉપર આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ ઓલી અને તેમની પાર્ટીના નેતાઓ સરેરાશ માર્જિન સુધી પણ પહોંચી શક્યા નથી. આ સંજોગોમાં બાલેન શાહ નવા વડા પ્રધાન બને તેમ લાગી રહ્યું છે. મત ગણતરીમાં ત્રણ દિવસનો સમય લાગશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ જોતા લાગી રહ્યું છે કે, રવિવારે અથવા સોમવારે નેપાળને નવી સરકાર મળી જશે.
ઉલ્લેખનીય છે કે, નેપાળમાં ૧૯૯૦માં લોકશાહી અમલમાં આવ્યા બાદ રાજકીય અસ્થિરતા વધી ગઈ છે. છેલ્લાં ત્રણ દાયકામાં ૩૨ વખત સરકાર બદલાઈ ગઈ છે. અનેક વડા પ્રધાનો વત્તા-ઓછા સમયમાં સત્તા ઉપરથી જતા રહ્યા છે અથવા તો તેમને હાંકી કાઢવામાં આવ્યા છે. આ અસ્થિરતાની અસર દેશના અર્થતંત્ર ઉપર પણ વ્યાપક રીતે પડી છે. નેપાળનું અર્થતંત્ર મોટાભાગે ખેતી ઉપર જ આધારિત છે. તેના કારણે અહીંયા રોજગારના અવસરો મર્યાદિત છે. તેના કારણે લાખો યુવાનો રોજગારી માટે વિદેશોમાં પલાયન કરવા મજબૂર બન્યા છે. તેના કારણે નેપાળના રાજકારણમાં યુવાનોનું પ્રભુત્વ અને હયાતી જોવા મળતા નહોતા. ગત વર્ષે થયેલી યુવા ક્રાંતિએ એકાએક નેપાળનું રાજકીય પરિદ્રશ્ય જ બદલી કાઢયું હતું.
મહત્ત્વની વાત એ છે કે, આ વખતે યોજાયેલી ચૂંટણીમાં ઘણા મુદ્દા અસર કરતા હતા. ખાસ કરીને ભ્રષ્ટાચાર ઉપર લગામ કસવાનો મુદ્દો મહત્ત્વનો હતો. તે ઉપરાંત યુવાનો માટે રોજગારીના અવસરો પેદા કરવા અને ગરીબી ઘટાડવાને પ્રાધાન્ય આપવાની પણ વાત થઈ રહી હતી. આ સિવાય રાજકારણ અને સરકારી તંત્રમાં ફેલાયેલા પરિવારવાદને પણ જાકારો આપીને યુવાનોને તક આપવાનો મુદ્દો ગાજ્યો હતો. નેપાળમાં આજે પણ અંદાજે ૨૦ થી ૨૫ ટકા વસતી ગરીબી રેખાથી નીચે છે. તેના કારણે યુવાનોમાં શિક્ષણ અને બેરોજગારીનું પ્રમાણ પણ વધારે છે. આ બધાનો નિકાલ લાવવાની યુવાનો દ્વારા હાકલ કરવામાં આવી હતી. તે સિવાય ભારત અને ચીન સાથેના સંબંધો પણ નેપાળના રાજકારણ માટે ખૂબ જ મહત્ત્વના છે. આ ચૂંટણીમાં નેપાળના પોતાના મોટા બે પાડોશીઓ સાથેના સંબંધો કેવા રહેશે તેનો પણ અંદાજ આવી જશે. એક તરફ ભારત કાયમ નેપાળને મદદ કરવા સજ્જ હોય છે જ્યારે બીજી તરફ ચીને અત્યાર સુધીમાં નેપાળને ૧૩૦ મિલિયન ડોલરના દેવા તળે દબાવી દીધું છે. આ સંજોગોમાં નવી સરકાર અને નવા નેતાનું વલણ ખૂબ જ મહત્ત્વનું રહેશે.
આ વખતની ચૂંટણીમાં મુખ્ય ત્રણ નેતાઓના નામ ચર્ચામાં છે. તેમાં સૌથી પહેલું નામ યુવા નેતા અને પૂર્વ રેપર બાલેન શાહનું આવે છે. ત્યારબાદ ગગન થાપા અને ત્રીજા કે.પી. શર્મા ઓલીનું લેવાય છે. ગગન થાપા પોતાને નવી પેઢીના નેતા માને છે. તેઓ ઈચ્છે છે કે, હવે નેપાળનું રાજકારણ જૂના નેતાઓની ક્લબમાંથી બહાર આવે. થાપા નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ છે. ૧૯૭૬માં જન્મેલા થાપા નાની ઉંમરથી જ રાજકારણમાં સક્રિય છે. ૧૯૯૦ના લોકશાહીના આંદલોન અને ૨૦૦૬ના જન આંદોલનમાં તેઓ સક્રિય હતા. તેઓ ઘણી વખત જેલમાં ગયા છે અને સંસદમાં સૌથી યુવા સાંસદ તરીકે અને સ્વાસ્થ્ય મંત્રી તરીકે પણ રહ્યા છે.
