For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જિનપિંગની અમેરિકાને સીધી ધમકી, આર્થિક યુદ્ધ ઘેરું બનશે

Updated: Mar 7th, 2023


જિનપિંગ ભડક્યા છે તેનું કારણ અમેરિકાએ ચીનના ફરતે કસવા માંડેલો ભરડો એ છે. તેના કારણે ચીનના અર્થતંત્રની હાલત બગડવા માડી છે. ચીને ૨૦૨૨માં માત્ર ૩ ટકાનો જીડીપી વિકાસ દર નોંધાવ્યો છે કે જે છેલ્લાં ૫૦ વર્ષમાં બીજા ક્રમનો સૌથી ખરાબ વિકાસ દર છે. ચીને  જીડીપી વિકાસ દર ૫.૫ ટકા રહેશે એવો અંદાજ મૂકેલો પણ તેનાથી લગભગ અડધો ૩ ટકાનો વિકાસ દર નોધાતાં ચીનનું અર્થતંત્ર ડામાડોળ થઈ રહ્યું હોવાની છાપ પડી છે. 

 અમેરિકા અને ચીન વચ્ચે મોટા આર્થિક જંગનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. અમેરિકાની જો બાઈડન સરકાર અમેરિકન કંપનીઓના ચીનમાં કેટલાંક ક્ષેત્રોમાં રોકાણ પર પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહી છે ને એ રીતે ચીનને મોટો આર્થિક ફટકો મારવાની ફિરાકમાં છે ત્યાં ચીને વળતો પ્રહાર કરીને અમેરિકાના દબાણને તાબે નહીં થવાનો હુંકાર કર્યો છે. ચીનની ખાનગી કંપનીઓને પણ આડકતરી ધમકી આપી દીધી છે કે, ચીનની સરકારે કહ્યું એ પ્રમાણે નહી વર્તો તો આવી બનશે. પોતાના આર્થિક ફાયદા માટે અમેરિકા કે બીજા કોઈ દેશના પગમાં આળોટી ગયા તો ચીનની સરકાર તમને નહીં છોડે. ચીનના કર્તાહર્તા શી જિનપિંગે ચીનની ખાનગી કંપનીઓને સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે મળીને લડાઈ માટે તૈયાર રહેવા હાકલ કરી છે. 

જિનપિંગની હાકલે ખળભળાટ મચાવ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે તુ-તુ મૈં-મૈં ચાલ્યા જ કરે છે ને બંને એકબીજા પર પ્રહારો કર્યા જ કરે છે પણ એકબીજાનું નામ લેવાનું ટાળે છે.  ચીન અમેરિકા પર પ્રહાર કરવાનો હોય ત્યારે પશ્ચિમના દેશો કે કેટલાક વિકસિત દેશો એવું કહીને કોથળામાં પાંચશેરી ભરીને ફટકારે છે પણ સીધું અમેરિકાનું નામ નથી લેતું. 

શી જિનપિંગે આ વખતે શરમ છોડીને સીધો અમેરિકાનું નામ લઈને જ કહી દીધું કે, છેલ્લાં પાચં વર્ષમાં અમેરિકાની આગેવાનીમાં પશ્ચિમના દેશોએ આપણને બધી રીતે દબાવ્યા છે અને આપણું શોષણ કર્યું છે. તેના કારણે આપણા વિકાસ સામે અભૂતપૂર્વ કહેવાય એવા પડકારો ઉભા થયા છે. આ પડકારોને પહોંચી વળવા માટે ચીનની ખાનગી કંપનીઓએ ચીનની સામ્યવાદી સરકારને પડખે ઉભું રહેવું પડશે. 

અમેરિકન કંપનીઓના ચીનમા રોકાણ પર નિયંત્રણો આવવાનાં છે તેનો પણ ઉલ્લેખ કરીને જિનપિંગે કહ્યું કે, આવનારા સમયમાં આપણી સામેના પડકારો અને જોખમો વધવાનાં છે એ જોતા આખો દેશ એક થઈને નહીં ઉભો રહે તો આ જંગ નહીં જીતી શકે. 

જિનપિંગના આકરા તેવર નવા નથી પણ અત્યાર સુધી જિનપિંગ અમેરિકા પર સીધો હુમલો કરવાનું ટાળતા હતા. હવે અચાનક જ જિનપિંગ ભડક્યા છે તેનું કારણ અમેરિકાએ ચીનના ફરતે ભરડો કસવા માંડયો એ છે. તેના કારણે ચીનના અર્થતંત્રની હાલત બગડવા માડી છે. ચીને ૨૦૨૨ના વર્ષમાં માત્ર ૩ ટકાનો જીડીપી વિકાસ દર નોંધાવ્યો છે કે જે છેલ્લાં ૫૦ વર્ષમાં બીજા ક્રમનો સૌથી ખરાબ વિકાસ દર છે. ચીને ૨૦૨૨માં જીડીપી વિકાસ દર ૫.૫ ટકા રહેશે એવો અંદાજ મૂકેલો પણ તેનાથી લગભગ અડધો ૩ ટકાનો વિકાસ દર નોધાતાં ચીનનું અર્થતંત્ર ડામાડોશ થઈ રહ્યું હોવાની છાપ પડી છે. 