બીજી તરફ નેપાળના રાજકારણના દિગ્ગજ ગણાતા કે.પી. શર્મા ઓલી ફરી એક વખત વડા પ્રધાન બનવા સજ્જ છે. ૭૪ વર્ષના ઓલી નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટી (માક્સસ્ટ-લેનિનિસ્ટ)ના નેતા છે. તેઓ છ દાયકાથી રાજકારણાં સક્રિય છે. તેઓ ચાર વખત નેપાળના વડા પ્રધાન તરીકે કામગીરી કરી ચૂક્યા છે. ગત વર્ષે યુવા ક્રાંતિએ ઓલીને જ સત્તા ઉપરથી ઉખાડી ફેંક્યા હતા. આ વખતે યુવા મતદારો તેમને મત ન આપે અથવા તો ઓછા આપે તેવું બની શકે છે. જાણકારોના મતે રાજકારણમાં ઓલીની છબી એક સરમુખત્યાર માનસિકતા ધરાવતા નેતા તરીકેની છે. ભારત અને ચીન સાથે સંબંધ સુંતુલિત રાખવામાં તેઓ સફળ થયા હતા તેથી ઘણા મોટા સમુદાયનું તેમને પણ નવી સરકાર રચવા સમર્થન છે. આ સિવાય પુષ્પ કમલ દહલ કે જે ભૂતકાળમાં ત્રણ વખત નેપાળના વડા પ્રધાન બન્યા હતા તેઓ પણ આ વખતે પીએમ પદની રેસમાં જોડાયા છે. તેમને પણ સત્તામાં આવવાના અભરખા છે.
મહત્ત્વની વાત એ છે કે, નેપાળ માટે આ વખતની ચૂંટણી એટલા માટે વિશેષ છે કે તેના પાયામાં યુવા ક્રાંતિ રહેલી છે. યુવા પેઢીના આંદોલનને કારણે થયેલા સત્તા પલટો અ ત્યારબાદ યોજાનારી ચૂંટણી ખાસ છે. બાંગ્લાદેશમાં પણ યુવા આંદોલન બાદ સરકાર ઉથલી હતી તેવી જ રીતે નેપાળમાં પણ જેન-ઝી આંદોલને સરકાર પાડી હતી. આમ જોવા જઈએ તો બાંગ્લાદેશ કરતા નેપાળની રાજકીય સ્થિતિ ઘણી અલગ છે છતાં યુવાનોએ રાજકારણને ગરમાવ્યું છે તે વાતને નકારી શકાય નહીં. યુવાનો માને છે કે, દેશને એવા નેતાની જરૂર છે ભ્રષ્ટાચાર, બેરોજગારી અને રાજકીય અન્યાયથી મુક્તિ અપાવે. એવા નેતા જે ખરેખર પ્રજા માટે કંઈક કરી બતાવે.
કહેવાય છે કે, હાલમાં વડાપ્રધાન પદ માટે બાલેન શાહ સૌથી પ્રબળ દાવેદાર છે. તેમના પક્ષને પણ હાલમાં સૌથી વધારે બેઠકો મળી રહી હોવાના અંદાજા આવી રહ્યા છે. પૂર્વ રેપર અને રાજનેતા તરીકે જાણીતા બાલેન શાહનો જન્મ ૧૯૯૦માં કાઠમાંડુમાં થયો હતો. તેઓ નેપાળમાં ચાલતા માઓવાદી ગૃહયુદ્ધના સમયમાં સૌથી વધારે કપરા કાળમાં ઉછર્યા હતા. તેઓ પહેલાં અંડરગ્રાઉન્ડ હિપહોપ રેપર કલાકાર તરીકે પ્રસિદ્ધ થયા હતા. તેમના ગીતોમાં ભ્રષ્ટાચાર અને સામાજિક અસમાનતા ઉપર તીખા ચાબખાં અનુભવાતા હતા. તેઓ જે રીતે ગીતો દ્વારા દેશ અને સમાજની સ્થિતિનો વિરોધ કરતા હતા તેના કારણે લોકોમાં ખૂબ જ જાણીતા થયા હતા. યુવાનો તેમને ખૂબ જ પસંદ કરે છે. સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા બાલેન શાહ ૨૦૨૨માં અપક્ષ નેતા તરીકે ચૂંટણી લડીને કાઠમંડુના પહેલા અપક્ષ મેયર બનીને ચર્ચામાં આવ્યા હતા.