ચીન માટે વધારે ખરાબ વાત એ છે કે, તેની નિકાસમાં ઘટાડો થવા માંડયો છે. ચીનની નિકાસમાં ૯ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. આ સિલસિલો ચાલુ જ છે ને જાન્યુઆરી-ફેબ્રુઆરીના બે મહિનામાં ગયા વર્ષની સરખામણીમાં નિકાસમાં ૭ ટકાનો ઘટાડો થયો છે. અમેરિકા ચીનનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે.  બંને વચ્ચે ૬૦૦ અબજ ડોલરની આસપાસનો વ્યાપાર છે. 

ચીન અમેરિકાને જંગી પ્રમાણમાં માલ ધાબડીને કમાણી કરે છે. ચીનની આર્થિક પ્રગતિમાં અમેરિકામા કરાતી નિકાસનું યોગદાન મોટું છે. અમેરિકાએ ૨૦૨૨માં ચીન પાસેથી ૫૩૬ અબજ ડોલરનો માલ ખરીદેલો જ્યારે ચીનમાં અમેરિકાની નિકાસ ૧૫૪ અબજ ડોલર જ હતી. ચીન એ રીતે અમેરિકામાંથી ૩૮૨ અબજ ડોલર વધારે લઈ ગયેલું. 

આ કારણે અમેરિકામાં ભારે અસંતોષ છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમયથી જ અમેરિકા ચીન સાથેની વ્યાપાર ખાધ ઘટાડવા મથે છે પણ ફાવ્યું નથી. જો બાઈડને નિયંત્રણોની તૈયારી કરીને આ ખાધ ઘટાડવા કમર કસી છે. અમેરિકા હવે ચીનમાં અમેરિકાની કંપનીઓ દ્વારા કરાતાં રોકાણમા જંગી ઘટાડો કરવા માગે છે. અમેરિકા મુખ્યત્વે ટેકનોલોજી સેક્ટરમાં રોકાણ ઘટાડવા માગે છે. બાઈડન સફળ થાય તો ચીનને મોટો ફટકો પડે. તેના કારણે ચીન ૩ ટકાનો આર્થિક વિકાસ દર પણ હાંસલ ના કરી શકે. 

ચીનને અમેરિકા દ્વારા રોકાણમાં કરાતા ઘટાડાના  પગલે બીજા દેશો પણ રોકાણ ઘટાડે તેની વધારે  ચિંતા છે. ચીનમાં ૨૦૨૨ના વર્ષમાં ૧૭૮ અબજ ડોલરનું સીધું વિદેશી રોકાણ આવેલું. આ પૈકી ૬૫ અબજ ડોલર જેટલું રોકાણ હાઈ-ટેક ઈન્ડસ્ટ્રીઝમાં હતું. હાઈ-ટેક ઈન્ડસ્ટ્રીમાં થતા રોકાણમાંથી ૯૦ ટકા રોકાણ અમેરિકા, જાપાન, જર્મની, સાઉથ કોરીયા અને યુકે એ પાંચ દેશોનુ હતું. 

જાપાન, જર્મની, સાઉથ કોરીયા અને યુકે એ ચારેય દેશો અમેરિકાના મિત્રો છે. અમેરિકા હાઈ-ટેક ઈન્ડસ્ટ્રીમાં રોકાણ પાછું ખેંચવા માંડે એટલે જાપાન, જર્મની, સાઉથ કોરીયા અને યુકે પણ રોકાણ ઘટાડી નાંખે. ચીનને વધારે ચિંતા આ વાતની છે. ચીનની ધિંગી કમાણી હાઈ-ટેક ઈન્ડસ્ટ્રીઝમાંથી છે. રોકાણ ઘટે એટલે આ કમાણી ઘટવા માંડે ને બેરોજગારી વધવા માંડે તેથી ચીનને બરાબરનો બૂચ વાગી જાય. ચીને છેલ્લા ચારેક દાયકામાં કરેલા વિકાસ પર પાણી ફરી વળે ને તેના પતનની શરૂઆત થઈ જાય. 

જિનપિંગ આ સ્થિતિ પેદા ના થાય એટલા માટે ચીનની ખાનગી કંપનીઓને આગળ કરીને અમેરિકાનું નાક દબાવવા માગે છે તેથી આડકતરી રીતે ખાનગી કંપનીઓને પોતાની સાથે રહેલા ધમકી આપી દીધી. અમેરિકામાં વોલમાર્ટ સહિતના સુપરસ્ટોર્સમાં મળતી મોટા ભાગની સાવ સસ્તી ચીજો ચીનથી જ આવે છે. જીન્સથી માંડીને જામ સુધીની રોજબરોજની જીવનજરૂરીયાતની ચીજો ચીનથી આવે છે. અમેરિકા ચીન પર કેટલું નિર્ભર છે તેનો અંદાજ એ વાત પરથી આવે કે, અમેરિકાની ચીનમાંથી નિકાસ  આયાત કરતાં ત્રણ ગણાથી પણ વધારે છે.  ચીન એ રીતે અમેરિકામાંથી ૩૮૨ અબજ ડોલર વધારે લઈ ગયેલું.  ચીનની આ કમાણી ખાનગી કંપનીઓના જોરે છે. 

જો કે જિનપિંગ અમેરિકાનું નાક દબાવાવા જાય તેમાં તેમનો પોતાનો શ્વાસ રૂંધાવા માંડે એવું પણ બને. ચીનની ખાનગી કંપનીઓ ચીનની જીડીપીમાં ૬૦ ટકા ફાળો આપે છે. ચીનમાં ૮૦ ટકા રોજગારી ખાનગી કંપનીઓમાંથી મળે છે. અમેરિકા ચીનને પાઠ ભણાવવા માટે ખાનગી કંપનીઓ પાસેથી માલ લેવાનું બંધ કરે તો ચીનને બૂચ વાગી જાય. તેની જીડીપી પણ ઘટવા માંડે ને બેરોજગારી વધવા માંડે. 

ચીન અને અમેરિકા વચ્ચેની લડાઈ ભારત માટે મોટી તક છે પણ ભારત તેનો ફાયદો ઉઠાવી શકતું નથી. તેનું કારણ એ છે કે, ભારત ચીન જેટલો સસ્તો માલ બનાવી શકતું નથી. ચીનમાં સામ્યવાદી શાસન હોવાથી મજૂરોને દબાવીને સસ્તા દરે કામ કરાવાય છે ને નિકાસમાં મોટું યોગદાન આપતી કંપનીઓને સસ્તા દરે કાચો માલ આપવા સહિતની સવલતો મળે છે. ભારતમાં એ શક્ય નથી તેથી ચીન-અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલતી લડાઈનો આપણે ફાયદો ઉઠાવી શકતા નથી. 

- ચીન તાઈવાન મુદ્દે પણ આકરા પાણીએ 

ચીને અમેરિકાને તાઈવાન મુદ્દે મર્યાદામાં રહેવાની ચીમકી આપી છે. ચીનના વિદેશ મંત્રી ક્વિન ગેંગે અમેરિકાને સીધી ધમકી આપતા કહ્યું કે, અમેરિકા તાઈવાન મુદ્દે દખલગીરી કરવાનું બંધ કરે કેમ કે દુનિયાના કોઈ દેશને ચીનની આંતરિક બાબતોમાં દખલ કરવાનો અધિકાર નથી. ગેંગે કહ્યું કે, અમેરિકા ચીન સાથે સારા સંબધો ઈચ્છતું હોય તો તેણે તાઈવાન મુદ્દે પોતાનો અભિગમ બદલવો પડશે. 

ચીનમાં સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીની વાર્ષિક નેશનલ પીપલ્સ કોંગ્રેસ ચાલી રહી છે. ચીનમાં રાજકીય રીતે સૌથી મહત્વની મનાતી આ બેઠકમાં ગેંગે કહ્યું કે, તાઈવાન મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે એક 'રેડ લાઈન' દોરાયેલી છે ને અમેરિકાએ એ ઓળંગવાની ભૂલ કદી કરવા જેવી નથી. 

ચીન તાઈવાનને પોતાનો ભાગ ગણાવે છે પણ તાઈવાનની સરકાર આ વાતને સ્વીકારતી નથી. તાઈવાન ચીનનો હિસ્સો છે એવી વાત અમેરિકા જાહેરમાં સ્વીકારે છે પણ અંદરખાને તાઈવાન સરકારને ચીન સામેના જંગમાં મદદ કરે છે એવો ચીનને આક્ષેપ છે. વિશ્લેષકોના મતે, ચીને અમેરિકાને ખુલ્લી ધમકી જ આપી છે કે, તાઈવાનને મદદ કરવાનું બંધ નહીં કરો તો તેનાં ખરાબ પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. ગેંગે રશિયા-યુક્રેન યુધ્ધ પાછળ કેટલાક દેશોનો ગુપ્ત એજન્ડા હોવાનો દાવો કરીને અમેરિકા પર આડકતરો પ્રહાર કર્યો છે.


Gujarat