તે સમયથી યુવાનોમાં તેમનો ક્રેઝ વધવા લાગ્યો હતો. મેયર તરીકે તેમણે કાઠમંડુમાં સખત અભિયાનો ચલાવ્યા હતા. તેમણે ટેક્સ ચોરી વિરુદ્ધ કડક પગલા લેવા, ટ્રાફિક જામ ઓછો કરવાના ઉપાયો શોધવા, કચરો એકત્ર કરીને તેનો નિકાલ કરવો અને સ્વચ્છતા રાખવી જેવા અનેક સેક્ટરમાં તેમણે વ્યાપક કામ કર્યું હતું. ડિસેમ્બર ૨૦૨૫માં તેમણે રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી સાથે જોડાણ કર્યું હતું.
ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય રાજકારણના યુવા ચહેરા તરીકે ચર્ચામાં હતા. બાલેન શાહે ભારતના કર્ણાટકની વિશ્વેશ્વરૈયા ટેક્નોલોજિકલ યુનિવર્સિટી ખાતેથી સિવિલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યો હતો. ધીમે ધીમે તેઓ જેન-ઝી આંદોલનનો ચહેરો બનતા ગયા. નેપાળના તત્કાલિન રાજકારણથી અસંતુષ્ટ યુવાનો તેમની સાથે જોડાતા ગયા અને આજે તે નેપાળના નવા પીએમ તરીકેનો ચહેરો ગણાઈ રહ્યા છે.
નેપાળની નવી સરકાર માટે ભારત અને ચીન સાથેના સંબંધો મોટો પડકાર
જાણકારો માને છે કે, નેપાળમાં યુવાન નેતાઓ સરકાર આવે કે પછી ઓલીની સરકારનું પુનરાવર્તન થાય. આ વખતે વિદેશ સંબંધો અને તેમાંય ખાસ કરીને એશિયામાં નેપાળના બે મોટા પાડોશીઓ સાથેના સંબંધો કેન્દ્રમાં રહેશે.
ભારત અને ચીન સાથેના સંબંધોમાં સંતુલન જાળવવું નવી સરકાર માટે મોટો પડકાર રહેવાનો છે. ભારતની વાત કરીએ તો આમ તો આરએસપીના ઘોષણાપત્રમાં સંતુલિત વિદેશનીતિની વાત કરવામાં આવી હતી. બાલેન શાહ સત્તામાં આવશે તો આર્થિક ભાગીદારી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને ભ્રષ્ટાચાર વિરોધી નીતિઓ ઉપર ભાર મુકવામાં આવશે. જાણકારો માને છે કે, બાલેન શાહ પાસે કેન્દ્રીય રાજકારણનો અનુભવ નથી તેથી તેમના માટે વિદેશનીતિ મોટો પડકાર બની રહેશે. તેમાં પણ ભારત અને ચીન બંનેને ખુશ રાખવા વધારે કપરું કામ બનશે.
બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, ૨૦૨૩માં બાલેન શાહે મેયર તરીકે ભારત વિરોધી આકરા નિવેદનો આપ્યા હતા. તે ઉપરાંત સીતા માતાને ભારતની પુત્રી કહેનારી ભારતીય ફિલ્મોથી તેઓ નારાજ હતા. ભારતીય ફિલ્મો ઉપર પ્રતિબંધની ત્યારે માગણી કરતા હતા. તેમણે પોતાની ઓફિસમાં ગ્રેટર નેપાળનો નકશો લગાવ્યો છે જેમાં ભારતનો પણ કેટલોક ભાગ નેપાળમાં બતાવાયો છે. ખાસ કરીને સીતા માતાના જન્મ સ્થળનો અને નેપાળ-બિહાર બોર્ડરનો ભાગ. ભારતના સંસદમાં રહેલા અખંડ ભારતના મ્યૂરલનો આ જવાબ હોવાનું પણ તેઓ જે-તે સમયે કહેતા હતા. બીજી તરફ ગત વર્ષે તેમણે ભારત, ચીન અને અમેરિકા વિરુદ્ધ બિનસંસદીય ભાષાનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરી હતી. ત્યારબાદ તેને ડિલિટ કરી દીધી હતી. તેમ છતાં જાણકારો માને છે કે, આરએસપી દ્વારા પોતાના મેનિફેસ્ટોમાં ચીનના બીઆરઆ સાથે જોડાયેલા પ્રોજેક્ટને અટકાવી દેવાની વાત કરવામાં આવી છે. ખાસ કરીને સિલગુડી કોરિડોરની સુરક્ષાના કારણોસર ભારત માટે આ પ્રોજેક્ટ નડતરરૂપ હતો. હાલમાં તો બાલેન શાહની પાર્ટી ચીન વિરોધી છતાં તટસ્થ નીતિ રાખે તેવું લાગી રહ્યું છે.


